Home Blog Page 1624

આજના એન્ગ્રી મેન ઈચ્છે છે કે સ્ત્રી તેમના જૂતા ચાંટે: જાવેદ અખ્તર

મુંબઈ: બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને હવે ફરી એકવાર તેમણે કંઈક એવું કહ્યું છે, જેના કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રખ્યાત પટકથા લેખકે 2023 માં રિલીઝ થનારી બ્લોકબસ્ટર ફિલ્મ વિશે તેમના વિચારો શેર કર્યા છે. જાવેદ અખ્તરે ભારતીય સિનેમામાં આજના ‘એન્ગ્રી યંગ મેન’ પાત્રો પર વિચાર કરતાં કહ્યું કે હવે ફિલ્મોનો હીરો કેરિકેચરમાં ફેરવાઈ રહ્યો છે. તે એવો પુરુષ બની ગયો છે જે ઈચ્છે છે કે કોઈ સ્ત્રી તેના જૂતા ચાટે. જાવેદ અખ્તરે આ બધું સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ પર કટાક્ષ કરતા કહ્યું, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

એન્ગ્રી યંગ મેનના કોન્સેપ્ટ પર જાવેદ અખ્તરે શું કહ્યું?

જાવેદ અખ્તરે ‘વી આર યુવા’ સાથે વાત કરતા ફિલ્મોમાં ‘એન્ગ્રી યંગ મેન’ના કોન્સેપ્ટને સંબોધિત કરતા અને એનિમલને ટાંકતા કહ્યું – ‘અતાર્કિક ગુસ્સો જે પાયાવિહોણો છે, તે પાત્રને કેરીકેચરમાં ફેરવવાનું શરૂ કરે છે. ઉત્તર અને દક્ષિણમાં ‘એન્ગ્રી યંગ મેન’ના કોન્સેપ્ટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે,’દક્ષિણમાં પણ ફિલ્મનો હીરો કેરીકેચરમાં ફેરવાઈ રહ્યો છે. તે એક એવો માણસ છે જે ઈચ્છે છે કે કોઈ સ્ત્રી તેના જૂતા ચાટે. તે પહેલાથી જ ક્રોધી માણસ અથવા મજબૂત માણસને કેરિકેચરમાં ફેરવવાનું શરૂ કરી દે છે, પરંતુ ખૂબ જ અલગ રીતે.’

જાવેદ અખ્તરે એનિમલ જોઈ નથી

જ્યારે જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું તેણે એનિમલ જોઈ છે? તો જવાબમાં તેણે કહ્યું- ‘મેં એનિમલ ફિલ્મ નથી જોઈ. લોકોએ મને તેના વિશે કહ્યું અને મેં સમાચારમાં પણ વાંચ્યું કે ફિલ્મનો હીરો સ્ત્રી પાત્રને તેના જૂતા ચાટવાનું કહે છે. તે નીચે ઝૂકે છે, પરંતુ ભગવાનનો આભાર કે દ્રશ્ય ત્યાં કાપવામાં આવ્યું હતું અને આગળ લઈ જવામાં આવ્યું નહીં. જ્યારે લોકો ગુસ્સાવાળા યુવકના આઈડિયાને કોપી કરી રહ્યા હતા ત્યારે તેઓ એ જોવાનું ભૂલી ગયા કે ‘જંજીર’માં અમિતાભ બચ્ચનનું પાત્ર માત્ર ગુસ્સાવાળું જ નહીં પરંતુ ખૂબ જ દુઃખી પણ છે.

સલીમ-જાવેદની જોડીએ જંજીર લખી હતી

તમને જણાવી દઈએ કે, 1973માં રિલીઝ થયેલી ‘જંજીર’ની સ્ટોરી સલીમ-જાવેદની જોડીએ સાથે લખી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ તે ફિલ્મ હતી જેણે અમિતાભ બચ્ચનની ડૂબતી કરિયરને બચાવી અને પુનર્જીવિત કરી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે જાવેદ અખ્તરે ‘એનિમલ’ વિશે પોતાની નિરાશા વ્યક્ત કરી હોય, આ પહેલા પણ તેણે આ ફિલ્મને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મમાં રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

YSRCPની લિકર નીતિને કારણે રૂ. 18,860.51 કરોડનું નુકસાનઃ ચંદ્રબાબુ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ ટૂંક સમયમાં નવી લિકર પોલિસીની ઘોષણા કરશે. રાજ્યમાં સ્થાનિક બ્રાન્ડસની જગ્યાએ વિશ્વસનીય, જાણીતી બ્રાંડ્સને સામેલ કરવામાં આવશે. રાજ્ય સરકાર યુનાઇટેડ સ્પિરિટ્સ અને અન્યોથી દારૂ ખરીદવાનું શરૂ કરશે. આંધ્ર પ્રદેશ રેડિકો ખેતાન, ગ્લોબલ સ્પિરિટ્સથી દારૂ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પાછલી સરકારના કાર્યકાળમાં દારૂના મુદ્દે શ્વેતપત્ર જારી કરવામાં આવ્યો હતો. CM ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે પ્રારંભિક અંદાજ અનુસાર YSRCPની લિકર શોષણ નીતિને કારણે છેલ્લાં પાંચ વર્ષોમાં રાજ્યના ખજાનાએ રૂ. 18,860.51 કરોડનું નુકસાન થયું છે.

જો અમારે માલૂમ કરવું હોય કે કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે, તો અમારે એની ઊંડાણથી તપાસ કરવાની રહેશે. અમે બધી ગેરરીતિઓને ઉજાગર કરીશું. પાછલી સરકારની આબકારી નીતિ પર વિધાનસભામાં શ્વેતપત્ર જારી કરતાં તેમણે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પણ મદદ લેવામાં આવશે.

CM ચંદ્રબાબુએ આરોપ લગાવ્યો હતો કે 2019માં YSRCP સત્તામાં આવ્યા પછી લિકર પોલિસીમાં ફેરફારથી રાજ્યને રૂ. 18,860.51 કરોડનું નુકસાન થયું છે. સરકારી ખજાનાને આટલું મોટું નુકસાન થયું છે, જેથી જેતે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ પાસે માહિતી માગવામાં આવશે અને નકલી દારૂના સેવનથી કેટલા લોકોને ગંભીર આરોગ્યની સમસ્યાઓ થઈ છે, એની ફણ માહિતી એકત્ર કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.  CM ચંદ્રબાબુ નાયડુએ YSR કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળમાં બનેલી લિકર નીતિમાં કૌભાંડનો આરોપ લગાવતાં CIDને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ આંધ્ર પ્રદેશના સૌથી મોટા કૌભાંડોમાનું એક છે, એમ તેમણે કહ્યું હતું.

 

ઝારખંડમાં 10 ટકા આદિવાસી વસતિ ક્યાં ગાયબ થઈ ગઈ?: નિશિકાંત દુબે

નવી દિલ્હીઃ લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંગલાદેશથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે, જે આદિવાસી મહિલાઓ બંગલાદેશી ઘૂસણખોરોથી લગ્ન કરી રહી છે, જેનાથી મુસ્લિમ વસતિ ઝડપથી વધી રહી છે. જો મારી વાત ખોટી નીકળે તો હું સંસદમાંથી રાજીનામું આપવા તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે હું સંથાલ પરગણાથી આવું છે. વર્ષ 2000માં આદિવાસીઓની જનસંખ્યા સંથાલ પરગણામાં 36 ટકા હતી અને આજે 26 ટકા રહી ગઈ છે. આવામાં 10 ટકા આદિવાસી ક્યાં ગાયબ થઈ ગયા? એ વિસે સંસક્યારેય પણ સંસદ ચિંતાની વાત કરે છે. એ માત્ર વોટ બેન્કનું રાજકારણ કરે છે. તેમણે કહ્યું હતું કે અહીં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે, તેમ છતાં પગલાં નથી લેવામાં આવતાં.

તેમણે કહ્યું હતું કે બંગલાદેશથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે. અહીંની આદિવાસી મહિલાઓ મુસલમાન સાથે લગ્ન કરી લે છે, એ પછી તેઓ આદિવાસી ક્વોટાથી લોકસભા ચૂંટણી લડે છે, જ્યારે તેમના પતિ મુસલમાન છે. અમારે ત્યાંની જિલ્લા પરિષદની જે અધ્યક્ષ છે, તેમના પતિ મુસલમાન છે. ઝારખંડમાં કુલ 100 આદિવાસી વડાં છે, જે આદિવાસીને નામ પર છે અને તેમના બધાના પતિ મુસલમાન છે. તેમણે કહ્યું હતું કે મધુપુર વિધાનસભામાં આશરે 267 બૂથો પર 117 ટકા મુસલમાનોની વસતિ વધી ગઈ છે.

 

NEET UG 2024નું સુધારેલું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2024નું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો NEET UG exam.nta.ac.in/NEET/ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નોના યોગ્ય વિકલ્પોને ધ્યાનમાં લીધા બાદ સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મેરિટ લિસ્ટ હજુ બહાર પાડવામાં આવ્યું નથી. ટોપર્સની યાદી થોડા સમય પછી જાહેર થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ સંશોધિત પરિણામ જાહેર કર્યું છે. 23 જુલાઈના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે NEET UG રિ-ટેસ્ટ લેવામાં આવશે નહીં. ઉપરાંત, કોર્ટે NTAને પરિણામો નવેસરથી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

NEET UG કેસમાં સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે NEETનું સુધારેલું પરિણામ બે દિવસમાં જાહેર કરવામાં આવશે, ત્યારપછી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આજે જુલાઈના રોજ સુધારેલા પરિણામ જાહેર કરવામાં આવશે. 25. કરવામાં આવ્યા હતા.

NEET UG 2024 સુધારેલ પરિણામ કેવી રીતે તપાસવું

  • NEET UG exam.nta.ac.in/NEET/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • અહીં NEET UG રિવાઇઝ્ડ સ્કોરકાર્ડની લિંક પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ વગેરે દાખલ કરો.
  • સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે તપાસો અને પ્રિન્ટ આઉટ લો.

વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠેલા ડાંગની તસવીરી ઝલક

ડાંગ: ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ લીલોતરી અને કુદરતી સૌદર્યની મજા માણવા માટે સાપુતારા પહોંચે છે.      ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ડાંગમાં ખાસ જોવાલાયક સ્થળોમાં ગીરા ધોધ, ડોન હિલ, સાપુતારા છે. કુદરતી સૌંદર્યને શાંતિથી અને નજીકથી માણવા આ સ્થળની મુલાકાત તો ચોક્કસથી લેવી જોઈએ. સાપુતારા ખાતે અગામી 29મી જુલાઈથી એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. રાજ્યના આ હિલ સ્ટેશન પર લોકો દૂર દૂરથી કુદરતી દ્રશ્યનો નજારો જોવા પહોંચે છે. આહીં અનેક પિકનિક સ્પોટ છે. પ્રાકૃતિક સૌદર્ય ધરાવતી ટેકરીઓ ઉપરાંત તળાવ પણ આવેલું છેસાપુતારાની વર્ષ 2022માં 8.16 લાખ તેમજ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

29 જુલાઈથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો શુભારંભ

ગાંધીનગર: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો શુભારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 29મી જુલાઈના રોજ સવારે 9:00 કલાકે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ પર્વના કારણે સાપુતારા ખાતે પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે.પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતાં કહ્યું, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી ‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવશે.પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિ અંગે પરિચય કેળવાય અને સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્રવાર, શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ આસપાસ આવેલા ૧૮ જેટલાં મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે.  જેમાં, ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ – મહાલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વરલી આર્ટસ, હેન્ડિક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.પ્રવાસન મંત્રી મૂળુભાઈએ જણાવ્યું, સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હંમેશા પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ફળશ્રુતિરૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૮.૧૬ લાખ જ્યારે વર્ષ ૨૦૨૩માં સાપુતારા ફેસ્ટિવલમાં ૨.૪૪ લાખથી વધુ સહિત એમ સમગ્ર વર્ષમાં  કુલ ૧૧.૧૩ લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આમ સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે. જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે.ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.

મુંબઈ: કારગિલ વિજય દિવસ નિમિત્તે કાંદીવલીમાં વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન

મુંબઈ: 26 જુલાઈ 1999 ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ફરી કબજો મેળવ્યો હતો.એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ભાષાભવનના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કર્નલ મનીષ કચ્છી, હીરેન મહેતા અને પ્રફુલ શાહ

કાંદિવલીમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે’કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય’નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ મનીષ કચ્છી ( નિવૃત્ત) કારગિલ યુદ્ધ વિષયક અજાણી માહિતી દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત દ્વારા આપશે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના બૅક ઓપરેશનમાં એમણે પોતાની સેવા આપી હતી. તેઓ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાત છે એટલે પ્રશ્નોત્તરી દ્વારા પણ એમની પાસેથી માહિતી મેળવવાની તક મળશે.

‘ચિત્રલેખા’ સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર રહી રિપોર્ટિંગ કરનારા એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા. એમણે એ સમયે યુદ્ધ વિશેના ઘણા લેખો લખ્યા હતા. તેઓ પણ પોતાના વક્તવ્યમાં એ સમયનો માહોલ શ્રોતાઓ સમક્ષ ઉભો કરશે. તેમજ આ કાર્યક્રમમાં પત્રકાર તથા લેખક એવા પ્રફુલ શાહ પણ વકતવ્ય આપશે. પ્રફુલભાઈએ વિવિધ મોરચે શહીદ થનારા આપણા જાંબાઝ જવાનો વિશે અનેક લેખો અને એક પુસ્તક લખ્યાં છે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રીજા માળના હૉલમાં યોજાયો છે. 28 જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ જાહેર કાર્યક્રમ છે, કોઈપણ ઈચ્છુક તેનો ભાગ બની શકે છે.

આદિત્ય બિરલા સન લાઇફના ચોખ્ખા નફામાં 28 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)એ જૂન ત્રિમાસિક ગાળાનાં અનઓડિટેડ પરિણામો જાહેર કર્યા હતાં, કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો વાર્ષિક ધોરણે 28 ટકા વધીને રૂ. 2.4 અબજ કર્યો હતો. કંપનીનો આ નફો કોઈ પણ ત્રિમાસિક ગાળા કરતાં સૌથી વધુ હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 4.8 અબજ નોંધાઈ હતી. કંપનીનો કરવેરા પહેલાંનો નફો વાર્ષિક ધોરણે 27 ટકા વધીને રૂ. ત્રણ અબજ થયો હતો.

કંપનીની ઓવરઓલ વૈકલ્પિક એસેટ સહિત QAAUM જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 3676 અબજ થઈ છે, જ્યારે ABSLAMC મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 3525 અબજ થઈ છે. જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે 37 ટકા વધીને રૂ. 1621 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મિક્સની QAUAUM પાછલા નાણાકીય વર્ષ 24ના 40 ટકા વધીને 46 ટકા થઈ છે. જૂન ત્રિમાસિક ગાળાના અંતે ઇન્ડિવિડ્યુઅલ મન્થલી AAUM 24 ટકા વધીને રૂ. 1857 અબજ થઈ છે, જ્યારે  ઇન્ડિવિડ્યુઅલ મિક્સની મ્યુચ્યુઅલ ફંડની AUM 51 ટકા વધી છે.   

જૂન ત્રિસમાસિક ગાળામાં કંપનીની B-30 મન્થલી AAUM વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 642 અબજ થઈ છે, જ્યારે B-30 મિક્સની મ્યુચ્યુઅલ ફંડની AUM 17.7 ટકાનો વધારો થયો છે. જૂન ત્રિમાસિકની પેસિવ AUM રૂ. 299 અબજના સ્તરે છે.

જૂન ત્રિમાસિક ગાળામાં ABSLAMC પાસે 94 લાખ ફોલિયોને સેવા આપી હતી. જૂન ત્રિમાસિક ગાળામાં કંપની પાસે મન્થલી સિસ્ટેમેટિક ફ્લો (STP સહિત)નો ગ્રોથ 40.5 લાખ એકાઉન્ટ્સ સાથે વાર્ષિક ધોરણે 39 ટકા વધીને રૂ. 13.67 અબજ હતો.  જૂન ત્રિમાસિક ગાળાના અંતે કંપની પાસે આશરે 8,38700 નવા SIPs ( STP) નોંધાયા હતા, જેમાં વાર્ષિક ધોરણે 310 ટકાનો વધારો થયો હતો.

 

મેઘ મહેરને મનભરીને માણતા લોકોની તસવીરી ઝલક

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ક્યાંક મેઘરાજાની મહેરથી અનાવૃષ્ટિ અટકી છે. તો ક્યાંક મેઘાની અતિવૃષ્ટિએ તારાજી સર્જી છે.

ભુલકાઓને મન મેઘરાજાની મોજ, જ્યારે ક્યાંક પલળાય નહીં એ માટે છત્રીની આડશ લેવાય છે..સૌથી મહત્વનું બારેમાસ સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં એકદમ નવી પાણીની આવક થઈ રહી છે..
ચોમાસાની આ ઋતુમાં વગડે ચરતાં પશુઓને લીલીછમ હરિયાળી આરોગવાની મોજ પડી ગઈ છે.શહેરોમાં પણ લોકો લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા હતા. આથી જ્યારે આવ્યા ત્યારે મન મૂકીને પલળ્યા. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે.

પશુઓને વન-વગડામાં ચરવામાં મોજ પડી જાય તેમ ચારે તરફ લીલો-લીલો ઘાસચારો જોવા મળ્યોકુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે, પશુ-પક્ષીઓ અને માણસોએ ગરમીથી છુટકારો મેળવીને હાશકારાનો અનુભવ કર્યો છે.

(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)

ચાંદીપુરા વાયરસ અપડેટ: શંકાસ્પદ કેસનો આંકડો 118 પર પહોંચ્યો..

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. હાલ ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો બીજી બાજું આજે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરાના 118 શંકાસ્પદ કેસ છે. મળતી માહિતી અનુસાર આજે ચાંદીપુરા વાયરસથી 3 બાળદર્દીઓના મૃત્યુ થાયા છે આ સાથે આંકડો વધીનો 41 સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં પંચમહાલ 15 કેસ, અમદાવાદ કોર્પોરેશન 11, સાબરકાંઠા 10, મહેસાણા 07, બરોડા, ગાંધીનગર, જામનગર, અરવલ્લી અને ખેડા 6-6 કેસ નોંધવામાં આવ્ય છે. તો રાજકોટ, મોરબી અને બનાસકાંઠામાં 5-5 કેસ, રાજકોટ કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 04, ગાંધીનગર કોર્પોરેશન 03, જ્યારે મહીસાગર, છોટા ઉદેપુર, બરોડા કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, ભરૂચ, દાહોહ અને નર્મદામાં 02-02 કેસ નોંધાયા છે. ભાવનગર, દ્રારકા, અમદાવાદ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 નોંધાયો છે.

જેમાં સાબરકાંઠા ત્રણ, અરવલ્લી બે, મહિસાગર એક, ખેડા એક, મહેસાણા બે, સુરેન્દ્રનગર એક, અમદાવાદ કોર્પેરેશન બે, ગાંધીનગર એક, પચમહાલ એક, જામનગર એક, મોરબી એક, દાહોદ એક, વડોદરા એક, બનાસકાંઠા એક, દ્વારકા એક, તેમજ કચ્છ એક કેસ ચાંદીપુરાના છે.