ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-૨૦૨૪માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ૩ પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે તેને સૌ ગુજરાતવાસીઓ માટે આનંદનો અવસર ગણાવ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. એટલું જ નહિ સૌ ભારતવાસીઓ ‘ચિયર ફોર ભારત’ (Cheer for Bharat) માટે ઉત્સુક છે.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં વુમન એશિયા કપ T20 2024ની પહેલી સેમી-ફાઇનલમાં બંગલાદેશ મહિલા ક્રિકેટ ટીમને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી કોઈ એક ટીમની સાથે હશે. બીજી સેમી ફાઇનલ મેચમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે અને જે ટીમને જીત મળશે, એ ફાઇનલમાં ભારતીય ટીમ સામે રમશે.
વુમન એશિયા કપ 2024ની પહેલી સેમી ફાઇનલમાં ભારતની રેણુકા સિંહ અને રાધા યાદવની ઘાતક બોલિંગ અને એ પછી શેફાલી વર્માના 26 નોટઆઉટ રન અને સ્મૃતિ મંધાનાના નોટઆઉટ 55 રનોની ઇનિંગ્સની મદદથી વિરોધી બંગલાદેશ ટીમની સજ્જડ હાર થઈ છે. આ મેચમાં બંગલાદેશની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને એ પછી 20 ઓવરમાં આઠ વિકેટે 80 રન બનાવ્યા હતા.ભારતીય ટીમને જીત માટે 81 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો અને એ ટીમે 11 ઓવરમાં વિના વિકેટે 83 રન બનાવીને મેચ 10 વિકેટે જીતી લીધી હતી.
INDIA QUALIFIED INTO THE FINAL OF ASIA CUP 2024. 🇮🇳
ભારતે T20માં સૌપ્રથમ વાર બંગલાદેશને 10 વિકેટે હાર આપી હતી. આ ફોર્મેટમાં ભારતને ચાર વર્ષ પછી 10 વિકેટે જીત મળી છે. ભારતે આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ 10 નવેમ્બર, 2019એ 10 વિકેટે જીત હાંસલ કરી હતી.
આ મેચમાં ભારતીય ટીમ વતી રેણુકા સિંહ અને રાધા યાદવે સટિક બોલિંગ કરી હતી. રેણુકા સિંહે ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે રાધા યાદવે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થનારી અભિનેત્રીની બીજી ફિલ્મ છે. આ પહેલા તે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળી હતી. ત્યારે હવે તે ‘ઉલઝ’ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે. આ ફિલ્મનું શૌકન ગીત આજે લૉન્ચ કરવામાં આવ્યું.
જેમાં જાન્હવી કપૂર, દિગ્દર્શક સુધાંશુ સારિયા, ગાયક જુબિન નૌટિયાલ અને સંગીતકાર શાશ્વત સચદેવ હાજર હતાં.આ ગીતમાં નેહા કક્કર અને જુબિન નૌટિયાલે પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે શાશ્વત સચદેવ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. અહીં નોંધવું રહ્યું કે ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
મુંબઈ: થોડા દિવસો પહેલા જાણીતા અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની પુત્રી તિષા કુમારના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શૉકમાં હતી. હજુ લોકો આ દર્દમાંથી બહાર આવ્યા ન હતા કે હવે ફિલ્મી દુનિયામાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર ફરાહ ખાનની માતા મેનકા ઈરાનીનું નિધન થયું છે.
ફરાહની માતા મેનકા ઈરાનીએ કહ્યું અલવિદા
ફરાહ ખાનની માતા અને ડેઝી ઈરાની અને હની ઈરાનીની બહેન મેનકા ઈરાની હવે આ દુનિયામાં નથી રહ્યાં. ફરાહની માતાએ શુક્રવારે મુંબઈમાં 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. મેનકાના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઊંડો આંચકો લાગ્યો છે. ચાહકો પણ નિરાશા સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ફરાહ ખાનની માતાની સર્જરી થઈ હતી
માત્ર બે અઠવાડિયા પહેલા જ ફરાહે તેની માતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે તેની માતા સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા અને તેની બીમારી વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, “આપણે બધા આપણી માતાઓને ગ્રાન્ટેડ તરીકે લઈએ છીએ, ખાસ કરીને હું. ગયા મહિને મને સમજાયું કે હું મારી માતા મેનકાને કેટલો પ્રેમ કરું છું. તે મેં અત્યાર સુધી જોયેલી સૌથી મજબૂત અને બહાદુર વ્યક્તિ છે. તે ઘણી બધી સર્જરીમાંથી પસાર થઈ છે. તેમ છતાં તે હસતી રહે છે.”
ફરાહ ખાને આગળ લખ્યું, “હેપ્પી બર્થડે મમ્મી. ઘરે પાછા આવવા માટે આજે સારો દિવસ છે. હું રાહ જોઈ રહી છું કે તમે મજબૂત થાઓ જેથી તમે મારી સાથે ફરીથી લડવાનું શરૂ કરી શકો. આઈ લવ યુ.”
સલીમ ખાન સાથે કામ કર્યું છે
ફરાહ ખાનની માતા મેનકા પોતે પણ અભિનેત્રી રહી ચુક્યા છે. તેણે સલમાન ખાનના પિતા અને લેખક-અભિનેતા સલીમ ખાન સાથે 1963માં આવેલી ફિલ્મ ‘બચપન’માં કામ કર્યું હતું. મેનકાની આ એકમાત્ર ફિલ્મ હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ મેનકાએ પોતાની જાતને સિનેમાથી દૂર કરી લીધી હતી. ત્યારબાદ તેણે નિર્માતા કામરાન ખાન સાથે લગ્ન કર્યા.
દર વર્ષે 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને 20 જુલાઈ,1969ના દિવસે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂક્યો હતો. જેની યાદમાં 20 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટીમાં પણ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા SAC-ISROના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ વિદ્યાર્થીઓને ચંદ્ર દિવસ પાછળનો ઈતિહાસ જણાવી અમેરિકા સહિતના અન્ય દેશોના અવકાશ મિશન વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ભારતમાં અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઈસરોના ઈતિહાસ વિશે વાત કરીને ભારતના જુદા જુદા મિશન અંગે જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે રોકેટના જુદા જુદા પ્રકારો, સેટેલાઈટના જુદા જુદા પ્રકારો અને તેના ઉપયોગો તથા રડાર ટેક્નોલોજી અને તેની વિશેષતા વિશે પણ જાણકારી આપી. ત્સુનામી, ભૂકંપ વગેરે જેવી દુર્ઘટનાઓ વખતે સેટેલાઈટ કેટલા ઉપયોગી નિવડે છે તે અંગે તેમણે સમજાવ્યું. ભારતની સ્થિતિ, નેવિગેશન અને સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ નાવીક સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી છે. રેલવેના લાઈવ ટ્રેકિંગમાં, દરિયામાં માછીમારો માટે તે સિસ્ટમ કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે કામ કરે છે તેના વિશે તેમણે વિસ્તારથી જણાવ્યું. સાથે સાથે ભારતના મહત્વના ગગનયાન મિશન વિશે પણ વાત કરી. ત્યાર બાદ અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓએ એકમથી પૂનમ સુધીના જુદા જુદા દિવસના ચંદ્ર કાગળ પર દોર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે.
મુંબઈ: પ્રેક્ષકોનો પ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ફરી એકવાર નવી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. અમિતાભ બચ્ચને પણ આ શોની આગામી સિઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં, બિગ બીએ તેમના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની સીઝન 16 ના સેટ પરથી તેમની પ્રથમ તસવીર પણ શેર કરી છે. તેનો અર્થ એ કે સદીના મેગાસ્ટાર ફરી એકવાર ટીવી જગતના શ્રેષ્ઠ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે.
(Photo: IANS)
બિગ બીએ KBC 16ના સેટ પરથી પહેલો ફોટો શેર કર્યો
કૌન બનેગા કરોડપતિ સીઝન 16ના સેટ પરથી પોતાનો પહેલો ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું – ‘KBC 16 સીઝન પર પાછા.’ મેગાસ્ટારે આ ફોટો શેર કરતાની સાથે જ નેટીઝન્સે તેના પર પ્રતિક્રિયા આપીને ઉત્સાહ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. ફોટો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે કોમેન્ટમાં લખ્યું,’આરંભ કિયા જાયે…’ બીજાએ અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં લખ્યું,’દેવિયોં ઔર સજ્જનો…આપકા સ્વાગત હૈ’
શોની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી
‘કૌન બનેગા કરોડપતિ’ એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત ટેલિવિઝન ક્વિઝ રિયાલિટી શોમાંનો એક છે, જેને અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી હોસ્ટ કરી રહ્યા છે. પોતાના જ્ઞાન અને નસીબના આધારે આ શો દ્વારા ઘણા લોકોએ પોતાની કિસ્મત બદલી છે. કેટલાક કરોડપતિ બન્યા અને કેટલાક લાખપતિ બન્યા અને મુશ્કેલ જીવનમાંથી બહાર આવ્યા. તાજેતરમાં નિર્માતાઓએ શોની લોન્ચિંગ તારીખ જાહેર કરી હતી.
કોણ બનેગા કરોડપતિ ક્યારે શરૂ થાય છે?
શોના નિર્માતાઓએ તાજેતરમાં નવો પ્રોમો રિલીઝ કરીને પ્રીમિયરના સસ્પેન્સને દૂર કરી દીધું હતું. ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 16’ 12 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. હંમેશની જેમ દર્શકો આ લોકપ્રિય શોને સોની ટીવી અથવા સોની લિવ એપ્લિકેશન પર જોઈ શકશે. KBC સિઝન 16 ની ટેગલાઇન છે, ‘જિંદગી હૈ, હર મોડ પે સવાલ પૂછેગી, જવાબ દેના પડેગા!’ આ શો રાત્રે 9 વાગ્યે ટીવી પર પ્રસારિત થશે.
અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારમાં ઓગસ્ટ સિરીઝનો પ્રારંભ ફુલગુલાબી તેજી સાથે થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા બે મહિનામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માંથી 47 સ્ટોક્સ તેજી સાથે બંધ થયા હતા, જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી માત્ર એક શેર નરમ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. સાત લાખ કરોડનો વધારો થયો હતો.
સ્થાનિક શેરબજારમાં સતત પાંચ દિવસ ઘટાડા પછી તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ 1292.92 ઊછળી 81,332ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 24,861.15નો લાઇફટાઇમ હાઇ બનાવ્યા પછી 428.70 પોઈન્ટ ઊછળી 24,834.80ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 407 પોઇન્ટ વધીને 51,296ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 1026 પોઇન્ટ ઊછળી 57,768ના સ્તરે બંધ થયો હતો. ફાઇનાન્સિયલ અને રિયલ્ટી સિવાય બાકી બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. ફાર્મા શેરોમાં પણ લાવ-લાવ રહ્યું હતું.
બજાર સતત આઠમા સપ્તાહે તેજી સાથે બંધ થયું હતું, જે છેલ્લા સાત વર્ષમાં સૌપ્રથમ વાર થયું છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIS)એ ગુરુવારે ચોખ્ખી વેચવાલી કરી હતી. તેમણે રૂ. 2605.49 કરોડના શેરો વેચ્યા હતા.
નાણપ્રધાને કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કર્યા છતાં મેટલ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.92 લાખ કરોડથી વધીને 456.74 કરોડ થયું છે. ગઈ કાલના ડેટા પછી IT શેરોમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં આજે આશરે 2329 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 1108 શેરો ઘટીને બંધ થયા હતા.
ગુજરાત હાઈકોર્ટ ગત 25 જુલાઈના રોજ બિસ્માર રસ્તા અને ગેરકાયદે દબાણ સહિત રખડતા ઢોરને લઈ સુનવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ ઑથોરિટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેનીની બેચમાં આ સુનવણી હાથ ધરવામાં આવી હતી. HC એ AMCને ઝટકાણી કરતા કહ્યું કે ‘શહેરના ખરાબ રસ્તા અને ભુવા મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનિટરીંગ નહીં હોવાથી ચાર ઇંચ વરસાદમાં પણ નાગરિકો હેરાન થાય છે. શું કૉર્પોરેશનના અધિકારી-કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે.’
એઅમ.સી.એ જવાબ રજૂ કરી રોડ-રસ્તા, ખાડા-ભુવાને લઈ કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા, જેમાં શેલામાં પડેલા મોટા ભુવાને તાત્કાલિક પૂરી દેવાયો છે અને તે રોડ પર ટ્રાફિક શરુ થઈ ગયો હોવાની વાત કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘આ વાત ખોટી છે, ત્યાં રોડ પર વાહનોની અવરજવર શરુ નથી થઈ.’ એ.એમ.સી.ની પોલ ખુલ્લી પડી જતાં તેમણે સ્વીકાર્યું હતું કે, એક જ બાજુનો રસ્તો ખુલ્લો છે.
કૉર્પોરેશનના દાવાને ખુલ્લા પાડતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, ‘તમે કહો છો કે, અમે ખાડા-ભુવા પૂરી દઈએ છીએ અને ઝડપથી કામગીરી કરીએ છીએ. પરંતુ શહેરમાં આવા ખાડા-ભુવાઓ પડે છે જ કેમ..? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટીને ટેન્ડર આપી રોડ-રસ્તાની કામગીરી કરાય છે તો તમારા એન્જિનિયરો શું કરે છે?’
યુટ્યુબર, કન્ટેન્ટ ક્રિએટર, અભિનેતા અને હવે સ્ટેન્ડ અપ કૉમેડિયન વિરાજ ઘેલાણીએ છેલ્લાં આઠેક વર્ષમાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડિજિટલ હોસ્ટ બનવાથી માંડીને સંગીતસંધ્યાનાં સંચાલન કર્યાં, ટીવીઍડમાં કામ કર્યું, બિલ બોર્ડમાં મોડેલ તરીકે ચમકવા સુધીના શોખ પૂરા કર્યા. પછી ફિલ્મોમાં પણ કામ કર્યું.
હાલ પોતાના લાઈવ કૉમેડી શો સાથે ગુજરાતની ટૂર કરી રહેલા વિરાજે તાજેતરમાં ‘ચિત્રલેખા’ની મુંબઈ ઑફિસની મુલાકાત લીધી ત્યારે શું થયું એનો વિગતવાર લેખ આજે (26 જુલાઈએ) પ્રકાશિત થયેલા ‘ચિત્રલેખા’માં છે. થોડા સમયમાં એની મસ્તીભરી મુલાકાતનો ફની વિડિયો પણ ‘ચિત્રલેખા’ના ડિજિટલ માધ્યમમાં જોવા મળશે. આ લેખ એક નૉટ સો ફની ટોપિક પર છે. એ છે રીલ બનાવવાના ઝનૂન વિશે.
આજે એક આખો વર્ગ છે, જેમનાં માથાં પર રીલ બનાવી એને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવાં સોશિયલ મિડિયા પર મૂકી લાઈક્સ મેળવવાનું ગાંડપણ સવાર થયું છે. આ માટે આ લોકો કોઈ પણ હદ સુધી જાય છે. હજી આ જ મહિને મુંબઈની તેજસ્વી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, 27 વર્ષી આન્વી કામદારે મહારાષ્ટ્રના રાયગડમાં માનગાવ તાલુકાના (માનગાવ રેલવે સ્ટેશન પણ છે) કુંભે વૉટરફૉલ પાસે રીલ બનાવવામાં બેલેન્સ ખોયું ને એનો જીવ ગયો. આના એકાદ-બે દિવસ બાદ એક ચાઈનીસ ઈન્ફ્લુઅન્સર પાન ઝિયાઓટિંગે લાઈવસ્ટ્રીમ દરમિયાન વધુપડતું ખાઈને જીવ ગુમાવ્યો. બન્યું એવું કે કોરિયાથી મુકબાંગ નામનો એક ટ્રેન્ડ વહેતો થયો (એક્સટ્રીમ ઈટિંગ), જેમાં અકરાંતિયાની જેમ ખૂબ બધું ખાતા હોઈએ એવા વિડિયો શૂટ કરવાના. 14 જુલાઈએ ભોજનના ભંડાર સફાચટ કરતી 24 વર્ષની પાનબહેનનું વધુ પડતું ખાવાના લીધે, કૅમેરાની સામે, લાઈવ ડેથ થયું.
બીજી તરફ, ગમે ત્યાં રીલ બનાવવા નીકળી પડનારાઓની ઈન્ટરનેટ પર શાબ્દિક ધોલાઈ (ટ્રોલિંગ) કરવામાં આવે છે. આ વિશે વિરાજનું શું માનવું છે?
વિરાજ કહે છેઃ ‘ટ્રોલિંગ વિશેના સવાલનો પહેલાં જવાબ આપું તો, તમે એવા લોકોને કેટલો ભાવ આપો છો એની પર બધું નિર્ભર છે. કમેન્ટ્સને બહુ મહત્વ નહીં આપવાનું અને વિડિયો જ એવા બનાવવાના કે કોઈ તમારી પાછળ પડી ન જાય. વચ્ચે એક ટ્રેન્ડ આવેલોઃ ‘ઑલ આય્ઝ ઑન રફાહ.’ આવી પોસ્ટ કરનારા અડધા લોકોને રફાહ ક્યાં આવ્યું એ ખબર પણ નહીં હોય. કહેવાનું એ કે કન્ટેન્ટ ક્રિએટર તરીકે જાતને બહુ સિરિયસલી નહીં લેવાની. હું ધર્મ-રાજકારણથી દૂર રહું છું. મારું કામ છે ફની વિડિયોથી મારા ફૅન્સને ખુશ રાખવા. કોઈ મારા પ્રોફાઈલ પર જ્ઞાન મેળવવા, પ્રેરણા લેવા કે કંઈ શીખવા આવતા નથી. આ તો બેઘડીનો નિર્મળ આનંદ છે, ટાઈમપાસ છે. કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમારી ભૂમિકા આટલી જ છે.
‘હવે વાત, રીલ બનાવવાવાળાઓ વિશે… થોડા સમય પહેલાં હું ‘કેન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભાગ લેવા ફ્રાન્સ ગયેલો. મારા પ્રવાસમાં મેં જોયું કે ત્યાં લોકો કન્ટેન્ટ ક્રિએટરોને માનથી જુએ છે. કોઈ વિડિયો શૂટ કરતું હોય તો કાર અટકાવી દે. એ લોકો આને આર્ટ ગણે છે. વિડિયો બનાવનારા પણ કારવાળાને જવા દે, એમની વચ્ચે ન આવે. આપણી મુશ્કેલી એ છે કે આપણાં શહેરો લોકોથી ઊભરાય છે. મુંબઈ, અમદાવાદ જેવાં શહેરમાં લોકો સતત ભાગતા હોય છે. સતત કોઈ ને કોઈ સ્ટ્રેસ હેઠળ જીવતા, સવારથી ભાગતા લોકોની વચ્ચે ન આવો. ટ્રાફિક અટકાવીને રસ્તાની વચ્ચોવચ વિડિયો બનાવવા મંડી જાઓ તો લોકો ગુસ્સે ભરાશે જ. મારી રીલ બનાવનારાઓને એક સિમ્પલ ઍડવાઈસ છે કે પબ્લિકની સ્પેસમાં ન આવો. જાહેર જગ્યાએ વિડિયો બનાવવો જ હોય તો પરમિશન લઈને શૂટ કરો, અથવા બપોરે અવરજવર ઓછી હોય ત્યારે કરો, પણ લોકોને નડો નહીં. અને મહેરબાની કરીને જાનના જોખમે તો રીલ ન જ બનાવો.’
દેશના તમામ લોકો જેના પર મીટ માંડી બેઠા હતા, તે કેન્દ્રીય બજેટ 23 જુલાઈના રજૂ થઈ ગયું. નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની સરકારના પહેલા બજેટમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. કેટલાક સેક્ટરની આશા પર કેન્દ્રીય નાણામંત્રીએ મોહર મારી, તો કેટલાંક સેક્ટરના લોકોને નિરાશાનો સામનો કરવો પડ્યો. આ તમામ વસ્તુઓ વચ્ચે સામાન્ય માણસ જેના પર આશા બાંધી બેઠો હતો તે ટેક્સમાં રાહતની આશા ઠગારી સાબિત થઈ છે. સરકારે નોકરિયાત વર્ગના લોકો પર ટેક્સનું ભારણ વધાર્યુ તો નથી, પરંતુ બીજી તરફ ટેક્સનું ભારણ હળવું પણ કર્યું નથી. સામે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ બજેટ વિશે નિષ્ણાંતોથી માંડીને સામાન્ય લોકો શું વિચારે છે?
અનેક પ્રશ્નોના વંટોળ વચ્ચે ચિત્રલેખા.કોમએ આ વખતના ઓપિનિયન વિભાગમાં પ્રશ્ન પૂછ્યો … કેપિટલ ગેઇન ટેક્સ નોકરિયાત વર્ગ માટે કેટલો યોગ્ય? શું નોકરિયાત વર્ગ માટે આવકારદાયક બજેટ છે?
મુકેશ પટેલ, ટેક્સ એક્સપર્ટ
આ બજેટમાં નોકરિયાત વર્ગને કોઈ પણ ફાયદો નથી, એ વાતનો હું ઈનકાર કરુ છું. સરકાર એવી જોગવાઈ કરી રહી છે કે, હવે તમે નવા ટેક્સ રિઝિમ પ્રમાણે ટેક્સ ભરો. એટલા માટે સરકારે જૂના ટેક્સ રિઝિમમાં મોટા ફાયદા આપ્યા નથી. જ્યારે તમે જૂનાથી નવા ટેક્સ રિઝિમમાં ફેરફાર કરો છો, ત્યારે તમને લગભગ 17.5 હજારનો ફાયદો થાય છે. જ્યારે શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પે કરનારાઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. કોઈ પણ નોકરિયાત માણસ તેની આવક 10 કે 12 લાખ કરતા ઓછી હોય, અને આ ઉપરાંત પણ તેમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાની ફરજ પડી હોય. ત્યારે તેને માટે થોડું ભારણ વધી જશે. કેમ કે આ બજેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા કર્યો છે. એક ઉદાહરણથી સમજીયે તો, આપની આવક 10 લાખ રૂપિયા છે. તેમાંથી પહેલાં 3 લાખ રૂપિયા નીલ થઈ જાય. જે બાદ ચાર લાખ પર 20 હજાર જેટલો ટેક્સ ભરવો પડે. આ બાદ 8-10 માં જે 3 લાખ રૂપિયા થાય છે, તેના પ્રમાણે 30,000 ટેક્સ ભરવાનો આવે. જ્યારે આનો કુલ ટેક્સ 50000 ભરવો પડે છે. તેની જગ્યા પર હવે સીધો 80,000 ટેક્સ ભરવાની ફરજ પડે છે.
વિરલ કડેચા, CA
આ વર્ષે બજેટમાં નવી પદ્ધતિ પ્રમાણે 15 લાખની ઉપરની આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ ભરવો પડશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂની પદ્ધતિ પ્રમાણે લોકો પોતાની આવકને ઇન્વેસ્ટમેન્ટ કરી ટેક્સ પર રાહત મેળવતા હતા. જ્યારે હવે નવી પદ્ધતિમાં કોઈ નોકરિયાત વર્ગને રોકાણ કરવા માટે કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થોડી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એમાં પણ STT ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શેર પરના લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10 ટકાથી વધારી 12.50 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય લોગટર્મ કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેસનનો લાભ પણ છીનવી લેવામાં આવ્યો છે, જે પ્રોપર્ટી રોકાણકારોને મોટી ઇફેક્ટ કરી શકે છે. કેપિટલ ગેઇન ટેક્સ વધારવા પાછળ એક મહત્વનું કારણ એ છે કે અત્યારે લોકો ઈન્ટ્રાડે, F&O જેવી જગ્યા પર મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. જેથી સરકારે શેર ટ્રેડર્સ પાસેથી વધું ટેક્સ વસૂલવાની તક શોધી છે. આ નિર્ણયથી હવે આ રોકાણ પર વધુ ટેક્સ ભરવો પડશે. પરિણામે આપણે ટેક્સેબલ ઇન્કમ પર ફરી કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે.
શ્રેણિક શાસ્ત્રી, નોકરિયાત
બજેટમાં નોકરિયાત વર્ગમાં માટે એક ફાયદો આપવામાં આપવામાં આવ્યો છે. નવા ટેક્સ રિઝિમમાં સ્ટાર્ડ ડિડક્સન 50000 થી વધારી 75000 કરવામાં આવ્યું છે. જ્યારે કેપિટલ ગેઈનની વાત કરીએ તો, આજના યુવાનો શેરબજારમાં રોકાણ કરતાં થઈ રહ્યા છે. જ્યારે આ અધર ઇન્કમ પર આ અગાઉ 10 ટકા ટેક્સ લેવામાં આવતો હતો, જે વધીને હવે 12.5 ટકા કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો, આ સામાન્ય ફેરફાર છે. હવેના સમયમાં IPOમાં મોટાપાયે રોકાણ કરે છે. જેમાં કેટલાક IPO એવા હોય છે કે, જ્યાં સીધુ બમણું વળતર મળે છે. ત્યારે આ વળતર પર સરકારે ટેક્સ લગાડ્યો છે. આમ તો આ ટેક્સથી બચવાનો કોઈ રસ્તો નથી પણ એક ઉદાહરણ સહિત સમજીયે તો, આપણે પેટ્રોલની કિંમત વધશે પણ આપણી પેટ્રોલ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખરીદીવી તો પડશે જ..
કૌશલ પટેલ, નોકરિયાત
સામાન્ય રીતે બજેટ માટે બે પધ્ધતિ છે, એક તો ઓલ્ડ રિઝિમ અને બીજી ન્યુ રિઝિમ છે. ન્યુ રિઝિમ હાલ સુધી એવું હતું કે 7 લાખની ઈન્કમ ધરાવતા લોકો ટેક્સ ક્રેડિટ આપે અને આપણે ટેક્સ ભરવાની જરૂર પડતી ન હતી. એ સામે ઓલ્ડ રિઝિમમાં 5 લાખની લિમિટ છે. ન્યુ રિઝિમમાં નોકરિયાત વર્ગ માટે એટલો મોટો ફાયદો કરવામાં નથી આવ્યો. માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારી 75 હજાર કરી આપવામાં આવ્યો છે. નવા ટેક્સ રિઝિમમાં 7 લાખ સુધીની ટેક્સ ક્રેડિટમાં કેપિટલ ગેઇન ઉમેરતો નથી. આપણે એક ઉદાહરણથી સમજીયે તો, આપણી આવક 6 લાખની હોય અને આપણી કેપિટલ 2 લાખ હોય તો, આપણે એક લાખ પર તો ટેક્સ ભરવો જ પડે છે. સામાન્ય રીતે કેપિટલ ગેઇન ટેક્સ શોર્ટ ટર્મ માટે 15 ટકા હતું અને લોન્ગ ટર્મ માટે 10 ટકા હતું, જે વધારીને 20 અને 12.5 ટકા કરવામાં આવ્યુ છે. જેના કારણે આવનારી નાણાકીય વર્ષમાં ટેક્સનું ભારણ નોકરિયાત વર્ગ પર વધશે.
દિશા રાવ, નોકરિયાત
હું હાલ 10-12 લાખના સ્લેબ હેઠળ મારો ટેક્સ ભરી રહી છું. સામાન્ય રીતે મારા ટેક્સમાં વધુ પડતું હું ટેક્સ ફરી ક્રેડિટ થાય એ રીતનું આયોજન કરું છું. જ્યારે કેપિટલ ગેઇન ટેક્સની વાત થાય ત્યારે આમ તો મારી પાસે લોન્ગ ટર્મ ઇન્વે્ટમેન્ટ હોવાથી, મારે ટેક્સ લઈ મોટા ફેરફાર થયા નથી. કેમ કે આ બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો. પરંતુ આ ટેક્સમાં લોન્ગ ટર્મમાં 10 ટકાથી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે શોર્ટ ટર્મમાં 15 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો જે લોકો પાસે નાના ઈન્વેસ્ટમેન્ટ હોય તેવા લોકો માટે ટેક્સ ભારણ વધશે. જ્યારે મારી પાસે લોન્ગ ટર્મ ઈન્વેન્ટમેન્ટ હોવાથી મારે ટેક્સનું ભારણ વધ્યુ નથી.