Home Blog Page 1640

પંચાંગ 20/07/2024

ક્રિકેટર દીપક હૂડાએ તેની હિમાચલી ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા

મુંબઈ: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, એવામાં ક્રિકેટરે પણ તેની પુષ્ટિ કરી દીધી છે. તેમના છૂટાછેડાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી હતી અને આ બધાની વચ્ચે સ્ટાર બેટ્સમેન દીપક હુડ્ડાએ તેની હિમાચલી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે.

દીપકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના લગ્ન વિશે જાણકારી આપી અને જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને 9 વર્ષથી ડેટ કરી રહ્યો હતો, જે હવે તેની જીવનસાથી બની ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સમાં રમી રહેલા દીપકના લગ્નમાં ફક્ત તેનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જેમાં દુલ્હનએ લાલ રંગના લહેંગામાં દિલ જીતી લીધું હતું. દીપકે પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા દીપકે પત્ની માટે એક સુંદર નોટ લખી છે. જેમાં તે 9 વર્ષની રાહ જોવડાવ્યા બાદ તેના લવ મેરેજ પર ખુશી વ્યક્ત કરી રહ્યો છે. દુલ્હન લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી તો વ્હાઈટ શેરવાનીમાં દીપકની સ્ટાઈલ પણ એકદમ ડેશિંગ હતી.

દીપકની શેરવાનીમાં થ્રેડ એમ્બ્રોઇડરી તેમજ સિક્વિન સ્ટાર્સથી બનેલી સુંદર પેટર્ન છે. શેરવાનીમાં દીપક ખુબ જ હેન્ડસમ અને ડેશિંગ લાગે છે. પત્ની સાથે મેચિંગ કરવા દીપરે લાલ અને સોનેરી રગંનો સાફો બાંધ્યો હતો. જો દુલ્હનની વાત કરીએ તો તેણી લાલ રગંનું આઉટફિટ પહેર્યુ હતું. જેના પર ગોલ્ડન દોરાનું વર્ક કરવામાં આવ્યું છે. તેના લહેંગાના ઉપરના ભાગમાં દરેક કળી પર બોર્ડર આપવામાં આવેલ નાના બુટીઝ હતા, જ્યારે નીચેના ભાગમાં ભરતકામ સાથે ભારે દેખાવ આપવામાં આવ્યો હતો. જેમાં બોર્ડર પર ગોટા પત્તી સાથે ગોલ્ડન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી જેમાં વિવિધ સાઈઝની પટ્ટીઓ હતી. આ સાથે જ મેચિંગ બ્લાઉઝ અને જ્વેલરી સાથે તેણીએ લૂક કમ્પલીટ કર્યો હતો.

દુલ્હનએ વેલ્વેટ દુપટ્ટા સાથે તેના બ્રાઈડલ લુકને ક્લાસી લુક આપ્યો હતો.ઓવરઓલ દુલ્હન ખુબ જ સુંદર અને સોહામણી લાગતી હતી.

 

માઈક્રોસોફ્ટ ડાઉન,1400થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ..

આજે સવારથી જ એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં મુશ્કેલી આવી રહી છે. જેના કારણે દુનિયાભરમાં એરલાઇન્સ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી છે. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યારે 3000 જેટલી ફ્લાઈટે ડિલે ઉડાન ભરી હતી.

માઈક્રોસોફ્ટની આ ખામીના કારણે ભારતની ચાર એરલાઈન્સ ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આજ ખામીને લઈને હૈદરાબાદ અને બેંગલુરુની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાઇરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રી-સ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

લખનઉના અમૌસી એરપોર્ટ પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ફ્લાઈટ લગભગ 2 કલાક સુધી અટવાઈ રહી. માઈક્રોસોફ્ટ સર્વરમાં ટેકનિકલ સમસ્યાના કારણે આવું થયું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકના બોઝે યુએસ બ્રોડકાસ્ટર એનબીસી ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમના સોફ્ટવેર અપડેટને કારણે થયેલા વિક્ષેપ માટે માફી માગી. જ્યોર્જ કર્ટ્ઝે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમારા માટે આ વિશે વધુ માહિતી લાવીશું. ઈન્દોર એરપોર્ટ પરથી ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ છે. મુંબઈ અને દિલ્હીથી ઈન્દોરની બે ફ્લાઈટ અને ઈન્દોરથી દિલ્હીની એક ફ્લાઈટ સહિત કુલ ત્રણ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

UP સરકારના આદેશની વિરુદ્ધ ભાજપના ત્રણ સહયોગી પક્ષો

નવી દિલ્હીઃ કાંવડ રૂટ પર દુકાનોનાં નામ અને દુકાનદારોનાં નામ લખવાના UP સરકારના નિર્ણયનો ભાજપના ત્રણ સાથી પક્ષોએ વિરોધ કર્યો છે. JDU, RLD અને LJPએ વિરોધ કર્યો છે. JDUના મહા સચિવ કેસી ત્યાગીએ કહ્યું હતું કે UPથી મોટી કાંવડ યાત્રા બિહારમાં નીકળે છે, પણ ત્યાં કોઈ આવો આદેશ નથી આપવામાં આવ્યો. આ પ્રતિબંધ PM મોદીના સ્લોગન – सबका साथ सबका विकासની વિરુદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

CM યોગી આદિત્યનાથના કાંવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ આપ્યા બાદ ભારે વિવાદ થઈ રહ્યો છે. પહેલાં વિપક્ષો દ્વારા તેમના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો, હવે ભાજપના સાથી પક્ષોએ પણ વિરોધમાં સૂર પુરાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ યોગીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે પણ જાતિ અથવા ધર્મનું વિભાજન થશે, ત્યારે હું ક્યારેય તેનું સમર્થન નહીં કરું. આ મામલો સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. માયાવતીએ પણ યોગીના આદેશને પરત ખેંચવાની માગ કરી હતી.

JDUએ ગુરુવારે બેઠક બોલાવી યોગી સરકારના આદેશની સમીક્ષા કરી હતી, તો RLDએ નિર્ણયને પરત ખેંચવાની શુક્રવારે માગ કરી છે. RLDના પ્રદેશાધ્યક્ષ રામાશિષ રાયે X પર ટ્વીટ કરી છે કે ઉત્તર પ્રદેશ તંત્રનો દુકાનદારોને પોતાની દુકાનો પર પોતાનું નામ અને ધર્મ લખવાનો આદેશ આપવો જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપનાર પગલું છે. RLD નેતાએ તેને ગેરબંધારણીય નિર્ણય ગણાવતાં તંત્રને તેને પાછો ખેંચવાની માગ કરી છે.

 

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને NSE વચ્ચે મહત્વના MoU પર હસ્તાક્ષર

અમદાવાદ: ગાંધીનગરના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoUનો હેતુ આર્થિક અને નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર દ્વારા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેના TREE-C કોન્સેપ્ટના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જને વ્યાપક મદદ કરશે. જેમાં તાલીમ, સંશોધન, વિષયોને લગતું શિક્ષણ, કામના વિસ્તરણ અને કન્સલ્ટન્સી સેવાઓનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણની હાજરીમાં આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. NSE IXના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાલા વી., રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ વાંદ્રા, RRUના રજીસ્ટ્રાર શિશિર કુમાર ગુપ્તા અને RRUના એકેડેમિક ડીન સુશીલ ગોસ્વામી આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. કલ્પેશ એચ વાંદ્રાએ જણાવ્યું કે, આ MoU આર્થિક ગુનાઓ, ફોરેન્સિક એકાઉન્ટિંગ, સાયબર ક્રાઇમ્સ, નાણાકીય નિયમો અને ટેક્નિકલ અચિવમેન્ટ્સ સહિતના ક્ષેત્રોમાં ઉચ્ચ કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે.NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે ભારતની નાણાકીય સ્વતંત્રતામાં NSEની મહત્ત્વની ભૂમિકા અને 1994માં શરૂઆતથી જ તેની મજબૂત વૃદ્ધિ વિશે વાત કરી. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે NSEની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા તેમણે કહ્યું, “RRU અને NSE IX અને NSEICC વચ્ચેની ભાગીદારી એ એક વ્યૂહાત્મક જોડાણ હશે જેનો ઉદ્દેશ્ય આધુનિક આર્થિક અને નાણાકીય જોખમોનો સામનો કરવા માટે મજબૂત માળખું ઉભું કરવાનો છે.”

ચાંદીપુરા વાયરસનો વધ્યો કહેર, જામનગરમાં વધુ ત્રણ બાળકો સંક્રમિત

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં 3 બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિતક થયા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે આ ત્રણ બાળ દર્દીઓ માંથી એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે. આ સાથે હવે મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. જ્યારે ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 38 થઈ છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.

ચાંદીપુરા વાયરસથી પંચમહાલ જિલ્લામાં લગભગ પાંચ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જ્યારે આ વાયરસના કારણે એક બાળદર્દીનું મોત નિપજ્યું છે. ત્યારે આ બાજુ સૌરાષ્ટ્રમાં આ વાયરસના ત્રણ નવા કેસ આજે નોંધાયા છે જેમાં 1 બાળ દર્દીનું મોત નિપજ્યું છે. આ અગાઉ પણ જામનગરમાં બે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે હાલ ચારેય બાળદર્દી ICU હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત વડોદરામાં પાછલા 20 દિવસમાં ચાંદીપુરાના 12 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી પાંચ બાળ દર્દીના મોત થયા છે, આ પાંચ પૈકી એક દર્દીનો ચાંદીપુરમનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચાર બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ કુલ 7 બાળકો સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી પાંચ બાળકો બી.આઇ.સી.યુ અને આઇ.સી.યુમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે બાળકોને વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે.

 

અઝારબૈજાનના ઓઇલક્ષેત્રમાં હિસ્સો મેળવવા ONGC વિદેશના સમજૂતી કરાર

નવી દિલ્હીઃ ONGC વિદેશ લિ. (OVL) જાહેર ક્ષેત્રની 13મી નવરત્ન કંપની બની ગઈ છે. OVLને મિની રત્નમાંથી મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. કંપનીએ અઝારબૈજાનમાં ઓફ્ફશોર અઝેરી ચિરાગ ગુનાશલી (ACG) ઓઇલ ફીલ્ડમાં 0.610 ટકા હસ્તગત કરવા માટે ઇક્વિનોર સાથે વેચાણના સમજૂતી કરાર (SPA) કર્યા છે. આ વેચાણના સમજૂતી કરારમાં કંપનીની માલિકીની સબસિડિયરી કંપની ONGC BTC લિ.ના માધ્યમથી બાકુ ત્બિલિસી સેહાન (BTC) પાઇપલાઇન કંપનીના 0.737 ટકાના શેરોનું સંપાદન પણ સામેલ છે. આ હસ્તાંતરણ આગામી મહિનાઓમાં પૂરું થવાની અપેક્ષા છે.

આ હસ્તાંતરણ માટે કુલ મૂડીરોકાણ 6 કરોડ (60 મિલિયન) ડોલર સુધી થશે. જોકે આ હસ્તાંતરણ ACG ફીલ્ડમાં કંપનીમાં હાલના 2.31 ટકા અને BTC પાઇપલાઇનમાં 2.36 ટકા શેરહોલ્ડિંગ વધારાનું છે. OVL એ ONGCની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની છે અને કંપની વિદેશમાં E&P (એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન)માં લાગેલી છે. આ સાથે જ દેશની સૌથી મોટી ઇન્ટરનેશનલ ઓઇલ એન્ડ ગેસ E&P કંપની છે, જેની 15 દેશોમાં 32 અસ્કયામતો છે. કંપનીએ કરેલું આ હસ્તાંતરણ એ કંપનીના વેપારના વ્યૂહાત્મક ભાગરૂપે ઊંચી ગુણવત્તાવાળી ઇન્ટરનેશનલ એસેટ્સને અને હાલના પોર્ટફોલિયોને અનુરૂપ છે.

નાણાકીય વર્ષ 2024માં OVLનું ઓઇલ અને ઓઇલ સમકક્ષ ગેસ (O+OEG)નું ઉત્પાદન 10.518 MMToe અને હાલમાં પ્રતિ દિન  બે લાખ બેરલ O+OEGનું ઉત્પાદન કરી રહી છે. BSE એક્સચેન્જ પર 18 જુલાઈએ કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 4,16,659 કરોડ હતું.

UPSC એ IAS પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી

મુંબઈ: IAS પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી છે. આજે UPSC એ IAS પૂજા દિલીપ ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ કથિત બનાવટી હેઠળ નોંધવામાં આવ્યો છે અને તાલીમાર્થી IASને તેમની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. અગાઉ, મહારાષ્ટ્ર સરકારે તેમની તાલીમ રદ કરી હતી અને LBSSNAએ તેમને 23 જુલાઈના રોજ મસૂરીમાં રિપોર્ટ કરવા માટે આદેશો જારી કર્યા હતા.

ઉમેદવારી રદ કરવા માટે લેવાયેલું પ્રથમ પગલું
UPSAC ની નોટિસમાં લખવામાં આવ્યું હતું કે UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની તાલીમાર્થી IAS પૂજા મનોરમા દિલીપ ખેડકરની ગેરવર્તણૂક અંગે સંપૂર્ણ તપાસ કરી હતી. આ તપાસમાં બહાર આવ્યું છે કે IAS અધિકારીએ તેનું નામ, તેના પિતાનું નામ અને માતાનું નામ, તેનો ફોટો/સહી, મેઈલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનામતનો લાભ ઉઠાવ્યો હતો. આ કારણોસર, UPSCએ તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ઉમેદવાર વિરુદ્ધ પોલીસમાં FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ સર્વિસ પરીક્ષા માટે તેમની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે.

છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, UPSAC, તેની બંધારણીય જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં, તેના બંધારણીય આદેશનું ચુસ્તપણે પાલન કરે છે અને તેની તમામ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે જેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી. UPSC એ તેની તમામ પરીક્ષા પ્રક્રિયાઓની પવિત્રતા અને અખંડિતતા અત્યંત નિષ્પક્ષતા અને નિયમોના કડક પાલન સાથે સુનિશ્ચિત કરી છે. UPSC એ જનતા, ખાસ કરીને ઉમેદવારો તરફથી વિશ્વાસ અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. કમિશન સ્પષ્ટપણે ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે વિશ્વાસ અને વિશ્વસનીયતા અકબંધ રહે અને કોઈપણ સંજોગોમાં તેની સાથે સમાધાન કરવામાં ન આવે.

બજેટ પહેલાં બજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 739, નિફ્ટી 270 ઘટ્યો

અમદાવાદઃ ઘરેલુ બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે શેરોમાં સાર્વત્રિક વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે બજેટ રજૂ થવાનું છે, એ પહેલાં રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી. સૌથી વધુ મેટલ શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. IT સિવાય બધા ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. રોકાણકારોએ રૂ. આઠ લાખ કરોડ ગુમાવ્યા હતા.વૈશ્વિક નબળા સંકેતોને કારણે બજારમાં ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આ સાથે એશિયન બજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ડાઉ ઇન્ડેક્સ 533 પોઇન્ટ અને નેસ્ડેક 126 પોઈન્ટ તૂટ્યો હતો. આવતા સપ્તાહે મંગળવારે બજેટ રજૂ થશે. પેટીએમની ખોટ વધીને 840 કરોડ થઈ હતી. જેને પરિણામે સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

NSEના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 5483.63 કરોડના શેરો ખરીદ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ (DIIએ) રૂ. 2904 કરોડના શેરો વેચ્યા હતા.

બજારમાં IT ઇન્ડેક્સ સિવાય 12 મુખ્ય ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. જેથી સેન્સેક્સ 739 પોઇન્ટ તૂટીને 80,609ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી 270 પોઇન્ટ તૂટીને 24,531 સ્તરે બંધ થયો હતો. મેટલ ઇન્ડેક્સ ચાર ટકા, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર આશરે ત્રણ ટકા અને ઓટો, મિડિયા અને રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધુ ઘટ્યા હતા.

એક્સચેન્જ પર કુલ 4010 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 917 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 3004 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 89 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 194 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 27 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

વડોદરાની નારાયણ સ્કૂલની દિવાલ ધરાશાયી..

વડોદરા: વોઘોડિયા વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં આજે અફરાતફરી મચી ગઈ હતી. નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા ચકચાર મચી ગયો હતો. ત્યારે દુર્ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ત્યારે લોબીનો ભાગ ધરાશાય થતા મલબાની નીચે કેટલીક સાયકલો પણ દબાઈ હતી.

 વડોદરામાં વાઘોડિયામાં આવેલી નારાયણ સ્કૂલની લોબીનો એક ભાગ ધરાશાય થતા શાળામાં અફરાતરફી થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ શાળા કોલેજ જેવા એકમોમાં આગના બનાવ ન બને તે માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે. જ્યારે શાળાના સ્ટ્રક્ચરને લઈ તંત્ર દ્વાર કોઈ પણ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો. બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.