Home Blog Page 1420

જંગલ સફારીમાં વાઘ જ્યારે તમારી જીપ થી માત્ર 2ફૂટ દૂર થી પસાર થાય ત્યારે…

મધ્ય ભારતના કાન્હા, બાંધવગઢ, પેંચ કે તાડોબા વગેરે જેવા ટાઈગર રિઝર્વમાં સફારીની મજા જ અલગ છે. હા આ જંગલ સફારીમાં ઘણીવાર વાઘ જોવા ન પણ મળે. તો પણ સફારીમાં જંગલ માણવાનો લહાવો અનેરો હોય છે.

સફારીમાં વાઘ રસ્તા પર ચાલતો જોવા મળે ત્યારે તેને જોવાનો અનુભવ પણ અદભૂત હોય છે. આ જ રસ્તા પર ચાલતો વાઘ સફારી જીપથી 2 ફૂટ દૂરથી પસાર થાય અને ખુલ્લી જીપમાં બેઠેલા પ્રવાસી સામે એક ત્રાંસી નજરથી જોવે ત્યારે રોમાંચ અને ડરનો મિશ્રીત અનુભવ ઘણો જ અદભૂત અને યાદગાર હોય છે.

આવો જ અનુભવ અમે 4 વર્ષ પહેલા ઉનાળામાં કાન્હા નેશનલ પાર્કમાં કર્યો હતો. મુક્કી ઝોનમાં એક નર વાઘ પાણીના એક ખાડામાંથી ઉભો થઈ રોડ પર અમારી જીપ તરફ ચાલીને આવતો હતો. અમે જીપ રિવર્સ કરવા રહ્યા પણ એક જગ્યાએ રસ્તાના વણાંકમાં અમારા સફારી ડ્રાઈવર જીપ રિવર્સ લઈ શક્યા નહીં. આ નર વાઘ અમારી જીપની બાજુમાંથી જ પસાર થયો અને એક બે સેકન્ડ માટે અમારી સામે જોઈને આગળ વઘી ગયો. એ બે સેકન્ડનો રોમાંચ અવિસ્મરણીય હતો.

 

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાનું બુધવારે નિધન થયું. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની હાલત ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા હતા. બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં, તેમની તબિયત અચાનક બગડતાં, તેમને સઘન સંભાળ એકમ (ICU) માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી

7 ઓક્ટોબરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે સ્વાસ્થ્યની ચિંતાઓને ‘અફવાઓ’ તરીકે ફગાવી દીધી હતી અને તેના અનુયાયીઓ અને ચાહકોને કહ્યું હતું કે ચિંતા કરવા જેવું કંઈ નથી અને તે વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે.

 

મારી વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. તેણે તેના છેલ્લા ભૂતપૂર્વ પરની પોસ્ટમાં જણાવ્યું હતું. તેણે કહ્યું, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું સારા મૂડમાં છું. તેમણે જનતા અને મીડિયાને ખોટી માહિતી ફેલાવવા ટાળવા વિનંતી કરી.

રતન ટાટા કયા રોગથી પીડિત હતા?

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 1991માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 2012માં તેમની નિવૃત્તિ સુધી ટાટા જૂથનું નેતૃત્વ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન, પીઢ ઉદ્યોગપતિએ 1996માં ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી, જેના કારણે જૂથનું ટેલિકોમ્યુનિકેશન્સમાં વિસ્તરણ થયું.

પંચાંગ 10/10/2024

PM મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી બધાએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું. તેમણે ભારતની કોર્પોરેટ લેન્ડસ્કેપને બદલી નાખનાર અવિશ્વસનીય વારસો પાછળ છોડી દીધો. તેમના મૃત્યુના સમાચાર ફેલાતા ઉદ્યોગ, રાજકારણ અને રમતગમતના નેતાઓએ દેશ અને વિશ્વ પર તેમની અસાધારણ અસરની ઉજવણી કરીને શ્રદ્ધાંજલિ આપી.

 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં તેમનું સ્થાન મેળવ્યું.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સુધી તમામે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ તેમને યાદ કર્યા હતા.

રાજનાથ સિંહે શું કહ્યું?

તેમને યાદ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રતન ટાટાના નિધનથી હું દુખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના દિગ્ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે રતન ટાટા દૂરંદેશી વ્યક્તિ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા સમુદાય પ્રત્યે મારી સંવેદના.

અંબાલાલ પટેલે કરી આગાહી, નવરાત્રિમાં પડી શકે છે વરસાદ

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે. ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. તો બીજી બાજુ ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં પવનો શરૂ થઈ ગયા છે જેના કારણે થોડીક ઠંડકનો અનુભવ થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.

વધુમાં અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી હવામાનમાં મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. તો જો આ આગાહી સાચી પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા નકારી ન શકાય.

મુન્દ્રા પોર્ટની 25 વર્ષની સ્મૃતિમાં સ્પેશિયલ સ્ટેમ્પ ટિકિટ

અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહનું મુખ્ય બંદર અને ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર એવા મુંદ્રા પોર્ટને તેની કામગીરીના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉપલક્ષમાં ખાસ પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરવામાં આવ્યું છે. વિશ્વ પોસ્ટ દિવસ નિમિત્તે બહાર પાડવામાં આવેલ આ સ્મૃતિ સ્ટેમ્પ મુન્દ્રા પોર્ટના સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન અને છેલ્લાં 25 વર્ષમાં વૈશ્વિક મેરીટાઇમ પાવરહાઉસમાં તેણે પ્રસ્થાપિત કરેલા પરિવર્તનનના દબદબાને ઉજવે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી, ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, પ્રાદેશિક મુખ્ય મથકના જનરલ મેનેજર ક્રિષ્ણકુમાર યાદવ અને અન્ય અધિકારીઓની હાજરીમાં સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.ગૌતમ અદાણીએ એક સમયે ઉજ્જડ અને વેરાન ભાસતાં મુન્દ્રા બંદરને પોતાની આગવી કોઠા સુઝથી વિકસાવીને નિર્માણ કરવા સાથે તેને સતત વિસ્તારતા રહ્યા. પરિણામે મુન્દ્રા પોર્ટ આજે ઝડપથી મુખ્ય વ્યાપારી હબ અને ભારત માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરની એક જ જેટીથી શરુ થયેલી વિકાસ યાત્રાના પરિણામ સ્વરુપ આજે તે વૈશ્વિક શિપિંગ હબમાં વિકસિત થવા સાથે ભારતને વિશ્વ સાથે જોડવા ઉપરાંત દેશના અંતરિયાળ વિસ્તારના નોંધપાત્ર ભાગને પણ બંદરીય સેવા આપે છે.

ગુજરાત અને ભારત બંને માટે આર્થિક વિકાસનું મહત્ત્વપૂર્ણ પ્રેરક બની રહેલું મુન્દ્રા પોર્ટે 1998ના વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ. 2.25 લાખ કરોડથી વધુની માતબર રકમનું યોગદાન આપ્યું છે, આ પોર્ટે અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ માનવ-દિન રોજગારીનું સર્જન કરવા સાથે રુ.70,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષિત કર્યું છે. મુંદ્રા પોર્ટ હાલમાં ભારતના દરિયાઈ કાર્ગોના લગભગ 11% અને દેશના કન્ટેનર ટ્રાફિકના 33%નું સંચાલન કરે છે. જ્યારે સામાજિક ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પોર્ટની સામુદાયિક સહાયતાની કરવામાં આવેલ પહેલ 61 ગામો સુધી પહોંચી છે જેનો લાભ સાડા ત્રણ લાખથી વધુ લોકોને મળ્યો છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ના મેનેજીંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “આ સ્મૃતિ ટપાલ ટિકિટ માત્ર મુન્દ્રા પોર્ટના વારસાને જ નહીં, પરંતુ ગુજરાતના લોકો સાથેની વિશ્વાસની અમારી ભાગીદારી અને રાજ્ય સરકારની સહાયક પ્રોત્સાહક નીતિઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.”

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જારી કરાયેલ સ્મૃતિ ટપાલ ટિકિટનું શીર્ષક “25 વર્ષ પ્રગતિ – મુન્દ્રા પોર્ટ” છે અને તેમાં મુન્દ્રા પોર્ટના પરિવર્તનનું વિઝ્યુઅલ વર્ણન છે. 12 સ્ટેમ્પને સમાવતી સ્ટેમ્પ શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZની સાથે મળીને તૈયાર કરવામાં આવી હતી. હૈદરાબાદમાં સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ઈપોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મુંદ્રા પોર્ટ સ્મૃતિ ટીકીટ ઉપરાંત ઈન્ડિયા પોસ્ટે ખાસ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ પ્રસ્તુત કરી છે. નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં સ્ટેમ્પ શીટની નકલ પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.

મેડિકલના પ્રોફેસરોની દિવાળી સુધરી ગઈ, સરકારે કર્યો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ડોક્ટરો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય આજથી એટલે 9 ઓક્ટોબર લાગુ થશે. આ વેતન વધારાનો લાભ ખાનગી પ્રેક્ટિસ સિવાયના વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને  મળશે. આ પ્રોફેસરોનો 35000થી 65000 સુધી પગાર વધશે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું‌‌ હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાને પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે. સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજ બજાવતા તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાનો લાભ મળશે.

KBC 16: અમિતાભ સાથે આમિર અને જુનૈદ ખોલશે અનેક રહસ્ય

મુંબઈ: કૌન બનેગા કરોડપતિ દેશના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. અમિતાભ બચ્ચનની અદ્ભુત હોસ્ટિંગ લોકોને આ શોમાં દર્શકોને રાખે છે. સમયાંતરે ફિલ્મ સ્ટાર્સ પણ શૉમાં સામેલ થતાં હોય છે. ટૂંક સમયમાં કેબીસીની 16મી સીઝનના એપિસોડમાં આમિર ખાન તેના પુત્ર જુનૈદ સાથે જોવા મળશે. બિગ બીનો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે. શો અમિતાભ બચ્ચનના 82મા જન્મદિવસની શરૂઆત તેમના વિશેષ ‘મહાનાયક કા જન્મોત્સવ’ એપિસોડ સાથે કરશે!

શૉ દરમિયાન અમિતાભ બચ્ચને જુનૈદ ખાનની પ્રશંસા કરી હતી. મહારાજા ફિલ્મમાં જુનૈદ ખાનની એક્ટિંગના વખાણ કર્યા હતા. આ સાથે જ અમિતાભ બચ્ચને પૂછ્યું કે તેમણે ઇન્ડસ્ટ્રીમાં તેમના પિતાના વિશાળ અનુભવથી શું શીખ્યું છે. આમિર ખાને કટાક્ષના સંકેત સાથે જવાબ આપતા કહ્યું,”શરૂઆતમાં મેં જુનૈદને ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી. કારણ કે તેણે ઘણા સ્ક્રીન ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું અને દરેક વખતે તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેને મહારાજા માટે પસંદ કરવામાં આવ્યો પણ મને લાગ્યું કે તેણે તે ન કરવી જોઈએ.”

જુનૈદે તેમને કહ્યું હતું કે આ એકમાત્ર ફિલ્મ છે જે તેને ઓફર કરવામાં આવી અને જો તે આ નહીં લે તો તે ક્યારે અભિનય કરવાનું શરૂ કરશે? જુનૈદે વધુમાં ઉમેર્યું,”હું થિયેટર સ્કૂલમાં જોડાવા માંગતો હતો પપ્પા સમંત થયા અને મને મૂલ્યવાન સલાહ આપી. તેમણે કહ્યું કે’તમે અનુભવ દ્વારા ગમે ત્યાં અભિનય શીખી શકો છો. પરંતુ જો તમે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માંગતા હોય તો તમારે હિન્દી અને આ દેશની સંસ્કૃતિને સમજવી જ જોઇએ. તમારે ભારતના લોકો સાથે જોડાવવું પડશે,નહિંતર તમે એક મહાન અભિનેતા બની શકો છો પરંતુ તમે અહીં ફિટ થઈ શકશો નહીં.’

આમિરે ઉમેર્યું, “મેં તેને કશ્મીરથી કન્યાકુમારી સુધી બસ દ્વારા મુસાફરી કરવાની સલાહ પણ આપી હતીઅને સ્થાનિક સંસ્કૃતિઓની શોધખોળ માટે ચોક્કસ સમયગાળા માટે ત્યાં રહેવાની સલાહ આપી હતી. તે પ્રવાસ તમને એવી વસ્તુઓ શીખવશે જે કોઈ શાળા કે કોલેજ શીખવી શકતી નથી.”

જુનૈદને આપવામાં આવેલી આમિરની સલાહ સાથે સંમત થતાં અમિતાભ બચ્ચને કહ્યું, “મેં અભિષેકને તે જ સલાહ આપી હતી. મેં તેને બે-ત્રણ મહિના સ્થાનિક લોકોની વચ્ચે રહેવા અને તેમને મળવાનું સૂચવ્યું હતું, કારણ કે તેનાથી તેની અભિનય કારકિર્દીમાં ઘણી મદદ મળી શકે.”

શેષનાગ આકારની 551 દિવડાંની અનોખી આરતી

નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબાની સાથે ભક્તિના અવનવા સ્વરૂપો પણ જોવા મળે છે. માતાજીની સ્થાપના અને ગરબે ઘૂમવા ચોક મંડપને અનોખી રીતે સજાવવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચના આરતી વખતે ફૂલો, દિવડાં, લાઇટિંગ, રંગોળી, ડેકોરેશનથી સજાવટ કરવામાં આવે છે.

 

જ્યારે સજાવેલા મંડપમાં આરતી થાય ત્યારે સૌ ભક્તિમય બની જાય છે. એમાંય કેટલાક લોકો સ્ટેન્ડ અને  શરીર સાથે જોડી અસંખ્ય દિવડાં પ્રગટાવી આરતી ઉતારતા હોય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા પિન્ટુ જોષીએ શેષનાગના આકારની આરતી તૈયાર કરાવડાવી છે. આ આરતી 551 દિવડાં સાથે પ્રગટે છે.  શરીર પર આ આરતીના દિપડાં પ્રગટાવવાથી  શેષનાગ જેવો આકાર તૈયાર થઈ ઝળહળી ઉઠે છે.

મૂળ પીપળજ ગામના દહેગામ રહેતા પિન્ટુ જોષી ચિત્રલેખા.કોમને કહે છે હું વર્ષ 1997 એટલે કે 27 વર્ષથી શેષનાગની તૈયાર કરેલી આરતી લઇ કાર્યક્રમોમાં જઉં છું. અત્યાર સુધીમાં ગણેશોત્સવ, ચૈત્રી નવરાત્રિ, શારદીય નવરાત્રિ, સમુહ લગ્નો,જાતર, ડાયરા જેવા અનેક કાર્યક્રમોમાં 551 દિવડાંની ભવ્ય આરતીના કાર્યક્રમો કર્યા છે.

ધાર્મિક ભાવના ધરાવતા પિન્ટુ જોષી આમતો દહેગામના વેપારી છે. પરંતુ માતાજી પ્રત્યેની એમની શ્રધ્ધાએ 27 વર્ષ પહેલાં એમને 551 દિવડાં સાથેની શેષનાગના આકારની આરતીના કાર્યક્રમ કરવાની પ્રેરણા આપી હતી. સમગ્ર નવરાત્રિ દરમિયાન ભરચક કાર્યક્રમો વચ્ચે ભારેખમ આરતી સાથે પિન્ટુભાઈ માતાજીની ભક્તિ માટે તત્પર રહે છે.એમની શેષનાગ આકારની ઝળહળતા દિવડાં સાથેની આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતમાં વધ્યા દુષ્કર્મના કેસ, 15 દિવસમાં 10 ઘટના બની

ગુજરાતમાં માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે એક બાદ એક નરાધમોના દુષ્કર્મોની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી પેવર બ્લોકના કરાખાનેદારે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 7 ઓક્ટોબરના રોજ રાપર તાલુકાના આડેસર ગામમાં યુવતી ગરબા રમીને રાત્રે ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં યુવતીને અચાનક ચક્કર આવતા સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવા માટે નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં લઈ ગયો હતો. યુવક યુવતીને એકલા જોઈ પેવર બ્લોકના કારખાનેદાર  પ્રવિણ રાજપૂતની નિયત બગડી હતી. તેણે યુવકને બહાર કાઢી મૂકે દરવાજો બંધ કરી દીધો અને પછી યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.  ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી આડેસર પોલીસ મથકે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રવિણ રાજપૂત વિરૂદ્ધ થોડા સમય અગાઉ ગેરકાયદે વ્યાજખોરીના મુદ્દે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવ્યા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાત મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.