Home Blog Page 1530

ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં 10 ટકા વૃદ્ધિ સાથે ગુજરાત મોખરે

અમદાવાદ: પશ્ચિમ ક્ષેત્ર માં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂ. 1,000 કરોડ ને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાવી છે, ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) એ ગુરુવારે મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો હતો. KANTAR દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે સામાજિક-આર્થિક વૃદ્ધિના નિર્માણમાં ઉદ્યોગની મુખ્ય તાકાત દર્શાવે છે, જે પ્રતિબિંબિત કરે છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં રૂ. 1,014 કરોડનો બિઝનેસ ટર્નઓવર થયો હતો, જે 2021-22 નાણાકીય વર્ષ કરતાં રૂ. 91 કરોડ વધુ અને 9.86% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટ નવમું સ્થાન જાણવી રાજ્યએ 2.1 લાખથી વધુ નાના સાહસિકોને સ્વ-રોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77 હજારથી વધુ મહિલાઓ છે. IDSAએ શેર કર્યું કે ટેક્સ દ્વારા રાજ્યની તિજોરી માં રૂ. 150 કરોડથી વધુનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ઉદ્યોગ, એકંદર રાષ્ટ્રીય વેચાણમાં પણ 4.8 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે 2022-23માં રૂ. 21,282 કરોડ હતો.કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીએ એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ માટે અનુકૂળ વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરતી વખતે, રાજ્ય ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ઉપભોક્તાઓ માટે ઉત્પાદનોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, તેમણે ઉદ્યોગને તેમના વિભાગ તરફથી તમામ મદદની ઓફર કરી, જે ગ્રાહક સુરક્ષા નિયમો 2021 માં પરિકલ્પના મુજબ મોનિટરિંગ મિકેનિઝમ બનાવવા પર પણ કામ કરી રહી છે. આ પ્રસંગે રાજ્યની સંબંધિત કંપનીઓ સાથે ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 12 મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમણે સન્માનિત પણ કર્યા હતા.”

IDSAના ચેરમેન વિવેક કટોચે જણાવ્યું હતું કે, “ડાયરેક્ટ સેલિંગ ઈન્ડસ્ટ્રી માટે ગુજરાત ચાવીરૂપ અને અગ્રતા ધરાવતા બજારોમાંનું એક છે. વૃદ્ધિના આંકડા સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે કે રાજ્યમાં ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ નવી ક્ષિતિજો માટે તૈયાર છે, જે ડાયરેક્ટ સેલર્સની અવિરત મહેનત ને સમર્થન આપે છે.ઉદ્યોગે લગભગ 86 લાખ ભારતીયો માટે ટકાઉ સ્વ-રોજગાર અને નાના ઉદ્યોગ સાહસિકોને તકો પૂરી પાડી છે અને છેલ્લા ચાર વર્ષમાં આઠ ટકાથી વધુના CAGR સાથે સાતત્યપૂર્ણ અને સતત વૃદ્ધિ દર્શાવી છે. IDSA ની 19 સભ્ય કંપનીઓ ગ્રાહક હિતોની સાથે રાજ્યમાં 2.1 લાખથી વધુ ડાયરેક્ટ સેલર્સના હિતોનું રક્ષણ કરવા માટે વિશ્વાસપૂર્વક દાવો કરી શકે છે.કન્ઝ્યુમર અફેર્સ ના કેન્દ્રીય મંત્રાલયે, ગ્રાહક સુરક્ષા નિયમો 2021 દ્વારા, ડાયરેક્ટ સેલિંગ સંસ્થાઓની કામગીરી માં અને ગ્રાહકોની સુરક્ષા માટે નિયમનકારી સ્પષ્ટતા લાવી છે. અત્યાર સુધી, દસ રાજ્યોએ નિયમોની જોગવાઈ અનુસાર દેખરેખ સમિતિઓની સ્થાપના કરી છે. મને વિશ્વાસ છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ કરશે.

વરસાદી આફતથી અમદાવાદના વિકસિત વિસ્તારોમાં વલોપાત

અમદાવાદ: શહેરનો સૌથી ઝડપથી વિકસતા એકસાથે ત્રણ બ્રિજ ધરાવતા અને પાટનગરની સીમાને અડીને આવેલા ત્રાગડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ એટલે મંદિરો, આધુનિક ઈમારતો, વેપાર ઉદ્યોગ અને પાટનગરને અડીને જ આવેલો આધુનિક મોંઘોદાટ વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાંથી 200 ફૂટ રિંગ રોડ પસાર થાય છે. જેનો અંડરપાસ ઝુંડાલ તરફ જાય છે. આ માર્ગ રાજ્યના ધોરી માર્ગોને જોડતો હોવાથી અહીં માલ વાહક તેમજ પેસેન્જર વાહનો મોટી સંખ્યામાં સતત અવર-જવર કરતા રહે છે. પરંતુ તાજેતરમાં ખાબકેલા મુશળધાર વરસાદથી આ મહાકાય માર્ગને જોડતો રેલવેનો અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. અંડરપાસને અડીને આવેલું ત્રાગડ ગામ નિરમા યુનિવર્સિટી અને એની આસપાસનો વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. ધોધમાર વરસાદથી અંડરપાસ ભરાઈ જવાથી 200 ફૂટ રિંગ રોડ પરના ભારે વાહનોનો ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં ભારે હાલાકી પડી રહી છે. સૌથી મહત્ત્વની વાત ત્રાગડ, જગતપુર ,ગોતા, છારોડી, ચાંદખેડા અને ચેનપુર વિસ્તારના આ તરફ અવર જવર કરતાં વાહન ચાલકોને ઉબડ ખાબડ રસ્તા, ચોમેર ભરાઈ ગયેલા પાણી, ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ત્રાગડ અંડરપાસમાંથી નીકળતું પાણી આ વિસ્તારને જ ઘમરોળી રહ્યું છે.પોશ વિસ્તારના આ અંડરપાસમાં ગુજરાતની અસ્મિતાની ઝાંખી સચિત્ર દર્શાવાઈ છે. જેની પર પાણી ફરી વળ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે PM સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે ત્યારે બેંકોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ.મુખ્યમંત્રી ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના ગરીબ અને નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે જન કલ્યાણ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે બેન્કર્સ આવી યોજનાઓની સફળતામાં ઉત્તમ યોગદાન આપી શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને પણ બેંક સરળતાથી અને મોટી સંખ્યામાં ધિરાણ મદદ આપે એ દિશામાં વિચારવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે જોડાઈને આગળ વધે ત્યારે જ 2047માં વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરી શકાય. બેન્ક્સ પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે અને વધુને વધુ લોકોને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો લાભ આપે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.ફાઇનાન્સિયલ સિસ્ટમ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત અને ગતિશીલ બનાવવામાં જે યોગદાન આપે છે તેમાં બેંક્સની ભૂમિકા વધુ સંગીન બનાવવાનું વિચાર મંથન એસ.એલ.બી.સી.માં થાય તે જરૂરી છે.તેમણે હાલની વરસાદી આફતમાંથી નાના વેપારીઓ – ધંધા વ્યવસાયકારોની ઝડપભેર પૂર્વવત થવા બેંક્સની મદદ મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્ય સચિવએ કહ્યું કે એસ.એલ.બી.સી.ની બેઠકોમાં યોજનાઓનો સર્વગ્રાહી રિવ્યુ કરીને રાજ્ય સરકારના સૂઝાવો પણ તેના અમલમાં લેવાય તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી નાના અને સામાન્ય માનવીઓને લાભદાયી યોજનાઓમાં ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન વધુ આગળ વધારવા પણ તેમાં ઉપસ્થિત બેન્કર્સને સૂચનો કર્યા હતા. એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી લાલસિંઘ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના મધ્યસ્થ કાર્યાલયના CGM શ્રીમતી નિશા નામ્બિયારે આ બેઠકનો એજન્ડા પ્રસ્તુત કરીને રાજ્ય સરકાર તથા બેંક્સના સહયોગથી યોજનાકીય સિદ્ધિઓ હાંસલ કરવા હિમાયત કરી હતી.

મૂર્તિ શિવાજીની પડતાં NDA ગઠબંધનમાં તિરાડ પડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે રાજ્યમાં ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. માલવણ કિલ્લામાં છત્રપતિ શિવાસી મહારાજની મૂર્તિના ઉદઘાટનના માત્ર આઠ મહિનાની અંતર એ પડી ગઈ હતી. મૂર્તિ શિવાજીની પડી, પણ તિરાડ મહારાષ્ટ્રની સત્તાધારી મહા ગઠબંધનમાં પડી હતી. જેથી ઉપ CM અજિત પવારના નેતૃત્વવાળી NCPએ મૌન વિરોધ કરવાનું એલાન કર્યું છે.

NCPના અજિત જૂથનું આ વિરોધ પ્રદર્શન વિધાનસભા ચૂંટણીથી પહેલાં NDA ગઠબંધનની અંદર તિરાડ તરફ ઇશારો કરી રહ્યું છે. મુંબઈમાં આ ઘટનાના વિરોધમાં NCP નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ પણ કરી દીધું છે. ઉપ CM પવારે રાજ્યના લોકોની જાહેરમાં માફી માગી છે. શિવાજી મહારાજ અમારા દેવતા છે અને એક વર્ષની અંદર તેમની મૂર્તિ પડવાથી અમને બધાને એક આંચકો લાગ્યો છે.

NCP અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે આ બહુ દુઃખદ છે અને હ્દયદ્રાવક છે કે માલવણના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. એ ચોંકાવનારી વાત છે કે એ મૂર્તિ માત્ર આઠ મહિનામાં પડી ગઈ.

એ દરમ્યાન મુંબઈથી આશરે 480 કિલોમીટર દૂર સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં મૂર્તિ સ્થળે શિવસેના (UBT) કાર્યકર્તાઓ અને ભાજપ નેતા નારાયણ રાણના સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. આ ઘટના પછી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મહા ગઠબંધન સરકાર વિપક્ષના ગઠબંધન MVAના નિશાના પર આવી ગઈ હતી, જે CM એકનાથ શિંદેના રાજીનામાની માગ કરી રહ્યું છે.

 

‘સ્ત્રી 2’ એ તોડ્યો KGF-2નો રેકોર્ડ, સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠી ફિલ્મ બની

મુંબઈ: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ (Stree 2 film) બોક્સ ઓફિસ પર 13 દિવસથી ચાલી રહી છે અને તેણે તેના બજેટ કરતા કેટલાય રૂપિયા વધુ કમાણી કરી છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તે દરરોજ કમાણીના મામલામાં કોઈને કોઈ બેન્ચમાર્ક સેટ કરી રહી છે. 14મા દિવસે ‘સ્ત્રી 2′ એ બધા રેકોર્ડ તોડ્યા છે.’સ્ત્રી 2’ એ KGF 2 ને ભારે ટક્કર આપી છે. તેણે KGF 2 ના હિન્દી કલેક્શનને પાછળ છોડી દીધું છે. ‘સ્ત્રી 2’ એ 13 દિવસમાં 414.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ 14મા દિવસે તેની કમાણી -17.02% ઘટી ગઈ. જોકે, તેમ છતાં તે KGF 2 ની કમાણીના આંકડા કરતા વધારે છે.

અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ‘સ્ત્રી 2’ માં આ વખતે અક્ષય કુમાર પણ હતા. તેમને સરકટેના વંશજની ભૂમિકામાં ઘણો પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મની વાર્તાની સાથે તેના ટ્વિસ્ટ અને વળાંકોએ પ્રેક્ષકોને કનેક્ટેડ રાખ્યા. 50 કરોડના બજેટમાં બનેલી ‘સ્ત્રી 2’એ નિર્માતાઓના ખિસ્સા પૈસાથી ભરી દીધા છે.

sacnilk ના અહેવાલ મુજબ,’સ્ત્રી 2’ એ 14મા દિવસે -17.02 ટકાના ઘટાડા સાથે 9.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે 13માં દિવસે તેણે 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની કમાણી 14મા દિવસે નોંધપાત્ર રીતે ઘટી હતી. જો કે, આ હોવા છતાં તેણે KGF 2 ના હિન્દી વર્ઝનની કમાણીને માત આપી. KGF 2 એ 435 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને ‘સ્ત્રી 2’ એ માત્ર 14 દિવસમાં 445 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘સ્ત્રી 2’ અત્યાર સુધીની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ઉપરાંત, 14 દિવસમાં તેણે ભારતમાં 507.25 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. દુનિયાભરની કમાણીની વાત કરીએ તો ‘સ્ત્રી 2’એ 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 14 દિવસમાં 606 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

બુધવાર, ઓગસ્ટ 28 ના રોજ ‘સ્ત્રી 2’ ની ઓવરઓલ ઓક્યુપેન્સી 18.16 ટકા હતી. તે સવારના શૉમાં 11.49 ટકા હતી, બપોરના શૉમાં 18.01 ટતા હતી, જે રાત્રિના શૉમાં વધીને 23.60 ટકા થઈ હતી. અત્યારે ‘સ્ત્રી 2’ની ટક્કરમાં 6 સપ્ટેમ્બર પહેલા કોઈ મોટી ફિલ્મ નથી, તેથી આ પછી મોટી કમાણી કરવાની વધુ તક છે. 6 સપ્ટેમ્બરે કંગના રનૌતની ‘ઇમરજન્સી’ ફિલ્મને ટક્કર આપી શકે છે.

ગૌતમ અદાણીએ ફરી મુકેશ અંબાણીને પાછળ છોડ્યા

11.6 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું. હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ભારતમાં દર 5 દિવસે એક નવો અબજોપતિ બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અસ્કયામતોની ગણતરી 31 જુલાઈ, 2024ના રોજ કરવામાં આવી છે.

હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે, “ભારત એશિયાના સંપત્તિ સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છે, જ્યારે ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે અને અબજોપતિઓની સંખ્યા રેકોર્ડ 334 સુધી પહોંચી છે. મુકેશ અંબાણી 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં 10,14,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. HCL ટેક્નોલોજીસના શિવ નાદર અને પરિવાર આ વર્ષે 314,000 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના રસી નિર્માતા સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર આ યાદીમાં ચોથા ક્રમે છે. તેમના પછી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવી છે. છેલ્લા પાંચ વર્ષમાં છ લોકો સતત ભારતના ટોપ 10માં રહ્યા છે. આ યાદીમાં ગૌતમ અદાણી પરિવાર ટોપ પર છે. આ પછી મુકેશ અંબાણી પરિવાર, શિવ નાદર, સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર, ગોપીચંદ હિંદુજા અને પરિવાર, અને રાધાકિશન દામાણી અને પરિવાર છે.

સલમાન ખાને ગણેશજીના કાનમાં કઈંક કહ્યું અને પછી આપી ખાસ સલાહ

મુંબઈ: ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આગામી 7મી સપ્ટેમ્બરે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ખૂબ જ પ્રેમથી બાપ્પાની મૂર્તિને પોતાના ઘરે લાવે છે અને પછી તેને થોડા દિવસો સુધી ઘરમાં રાખે છે અને તેમની ભક્તિ પ્રમાણે તેનું વિસર્જન કરે છે.

બોલિવૂડમાં પણ આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાન ગણપતિ બાપ્પા પાસે ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં અભિનેતા એક ગણેશ મૂર્તિને ઉપાડે છે અને પછી તેના કાનમાં હળવેથી તેની ખાસ ઈચ્છા સંભળાવે છે.

સલમાન ખાને ઇકો ફ્રેન્ડલી ગણેશ લાવવાની સલાહ આપી

આ ઈવેન્ટ દરમિયા સલમાન ખાન સાથે કો-એક્ટર સોનાલી બેન્દ્રે પણ જોવા મળ્યા હતા. અભિનેતાએ જણાવ્યું કે તે દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. અભિનેતાએ કહ્યું,’અમારા પરિવારમાં, જ્યારે અમે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને લાવીએ છીએ, ત્યારે તે પર્યાવરણને અનુકૂળ ગણેશજી મૂર્તિ હોય છે. આ તહેવાર આટલો પવિત્ર છે, તેમાં ગણેશજી શા માટે અશુદ્ધ? તેઓ પણ શુદ્ધ હોવા જોઈએ ને? આ સાથે તેમણે ચાહકોને ઇકો-ફ્રેન્ડલી ગણેશ ઘરે લાવવાની સલાહ પણ આપી હતી જેથી વિસર્જન દરમિયાન પર્યાવરણ પ્રદૂષિત ન થાય.

સલમાન ખાને ગણેશવિસર્જનને લઈને સંદેશ આપતા મૂર્તિનું અપમાન ન કરવા વિનંતી કરી. સાથે જ અભિનેતાએ કહ્યું,’ભગવાનને આ રીતે ફેંકો છો તે સારું નથી લાગતું’

તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડના ઘણા કલાકારો બાપ્પાને ઘરે લાવશે અને આ તહેવારની ઉજવણી કરશે. જેમાં શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રિતેશ દેશમુખ વગેરે નામ સામેલ છે. સલમાન ખાનની વાત કરીએ તો તે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. અભિનેતા સિકંદર ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહી છે.

11 રાજ્યોમાં ભારે આગાહી, IMDની ચેતવણી

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદ ધમરોળશે જેમાં IMDએ ચેતવણી આપી છે. તેમજ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર છે. ઓડિશા અને કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 14 રાજ્યોમાં યલો એલર્ટ છે. જેમાં ઓડિશા અને કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 14 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 19 લોકોના મોત થયા હતા, જે ત્રણ દિવસમાં આવી ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 26 પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ધવના ગામ પાસે રવિવારે પુલ ઓળંગતી વખતે તેઓ જે ટ્રેક્ટર ટ્રોલીમાં મુસાફરી કરી રહ્યા હતા તે ધોવાઈ જતાં ગુમ થયેલા લોકોમાં સાત લોકોનો પણ સમાવેશ થાય છે. વડોદરામાં વરસાદ બંધ થતાં શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી તેના કાંઠા તોડીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ઇમારતો, રસ્તાઓ અને વાહનોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે ગુરુવારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઓડિશા અને કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. લગભગ 14 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરે છે ત્યારે સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ અગાઉથી તૈયારીઓ કરવી જરૂરી છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે અને લોકો એવી કોઈ જગ્યાએ રોકાતા નથી જ્યાં તેઓ પૂર જેવી પરિસ્થિતિમાં ફસાઈ શકે. કારણ કે તે વધુ વરસાદના કિસ્સામાં છોડવામાં આવે છે. તે જ સમયે, ઓરેન્જ એલર્ટમાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે, જેથી જો જરૂર પડે તો સલામત સ્થળોએ પહોંચી શકાય. યલો એલર્ટમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે અને તેમણે પરિસ્થિતિ અનુસાર તૈયારી કરવી પડશે.

શેરબજારમાં 11મા દિવસે તેજીઃ સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ ઘરેલુ શેરબજારે નવો રેકોર્ડ બન્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી- બંને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે. સતત 11મા દિવસે બંને ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. રિલાયન્સની આગેવાની હેઠળ બેન્ક શેરો, ફાઇનાન્સિયલ, ઓટો, IT અને FMCG શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે રોકાણકારોએ સાવચેતી રૂપે પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટ થોડું દબાયું હતું. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી રોકાણકારોના રૂ. 31,000 કરોડ ડૂબ્યા હતા.

 રિલાયન્સે 1:1 શેર બોનસ શેરની જાહેરાત કરતાં શેરોમાં તેજી આગળ વધી હતી. BSE સેન્સેક્સ 349.05 પોઇન્ટ વધીને 82,134.61ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી50  99.60 પોઇન્ટ વધીને 25,151.95ના મથાળ બંધ થયો હતો.

અમેરિકી ફેડરલ રિઝર્વે આગામી બેઠક દરમ્યાન વ્યાજદરોમાં કાપ ના સંકેતો આપ્યા છે. જેથી IT શેરોમાં લેવાલી હતી. વ્યાજદરો ઘટવાથી વિદેશી રોકાણકારો મોટા પાયે સ્ટોક માર્કેટમાં પરત ફરે એવી શક્યતા છે, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા 19માંથી 17 દિવસ શેરબજારમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે આશરે રૂ. 486 અબજની ખરીદી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4047 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1426 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2522 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 99 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 297 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

ગુજરાતમાં 24 કલાકમાં 1785 લોકોનું રેસ્ક્યૂં

રાજ્યભરમાં મેઘતાંડવના પગલે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી.વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ આજે તા.૨૯મી ઑગસ્ટ સવારે ૧૦.૦૦ કલાકની સ્થિતિ એ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૮૫ નાગરિકોને રેસ્ક્યુ તથા ૧૩,૧૮૩ નાગરિકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની ૧૭ તેમજ એસ. ડી. આર. એફની ૨૫ ટીમો ઉપરાંત આર્મીની ૯ કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખડેપગે ફરજો બજાવી રહ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં ભારે વરસાદના કારણે ચાર નાગરિકો ફસાયા હતાં. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા મદદથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી જિલ્લા આરોગ્ય તંત્રની સતત દેખરેખ અને કાળજી વચ્ચે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પરનાળા ગામમાં એક મહિલાને રેસ્ક્યું કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આરોગ્ય કર્મી દ્વારા સફળતાપૂર્વક તેમની પ્રસુતિ કરવામાં આવી હતી.પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા પણ આજે બાર બહેનોની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં શિયાળબેટ ગામના સગર્ભા મહિલાને બોટ મારફતે નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.