Home Blog Page 1623

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન પહેલાં ફ્રાંસમાં રેલ નેટવર્ક પર હુમલો

પેરિસઃ પેરિસમાં ઓલિમ્પિક ઉદઘાટનના થોડા કલાકો પહેલાં ટ્રેન નેટવર્ક પર મોટો હુમલો થયો છે. ફ્રાંસિસી રેલવે કંપની SNCFએ શુક્રવારે કહ્યું હતું કે હાઇ-સ્પીડ TGV નેટવર્કને મોટું નુકસાન પહોચાડ્યું છે. એનો ઉદ્ધેશ દેશના હાઇ-સ્પીડ નેટવર્કને નબળું કરવાનો હતો.

SNCFએ બધા યાત્રીઓને યાત્રા સ્થગિત કરવાની અપીલ કરી છે. ટ્રેન નેટવર્કમાં આવેલી ખરાબીને ઠીક કરવા માટે કવાયત ચાલી રહી છે. ટ્રેન ઓપરેટર SNCFએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલાં કહ્યું હતું કે ફ્રાંસનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક આગ સહિત ગેરકાયદે કૃત્યો કરનારાઓની ચપેટમાં આવી ગયું છે, જેનાથી ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.આ હુમલામાં તોડફોડ પણ સામેલ છે. SNCFએ જણાવ્યું હતું કે એ TGV નેટવર્કને અપંગ બનાવવા માટે મોટા પાયે કરવામાં આવેલો એક મોટો હુમલો છે. અનેક રૂટોની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. SNCF રાતભરમાં એકસાથે અનેક ગેરકાયદે કૃત્યોનો શિકાર થયો છે. આ હુમલામાં એટલાન્ટિક ઉત્તરી અને પૂર્વી લાઇનો પ્રભાવિત થઈ છે.

રેલવે નેટવર્કને ખોરવવા માટે આગ લગાડવામાં આવી હતી, જેથી આ ઘટનાઓથી રેલવે નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાયું હતું.એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેનોને અલગ-અલગ ટ્રેકો પર મોકલવામાં આવી રહી છે, પણ અમારે મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવી પડશે.જોકે દક્ષિણ-પૂર્વ લાઇન હાલ પ્રભાવિત નથી, કેમ કે આ વિસ્તારોમાં હુમલાઓને વિફળ કરવામાં સફળતા મળી છે. SNCFએ યાત્રીઓને રેલવે સ્ટેશનોથી દૂર રહેવાની અપીલ કરી છે. આ હુમલામાં આઠ લાખ યાત્રીઓને અસર પહોંચી હતી.

સલમાન ખાને ઘરે ઉજવ્યો રુમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયાનો બર્થડે

મુંબઈ: સલમાન ખાન અને તેના પરિવારે 24 જુલાઈએ યૂલિયા વંતુરનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતાં. જેમાંથી કેટલાક સેલેબ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બર્થડે પાર્ટીની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં યુલિયા અને સલમાન સહિત આમંત્રિત ગેસ્ટ પાર્ટીનો આનંદ માણતા જોવા મળે છે.

સિંગર અને કમ્પોઝર હિમેશ રેશમિયાએ પણ યૂલિયા વંતુરની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી અને ઇવેન્ટની તસવીરો શેર કરી હતી. ફોટામાં, તેને મિત્રો મીકા સિંહ, પલક મુછલ, પલાશ મુછલ, શેખર રવજિયાની, સોનાક્ષી સિંહાના પતિ ઝહીર ઈકબાલ અને આયુષ શર્મા સાથે જોઈ શકાય છે. પાર્ટીની એક ક્લિપમાં સલમાન ખાન હિમેશને કિસ કરતો જોવા મળે છે. તેણે ચાહકોનું દિલ જીતી લીધું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરપૂર ઇમોટિકન્સનો પૂર આવ્યો છે.

સિંગર મીકા સિંહે પણ બર્થડે સેલિબ્રેશન નાઈટની કેટલીક તસવીર શેર કરી છે. રોમાનિયન સિંગર યુલિયા વંતુર ઘણીવાર રુમર્ડ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે પાર્ટીઓમાં જોવા મળે છે. તેઓએ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. તે તહેવારો અને પાર્ટીઓમાં સલમાન અને તેના પરિવારના સભ્યો સાથે પણ જોવા મળે છે.

વધુ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો: સલમાન ખાનના ઘરે પાર્ટીમાં સામેલ થયાં આ સિતારાઓ

જોકે, તેમ છતાં ઘણીવાર ઇન્ટરવ્યુમાં યુલિયા તેના વિશે વાત કરે છે. 2022 ની મુલાકાતમાં યુલિયાએ સલમાન સાથે જોડાવવાના ફાયદા અને પડકારો વિશે ચર્ચા કરી હતી. આ સિવાય ગુરુ રંધાવા સાથેનું તેનું ગીત ‘મેં ચલા’ 2022માં રિલીઝ થયું હતું, જેના વીડિયોમાં સલમાન અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો.

કારગિલ યુદ્ધ ખરેખર યુદ્ધ હતું જ નહિં: બી.એસ. મહેતા

સુરત: 26મી જુલાઇ એટલે કારગિલ વિજય દિવસ. કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે સેનાના નિવૃત બ્રિગેડિયર બી.એસ. મહેતા કહે છે, કારગિલ યુદ્ધ હતું જ નહીં. 1999માં જે થયુ એને ખરેખર યુદ્ધ કહી શકાય નહીં. કેમ એ યુદ્ધ ના તો ભારતે શરૂ કર્યુ હતું કે ન તો પાકિસ્તાને… યુદ્ધ સાથેના તેમના સંસ્મરણો તેમણે ચિત્રલેખા.કોમ સાથે વાગોળ્યા. ચિત્રલેખા.કોમ સાથેની ખાસ વાતચીતમાં એમણે આ વાત કહી. સાંભળો શું કહે છે, બ્રિગેડિયર સાહેબ…

(અરવિંદ ગોંડલિયા – સુરત)

શું હાઇવે પરથી ક્યારેય ખતમ થશે ટોલ ટેક્સ?

નવી દિલ્હીઃ દેશમાં અંધાધૂધ ટેક્સ વસૂલવાનો ખેલ જારી છે. ટોલ કંપનીઓ રસ્તા નિર્માણ પર આવેલા ખર્ચ કરતાં ક્યાંય વધુ ટોલ ટેક્સ વસૂલ કરી રહી છે. આમાં કેટલાય હાઇવે એવા છે, જેના રસ્તા નિર્માણનો ખર્ચ નીકળી ગયો છે, પરંતુ આગામી આઠ-10 વર્ષ વધુ ટોલ ટેક્સ વસૂલવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. ટોલ કંપનીઓ અને સરકારની કમાણીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ટોલથી આ રસ્તાઓનો પડતર ખર્ચ તો પહેલાં જ વસૂલ કરી લેવામાં આવ્યો છે, પણ હજી ટોલ વસૂલવાનો ખેલ હજી પણ જારી છે.

મધ્ય પ્રદેશ સરકારે ભોપાળથી દેવાસની વચ્ચે સ્ટેટ હાઇવેનું નિર્માણ કરાવ્યું હતું. આ એક ફોર-લેન હાઇવે છે, પરંતું એ હાઇવે જેટલામાં બન્યો છે, એનાથી અનેક ઘણો ટોલ વસૂલવામાં આવ્યો છે અને હજી ટોલ વસૂલવાનો ખેલ રહ્યો છે.

મધ્ય પ્રદેશમાં ભોપાલથી દેવાસ સુધીનો આ હાઇવે રૂ. 426 કરોડનો ખર્ચ થયો હતો, એમ એક સરકારી દસ્તાવેજ કહે છે, પણ ઓગસ્ટ, 2010થી અત્યાર સુધી આ હાઇવેઝ પર રૂ. 1610 કરોડ ટોલ વસૂલવામાં આવી ચૂક્યો છે. એટલે કે રાજ્ય સરકારે રૂ. 1184 કરોડ વધુ ટોલ વસૂલ્યો છે.  વળી, સરકાર હજી પણ નવ વર્ષ સુધી આ હાઇવે પર ટોલ ટેક્સ વસૂલશે.

દેશમાં 1,46,599 લાખ કિલોમીટર નેશનલ હાઇવે છે. આ સાથે રાજ્યોના કુલ હાઇવેઝ 1.79 લાખ કિલોમીટર છે અને 5500 કિલોમીટર 44 સ્ટેટ એક્સપ્રેસ વે છે. આ હાઇવેઝથી પ્રતિ વર્ષ સરકાર ટોલ ટેક્સ સ્વરૂપે રૂ. 60,000 કરોડ વસૂલે છે. હવે દેશમાં ટોલ ટેક્સની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે.

 

 

 

Kargil Vijay Diwas: યોદ્ધાઓની શૌર્યગાથાની આ ફિલ્મો જોઈ રૂવાંડા ઉભા થઈ જશે

કોઈપણ દેશ માટે, તેના સાચા નાયકો તેના સૈનિકો છે, જે સમગ્ર દેશની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ભારતીય જવાનોએ પણ જીવની પરવા કર્યા વિના દુશ્મનો સામે લડીને આપણને અનેક પ્રસંગોએ વિજય અપાવ્યો છે. આવી જ એક તારીખ ભારતીય ઈતિહાસમાં અમર થઈ ગઈ છે. તે તારીખ છે 26 જુલાઈ 1999.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લગભગ 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું, જે 26 જુલાઈએ ભારતની જીત સાથે સમાપ્ત થયું હતું. ભારતની આ જીત પાછળ અનેક સૈનિકોનું બલિદાન છુપાયેલું હતું, જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ વિજય ગાથા પર ઘણી ફિલ્મો પણ બની છે, જેણે દર્શકોને સૈનિકોની બહાદુરીની આ ગાથાનો પરિચય કરાવ્યો છે. આજે એટલે કે શુક્રવારે 25મો કારગિલ વિજય દિવસ છે, આ અવસર પર આપણે એવી ફિલ્મોનો ઉલ્લેખ કરીશું જેમાં કારગિલ યુદ્ધની વાર્તા અને દેશના જવાનોની બહાદુરી બતાવવામાં આવી છે.

‘શેરશાહ’

કારગિલ યુદ્ધ પર બનેલી આ લેટેસ્ટ ફિલ્મ છે. 12 ઓગસ્ટ, 2021ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં કારગિલ યુદ્ધના હીરોમાંના એક કેપ્ટન વિક્રમ બત્રાની વાર્તા દર્શાવવામાં આવી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાનું બલિદાન આપનાર મહાન યોદ્ધાની આ બાયોપિક ફિલ્મ છે. વિક્રમ બત્રાને મરણોત્તર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર, પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન તેમને કોડનેમ શેરશાહ આપવામાં આવ્યું હતું, જેના પછી ફિલ્મનું નામ પણ એજ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળ્યા હતા.

‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’

વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ પણ આ યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ભારતીય વાયુસેનાના પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે, જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન દેશની સુરક્ષા માટે સેવા આપી હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે ગુંજન સક્સેનાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ જોવા મળ્યા હતા.

‘લક્ષ્ય’


2004માં રિલીઝ થયેલી આ ફિલ્મ કારગિલ યુદ્ધની ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત કાલ્પનિક વાર્તા છે. ફિલ્મમાં હૃતિક રોશન લેફ્ટનન્ટ કરણ શેરીગલની ભૂમિકામાં છે, જે આતંકવાદીઓને હરાવવા માટે પોતાની ટીમનું નેતૃત્વ કરે છે. આ ફિલ્મ ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં રિતિક ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, ઓમ પુરી વગેરે જેવા કલાકારોએ કામ કર્યું છે.

‘L.O.C. કારગિલ’


‘L.O.C. ‘કારગિલ’ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કારગિલ યુદ્ધ પર આધારિત છે, જેમાં પાકિસ્તાની સેના પર વિજય મેળવવા માટે ભારતીય સૈનિકોની સફર બતાવવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય સેનાના સફળ ઓપરેશન વિજય પર આધારિત છે, જે મે 1999માં પાકિસ્તાની ઘૂસણખોરી બાદ શરૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં સંજય દત્ત, અજય દેવગન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, મનોજ બાજપેયી વગેરે જેવા કલાકારો જોવા મળ્યા હતા.

‘ધૂપ’


‘ધૂપ’ પણ કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ આ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પર આધારિત છે. ફિલ્મમાં સંજય કપૂર, ગુલ પનાગ, ઓમ પુરી અને રેવતી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનેત્રી ગુલ પનાગે આ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2003માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

દિલ્હીમાં રસ્તાથી રેલવે ટ્રેક સુધી પાણી જ પાણી…

નવી દિલ્હીઃ દેશનું પાટનગર દિલ્હી શુક્રવારે ફરી એક વાર તળાવોનું શહેર બની ગયું છે.સવારે પડેલા ભારે વરસાદને કારણે શહેરમાં વિવિધ રસ્તાઓ પણ પાણી ભરાયાં છે., જેને પગલે રસ્તાઓમાં ટ્રાફિક જામ થયા છે. કેટલીય જગ્યાએ નૌકા ચલાવવાની સ્થિતિ બની ગઈ છે. રેલવે ટ્રેક પણ પણ પાણી ભરાવાથી પાટાઓ પાણીમાં ડૂબ્યા છે. રસ્તાથી રેલવે ટ્રેક સુધી બધું જ પાણી…પાણી છે.

દિલ્હીમાં શુક્રવારે થયેલા વરસાદની સૌથી વધુ અસર દક્ષિણી ભાગમાં જોવા મળી છે. સાઉથ દિલ્હીના વિસ્તારોમાં સૌથી વધુ જળભરાવો થયો છે. નાળાઓના ઓવરફ્લોને કારણે રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયાં છે. શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવો થયાં છે.દિલ્હીમાં ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પાણી ભરાવાને કારણે વાહનોના ચક્કાજામ થયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પણ એડવાઇઝરી જારી કરી છે, જેમાં લોકોને દિલ્હીના કેટલાય વિસ્તારોમાં રસ્તા પર વાહન કાઢવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

સોશિયલ મિડિયા પર સામાન્ય જનતાએ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થવાથી દર્દ શેર કર્યું હતું. એક સજ્જને દિલ્હી રેલવે સ્ટેશનનો વિડિયો શેર કર્યો હતો, જેમાં રેલવે ટ્રેક પર ભારે માત્રામાં પાણી ભરાવાથી લાગેલા જામની માહિતી આપી હતી. અન્ય સજ્જને દિલ્હીમાં પાણી ભરાયાની ફરિયાદ સોશિયલ મિડિયા પર કરી છે.

દિલ્હીમાં સપ્તાહના અંત સુધી વરસાદ પડી શકે છે. આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે પાટનગરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

 

Kargil Vijay Diwas: શું છે કારગિલની 25 વર્ષ જૂની કહાણી?

કારગિલ વિજય દિવસ, દર વર્ષે 26 મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, તે ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા ભારતીય સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની સાર્વભૌમત્વની રક્ષા કરતા ભારતીય સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠમાં હાજરી આપવા 26 જુલાઈએ લદ્દાખના દ્રાસ પહોંચ્યા છે.

કારગિલ વિજય દિવસનો ઇતિહાસ

કારગિલ વિજય દિવસનો ઈતિહાસ 1971ની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સાથે જોડાયેલો છે, જેના કારણે પૂર્વ પાકિસ્તાનને ‘બાંગ્લાદેશ’ નામના અલગ દેશ તરીકે બનાવવામાં આવ્યું હતું. આ પછી પણ બંને દેશો એકબીજા સાથે અથડામણ ચાલુ રાખતા હતા, જેમાં આસપાસના પહાડી વિસ્તારોમાં લશ્કરી ચોકીઓ તૈનાત કરીને સિયાચીન ગ્લેશિયર પર પ્રભુત્વ મેળવવાની લડાઈનો સમાવેશ થાય છે. તેઓએ 1998 માં તેમના પરમાણુ હથિયારોનું પરીક્ષણ પણ કર્યું હતું, જેના કારણે બંને વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ હતી.

તેથી, શાંતિ અને સ્થિરતા જાળવવા અને તણાવને ઉકેલવા માટે ફેબ્રુઆરી 1999 માં ‘લાહોર ઘોષણા’ પર હસ્તાક્ષર કરીને કાશ્મીર મુદ્દાના દ્વિપક્ષીય શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી.

જ્યારે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર કબજો કર્યો હતો

પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ એક નાપાક ચાલમાં ઉત્તર કારગીલમાં નિયંત્રણ રેખા (એલઓસી) ની ભારતીય બાજુમાં ઘૂસણખોરી કરી અને કાશ્મીર અને લદ્દાખ વચ્ચેની કડી તોડવા અને અશાંતિ ફેલાવવા માટે ઉચ્ચ ટેકરીઓ પર કબજો કર્યો.

મે 1999માં જ્યારે ભારતને ઘૂસણખોરીની જાણ થઈ ત્યારે ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ શરૂ કરવું પડ્યું અને કારગિલ યુદ્ધ થયું. આ સંઘર્ષ મે થી જુલાઈ 1999 સુધી કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલ્યો હતો. લગભગ બે મહિના સુધી દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ભીષણ યુદ્ધ ચાલ્યું. ‘ઓપરેશન વિજય’ હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવામાં અને ટાઇગર હિલ અને અન્ય વ્યૂહાત્મક સ્થાનો પર સફળતાપૂર્વક કબજો મેળવ્યો.

ભારતીય સૈનિકોએ 26 જુલાઈ 1999ના રોજ ત્રણ મહિનાના સંઘર્ષ બાદ આ જીત હાંસલ કરી હતી. યુદ્ધમાં ભારતની જીત, ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનને માન આપવા દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.

કારગિલ વિજય દિવસનું મહત્વ

કારગિલ વિજય દિવસનું આયોજન પણ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું શક્તિશાળી પ્રતીક છે. કારગિલ યુદ્ધે સેનાના સમર્થનમાં ભારતના દરેક ખૂણેથી લોકોને એક કર્યા હતા.

તદુપરાંત, યુદ્ધની બહાદુરી અને બહાદુરીની વાર્તાઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે, તેમનામાં રાષ્ટ્ર પ્રત્યે ફરજ અને સમર્પણની ભાવના કેળવે છે. શહીદોના બલિદાનને ભૂલવામાં ન આવે તે માટે કારગીલ વિજય દિવસ પણ ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતી સર્જાય છે. જ્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

તો બીજી બાજું હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં સાવર્ત્રિક સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યાં 26 જુલાઈ એટલેકે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી છે. 26થી 30 જુલાઈ સુધી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો એવરેજ 53.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 73.46 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32.37 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

વિજય દિવસઃ કારગિલથી પાકિસ્તાનને PM મોદીની ચેતવણી

નવી દિલ્હીઃ કારગિલ વિજય દિવસની રજત જયંતીના પ્રસંગે દેશમાં ઉજવણીનો માહોલ છે. કારગિલમાં 24 જુલાઈથી જ ઉજવણી જારી છે અને વડા પ્રધાન મોદી પણ આ ઉજવણીના અવસરે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેઓ કારગિલના દ્રાસ પહોંચ્યા છે.

વર્ષ 1999માં પાકિસ્તાનની વિરુદ્ધ થયેલી ભારતના ઐતિહાસિક વિજયની રજત જયંતી પર PM મોદી કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમણે અહીં વોર મેમોરિયલની મુલાકાત પણ લીધી હતી. લદ્દાખ પહોંચેલા મોદીએ અહીં કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરવાના છે. આ સિવાય સંસદના બજેટ સત્રનો પાંચમો દિવસ છે, જેમાં બજેટ પર ચર્ચા જારી છે.

વડા પ્રધાન મોદીએ કારગિલથી પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનના નાપાક ઇરાદા ક્યારેય સફળ નહીં થાય. 1999ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં દેશભરમાં કારગિલ દિવસ ઊજવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભૂતકાળમાં તેણે ગમે તેટલા પ્રયત્નો કર્યા, તે હંમેશાં પરાજય પામ્યું છે પરંતુ પાકિસ્તાન તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાની જાતને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આજે જ્યારે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના માલિકો મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માગું છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.

કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર ગુરુવારે લામોચેન (દ્રાસ)માં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કારગિલ યુદ્ધના નાયકોની શૌર્યગાથા વર્ણવવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મુખ્ય અતિથિ હતા. સેનાના ઉત્તરી કમાન્ડના તમામ મુખ્ય અધિકારીઓ પણ હાજર હતા.

આ કાર્યક્રમની શરૂઆત માઇક્રોલાઈટ નોડ ગયાના ફ્લાઇંગ રેબિટ્સના ફ્લાયપાસ્ટથી થઈ હતી. કારગિલ યુદ્ધની ઘટનાઓના ઓડિયો વિઝ્યુઅલ વગાડવામાં આવ્યા હતા. તેમાં કારગિલ યુદ્ધની આખી વાર્તા કહેવામાં આવી હતી. ભયંકર પર્વતની પૃષ્ઠભૂમિના આબેહૂબ વર્ણનોએ દરેક યુદ્ધ દ્રશ્યને જીવંત બનાવ્યું હતું.

વાસ્તુ: સોસાયટીમાં ઉત્તરનો અને અગ્નિનો દોષ ઝઘડા કરાવે

વરસો પહેલા જે ભારતીય વાર્તાઓ પ્રચલિત હતી એ નિર્ભયતાના પાઠ સમજાવતી હતી. કોઈ પણ વ્યક્તિની અંદર ઈશ્વરનો વાસ છે એટલી સમજણ હતી એટલે પરસ્પર સન્માનના સંબંધ હતા. બાળકો બહાદુરીની વાત શીખતા એટલે આત્મસન્માનને સમજતા. ખુમારી સમાજનો ગુણધર્મ હતો. અચાનક પરીકથાઓ આવી. જેમાં એક રાજકુમારી કોઈ રાજકુમારની રાહમાં તકલીફો વેઠતી રહે. પોતાના અધિકાર માટેની લડાઈ ભુલાતી જાય છે. કોઈ અવતાર આવશે અને બચાવશે એવી માન્યતા અન્ય કોઈ યુગમાં હતી? જો દરેક આત્મા એ પરમાત્માનો અંશ છે તો દરેક વ્યક્તિ પોતેજ એક અવતાર ગણાય ને?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીના કેટલાક લોકો એવું માને છે કે એ લોકો દેશની સરકાર ચલાવે છે. વાતવાતમાં એવું કહે છે કે અમે તો નેતાઓ પાસેથી શીખીએ છીએ. પૈસા ભર્યાની રસીદ હોય તો પણ એવું કહે છે કે તમે પૈસા આપ્યા છે એનો પુરાવો લાવો. રોકડા પૈસાનો પુરાવો ક્યાંથી હોય? ઓફિસમાં કોઈ રજૂઆત કરવા જઈએ તો અપમાન કરે છે. એ લોકોના સમાજના લોકો વધારે છે. એટલે ગુજરાતીઓને દબાવવા પ્રયાસ કરે છે. જનરલ મીટીંગમાં પાંચ મિનીટ પહેલા દરવાજા બંધ કરીને બહાર બાઉન્સર ઉભા કરી દીધા. અન્ય લોકોએ પોલીસ બોલાવી તો પેલા બાઉન્સરોએ એમને પણ ન જવા દીધા. કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરે છે. એને વાતવાતમાં મોટા નેતાઓના નામની ધમકી આપે છે. શું કોઈ વાસ્તુ દોષ હોય તો આવી કંસ નીતિ ભોગવવી પડે? કેટલા બધા સમયથી સોસાયટીમાં પ્રોપર્ટીના ભાવ પણ નથી વધ્યા. એનું એક કારણ એવું પણ લાગે છે કે સોસાયટીના જ કેટલાક લોકો જેવી માહિતી મળે કે પ્રોપર્ટી વેંચવાનો છે. એની આસપાસ ફરીને ઝઘડા કરે, કચરો ફેંકે, અફવા ફેલાવે. એટલે એ પોતે સસ્તામાં લઇ શકે.

મને વિશ્વાસ છે કે સરકાર આવું ક્યારેય ન કરે. એ જનતાનો વિચાર કરે. અને એમને કોઈ નેતા ઓળખતા હોય તો ક્યારેક તો એ દિલ્હીથી અમારી સોસાયટીમાં આવે ને? કોઈ નેતાને અમારી સોસાયટીના રાજકારણમાં રસ પણ શું હોય? મુખ્ય સમસ્યા એ છે કે બધા ડરીને બેઠા છે. માનસિક નપુંસકતાના લીધે બધા માત્ર બળાપો કાઢે છે. કોઈ બોલવા તૈયાર નથી.

જવાબ: તમારી વાત સાચી છે. જ્યાં વ્યક્તિ પોતાની લડત લડવા તૈયાર નથી ત્યાં આવા તત્વો ફાવવાના જ છે. આપણી બાજુના દેશમાં જ હકની લડાઈમાં કેટલા બધા લોકો શહીદ થઇ ગયા? કોઈક હિંમત કરે તો સારું વિચારવામાં આવા લોકો સાથે આખી જિંદગી કાઢવી પડે છે. વળી સોસાયટીમાં રાજકારણ? જ્ઞાતિવાદ કોઈ પણ સમાજને તોડવા સક્ષમ છે. એને વધારવામાં બધાનું નુકશાન થશે. તમારી સોસાયટીમાં ઉત્તરનો અને અગ્નિનો દોષ છે. જેના લીધે આ બધું શક્ય છે. જ્યાં સુખ ન હોય ત્યાં ન રહેવાય. જો સારી જગ્યા મળતી હોય તો ત્યાં શિફ્ટ થઇ જાવ. જો આવા માફિયા આસપાસ હશે તો ભાવ હજુ પણ ઘટશે.

સવાલ: ભારતમાં છીએ એટલે ચાલે. આવું કોઈ કહે તો મનમાં ઝાળ લાગે છે. મારા દાદા સ્વાતંત્ર સેનાની હતા. મારા વડસસરા ગામના પ્રમુખ હતા. એટલે ભારતને વિવધ સંજોગોમાં જાણવાનો મોકો મળ્યો છે. એક એનરોઇડ ફોનની ખુબ જાણીતી બ્રાન્ડનો ફોન મેં ખરીદ્યો હતો. એની વોરન્ટીમાં અચાનક એમાં નેટવર્ક આવતું બંધ થઇ ગયું. સર્વિસ સ્ટેશન પણ લઇ ગયા તો કશું પૂછ્યા વિના એમણે ફોન ફોરમેટ કરી દીધો. મારો બધો ડેટા જતો રહ્યો. પછી મને કહ્યું કે તમારું સીમ ખરાબ છે. મેં નવું સીમ લીધું એમાં એક દિવસ ગયો. પછી રવિવાર આવતો હતો. ચોથા દિવસે એમણે ફોન લઈને એનો સ્ક્રીન ઉડાડી દીધો. હવે કહે છે કે વોરંટી પૂરી થવાને માત્ર ત્રણ દિવસ બાકી છે. એટલે અપ્રુવલ આવતા સુધીમાં એ પતિ જશે. એટલે ચાલીસ હજારથી પણ વધારે રૂપિયા મારે વોરંટી પીરીયડ હોવા છતાં આપવા પડે. મેં મેનેજર સાથે વાત કરવાની ઈચ્છા કરી. તો એમેણે કહ્યું કે મેનેજર સાંજે ચાર વાગ્યા પછી જ મળે. અને એ ન આવે તો કાલે આવવાનું. મારી પાસે મારો ફોન ચાલતો હતો એનો વિડીયો છે.

વળી જે લોકોને એ કંપની એન્જીનીયર કહે છે એ તો બારમું પાસ નીકળ્યો. આવા એન્જીનીયર ક્યાંથી બહાર પડે છે? કોઈ કંપની કહે કે આ એન્જીનીઅર છે એટલે આપણે માની લેવાનું. એમના સ્ટોરમાં ફોન કર્યો તો એ કહે છે કે અમે માત્ર વેંચાણ કરીએ છીએ. અમારું કામ પતિ ગયું. હવે સર્વિસ વાળા જાણે. અમે બે અલગ છીએ. અને પછી બોલ્યા કે ભારતમાં તો આવું ચાલવાનું જ. મને આ વાક્ય સહુથી ખરાબ લાગ્યું. સાચે જ મન ભારે થઇ ગયું છે. પોતાના દેશ માટે આવું બોલતા શરમાતા પણ નથી. પોતે ખરાબ કરે છે અને દેશને દોષ દે છે. શું કરવું જોઈએ?

જવાબ: સહુથી પહેલા તો તમારો અનુભવ પુરાવા સાથે કંપનીના ઓફિસિયલ ઈમેઈલ પણ મોકલો. વોરંટી પીરીયડ પૂરો થવામાં છે. એટલે એ સમય કાઢી રહ્યા હોય એવું બને. એક કાગળ જે તે સર્વિસ સ્ટેશનમાં આપી અને સિક્કો મારીને એની કોપી લઇ લો. અન્ય લોકોને કંપનીની બ્રાંડ કહીને તમારો અનુભવ કહો. જેના કારણે અન્ય કોઈ છેતરાય નહિ. તમે જે વિડીયો લીધી છે એ સાચવી રાખો.

સાચે જ નવા વિચારો ધરવતા લોકો પોતે છેતરીને દેશને બદનામ કરે છે એ દુખદ છે જ. આવા લોકો દરેક દેશમાં હશે. ધીમે ધીમે સ્વાર્થી વૃત્તિ વધી રહી છે. ઉગ્રતા દર્શાવ્યા વિના શાંતિથી આખી વાતની રજૂઆત કરતા રહો. એ લોકો ઈચ્છશે કે તમે થાકીને છોડી દો. તમે નહિ થાકો તો એમને પરિણામ આપવું પડશે. સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો. ચોક્કસ તમે નિર્ણય તરફ જઈ શકશો.

સુચન: જો સોસાયટી ચેરમેન ઈશાનમાં બેસતા હોય, તો તેની જીદના કારણે સોસાયટીના વાતાવરણ પર અસર પડે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)