Home Blog Page 1579

ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવ્યો

રાજકોટ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતમાં આજે રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની લડાઇમાં ગુજરાતના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વ તેમણે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે , ભારતને આઝાદી આસાનીથી નથી મળી. અનેક વિરો એ શહાદત વહોરી છે. ગુજરાતનું આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધી ગુજરાતની આ વીર ભૂમિમાં જન્મ્યા હતા અને આઝાદી પહેલા દેશમાં 562 રજવાડાઓ હતા તેને એક કરવાનું મહાન કાર્ય સરદાર પટેલે કર્યું હતું તેઓ પણ ગુજરાતની ધરતીમાં સપૂત હતા. અને આજે  પણ ગુજરાત સાથે જેમનો સબંધ રહ્યો છે તેવા યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તેજીથી પ્રગતિ કરી રહ્યું છે. તેનું સમગ્ર દેશને ગૌરવ છે. આજના યુવાનો આઝાદી લડવૈયાઓને યાદ કરે જેથી દેશનો ઇતિહાસ નવી પેઢી જાણે.

તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે , વિપક્ષ આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝ જે ભગતસિંહને યાદ કરવાને બદલે માત્ર એક પરિવાર ને જ યાદ કરે છે. નકલી રાષ્ટ્રભક્તિ તેઓ બતાવી રહ્યા છે.

આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આઝાદીના આ પર્વને ગૌરવથી ઉજવવા ઘેર ઘેર તિરંગા ફરકાવવા આહવાન કર્યું હતું. સાંસદો, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો સવારે 10 વાગ્યે યોજાયેલા રાષ્ટ્રભક્તિ ના માહોલમાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

તસવીર , નિશુ કાચા

પેરિસ ઓલિમ્પિકઃ સરકારે 117 ખેલાડીઓ પાછળ 470 કરોડ ખર્ચ્યા

નવી દિલ્હીઃ ભારતે ઓલિમ્પિકની સફર 1900માં નોર્મન પ્રિચર્ડની સાથે શરૂ કરી હતી. ત્યારે દેશના પહેલા એથ્લીટે પુરુષોની 200 મીટર હર્ડલ્સમાં પહેલો મેડલ જીત્યો હતો. ત્યારથી ભારતે 25 ઓલિમ્પિક ગેમ્સમાં 40 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સામેલ છે.

પાછલા ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા અને આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં એનાથી સારા દેખાવની આશાએ 117 ખેલાડીઓ મોકલવામાં આવ્યા હતા. જોકે ભારતના ખાતામાં અત્યાર સુધી છ મેડલ આવ્યા છે, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે. આ વખતે ગોલ્ડ મેડલ એક પણ નથી આવ્યો.સ્પોર્ટ્સ મંત્રાલય અનુસાર પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે ભારત સરકારે ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા માટે રૂ. 470 કરોડ ખર્ચ કર્યા છે. આ પૈસા ખેલાડીઓની સારી ટ્રેનિંગ, ઇક્વિપમેન્ટ્સ અને અન્ય સુવિધાઓ આપવામાં મદદ કરે છે, જેથી તેઓ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતી શકે.આ ફંડને અલગ-અલગ રમતો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.

ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ રૂ. 96.08 કરોડનો ખર્ચ કર્યો છે. આ પૈસાથી 29 એથ્લીટોને તૈયાર કરવામાં આવ્યા હતા. પેરિસ ઓલિમ્પિકની તૈયારી માટે 36 નેશનલ કેમ્પ અને 85 વિદેશ પ્રવાસ કરાવવામાં આવ્યા હતા.

ભારત સરકારે બેડમિન્ટન માટે રૂ. 72.03 કરોડ ખર્ચ કર્યો છે, આ પૈસાથી સાત બેડમેન્ટન ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. તેમણે 13 નેશનલ ને 81 વિદેશ પ્રવાસ કરાવ્યા હતા. આ સાથે સરકારે બોક્સિંગ માટે રૂ. 60.93 કરોડ, રાઇફલ રૂ. 60.42 કરોડ, હોકી રૂ. 41.3 કરોડ, તીરંદાજી રૂ. 39.18 કરોડ, કુશ્તી રૂ. 37.8 કરોડ અને વેઇટલિફ્ટિંગ રૂ. 27 કરોડ ખર્ચ્યા હતા.

પરમાત્મા સાથે લગાવ એ નિર્ભયતાનો આધાર છે

મનમાં ન ઉતરવાના કારણે વારંવાર જૂઠ ના આધારે તેના સ્વરૂપને કાપવા-જોડવામાં બહુ જ સમય વ્યર્થ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જેવી રીતે આત્મા વગરનું શરીર ગમે તેટલા ઉપાય કરવા છતાં દરેક સેકન્ડે કરમાતું જાય છે અને છેવટે હાડપિંજર બની જાય છે. તેવી જ રીતે સત્યરૂપી આત્મા થી વિરુદ્ધ વાત પણ મનની નીડરતાને ધીરે-ધીરે નષ્ટ કરે છે. અસત્ય આચરણ જ ભૂતનું સ્વરૂપ ધારણ કરીને મનુષ્યને ડરાવે છે.

જ્યાં મારા પણું છે (લગાવ,આસક્તિ) ત્યાંથી ભયની પ્રવેશતા થાય છે. ભક્તિ માર્ગના શાસ્ત્ર રામાયણમાં આવો પ્રસંગ વર્ણન કરેલ છે. સીતા જંગલમાં ફરતા એકદમ નિર્ભય છે. પરંતુ એક દિવસ સોનાના હરણમાં મારા પણું ઉત્પન્ન થવાથી આંતરિક મનમાં ભય ઉત્પન્ન થાય છે. ઘાયલ હરણના મુખથી હાય લક્ષ્મણ! એ અવાજ સાંભળીને મજબૂત મન વાળી સીતાના મનમાં ભય ઉત્પન્ન થાય છે તથા તે ધ્રુજી ઉઠે છે. જેના શરણમાં તે પોતે ભયમુક્ત રહી તે લક્ષ્મણને તે ખરું ખોટું કહી બેસે છે અને વાણીની સૌમ્યતા ગુમાવીને મનોબળ વગરની સીતા વિકારો (રાવણ) ના વશ થઈ જાય છે. ભયની પ્રવેશતા ના કારણે તમામ નકારાત્મક વૃત્તિઓ તેનામાં પ્રવેશી જાય છે.

પ્રકૃતિ આત્માને વશ સત્તા છે, જેને સાધનના રૂપમાં રાખવામાં આવેલ છે પરંતુ મનુષ્ય લગાવના કારણે પ્રકૃતિને જીવનનો આધાર બનાવી લે છે. પરમાત્મા સાથે લગાવ એ નિર્ભયતાનો આધાર છે અને પ્રકૃતિ સાથે લગાવ એ ભયનો આધાર છે. આત્મા જે પ્રકૃતિના આધારે થોડા સમય માટે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ જતું રહેવાનો ભય પણ તેને રહે છે. પદાર્થોનો રસ શરીર દ્વારા લેવામાં આવે છે, મનુષ્યને આ શરીર રૂપી સાધન ન રહેવાનો, તે બીમાર થવાનો કે અશક્ત થવાનો ભય સતત રહે છે.

 

પદાર્થોનો રસ શરીર દ્વારા લેવામાં આવે છે માટે જ આ શરીર રૂપી સાધન અશક્ત બીમાર થવાનો ભય કે મૃત્યુનો ભય સતત રહે છે. તે ઉપરાંત પ્રકૃતિનું સુખદાઇ રૂપ બદલાઈ જવાનો કે છીનવાઈ જવાનો ભય પણ સાથે રહે છે. માટે જ પદાર્થો તથા વૈભવનો આનંદ સાચો આનંદ નથી માનવામાં આવતો કારણ કે તેમાં ભય સમાયેલો હોય છે.” હું તથા મારું”- તેનાથી મુક્ત થતા જ આપણે હલકા બની જઈએ છીએ તથા સાચી ખુશીનો અનુભવ કરીએ છીએ.

પથ્થર થી હીરા બની જોઈએ છીએ તથા અનેક પ્રકારના બંધન થી છૂટીને શ્રીકૃષ્ણ સમાન સતોગુણી બની જઈએ છીએ. પહેલાના જમાનામાં રાજા પોતાની રાજ્ય શક્તિ દ્વારા પ્રજાને નિશ્ચિંત રહેવાનું વચન આપતા હતા. પરંતુ આજે પ્રજાના પ્રજા પર રાજ્યમાં ઉપરથી નીચે સુધી બધાના ગળા ઉપર ભયની તલવાર લટકી રહી છે. જે જેટલા ઉપર છે તેટલી તે તલવાર તેનાથી નજીક છે. થોડા દિવસ પહેલા સમાચાર પત્રમાં સમાચાર હતા કે ચૂંટણીના એક ઉમેદવાર સુરક્ષા ગાર્ડની ફોજ થી ઘેરાયેલા હોવા છતાં પણ વોટ આપવા માટે બહાર ન નીકળેલ. ડરના માર્યા ઘરમાં જ રહ્યા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

ગાંધીઃ માય ફાધરનાં 17 વર્ષ, પિતા-પુત્રના સંબંધનું સત્ય

ને કહેવાય જોગ-સંજોગ. હજી ગયા અઠવાડિયે ચિત્રલેખાના વિરાટ વ્યક્તિત્વો વિભાગમાં સાહિત્યકાર-ઈતિહાસકાર દિનકર જોશીની વિસ્તૃત મુલાકાત પ્રકાશિત થઈ એ જ ટાંકણે એમની નવલકથા પ્રકાશનો પડછાયો પરથી સર્જાયેલી ફિલ્મ ગાંધી: માય ફાધરની રિલીઝને 17 વર્ષ થયાં. ઍક્ટર અનિલ કપૂરની પ્રોડ્યુસર તરીકે આ પહેલી, જ્યારે રંગકર્મી ફિરોઝ અબ્બાસ ખાનની ફિલ્મડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ. ‘ગાંધીઃ માય ફાધર’ એટલે ચુસ્ત સિદ્ધાંતવાદી પિતા મોહનદાસ કરમચંદ ગાંધી અને એમના મહત્ત્વાકાંક્ષી પુત્ર હરિલાલના જટિલ, ન સમજાય એવા સંબંધનું ચિત્રણ.

ગાંધીબાપુને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, પણ એમનોય એક પરિવાર હતો. એ પોતાના પુત્રને પ્રેમ કરતા, પણ એમને માટે દેશ વધુ મહત્ત્વનો હતો. હરિલાલની નસોમાં બાપુનું લોહી દોડતું, પણ એમની ઈચ્છાઆકાંક્ષા જુદી હતી. એમને બેરિસ્ટર બનવું હતું, પોતાની એક ઓળખ બનાવવી હતી, પણ ગાંધીજીની દલીલ હતી કે “આપણી પાસે આઝાદી જ નથી તો બેરિસ્ટર થઈએ કે ડૉક્ટર, શું ફરક પડે છે”? હરિલાલ સતત પિતાના ઝળહળતા પ્રકાશના પડછાયામાં જ રહ્યા. એક તબક્કે એ ધર્મપરિવર્તન કરી મુસલમાન બની ગયેલા, પછી પાછો હિંદુ ધર્મ અપનાવ્યો, દારૂની લત વળગી. અને છેલ્લે, મહાત્મા ગાંધીના અવસાનના પાંચ મહિના બાદ સાવ ગુમનામીમાં એમનો દેહાંત થયો. એમના અંતિમસંસ્કાર વખતે માંડ 12-15 જણ હાજર હતા.

 

દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પરથી નાટક ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ના ગુજરાતી-મરાઠી-અંગ્રેજી એમ વિવિધ ભાષામાં સેંકડો પ્રયોગ થયા. અંગ્રેજી ભાષામાં ‘મહાત્મા વર્સીસ ગાંધી’ નાટક ફિરોઝ ખાને જ કર્યું.

ફિલ્મમાં બે મહત્ત્વનાં પાત્ર રંગભૂમિના કળાકારે ભજવ્યાં- દર્શન જરીવાલા બન્યા મહાત્મા ગાંધી, શેફાલી શાહ કસ્તુરબા ગાંધી, જ્યારે અક્ષય ખન્નાએ હરિલાલ ગાંધીની ભૂમિકા ભજવી, ભૂમિકા ચાવલા હતાં હરિલાલનાં પત્ની ગુલાબ ગાંધી. પ્રસ્તુત છે ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન તથા ઍક્ટર-પ્રોડ્યુસર અનિલ કપૂર સાથે એ વખતે થયેલી વાતચીતના અંશઃ

ફિરોઝભાઈ કહે છેઃ “રિસર્ચ ખૂબ કર્યું. બાપુ-હરિલાલના સંબંધ તથા બીજી નક્કર હકીકતો મને મળી ચંદુલાલ ભગુભાઈ દલાલના પુસ્તક ‘હરિલાલઃ એક દુ:ખી આત્મા’માંથી. એ પછી હું વાંચી ગયો હરિલાલનાં દોહિત્રી નીલમબહેન પારેખ લિખિત ‘હરિલાલઃ બાપુનું ખોવાયેલું ધન’. એમના પુસ્તકમાંથી મને બાપુ-હરિલાલના સંબંધની મર્યાદા સમજવા મળી. દિનકરભાઈની ‘પ્રકાશનો પડછાયો’ પણ વાંચી. આ ઉપરાંત, મેં અરુણ ગાંધી લિખિત પુસ્તક ‘કસ્તુરબા’ પણ વાંચ્યું.”

અરુણ ગાંધીના પુસ્તકમાં બા-બાપુ વચ્ચે એક મજેદાર પ્રસંગ-સંવાદ છે. પ્રસંગ છે યરવડા જેલનો. બાપુ જેલમાં સમય પસાર કરવા બાને ભણાવતા. એક દિવસ બાએ સહજતાથી સવાલ કર્યો: “આપણો દેશ તો કેટલો મોટો છે? ત્રણેક લાખ અંગ્રેજો એમાં રહે તો આપણું શું જાય?”

 

બાપુએ હસીને જવાબ આપ્યોઃ “એ લોકો આપણને આઝાદી આપી દે પછી અહીં રહે તો આપણને કયાં વાંધો છે? એમની ગુલામી મંજૂર નથી”. આ સંવાદ પરથી ખ્યાલ આવે કે આ ફિલ્મ સનસનાટીની નહીં, પણ સંસ્કારની ફિલ્મ છે.

ફિરોઝભાઈ કહે છે કે “મારી ફિલ્મમાં મેં ન્યાય તોળવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. મારું સમગ્ર ધ્યાન કથા, કથા-કથન (સ્ટોરી-ટેલિંગ) પર જ રહ્યું છે. પિતા-પુત્રમાં કોણ સાચું હતું અને કોણ ખોટું એ વિશે મારે કંઈ કહેવું નથી, કહી શકું જ નહીં. મારું શું ગજું કે આવા મહાત્મા વિશે જજમેન્ટ આપું?”

રિસર્ચ અને કથા-પટકથા તૈયાર થઈ ગયા બાદની કામગીરી હતી કળાકારોની વરણી. બધા જ મુખ્ય કળાકારોએ ખૂબ સરસ કામ કર્યું છે. શૂટિંગ શરૂ થયું પછી થોડા જ સમયમાં અક્ષય હરિલાલ ખન્ના સ્ટાર મટીને હરિલાલ બની ગયો. એણે શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી બીજી ફિલ્મ ન સ્વીકારી. શેફાલીએ તો મીરા નાયરની ‘નેમસેક’ જેવી ફિલ્મ છોડી.

શું એ સાચું કે એક મોટા કળાકારે ગાંધીના રોલ માટે હા પાડીને પછી ફિરોઝભાઈને રઝળાવેલા?

“હા. ગાંધીજીના પાત્ર માટે એક ખૂબ જાણીતા, કલાકારને લેવામાં આવ્યા, દક્ષિણ આફ્રિકામાં શૂટિંગ ગોઠવાયું, અમારો કાફલો ત્યાં પહોંચી ગયો, પણ એ કલાકાર મુંબઈથી દક્ષિણ આફ્રિકા આવ્યા જ નહીં. અમે આફ્રિકાના ડેલે હાથ દઈ એમ ને એમ પાછા આવ્યા. ઍક્ચ્યુઅલી, એ અભિનેતાને થોડા ફૅમિલી પ્રોબ્લેમ્સ હતા. પછી, મુંબઈ આવીને રંગભૂમિ-ફિલ્મના ઉમદા કલાકાર દર્શન જરીવાલાની વરણી કરી”.

 

અનિલ કપૂરને મારો સવાલ હતો કે, નિર્માતા તરીકે પહેલી ફિલ્મ માટે એણે આવો વિષય કેમ પસંદ કર્યો હશે?

જવાબ આપતાં અનિલજી કહેઃ “માય ફ્રેન્ડ કેતન, સબ્જેક્ટ તો છોડ, હું નિર્માતા બનું એની સામે જ મારા ઘરમાં વાંધો હતો. ખાસ કરીને પત્ની સુનીતાને. એનું કહેવું હતું કે અત્યારે મને ફિલ્મમાં કામ કરવાના પૈસા મળે છે, બધા મને લાડ લડાવે છે. નિર્માતા બન્યા પછી મારે બધાને પૈસા ચૂકવવા પડશે, બીજાને લાડ લડાવવા પડશે. હવે વાત સબ્જેક્ટની. તો આ વિષય.. ઈટ ટચીસ માય હાર્ટ. પટકથા અમે ત્રણે- મેં, સુનીતાએ અને દીકરી સોનમે સાથે સાંભળેલી. નરેશન પૂરું થયું ત્યારે અમારી આંખોમાં આંસુ હતાં. સુનીતા રાજી થઈ ગઈ.’

આ એક ચોક્કસ સમયગાળાની ફિલ્મ (પિરિયડ ફિલ્મ) છે એટલે એ સચ્ચાઈની બિલકુલ નજીક લાગવી જોઈએ. સર્જકો સામે આ એક સૌથી મોટો પડકાર હતો. ફિરોઝભાઈ કહે છે કે “શૂટિંગનું પહેલું શિડ્યુઅલ અમદાવાદની વિવિધ પોળમાં, અડાલજની વાવમાં હતું. મધ્ય પ્રદેશના પટૌડીના જે કાર-શેડમાં એ જમાનાનાં એન્જિન મૂકવામાં આવ્યાં છે એની આસપાસ રેલવેસ્ટેશનનો સેટ ખડો કરી ત્યાં કેટલાંક મહત્ત્વનાં દૃશ્ય ઝડપ્યાં. અમદાવાદની પોળના રહેવાસીઓએ અમને ઘણો સારો સહકાર આપ્યો. અમે રાતભર શૂટિંગ કરતા, તો પોળવાસીઓ અમારા કસબીને આરામ કરવાનું કહી લાઈટ પકડીને ઊભા રહી જતા”.

 

રિયલ લોકેશન ઉપરાંત આર્ટ ડિરેક્ટર (હવે સ્વર્ગસ્થ) નીતિન ચંદ્રકાંત દેસાઈએ મહારાષ્ટ્રમાં પુણે નજીક એક નદીને કિનારે સાબરમતી આશ્રમનો સેટ બનાવ્યો, કારણ કે વાસ્તવિક સાબરમતી આશ્રમની આસપાસ ઘણી ઈમારતો બની ગઈ છે એટલે ત્યાં શૂટિંગ કરવું શક્ય નહોતું. નીતિન દેસાઈએ મહારાષ્ટ્રના ભોરમાં આફ્રિકાના ફિનિક્સ તથા ટૉલ્સ્ટૉય ફાર્મ, સાબરમતી આશ્રમ, વગેરેના આબેહૂબ સેટ્સ પણ તૈયાર કર્યા. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પણ શૂટિંગ થયું.

ફિલ્મમાં વિવિધ દૃશ્યનાં ટેકિંગ, લોકેશન, કતારબંધ ઊભેલાં સ્ટીમ એન્જિન એક રોમાંચક વાતાવરણ સર્જે છે. ઈંગ્લૅન્ડના સિનેમેટોગ્રાફર ડેવિડ મેક્ડોનલ્ડની ફોટોગ્રાફી મગજ તરબતર કરી દે એવી છે. આ ઉપરાંત, મેકઅપ-હેર ડિઝાઈનર પૅની સ્મિથે ઢગલાબંધ રિસર્ચ મટીરિયલ ફેંદીને ગાંધીજી, કસ્તુરબા, હરિલાલ અને ગુલાબ ગાંધી (હરિલાલનાં પત્ની), વગેરેના ગેટઅપ તૈયાર કર્યા, જ્યારે સુજાતા શર્માએ કૉસ્ચ્યુમ્સ. તો પીયૂષ કનોજિયાએ સંગીતનો ડિપાર્ટમેન્ટ બખૂબી સંભાળ્યો.

દક્ષિણ આફ્રિકા, નવી દિલ્હી તથા મુંબઈ એમ ત્રણ સ્થળે ‘ગાંધીઃ માય ફાધર’ના પ્રીમિયર શો યોજાયેલા. મુંબઈના પ્રીમિયરમાં ખાસ દિનકર જોશીને આમંત્રણ આપવામાં આવેલું. આફ્રિકાના પ્રીમિયર-શોમાંથી થયેલી આવક નેલ્સન મન્ડેલાનાં સદ્કાર્યો માટે દાન આપવામાં આવી.

“ઓકે ફિરોઝભાઈ, ગાંધીજી હરિલાલના સંબંધ વિશે તમારે એક વાક્યમાં કંઈ કહેવાનું હોય તો…”?

“એ જ કે બ્રિટિશ સામ્રાજ્યનું હૃદયપરિવર્તન કરનારા મહાપુરુષ પોતાના પુત્રનું હૃદયપરિવર્તન કરી ન શક્યા એ વિધિની કેવી વક્રતા? ફિલ્મમાં બાપુનો એક સંવાદ છેઃ બે વ્યક્તિને હું ક્યારેય મનાવી શક્યો નહીં એ મારા જીવનનો સૌથી મોટો અફસોસ-એક તો મારા મુસ્લિમ મિત્ર મોહમ્મદ અલી ઝીણા અને બીજી, મારો સગો દીકરો હરિલાલ.”

બાંગ્લાદેશના તણાવ વચ્ચે કંગના રનૌતની ખાસ અપીલ, પોસ્ટ વાયરલ

મુંબઈ: કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં શરમાતી નથી. હવે બાંગ્લાદેશના તણાવ વચ્ચે કંગના રનૌતે ફરી એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ દેશના લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે અને તેમને અપીલ પણ કરી છે કે તેઓ હંમેશા તેમના લોકો અને તેમની ભૂમિ માટે સાથે ઉભા રહે, કારણ કે શાંતિ સરળતાથી પ્રાપ્ત થતી નથી. બાંગ્લાદેશના તણાવ વચ્ચે તેણે આ પોસ્ટ શેર કરી છે, જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે.

કંગના રનૌતની પોસ્ટ

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું,’શાંતિ એ હવા કે સૂર્યપ્રકાશ નથી જે તમને લાગે છે કે તમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તમને તે મફતમાં મળશે. મહાભારત હોય કે રામાયણ વિશ્વના ઈતિહાસની સૌથી મોટી લડાઈ શાંતિ માટે લડવામાં આવી છે. તમારી તલવારો ઉપાડો અને તેને ધારદાર રાખો,દરરોજ કેટલીક લડાઈ શૈલીઓનો અભ્યાસ કરો.’

તમારી ભૂમિની રક્ષા માટે તૈયાર રહોઃ કંગના રનૌત

પોતાની પોસ્ટમાં તેણે આગળ લખ્યું- ‘જો વધુ નહીં, તો સ્વરક્ષણ માટે દરરોજ 10 મિનિટ આપો. અન્યના શસ્ત્રો માટે તમારું સમર્પણ, લડવામાં તમારી અસમર્થતાનું પરિણામ ન હોવું જોઈએ. વિશ્વાસમાં સમર્પિત થવું એ પ્રેમ છે પણ ડરમાં સમર્પણ થવું એ કાયરતા છે. ઈઝરાયેલની જેમ આપણે પણ હવે ઉગ્રવાદીઓથી ઘેરાયેલા છીએ. આપણે આપણા લોકો અને આપણી જમીનની સુરક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાની આ પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌત ઈમરજન્સીમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત પણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ માટે હેડલાઇન્સમાં છે. અભિનેત્રીએ વર્ષ 2021માં આ ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી તે સિનેમાઘરોમાં આવી શકી નથી. આ એક પોલિટિકલ ડ્રામા છે, જેમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં કંગના માત્ર લીડ રોલ જ નથી કરી રહી, તે આ ફિલ્મને ડિરેક્ટ પણ કરી રહી છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને શ્રેયસ તલપડે જેવા કલાકારો પણ જોવા મળશે.

Monsoon Update: રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં પાછલા ત્રણ દિવસથી વરસાદનું જોરા ઘટી રહ્યું છે. હવામાન વિભાગે પણ વરસાદની સિસ્ટમ થોડી નબળી પડી હવોનું જણાવ્યું હતું. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 2.32 ઈંચ, વડોદરામાં 2 ઈંચ, આણંદના ખંભાતમાં 1.96 ઈંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 10મી ઓગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે 11મીથી 13મી ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યાતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં સિઝનનો એવરેજ 68.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

શેખ હસીનાના રાજીનામા પછી બંગલાદેશમાં 232 લોકોનાં મોત

ઢાકાઃ શેખ હસીનાએ વડા પ્રધાનપદથી રાજીનામું આપ્યા પછી બંગલાદેશમાં ભડકેલી હિંસા અને અથડામણમાં છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 232 લોકોનાં મોત થયાં છે. એ સાથે છેલ્લા 23 દિવસોમાં મૃતકોની કુલ સંખ્યા 560એ પહોંચી છે. આ ઘટના વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી વિરોધ પ્રદર્શનની વચ્ચે ભારત ભાગી ગયા પછી થઈ હતી. આ વિરોધ પ્રદર્શનોને કારણે શેખ હસીના સરકાર પડી ગઈ હતી. અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર દેશમાં વહીવટ હાથમાં લઈ લીધો છે.

સ્થાનિક મિડિયાએ હિંસાને ધ્યાનમાં રાખતાં બંગલાદેશમાં અલ્પસંખ્યકો પર ગંભીર ઉત્પીડનના અહેવાલો આપ્યા છે. જેને લીધે છેલ્લા કેટલાક દિવસોમાં ભયભીત બંગલાદેશ હિન્દુઓએ ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસવાના પ્રયાસ કર્યા છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં હિન્દુ બંગલાદેશ છોડીને ભારત આવવા ઇચ્છે છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભારત-બંગલાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે.

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે. આ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે. આટલું જ નહીં, હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બંગલાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે. આ સમિતિ ભારત બંગલાદેશની સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે.

 

 

 

બાળકોને નિર્ણય લેવાની સાથે નિર્ણયનાં પરિણામો માટે તૈયાર રહેવા પણ શીખવો…

બાળકોને ફક્ત નિર્ણય લેવાનું નહીં, નિર્ણયનાં પરિણામો

ભોગવવા માટે તૈયાર રહેવાનું પણ શીખવવું જોઈએ

”અમારું બાળક જે ક્ષેત્ર પસંદ કરશે તેમાં સારામાં સારું શિક્ષણ આપવાનો અમારો વિચાર છે.” પરાગ અને નેહા મારી સાથેની વાતચીતમાં કહી રહ્યાં હતાં. તેમનો પરિવાર ખાધેપીધે સુખી હતો. પરાગ ટેલીકોમ ક્ષેત્રમાં ઉંચા હોદ્દા પર હતો અને નેહા પ્રવાસન ઉદ્યોગમાં મૅનેજર તરીકે કામ કરતી હતી. તેમના દીકરા પ્રજ્ઞેશની ઈચ્છા બૅડમિન્ટનમાં કારકિર્દી ઘડવાની હોવાથી તેમણે તેને બેંગલોરની બૅડમિન્ટન ઍકેડેમીમાં પ્રવેશ અપાવ્યો હતો. તેને ભાડે ઘર પણ અપાવી દીધું હતું, જેમાં તેના માટે નોકર અને રસોઈયાની વ્યવસ્થા હતી. નેહાનાં મમ્મી પ્રજ્ઞેશની દેખરેખ રાખવા માટે બેંગલોર રહેવા જશે એવું નક્કી થયું હતું. તેમને પુણેથી બેંગલોર લઈ જવા માટે કાર મોકલવામાં આવી હતી. પરાગ અને નેહા પણ વચ્ચે-વચ્ચે બેંગલોર જઈ આવતાં. પ્રજ્ઞેશની તાલીમથી લઈને બીજો બધો ખર્ચ વર્ષેદહાડે 22 લાખ રૂપિયા થવાનો અંદાજ હતો. પ્રજ્ઞેશે બે વર્ષની તાલીમ બાદ પુણે પાછા આવવાનો વિચાર કર્યો, કારણ કે તેને બૅડમિન્ટનમાં રસ રહ્યો ન હતો.

મિત્તલ અને રૂપા ઇન્દોરનાં વતની હતાં. તેમની દીકરી રુમિ વકીલ બનવા માગતી હતી. તેને બેંગલોરની પ્રતિષ્ઠિત લૉ કોલેજમાં પ્રવેશ લેવાની ઈચ્છા હતી. મિત્તલ અને રૂપાએ તેના નિર્ણયને માન્ય રાખ્યો. રુમિ બેંગલોરમાં ભણીને ઇન્ટર્નશિપ માટે મુંબઈ ગઈ. તેમનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. તેમની પાસે મિલકત ઘણી હતી, પરંતુ નિયમિત આવક વધુ ન હતી. મિત્તલ અને રૂપાએ નોકરી કરવાનું શરૂ કર્યું. રુમિના શિક્ષણ અને મુંબઈમાં તેના રોકાણના ખર્ચની વ્યવસ્થા કરી દેવાઈ હતી. પાંચ વર્ષના શિક્ષણ અને એક વર્ષની ઇન્ટર્નશિપ બાદ રુમિને કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનું ગમ્યું નહીં. એને ફાઇનાન્સ વિષય ભણવાનું મન થયું.

આજકાલ આવા અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની કારકિર્દી દરમિયાન છેલ્લા એક દશકામાં મેં એવા છ કિસ્સાઓ જોયા છે, જેમાં વાલીઓએ સંતાનની રુચિ અનુસારના શિક્ષણ માટે લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા બાદ સંતાને એ ક્ષેત્ર છોડી દીધું હોય.

વાલીઓએ આવી રીતે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ કે નહીં એના વિશે ટિપ્પણી કરવાનું અનુચિત છે. ખરું પૂછો તો, હું પણ મારી દીકરીના શિક્ષણ માટે આવશ્યક ખર્ચ કરીશ. જો કે, મૂળ મુદ્દો ખર્ચ કરવા કરતાં સંતાનોને તેમના નિર્ણય માટે જવાબદાર બનાવવાનો છે. માતાપિતા બાળકની ઈચ્છાનુસાર ખર્ચ કરવા તૈયાર હોય અને તેમને એ પરવડતું હોય તેનો અર્થ એવો નથી કે બાળક કોઈ પણ પ્રકારની જવાબદારી વગર ભણે અને પછી એ ક્ષેત્ર છોડી દે. તેનો નિર્ણય કોઈની દેખાદેખી કરીને કે ઉતાવળે કે સમજ્યા-વિચાર્યા વગર લેવાયો છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે.

કોઈ એક વસ્તુ પાછળ ઘણી મોટી રકમ ખર્ચી કાઢીએ તો તેની અસર લાંબા ગાળાના સંપત્તિસર્જન પર થતી હોય છે. જો કે, એ મુદ્દો બાજુએ મૂકીએ, કારણ કે એ મુખ્ય મુદ્દો નથી. મૂળ વાત તો એ છે કે પરિવારની સંપત્તિના ભોગે બાળકને જવાબદારી વગર વર્તવા દેવાય છે. એક વખત આવી જ ચર્ચા દરમિયાન એક માતાએ મને કહ્યું હતું કે તેમની દીકરી આ બધું વિચારવા માટે ઘણી નાની કહેવાય. એ વખતે મારો સામો સવાલ એ હતો કે શું બાળક કારકિર્દી વિશે નિર્ણય લેવા પરિપક્વ છે?

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મારે કહેવાનું કે પરિવારની સંપત્તિને વેડફી દેવાય નહીં. બાળકોને પણ સંપત્તિનો આદર કરતાં શીખવવું જોઈએ. ઘરના મોભીએ વર્ષો સુધી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે એ તેને સમજાવું જોઈએ. પરિવારની સંપત્તિ બધાની હોય છે અને તેના ખર્ચ બાબતે બધા જ જવાબદાર હોવા જોઈએ.

બાળકોને ફક્ત નિર્ણય લેવાનું નહીં, નિર્ણયનાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાનું પણ શીખવવું જોઈએ. બાળકને પોતાના નિર્ણયોનાં પરિણામો ભોગવવા માટે તૈયાર નહીં કરવું એ વાલીઓની સૌથી મોટી ભૂલ હોય છે, જેની ઊંડી અસર દરેક પરિવારજનના જીવન પર થાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

ગાઝાની શાળા પર ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલો, 100થી અધિક લોકોના મોત

મુંબઈ: ગાઝાના દરાજ જિલ્લામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી WAFA અનુસાર, જે સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો હતો તે વિસ્થાપિત નાગરિકો રહેતા હતા. સ્થળનો ઉપયોગ વિસ્થાપિત નાગરિકો માટે આશ્રયસ્થાન તરીકે થતો હતો.

વિસ્થાપિત પેલેસ્ટિનિયનો શાળાના પરિસરમાં રહેતા હતા

ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ દાવો કર્યો છે કે શનિવારે સવારે ગાઝાની એક સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. મૃતકોની સંખ્યા 90 થી 100 ની વચ્ચે છે અને ડઝનેક લોકો ઘાયલ છે. ત્રણ ઇઝરાયેલી રોકેટ એક શાળા પર પડ્યા જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો રહેતા હતા. એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે હુમલામાં “100 થી વધુ લોકો શહીદ થયા હતા”.

હુમલાને કારણે સમગ્ર શાળા કેમ્પસમાં આગ લાગી હતી

કહેવાય છે કે સ્કૂલ પર ઈઝરાયેલના હુમલાથી સમગ્ર કેમ્પસમાં ભારે આગ લાગી ગઈ હતી. આગમાં ફસાયેલા પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. હુમલાને ભયાનક ગણાવતા એજન્સીએ કહ્યું કે હુમલા દરમિયાન કેટલાક મૃતદેહોમાં આગ લાગી હતી. ગુરુવારે ગાઝામાં ઇઝરાયેલી દળોએ બે શાળાઓ પર હુમલો કર્યા પછી આ હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. તે સમયે ઈઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે.

હમાસ આતંકવાદીઓ પર હુમલો

શનિવારે ગાઝા શહેરના અલ-સાહબા વિસ્તારમાં અલ-તબાયિન સ્કૂલ પર થયેલા હવાઈ હુમલા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ જણાવ્યું હતું કે તેણે પરિસરમાં હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થિત હમાસના આતંકવાદીઓ પર જોરદાર હુમલો કર્યો હતો. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે બચાવકર્તાઓ ગાઝા શાળાની આગમાં ફસાયેલી મહિલાઓ અને બાળકો સુધી પહોંચી શક્યા નથી કારણ કે ઇઝરાયેલી સત્તાવાળાઓએ આ વિસ્તારમાં પાણીનો પુરવઠો કાપી નાખ્યો છે.

અનિલ શર્માએ ધર્મેન્દ્ર માટે ‘હુકૂમત’ તૈયાર કરી

નિર્દેશક અનિલ શર્મા ‘હુકૂમત’ (૧૯૮૭) થી અભિનેતા ધર્મેન્દ્રને ફરી ચર્ચામાં લાવ્યા હતા. અનિલ જ્યારે ધર્મેન્દ્રને મળવા ગયા ત્યારે આ ફિલ્મની વાર્તા એમની પાસે હતી જ નહીં. અનિલ શર્માએ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ રાખી, સુરેશ ઓબેરૉય વગેરે સાથે ‘શ્રધ્ધાંજલિ’ (૧૯૮૧) બનાવી હતી. એ પછી ‘બંધન કચ્ચે ધાગોં કા’ (૧૯૮૩) નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મો સફળ રહી ન હતી. એ દિવસો દરમ્યાન એ શશી કપૂર સાથે એક ફિલ્મનું આયોજન વિચારી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્રનું કહેણ આવ્યું.

એ ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા ત્યારે એમના ભાઈ અજીતે ‘શ્રધ્ધાંજલિ’ ના વખાણ કર્યા અને ધર્મેન્દ્ર માટે કોઈ ફિલ્મની વાર્તા સંભળાવવા કહ્યું. અનિલ પાસે કોઈ વાર્તા તૈયાર ન હતી. ધર્મેન્દ્ર થોડીવારમાં આવવાના હતા. અનિલે તરત જ મનમાં વાર્તા બનાવવા માંડી. પંદર મિનિટ પછી ધર્મેન્દ્ર આવ્યા ત્યારે અનિલે એમને એક પોલીસ ઈન્સ્પેકટરની મનમાં રચી કાઢેલી ‘હુકૂમત’ ની વાર્તા સંભળાવી. ધર્મેન્દ્રને ફિલ્મનો વિચાર અને પાત્ર બંને પસંદ આવ્યા અને ‘હુકૂમત’ કરવા માટે તૈયાર થઈ ગયા. અનિલે વિલન તરીકે એક જ ફિલ્મ જૂના સદાશિવ અમરાપુરકરને પસંદ કર્યા હતા.

અનિલ જ્યારે રાજકમલ સ્ટુડિયોમાં પોતાની એક ફિલ્મનું એડિટિંગ કરતા હતા ત્યારે ‘અર્ધસત્ય’ (૧૯૮૩) નું કામ ચાલતું હતું. એમાં સદાશિવના ફૂટેજ જોયા અને ‘હુકૂમત’ માટે બોલાવ્યા. તે ચંપલ અને ઝભ્ભા-પાયજામામાં આવ્યા હતા. એમણે ક્યારેય સૂટ-બૂટ પહેર્યા ન હતા. અનિલે એમનો લુક ટેસ્ટ લીધો અને એમાં યોગ્ય લાગ્યા પણ શુટિંગ શરૂ થતાં પહેલાં થોડા દિવસો સુધી એમને પાત્રમાં ઢાળવા નવા સૂટ-બૂટ આપી એમાં જ આખો દિવસ રહેવા કહ્યું. રતિ અગ્નિહોત્રી આ ફિલ્મમાં હતી પણ ફિલ્મ રજૂ થાય એ પહેલાં અંગત કારણથી અભિનય છોડી દીધો હતો. ફિલ્મ સેન્સર બોર્ડમાં એવી અટવાઈ કે રજૂ થતાં છ માસ લાગી ગયા હતા.

હિંસાના અત્યાધિક દ્રશ્યો હોવાથી ‘હુકૂમત’ને સેન્સર સર્ટિફિકેટ માટે બે વખત નકારી કાઢવામાં આવી હતી. એ સમય પર પંજાબમાં આતંકી હિંસા ચાલી રહી હતી. તેથી સેન્સર બોર્ડને એમ લાગતું હતું કે એમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવી છે. ત્યારે સેન્સર બોર્ડના ચેરમેન અભિનેતા કે.એન. સિંહના ભાઈ હતા. એમને રસ્તો પૂછવામાં આવ્યો ત્યારે સલાહ આપી કે એમાં શરૂઆતમાં ડિસ્ક્લેમર મૂકી દો. અને એક મુલાકાતમાં અનિલ શર્માના કહેવા મુજબ આ રીતે ડિસ્ક્લેમર મૂકનારી પહેલી ફિલ્મ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે,‘અત્યાચાર, ભ્રષ્ટાચાર અને આતંક વિરુધ્ધ જંગ લડનારા કાલ્પનિક વીરોની આ કાલ્પનિક વાર્તા છે. બધા પાત્ર, નામ, સમય, સ્થાન અને ઘટનાઓ આ વાર્તાની જેમ જ કાલ્પનિક છે. નકલી છે. લેખકના મનની ઊપજ છે.

આ કહાનીની મુખ્ય પૃષ્ઠભૂમિ એક કાલ્પનિક નગર શાંતિનગરની બતાવવામાં આવી છે. જે દુનિયાના નકશામાં ક્યાંય નથી. અને એને દુનિયાના કોઈ દેશની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.’ અસલમાં પણ આ વાર્તા અનિલના મનની ઊપજ હતી. ફિલ્મ સેન્સર બોર્ડમાં પાસ થઈ ગઈ પરંતુ ઘણા બધા દ્રશ્યો કાપવામાં આવ્યા હતા. તેથી નારાજ થયેલા અનિલ શર્મા દિલ્હી ટ્રીબ્યુનલમાં ગયા. ત્યાં એમણે પોતાની રજૂઆતો કરી અને જે દ્રશ્યો કાપવામાં આવ્યા હતા એ પાછા મૂકાવી પાસ કરાવી. ફિલ્મ ‘હુકૂમત’ રજૂ થતાની સાથે બહુ મોટી હિટ રહી. લાંબા સમય પછી ધર્મેન્દ્રની કોઈ મોટી હિટ ફિલ્મ આવી હતી. એક રીતે એમનું પુનરાગમન પણ ગણાયું. એ પછી અનિલ શર્માએ ધર્મેન્દ્ર સાથે જ એલાને જંગ, તહેલકા, ફરિશ્તે, પોલીસવાલા ગુંડા, અપને વગેરે ઘણી ફિલ્મો બનાવી હતી.