Home Blog Page 1625

રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ બદલાયા

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી દરબાર હોલ ‘ગણતંત્ર મંડપ’ અને અશોક હોલ ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામ બદલવા પર ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. તાજેતરના સમયમાં ઘણી મોટી ઇમારતો અને રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન  ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નીતિઓનું પ્રતિબિંબિત વાતાવરણ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ, ‘દરબાર હોલ’ અને ‘અશોકા હોલ’નું નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરીને ખુશ છે.

 

‘દરબાર હોલ’માં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વના સમારંભો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરબાર શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને મેળાવડા સાથે સંકળાયેલો છે, જ્યાં તેઓ તેમના કાર્યોનું આયોજન કરતા હતા. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. પ્રજાસત્તાકની વિભાવના પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં ઊંડે ઊંડે જડેલી છે, તેથી દરબાર હોલનું નામ ‘ગણતંત્ર મંડપ’ એકદમ યોગ્ય છે.

અશોક હોલ અશોક મંડપ બન્યો

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “અશોકા હોલ” મૂળ રૂપે એક બોલરૂમ હતો. ‘અશોક’ શબ્દનો અર્થ એવો થાય છે કે જે ‘સર્વ દુ:ખથી મુક્ત’ અથવા ‘કોઈપણ દુ:ખથી મુક્ત’ છે. ઉપરાંત, ‘અશોક’ એ સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનું પ્રતીક છે. ભારતના પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથના અશોકના સિંહના વડા છે. આ શબ્દ અશોક વૃક્ષનો પણ ઉલ્લેખ કરે છે જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્વ છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ કરવાથી ભાષામાં એકરૂપતા આવશે અને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલા મૂળ મૂલ્યોને જાળવી રાખવાની સાથે જ અંગ્રેજીકરણના નિશાન દૂર થશે.”

 

જાણો ગુજરાતમાં ક્યાં કેટલા પાણીનો જળસંગ્રહ છે..

રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને પગેલ કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે, તો ગુજરાતના કેટલાક જળાશયોમાં નવા નિરના આગમન પણ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બોરસદમાં તો આભ ફાટ્યું હતું. ધોધમાર 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયું હતું. બીજી તરફ ભારે પવનના કારણે ગીરનાર અને પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરાઈ છે.

 રાજ્યમાં ભારે વરસાદના પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે. જેમાં 46 જેટલા જળાશયો સંપૂર્ણ છલકાય ભરયા હોવાનું નોંધવામાં આવ્યું છે. પાણીની વધું આવક હોવાથી  આ જળશયોને હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. તો બીજી બાજું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના કુલ 206 જળાશયોમાં 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-2માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.17, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો એવરેજ 53.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 73.46 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32.37 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

BJP, JDSના વિધાનસભ્યોએ કર્યું અનોખું વિરોધ-પ્રદર્શન, જાણો…

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપ અને JDSના વિધાનસભ્યોએ પૂરી રાત વિધાનસભાની અંદર ધરણાં કર્યાં હતા. એક વિધાનસભ્યનો ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ હાથમાં ધાબળો અને તકિયો લેતા હાથમાં જોવા મળ્યા હતા. ભાજપ વિધાનસભ્ય MUDA પર ચર્ચાની માગ કરી રહ્યા છે.

ભાજપનો આરોપ છે કે મૌસુર શહેરી વિકાસ ઓથોરિટી (મુડા- MUDA) દ્વારા જમીન ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયો છે અને એના પર તેઓ ચર્ચા ઇચ્છે છે. તેમની યોજના છે કે જ્યાં સુધી ચર્ચા નહીં થાય, ત્યાં સુધી તેઓ દિવસ-રાત વિધાનસભામાં ધરણાં કરશે. કેટલાક વિધાનસભ્યોએ તો વિધાનસભાની અંદર જ ભોજન કર્યું હતું. બંને પક્ષોના વિધાનનસભ્યોએ પૂરી રાત કર્ણાટક વિધાનસભામાં અંદર ધરણાં કર્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો એક આ એલોટમેન્ટમાં CMનાં પત્નીને પણ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે સત્તારૂઢ કોંગ્રેસ સરકાર વિધાનસભામાં ચાલી રહેલા મોન્સુન સત્રમાં રૂ. 180 કરોડના વાલ્મીકિ નિગમમાં ગેરકાયદે મની ટ્રાન્સફર મામલાને ટાળી રહી છે.

રાતભર ચાલેલાં આ ધરણામાં ભાજપ અને JDSના બધા વિધાનસભ્ય અને MLC નાઇટ ડ્રેસ પહેલીને અને ગાદી-તકિયા લઈને સંસદમાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સિદ્ધારમૈયા સરકારની વિરુદ્ધ વિરોધ જારી રાખવા માટે વિધાનસભા હોલની અંદરગાલીચા પર તેઓ સૂઈ ગયા હતા.

Bengaluru : BJP leaders and workers stage a protest against Karnataka Chief Minister Siddaramaiah over an alleged MUDA (Mysore Urban Development Authority) scam in Bengaluru on Friday, July 12, 2024. (Photo: IANS)ભાજપ અને JDSના સોસિયલ મિડિયા હેન્ડલ પરથી વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વિધાનસભ્યો વિધાનસભાના હોલમાં બેઠા હતા, ત્યાં તેઓ સૂઈ ગયા હતા. કેટલાક લોકો ત્યાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અહીં તેમણે ખાણીપીણીની વ્યવસ્થા પણ કરી હતી. અહીં તેમણે સિદ્ધારમૈયા સરકારની નિંદા કરતું ગીત ગાયું હતું અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા આર અશોકે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન ચાલતું રહેશે. અમે ત્યાં સુધી રાત આખી વિરોધ પ્રદર્શન જારી રાખીશું. જ્યાં સુધી કોંગ્રેસ તેના શાસનમાં કૌભાંડો પર ચર્ચા નહીં કરે, ત્યાં સુધી વિરોધ થતો રહેશે.

 

કબીરના મતે સાચા સંતનો સંગ એટલે…

સંત મિલે સુખ ઉપજૈ , દુષ્ટ મિલે દુઃખ હોય,

સેવા કીજૈ સંતકી, જનમ કૃતારથ હોય.

 

સંત, નદી અને તરુવરનો સ્વભાવ જ પરોપકારી છે. તેમનું અસ્તિત્વ સૌને માટે સુખકારક છે. આવા સાચા સંતની સેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મોક્ષદાયી હોય છે. ગુરુરૂપી સંતને પ્રસન્ન કરી તેની કૃપા પામવાથી જન્મ ધન્ય થઈ જાય છે. આનાથી વિપરીત જ્યારે દુર્જનનો પનારો પડે છે ત્યારે દુઃખ, કલેશ, ગ્લાનિ ઊપજે છે, હાનિ થાય છે.

બસી કુસંગ ચાહત કુશળ, યહી બડો અફસોસ કહીને રહીમજીએ રાવણ અને સમુદ્રનો દાખલો આપ્યો છે. રાવણ દરિયા મધ્યે લંકામાં વસ્યો.

દરિયાએ કુસંગમાં રહીને રામને સેતુબંધ માટે રસ્તો આપવા ઈન્કાર કર્યો. રામના ક્રોધનો ભોગ બનવાનો પ્રસંગ આવ્યો અને રામના સત્સંગે સમુદ્રને સાચી સમજણ આપી. સત્સંગનું મહત્ત્વ ઘટી રહ્યું છે, કારણ કે ઇન્દ્રિયોને બહેકાવતું સસ્તું મનોરંજન ઉપલબ્ધ થયું છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાજકોટ અગ્નિકાંડના આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ..

રાજકોટ અગ્નિકાંડને આજે બે માસ પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજકોટના TRP ગેમઝોનમાં એક જ ઝાટકે બાળકો સહિત 27 નિદોર્ષના જીવન બળી ખાખ થઈ ચૂક્યા હતા. ત્યારે આજે ગુનાની તપાસ કરતી SITએ તમામ 15 આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં 365 જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦થી વધુના રૂબરૂ કન્ફેસેન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે  ઉપયોગ થયો હતો. આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.

 આ અગાઉ અગ્નિકાંડની લઈ SIT એ હાઈકોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં અલગ-અલગ સરકારી વિભાગોની ભૂમિકાની તપાસ ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સીટ કરી રહી છે. આ તપાસમાં કેટલાક વિભાગોની ભૂલ પણ સામે આવી હતી. ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે ભાજપના કોર્પોરેટર નીતીન રામાણીએ ભલામણ કર્યાનું અગાઉ બહાર આવ્યું હતું. રામાણીએ પણ આ બાબતનો એકરાર કર્યો હતો. આ કેસમાં ચાર પીઆઈને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બાબતે પણ તપાસ પણ શરૂ છે. અગ્નિકાંડના તમામ 15 આરોપીઓ સામે 12 કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતી સીટે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

જે 15 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરાયું છે તેમાં ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નિતીન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વીગોરા, ભીખાભાઈ ઠેબા અને ઈલેશ ખેરનો સમાવેશ થાય છે.

સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ‘ફિર આયી હસીન દિલરૂબા’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: હવે જ્યારે રાની (તાપસી પન્નુ) અને રિશુ (વિક્રાંત મેસી) ફરી એક થઈ ગયા છે, ત્યારે ‘ફિર આયી હસીન દિલરૂબા’ સાથે તેમની અંશાત સફર ફરી શરૂ થાય છે. કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ અને સહ-નિર્મિત અને જયપ્રદ દેસાઈ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનો ઉદ્દેશ્ય તાપસી અને વિક્રાંતના પાત્રોના જીવનને વધુ ઊંડાણપૂર્વક બતાવવાનો છે. બંનેની આ લવસ્ટોરી ઘણી જ અજીબ હશે.

Netflix પર લોકપ્રિય રોમાંસ પલ્પી થ્રિલર હસીન દિલરૂબાના ચાહકો આતુરતાથી સિક્વલની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટિઝર ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે, અને એમાંય હવે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે જોઈને ચાહકોને મોજ પડી જશે. ટ્વિસ્ટ અને સસ્પેન્સથી ભરેલું આ ટ્રેલર તમને વધુ ઉત્સાહિત અને રોમાંચિત કરશે.

ટ્રેલરમાં જોવા મળે છે વાર્તા
તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં રાની અને રિશુની ઝલક જોવા મળે છે જે તેમના મુશ્કેલ ભૂતકાળને પાછળ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં વળી પાછાં તેઓ નવી મુશ્કેલીઓના જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. માંડ માંડ એવું લાગે કે શાંત જીવન જીવનની દિશા તરફ છે ત્યાં એક નવા ચહેરાની એન્ટ્રી થાય છે. એ વ્યકિત છે અભિમન્યુ. અભિમન્યુના પાત્રમાં સન્ની કૌશલ જોવા મળે છે. ઓફિસર મૃત્યુંજય,જેને મોન્ટુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જિમી શેરગીલ દ્વારા ભજવવામાં આવે છે તે એક નવો ટોચનો કોપ છે જેઓ તેમના જૂઠાણાંના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કટિબદ્ધ છે અને આગમાં ઘી ઉમેરે છે. આ કપલ હવે સાથે રહેવાની તેમની જૂની, ટ્વિસ્ટેડ રીતો તરફ વળે છે કારણ કે પોલીસ ફરીથી તેમની પાછળ આવી રહી છે, જેથી તેઓ આ ખતરનાક વાતાવરણમાં કોના પર વિશ્વાસ કરી શકે તે અંગે શંકા છોડી દે છે. પ્રેમ માટે કોઈ ક્યાં સુધી જઈ શકે છે તે હજી પણ એક પ્રશ્ન છે જેના વિશે દરેક વ્યક્તિ વિચારે છે અને ટ્રેલરમાં રહસ્ય રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

 

ફિલ્મ સંબંધિત માહિતી
‘ફિર આયી હસીન દિલરૂબા’ નેટફ્લિક્સ પર 9 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યુ છે. તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચનાના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.

શું કંગના રણોતનું સંસદનું સભ્યપદ જતું રહેશે?

શિમલાઃ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોતની ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.  જે પછી કંગનાને નોટિસ મોકલવામાં આવી છે. એ અરજીમાં કંગનાની સંસદનું સભ્યપદ રદ કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટે કંગના પાસે 21 ઓગસ્ટ સુધીનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

કંગનાની વિરુદ્ધ કિન્નોરના રહેવાસી લાયક રામ નેગીએ એ અરજી દાખલ કરી છે. નાયક વન વિભાગનો ભૂતપૂર્વ કર્મચારી છે. તેણે નોકરીમાંથી VRS લઈ લીધું હતું. તેનું કહેવું હતું કે તે ચૂંટણી લડવા ઇચ્છતો હતો, પણ ચૂંટણી અધિકારીએ તેનું નામાંકન પત્રને ખોટી રીતે ફગાવી દીધું હતું. અરજીકર્તા નેગીએ દલીલ કરી છે કે જો તેનું નામાંકન પત્ર સ્વીકારી લેવામાં આવત તો તે જીતી જાત. જેથી કોર્ટેને તેણે અરજી કરી છે કે કંગનાની ચૂંટણી રદ કરી દેવામાં આવે. તેણે મંડી સીટ પર ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી છે.  

કંગનાએ મંડી લોકસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. સિંહના 4,62,267 મતોની સામે કંગનાને 5,37,002 મત મળ્યા હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 100 હેઠળ મંડીમાં ચૂંટણીને આપવામાં આવેલો પડકારને ધ્યાનમાં રાખીને કોર્ટ ચૂંટણીને અમાન્ય ઘોષિત કરી શકે છે, જોકે એ ત્યારે થશે, જ્યારે કોર્ટ એનું નામાંકન પત્ર ગેરકાયદે રીતે ફગાવવામાં આવ્યું હોવાનું માને.

વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી લાયક રામ નેગીએ જણાવ્યું હતું કે તેમને સમયથી પહેલાં નિવૃત્તિ લીધી છે અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો સાથે વિભાગ તરફથી નો-ડ્યુઝ પ્રમાણપત્ર રજૂ કર્યું છે. જોકે  તેમને વીજળી, પાણી અને ટેલિફોન વિભાગો તરફથી કોઈ લેણાંના પ્રમાણપત્રો સબમિટ કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને જ્યારે તેમણે તે સબમિટ કર્યા ત્યારે પણ રિટર્નિંગ ઓફિસરે તેમને સ્વીકાર્યાં ન હતાં અને ઉમેદવારી પત્રો રદ કર્યા હતા. તેણે દલીલ કરી હતી કે જો તેના કાગળો સ્વીકારવામાં આવ્યા હોત તો તે ચૂંટણી જીતી શક્યા હોત અને કંગનાની ચૂંટણી રદ થવી જોઈએ.

મહોરાં સત્ય-અસત્યનાં…

આ સવાલ લગભગ દરેકને બાળપણમાં ક્યારે ને ક્યારે તો પુછાયો જ હશેઃ મોટા થઈને શું થવું છે? અથવા મોટા થઈને કોના જેવા બનવું છે?

આ સવાલ એક હાઈ સ્કૂલમાં શિક્ષકે એમના વિદ્યાર્થીઓને પૂછ્યો. જવાબમાં વિદ્યાર્થીઓએ મનગમતી વ્યક્તિઓનાં ઉદાહરણ આપવા માંડ્યાં, પોતાની પ્રેરણામૂર્તિ વિશે બોલતાં એમનાં મોં મલકતાં હતાં.

શિક્ષકે જોયું કે એક વિદ્યાર્થી કંઈ જવાબ આપ્યા વિના શાંત બેઠો છે. આ જોઈ શિક્ષકે કુતૂહલવશ તેને પૂછ્યુંઃ ‘હેન્રી, તારે મોટા થઈને કોના જેવા બનવું છે.’

વિદ્યાર્થીના ઉત્તરમાં છુપાયેલા ગુઢાર્થથી શિક્ષક અવાક્ થઈ ગયા. હેન્રી કહે, ‘સર, મારે તો હેન્રી જ બનવું છે.’

-અને તે બાળક વિશ્વનો મહાન લેખક, ચિંતક, કવિ અને ફિલોસોફર હેન્રી ડેવિડ થોરો બન્યા.

માણસ પોતાના અસ્તિત્વ પર જ્યારે સેલિબ્રિટીનાં મહોરાં ચઢાવે છે ત્યારે એ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસે છે.

વાત મહાન પુરુષોના સદગુણમય જીવનમાંથી પ્રેરણા લેવાને નકારવાની નથી, પણ માત્ર કોઈનાં પદ-પ્રતિષ્ઠા-માન-મરતબો જોઈ, તેના વ્યક્તિત્વને પોતાના અસ્તિત્વ પર સવાર ન થવા દેવાની વાત છે.

ભગવાને દરેક વ્યક્તિને અજોડ બનાવી છે. દુનિયાની સાત અજબથી વધુ વસ્તીમાં કોઈ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટસ સમાન નથી, આંખોની આઈસીસ સમાન નથી, કે અવાજના આરોહ-અવરોહ સરખા નથી. વ્યક્તિ-વ્યક્તિની પ્રકૃતિ, સ્વભાવ, બુધ્ધિક્ષમતા, કળા, આવડત, રસ, મૌલિકતા, યાદશક્તિ વગેરેનું વૈવિધ્ય તો ખરું જ.

આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિને ભગવાને એક પોતીકી ઓળખ આપી છે. તો શા માટે આપણે ભગવાનની આ અજોડ બક્ષિસને અવગણીને બીજાની જિંદગી જીવવા માંગીએ છીએ? આપણે જે છીએ, જેવા છીએ એની ઉપર આપણને ગર્વ હોવો જોઈએ.

21મી સદીના મહાન ટેકનોક્રેટ એપલ કંપનીના સ્થાપક સ્ટિવ જોબ્સે એક વાર કહેલું, ‘તમારો સમય મર્યાદિત છે. માટે બીજાની જિંદગી જીવવામાં તેને વેડફશો નહીં.’

બીજાની નકલ કરવામાં દંભ છે અને એવા દંભ ભરેલા જીવનમાં પોકળતા છે.

પોતાના ગુરુ યોગીજી મહારાજના દેહત્યાગ પછી સંસ્થાના ગુરુપદે અને પ્રમુખપદે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આવ્યા તે અરસાની વાત છે. પ્રમુખસ્વામી મહારાજની સહજ ગંભીર પ્રકૃતિ, શાંત અને સ્થિર. એક વ્યક્તિએ તેઓને સૂચન કરતાં કહ્યું. ‘તમે યોગીજી મહારાજના સ્થાને આવ્યા છો તો તમારે હવે તેમની નકલ કરવી પડશે. તે સમયે સ્વામીજીના નિર્દંભ વ્યક્તિત્વમાંથી નીકળેલો પ્રત્યુત્તર આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. ‘એ તો યોગીજી મહારાજની રીત હતી. મારી તેવી રીત નથી એટલે હું શું એમની નકલ કરું? હું જેવો છું તેવો છું, મને કોઈની નકલ કરતા નથી આવડતું, મારામાં જે ન હોય તે ઉપજાવીને કરવાનું મને ન ફાવે.”

અમેરિકાનાં તમામ વર્તમાનપત્રોની રવિવારની આવૃત્તિ (સન્ડે એડિશન) એસોસિએસનનાં અધ્યક્ષ અને ‘ફિલાડેલ્ફિયા ઇન્કવાયરર’ના તંત્રી રોનાલ્ડ ‘રોન’ પટેલે ૧૯૯૮માં ન્યુ જર્સીના એડિસનમાં સત્સંગ સભાને સંબોધતાં કહ્યુંઃ “પત્રકાર તરીકે મેં પ્રમુખસ્વામી મહારાજને કેટલાય અટપટા પ્રશ્નો પૂછ્યા, પરંતુ બધા જ પ્રશ્નોના ઉત્તરમાં જે વસ્તુ બહાર ઊઠીને આવી છે, તે છે પ્રમુખસ્વામીના આત્માની પવિત્રતા, નિર્મળતા. તમે એમને ગમે ત્યારે પ્રશ્ન પૂછો, ગમે તે પ્રશ્ન પૂછો, ઉત્તર એકદમ પવિત્ર! ઉત્તરમાં પ્રસિદ્ધિનો આશય નહીં, વર્તનમાં કે વાણીમાંય આડંબરનો અંશ નહીં. બનાવટનું મહોરું નહીં એટલે જ એમના જીવનનું સત્ય સૌને પ્રભાવિત કરે છે.”

જેમને સત્ય અને અસત્ય એવા બે મહોરાં નથી, એમને ખાનગી કે જાહેર જીવનની ચિંતા નથી. તે નિર્ભય અને નિ:શંક થઈને જિંદગીનો ઉલ્લાસ માણી શકે છે. અને કોઈનો મહોરું પહેરવાનો પ્રયત્ન કરનારની દશા કરુણ થઈ જાય છે. માટે ભગવાને આપણને જે અજોડ ઓળખ આપી છે તેને શોધીએ, જાણીએ અને તે અનુસાર આગળ વધીએ તેમાં શાણપણ રહેલું છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

વિપક્ષ કરી રહ્યો છે જનતાના જનાદેશનું અપમાનઃ કિરણ રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટની વિપક્ષની ટીકાનું ખંડન કરતાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર બજેટ પર રચનાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર રાજકારણમાં લિપ્ત રહેવાનો આરોપ લગાવ્યો હતો. બજેટના મહત્વ પર બોલતાં તેમણે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો પર પ્રકાશ ફેંકતાં એને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.

તેમણે. સંસદીય સત્ર દરમ્યાન બજેટ પર ફોકસ કરવાનો આગ્રહ કર્યો હતો. વિપક્ષે બજેટની ટીકા કરીને જનાદેશનું અપમાન કર્યું છે. વિપક્ષે બજેટનો ઉલ્લેખ કર્યા વિના માત્ર એના વિશે નકારાત્મક વાત કરી છે. હું અપીલ કરું છું કે બજેટ સેશન દરમ્યાન ચર્ચા-વિચારણા એની આસપાસ રહેવી જોઈએ. બજેટનું લક્ષ્ય ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનું છે. ઇન્ફ્રાના માળખા માટે ફાળવણી છે.

વિશ્વના દરેક ખૂણાને કવર કરવાની જોગવાઈ છે. મહિલાઓ માટે, રોજગાર માટે ખેડૂતો માટે ફંડની ફાળવણી કરવામાં આવી છે. જો વિપક્ષ નહીં સમજે કે વડા પ્રધાન મોદીને કારણે સત્તામાં આવ્યા છે તો જનતા તેમને સજા આપશે. જે રીતે કેટલાક પક્ષોના નેતાઓએ બજેટ સેશન દરમ્યાન ટિપ્પણી કરી અને જે પ્રકારે નિવેદનો આપ્યાં છે, એ જોતાં હું કહેવા ઇચ્છીશ કે તેમણે બજેટ સેશનની ગરિમાને ઘટાડી છે અને સંસદનું અપમાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.બીજી બાજુ, વિપક્ષે ખુરશી બચાવો, બજેટ મુર્દાબાદનો સૂત્રોચ્ચાર કરતાં બજેટની ટીકા કરતાં નાણાપ્રધાન પર પોકળ વચનો આપવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્ડિયા બ્લોકના નેતાઓએ બજેટ ભેદભાવપૂર્ણ હોવાનો દાવો કર્યો હતો.

 

મને મારી નાખવા ઈચ્છતો હતો લોરોન્સ…સલમાનનું નિવેદન આવ્યું સામે

મુંબઈ: 14 એપ્રિલે સવારે સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.વર્ષો પહેલા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફાયરિંગ કરનારા અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ અને પછી ત્યાંથી ભાગી ગયા.બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા. પોલીસે આ મામલે સુપરસ્ટાર સલમાન ખાનનું નિવેદન પણ નોંધ્યું હતું.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. સલમાન ખાને આપેલું નિવેદન પણ આમાં સામેલ કરવામાં આવ્યું છે.સલમાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતો અને શું કરી રહ્યો હતો. 4 જૂનના રોજ સલમાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ પાસે પોતાનું નિવેદન નોંધ્યું હતું.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં સલમાન ખાને કહ્યું હતું કે,’હું વ્યવસાયે ફિલ્મ સ્ટાર છું અને છેલ્લા 35 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. ઘણા પ્રસંગોએ મારા શુભચિંતકો અને ચાહકોની ભીડ બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ પાસેના મારા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે એકઠી થાય છે. તેમને મારો પ્રેમ બતાવવા માટે, હું મારા ફ્લેટના પહેલા માળની બાલ્કનીમાંથી વેવ કરું છું.ઉપરાંત, જ્યારે મારા ઘરે મિત્રો અને પરિવારમાં કોઈ પાર્ટી હોય ત્યારે મારા પિતા આવે છે, હું તેમની સાથે બાલ્કનીમાં સમય પસાર કરું છું.કામ પછી અથવા વહેલી સવારે હું થોડી તાજી હવા લેવા બાલ્કનીમાં જાઉં છું. મેં મારા માટે ખાનગી સુરક્ષા પણ રાખી છે.

2022માં મારા પિતાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારા પિતાને એક પત્ર મળ્યો હતો જેમાં મને અને મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી. આ પત્ર મારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બીજી બાજુની બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. માર્ચ 2023 માં, મને મારી ટીમના એક કર્મચારી તરફથી મારા સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક મેઈલ મળ્યો, જેમાં તેણે મને અને મારા પરિવારને લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી આપવામાં આવી હતી. મારી ટીમે આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં બે લોકો નકલી નામ અને ઓળખ કાર્ડ સાથે પનવેલમાં મારા ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પનવેલ તાલુકા પોલીસે બંને લોકો સામે ગુનો નોંધ્યો હતો.મને પોલીસ પાસેથી જાણવા મળ્યું કે મારા ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા બંને ગુનેગારો રાજસ્થાનના ફાઝિલ્કા ગામના હતા, જેઓ લોરેન્સ બિશ્નોઈના હતા.મેં મારી સાથેના તમામ લોકોને, મારા સંબંધીઓ અને પરિવારના સભ્યોને હંમેશા સજાગ રહેવા કહ્યું છે. મને મુંબઈ પોલીસ દ્વારા Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.પ્રશિક્ષિત પોલીસકર્મીઓ, બૉડીગાર્ડ, ખાનગી સુરક્ષા બોડીગાર્ડ મારી સુરક્ષા માટે મારી સાથે રહે છે.

’14 એપ્રિલ, 2024 ના રોજ, જ્યારે મેં ફટાકડાનો અવાજ સાંભળ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. સવારના 4.55 વાગ્યા હતા જ્યારે પોલીસ બોડીગાર્ડે જણાવ્યું કે બાઇક પર આવેલા બે લોકોએ ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીમાં બંદૂક ચલાવી હતી.આ પહેલા પણ મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે.મને જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે.હું માનું છું કે લોરેન્સ બિશ્નોઈની ગેંગે મારી બાલ્કની પર ફાયરિંગ કર્યું હતું.

મારા બોડીગાર્ડે 14મી એપ્રિલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મારા જીવ પર થયેલા હુમલા અંગે FIR નોંધાવી હતી. મને એ પણ જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે એક ઈન્ટરવ્યુમાં મને અને મારા પરિવારની હત્યા કરવાની વાત કરી હતી. તેથી હું માનું છું કે લોરેન્સ બિશ્નોઈએ તેના ગેંગના સહયોગીઓની મદદથી મારા પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે આ ગોળીબાર કર્યો હતો.તેની યોજના મને અને મારા પરિવારને મારી નાખવાની હતી, જેના માટે તેણે આ હુમલો કરાવ્યો. આ નિવેદન પર સલમાન ખાને હસ્તાક્ષર કર્યા છે.