Home Blog Page 1417

રતન ટાટાને સુરતના ધોળકિયા પરિવારની સુખડી ખુબ ભાવેલી

સુરત: રતન તાતાનાં પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં. પણ રતન તાતા સુરત માત્ર એકવાર આવેલા. 3 મે, 2018ના ગુરુવારના રોજ એમણે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં કતારગામ સ્થિત SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટાએ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની માહિતી મેળવી હતી. ગોવિંદભાઈના નિવાસસ્થાને એમના પરિવારને મળવા સાથે ભોજન પણ લીધુ હતું. રતન ટાટાના સુરત આગમનની પણ રસપ્રદ વાત છે. ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતો “સંતોક્બા એવોર્ડ” એમને અપાયો હતો. આ એવોર્ડ એમને મુંબઈમાં જ સાદગી પૂર્વક સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહ્યું હતું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રુપને આગળ વધાર્યુ છે પણ ગોવિંદભાઈ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે. મારે એ જોવું છે હવે હું સુરત આવીશ જ.

રતન ટાટાની સુરત મુલાકાતના સંસ્મરણો વાગોળતા ગોવિંદ ધોળકિયા ચિત્રલેખા.કોમને કહે છે, 3 મે, 2018નાં રોજ તેઓ સુરત ઍરપોર્ટ પર ઊતરતાં જ સીધા કતારગામ સ્થિત એસ.આર.કે. એમ્પાયર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એસ.આર.કે. એમ્પાયરની ત્રણ પેઢીનાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને સવાલોના જવાબો આપ્યા હતા. બાદમાં બપોરે રતન ટાટાએ શુદ્ધ ગુજરાતી ભોજન સાથે સુરતી ખમણનો સ્વાદ પણ માણ્યો હતો. એમને ગુજરાતી ઘરની બનાવેલી ઘીથી તરબતર સુખડી ખૂબ ભાવી હતી. એ પછી ધોળકિયા પરિવારના સભ્યો સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. ભારત અને વિશ્વ તમને કઈ રીતે યાદ રાખે? એવા ધોળકિયા પરિવારના એક સભ્યના પ્રશ્નના ઉત્તરમાં રતન ટાટાએ કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિસ્તાર કર્યો છે એના કરતાં મેં કયા પ્રકારના બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. ગોવિંદ ધોળકિયા કહે છે, “રતન ટાટાની વિદાય એ કોઈ એક પરિવારની નહીં પણ ભારત નામના પરિવારના સભ્યની વિદાય છે. એ ભારત હતા, ભારતનું રત્ન હતા. સુરતમાં એમની સાથે વિતાવેલા છ કલાક કાયમી સંભારણું રહેશે.”

(અરવિંદ ગોંડલિયા – સુરત)

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન

મુંબઈ: 9 ઓક્ટોબરના રોજ દેશ સહિત સમગ્ર વિશ્વમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ હતું. ત્યાર બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને સવાલો ઉભા થયા હતા, જેનાં પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા નવા ચેરમેન બનશે.નોએલ ટાટા તેમના પારિવારિક જોડાણો અને ગ્રૂપની કેટલીક કંપનીઓમાં સામેલગીરીને કારણે ટાટા વારસાને આગળ ધપાવવા માટે મજબૂત દાવેદાર હતા. નોએલ ટાટા પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નેવલ અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટ્રેન્ટ વોલ્ટાસ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા ઈન્ટરનેશનલના ચેરમેન છે. ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.ટાટા ટ્રસ્ટનું મહત્વ અને કદ આ રીતે સમજી શકાય છે કે તે ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થાઓનું એક ગ્રૂપ છે, જે 13 લાખ કરોડ રૂપિયાની આવક સાથે ટાટા ગ્રૂપમાં 66% હિસ્સો ધરાવે છે. આ અંતર્ગત સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો 52% હિસ્સો ધરાવે છે.

દિલ્હીમાં મનસુખ માંડવિયાની હાજરીમાં પીએમ મોદીએ લખેલો ગરબો પ્રસ્તુત

દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબાની પ્રસ્તુતી કરવામાં આવી હતી. છેલ્લા 27 વર્ષથી દિલ્હી ખાતે યોજાતા ‘દાંડીયા મસ્તી’ ના ગરબામાં મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં આ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.

નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે એવામાં પીએમ મોદીના ગરબા પર લોકોએ ગરબા કર્યા હતા. દિલ્હીમાં જાણીતી ગુજરાતી સંસ્થાઓ સહકાર અને ગુજરાતી વિકાસ મંડળના ઉપક્રમે દર વર્ષે જી.ટી.કર્નાલ રોડ પર રજવાડા પેલેસ ખાતે ‘દાંડીયા મસ્તી’નું આયોજન કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ દાંડિયા મસ્તીમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી હતી.

દાંડીયા મસ્તીમાં અમદાવાદની કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલના લાઇવ મ્યુઝીક પર લોકો હોંશે હોંશે ગરબા રમે છે. આ વખતે સહકારના સંસ્થાપક જગદીપ રાણા દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તેમણે કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો ‘આવતી કળાય માડી, આવતી કળાય’સ્ટેજ પર ઉપસ્થિત કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો અને તેના પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો આ પહેલા પણ લોકપ્રિય થઇ ચુક્યો છે.

પુણેમાં વધુ એક હિટ એન્ડ રન, ઓડીની ટક્કરે ડિલિવરી બોયનું મોત

મહારાષ્ટ્ર: પુણેમાં હિટ એન્ડ રનનો એક નવો મામલો સામે આવ્યો છે. મુંધવા વિસ્તારના તાડીગુટ્ટા પાસે ઓડી કારે ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી, કાર દ્વારા કચડીને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રઉફ અકબર શેખ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ પહેલાં કાર સવારે એક સ્કૂટરને પણ ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેની ઓળખ 34 વર્ષીય આયુષ તાયલ તરીકે થઈ હતી. તે એક ખાનગી કંપનીમાં સિનિયર ઓફિસર છે. પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

મૃતક રઉફ અકબર શેખ

પુણે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 10 ઓક્ટોબરની મધરાત્રે લગભગ 1.35 વાગ્યે બની હતી. ઓડી કારમાં આવેલા આરોપીએ પહેલાં મુંધવા વિસ્તારમાં ગૂગલ ઓફિસની બહાર સ્કૂટરને ટક્કર મારી હતી. ત્યાર બાદ તેણે ફૂડ ડિલિવરી બોયની બાઇક પર કાર ચડાવી દીધી હતી. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.આરોપીએ બાઇક સવારને ટક્કર માર્યા બાદ પણ કાર રોકી ન હતી. તેણે ઘાયલ વ્યક્તિને કાર નીચે કચડી નાખ્યો અને ઝડપથી ભાગી ગયો. પોલીસે પહેલા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી કારની ઓળખ કરી હતી. પછી તેના માલિકને શોધી કાઢ્યો. આરોપીની હડપસર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

સુખને પામવા ઘરના વાસ્તુને સકારાત્મક કરવું જરૂરી

એવું બને કે કેટલીક વ્યક્તિનો દેખાવ સારો ન હોય. પણ સ્વભાવ ખુબ સારો હોય. દેખાવ સારો ન હોય પણ મહા જ્ઞાની હોય. સ્વભાવ સારો ન હોય પણ ધંધાકીય સૂઝ સારી હોય. સુઝ સારી ન હોય પણ દેખાવ અદ્ભુત હોય. ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈ એક ખાસિયત આપી છે. જેના લીધે એને સમાજમાં પોતાનું સ્થાન મળી શકે. ક્યારેક એવું બને કે વ્યક્તિમાં બધા જ ગુણ હોય. ત્યારે એ વ્યક્તિ અભિમાની ન બની જાય એવું એણે ધ્યાન રાખવું જોઈએ. પણ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે એનામાં કોઈ પણ ગુણ ન હોય. એ સતત પોતે સારા છે એ સાબિત કરવા આસપાસના લોકોને રંજાડતા હોય. દેખાવ અને સ્વભાવ બંને વિકૃત હોય. કોઈ આવડત કે સમજણ શક્તિ ન હોય. ગુંડાગીરી કરતા હોય. તો પણ એમને એવું લાગતું હોય કે લોકો એને ચાહે. આવા સમયે લોકોની ફરજ બને છે કે એમને એમની હકીકતો સમજાવે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: આમ અમે ગુજરાતી. મારી કાયા સ્થૂળ. વળી મર્યાદામાં ઉછેર થયો. એટલે આક્રમક વિચારો આવતા. કોઈ જરાક વખાણ કરે એમાં મને પ્રેમ થઇ જાય. મારા ઘરનાને મારી ખુબ ચિંતા રહેતી. ચારેક લોકોએ મને છેતરી. મારા મમ્મીએ મારું બહાર જવાનું લગભગ બંધ કરી દીધું. એક દિવસ જીમમાં હું સ્ટેપ ચુકી ગઈ. અને એક સ્ટાફના માણસે મને ઊંચકી લીધી. મને એ ગમી ગયો. મારા પપ્પાને એ રીંછ જેવો લાગતો. એ મૂળ રાજસ્થાની. એટલે ઘરના ન માન્યા. વળી એમની આર્થિક સ્થિતિ પણ સારી નહિ. મારી જીદના લીધે મારા ઘરનાએ એક સારી સોસાયટીમાં મને ફ્લેટ આપવી દીધો. મારો પતિ કશું ખાસ કમાતો નથી પણ મને શારીરિક સુખ આપતો. એટલે અમારું ગાડું ચાલ્યું. એને બાઈકનો શોખ. હવે અમે ટૂંકા કપડા પહેરતા, પાર્ટીઓ કરતા, દારૂ પિતા. પણ કોઈ રોકવા વાળું નહિ.

મારા પતિને મોટા માણસ થવાનો શોખ એટલે ધીમે ધીમે એણે સોસાયટીમાં પગપેસારો કરીને સારા એવા પૈસા ભેગા કરી લીધા. અમે એ જ સોસાયટીમાં નવી બે પ્રોપર્ટી લીધી. મારા જેઠને પણ બોલાવી લીધા. જેઠાણીએ મને સમજાવ્યું કે આ સોસાયટીમાં એક બીજાના જીવનસાથીને બદલીને રહેવાની સ્કીમ ચાલે છે. મને આવું બધું ગમે. એટલે અમે એમાં નામ લખાવી દીધું. બાજુના મકાનમાં આઠમાં માળે બાર બનાવેલો છે. અમે ત્યાં ગયા. બધાની ગાડીઓ બેસમેંટમાં મુકાવી અમને એમાં બેસાડી દીધા. થોડી વારમાં એ ગાડીમાં અમારી ચાવી લઈને પુરુષો આવ્યા. મારા જેઠાણીને સારો માણસ મળ્યો. એ એના ફાર્મ હાઉસમાં લઇ ગયો. મારા વાળો તો એની પોતાની જ સી ગ્રેડની હોટેલમાં લઇ ગયો. મને ઝનુન ચડ્યું. લગભગ પાંચ વરસ થયા પણ હજુ એ માણસ મારી સાથે આવ્યો નથી. એક દિવસ હું સામેથી એને મળવા ગઈ તો એણે મને કહ્યું કે આ બધું રૂટીનમાં ન ચાલે. રાત ગઈ, બાત ગઈ. મેં એને મારા મનની વાત કરી દીધી. એણે મને કહ્યું કે બહેન, અરીસામાં જુઓ. આતો તમારો પતિ આટલો ગંદો દેખાય છે એટલે એને તમે ગમો. બાકી તમારામાં ગમવા જેવું કશું છે નહિ. હવે મને સમજાયું કે મારો નંબર બધા ખરાબ દેખાતા માણસો સાથે જ કેમ આવતો હતો. આમાં પણ ચીટીંગ?

મારા ઘરમાં વાસ્તુ આધારિત કયા ફેરફાર કરું તો એ માણસ મને સામેથી એના ફાર્મ હાઉસ પર લઇ જાય? હવે મને મારો પતિ નથી ગમતો. એ સાચે જ રીંછ જેવો છે. એનો કોઈ ઈલાજ થઇ શકે?

જવાબ: બહેન શ્રી. તમારી વાત એ આજના સમાજની વિકૃત છબી છે. તમે તમારા ઘરનાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. તમે માત્ર શરીર સુખને જ પ્રાધાન્ય આપ્યું. એવું કહે છે કે લક્ષ્મી જે રસ્તે ઘરમાં આવે એ જ રસ્તે એ જાય છે. તમારા પતિએ સોસાયટીમાં ગોટાળા કરવાના શરુ કર્યા અને તમારું મન ફર્યું. પરપુરુષ ગમન એ સારું નથી. માનો કે તમને કોઈ જાતીય રોગ થાય કે તમારા પતિને થાય તો અંતે તો તમારે જ ભોગવવાનું થશે. દરરોજ નવા પાર્ટનર સાથે શયન કરવાનું તમને વિચિત્ર નથી લાગતું? વળી કોઈ પણ અજાણ્યો માનસ તમારી ગાડીમાં આવીને તમને ગમેત્યાં લઇ જાય એ પણ યોગ્ય નથી. શાંતિથી વિચારો. તમારા ઘરના અગ્નિમાં બાલ્કનીમાં હીંચકો છે. જેના કારણે સ્ત્રીનું મન ચંચળ બને છે. એને ખસેડી લો. તમારી જીદ ખોટી છે. જે માણસને તમે ગમતા જ નથી એને પામવા માટે ખોટા પ્રયત્નો કરવા કરતા તમે તમારા પરિવારને સમય આપો. વળી માનો કે તમારા પતિને કોઈ ગમી ગયું તો? એ કોઈની પણ શારીરિક ભૂખ સંતોષી શકશે. પછી તમારું સ્થાન ક્યાં હશે? સભ્ય સમાજમાં જે સ્ત્રી દરરોજ પરપુરુષ ગમન કરે એના માટે ઘણા શબ્દો છે. વિચારજો તમને કોઈ એવું કહે તો ગમશે?

દરરોજ સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્ર કરો. મન શાંત થશે. સારા વિચાર આવશે.

સુચન: સુખને પામવા અંધારામાં દોટ મુકવા કરતા વાસ્તુને સકારાત્મક કરવાની જરૂર છે.

(આપના સવાલો મોકલી આપો Email: vaastunirmaan@gmail.com)

મની લોન્ડરિંગ મામલે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને હાઈકોર્ટમાંથી રાહત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના મની લોન્ડરિંગ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે દંપતીને વચગાળાની રાહત આપી છે. અગાઉ, શિલ્પા અને રાજે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમને તેમના ઘર ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી અને મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી દ્વારા ફાર્મહાઉસને અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કોર્ટે કહ્યું છે જ્યાં સુધી અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી ED આ નોટિસનો અમલ કરશે નહીં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોમ્બે હાઈકોર્ટને કહ્યું છે કે જ્યાં સુધી તેઓની અપીલ પર આદેશ નહીં આવે ત્યાં સુધી તે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને જારી કરવામાં આવેલી ઈવેક્શન નોટિસનો અમલ કરશે નહીં.

શિલ્પા-રાજને હાઈકોર્ટમાંથી રાહત મળી

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે આ મામલો પ્રોપર્ટી એટેચમેન્ટ સાથે જોડાયેલો છે, જેમાં EDએ શિલ્પા અને રાજને મુંબઈ અને પુણેમાં તેમના ઘર ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ હવે કોર્ટના આગામી આદેશ સુધી તેમણે ઘર ખાલી કરવું પડશે નહીં. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું કે જ્યાં સુધી તેમની અપીલ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને જારી કરવામાં આવેલી ઈવેક્શન નોટિસનો અમલ નહીં કરે.

શિલ્પા શેટ્ટી મની લોન્ડરિંગ કેસમાં નવું અપડેટ

વાસ્તવમાં, 27 સપ્ટેમ્બરના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિલ્પા શેટ્ટી અને કુન્દ્રાને 10 દિવસની અંદર જુહુ, મુંબઈમાં તેમનું ઘર અને પુણેમાં એક ફાર્મ હાઉસ ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી. દંપતીએ તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એટલું જ નહીં આ નોટિસને ગેરકાયદેસર ગણાવીને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તે જ સમયે, જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પીકે ચવ્હાણની બેન્ચે ગુરુવારે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને સ્ટે માટે અરજી કરવાની મંજૂરી આપી હતી.

આ ‘ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ’ના ફાયદા જાણો છો?

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ એક સામયિક ચક્ર પ્રમાણે આહાર અથવા તો ખાદ્યોને લેવાની પદ્ધતિ છે. અત્યારના સમયમાં આ પ્રકારની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ છે. એના દ્વારા ઘણા લોકોને ફાયદા પણ જોવા મળ્યા છે, જેમ કે વજન ઓછું થવું, કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં આવવું તેમ જ સુગરનું પ્રમાણ પણ નિયંત્રણમાં રહે, વગેરે.

આ એવા પ્રકારની મેથડ છે, જેમાં તમે ફક્ત કયા પ્રકારનો આહાર લઈ રહ્યા છો એ મહત્ત્વનું નથી, પરંતુ સાથે સાથે કયા સમયે યોગ્ય ખાદ્યોનો ઉપયોગ કરો છો એ મહત્ત્વનું છે અથવા તો અસરકારક છે.

સામાન્ય રીતે આપણે રોજ ઉપવાસ કરીએ છીએ. હા, એનો સમય લગભગ રાતનો હોય છે એટલે કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ એ સમયે કશું ખાતા નથી. આ સમયને પણ ફાસ્ટિંગ પિરિયડ એટલે કે ભૂખ્યા રહેવું એમ ગણવામાં આવે છે અને એટલે જ સવારે લીધેલા આહારને બ્રેકફાસ્ટ એટલે કે બ્રેક યૉર ફાસ્ટ  (તમારો ઉપવાસ તોડો) કહેવામાં આવે છે. કશું ખાધા-પીધા વગર લેવાની દવા પણ આ જ કારણે સવારના પહોરમાં લઈએ છીએ. આગલી રાતથી કંઈ ખાધું ન હોય એટલે ઉપવાસી  પેટની રાહત હોય. ફાસ્ટિંગ અર્થાત્ ઉપવાસના આ સમયને વધારવામાં આવે તો એ તબિયત માટે સારું પરિણામ આપી શકે છે.

આ પ્રકારના ફાસ્ટિંગની મુખ્ય થિયરી એ છે કે એક વખત સરખો આહાર લેવામાં આવે ત્યાર બાદ એ પચવા માટે પણ પૂરતો સમય આપવો. આથી જ બે ભોજન વચ્ચેનો સમય તબક્કાવાર વધારવામાં આવે છે. શરીરમાં પાચન એટલે કે ડાયજેશનની પ્રક્રિયા ચાલુ હોય એ સમયે અગર ફરીથી બીજા પ્રકારનો આહાર લેવામાં આવે તો એ ચયાપચયની ક્રિયામાં તકલીફ ઊભી કરી શકે છે. આ સ્થિતિમાં ડાયાબિટિક વ્યક્તિમાં પણ ઈન્સ્યુલિન ઉત્પ્ન્ન થવામાં વધુ સમય લાગે છે, પરિણામે સુગર વધી શકે છે.

અહીં ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એમની મદદે આવી શકે છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોને પણ એક પ્રકારે આહાર નિયંત્રણ મળી રહે છે. આ કારણસર એક રીતે ડાયટ કન્ટ્રોલ અપાવશે.

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ માટે ઘણી બધી પદ્ધતિ પ્રચલિત છે. તમારા માટે કયા પ્રકારની વધુ અનુકૂળ છે એ તમારે નક્કી કરવાનું રહે છે. મહિનામાં બે વખત અગિયારસ કરવી અથવા તો અઠવાડિયામાં કોઈ એક વાર ઉપવાસ કરવો એ પણ એનો જ એક પ્રકાર છે, પરંતુ આ પ્રકારના ઉપવાસમાં એકદમ ઓછી કૅલરીવાળો આહાર લેવો જરૂરી છે અથવા તો ફક્ત પ્રવાહી લઈને પણ ઉપવાસ કરી શકાય, જેને બૉડી ડિટોક્સિફિકેશન પણ કહેવાય છે.

અઠવાડિયામાં બે વખત એટલે કે એકાંતરે (ઑલ્ટરનેટ) ઓછી કૅલરીવાળો આહાર લેવો એ એક પ્રકારનું ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે.

બીજા એક પ્રકારના ફાસ્ટિંગમાં તમારે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ સવારનો નાસ્તો અથવા બપોરનું કે રાતનું ભોજન છોડવાનું હોય. જો કે આ પ્રકારના ફાસ્ટિંગમાં નિયમિતતા જાળવવી જરૂરી છે. તો જ તમને ઈચ્છિત પરિણામ મળી શકે, જેમ કે તમે મંગળવારે સવારે જમવાનું નથી લેતા અને પછી શુક્રવારે પણ લંચ સમયે ભૂખ્યા રહો છો તો આ સાતત્ય જળવાઈ રહેવું જોઈએ.

સૌથી પ્રચલિત ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં 24 કલાકમાંથી 16 કલાક ભૂખ્યા રહેવું અને બાકીના આઠ કલાકમાં તમારે જે કંઈ પણ ખાવું હોય એ લઈ શકો, મતલબ કે તમે અગર રાતે આઠ વાગ્યા સુધીમાં તમારું ડિનર લઈ રહ્યા છો તો એ પછીનો આહાર તમે વળતી બપોરે 12 વાગ્યા (સોળ કલાક પછી) પછી લઈ શકો.

આ બધી પદ્ધતિ પ્રમાણે ફાસ્ટિંગ કરવાથી આશ્ર્ચર્યકારક રીતે બ્લડ સુગરના લેવલમાં ઘટાડો થાય છે. ઘણી વ્યક્તિ વજન ઘટાડવા માટે આ પ્રકારનું ફાસ્ટિંગ કરે છે, જેના દ્વારા તમે સ્વાભાવિક રીતે કૅલરીનું પ્રમાણ અંકુશમાં રાખી શકો છો. આ પદ્ધતિ સરળ પણ છે, કારણ કે એમાં શું લઈ શકાય અથવા શું ના લઈ શકાય એ બાબત વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવી જરૂરી નથી. ફક્ત સમયાંતરે ખાદ્યોનો ઉપયોગ કરવો જરૂરી છે.

અમુક અભ્યાસના તારણ મુજબ તંદુરસ્ત અને લાંબું આયુષ્ય મેળવવા માટે પણ આ પ્રકારનું ફાસ્ટિંગ અસરકારક છે.

જેમને પાચન કે મેટાબોલિઝમને લગતી તકલીફ હોય એમને પણ આ પદ્ધતિ દ્વારા લાભ થઈ શકે છે. આ ફાસ્ટિંગમાં નિયમિતતા ખૂબ જરૂરી છે, અન્યથા એની વિપરીત અસર પણ થઈ શકે છે. એક અન્ય અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ પ્રકારનું ફાસ્ટિંગ ડાયાબિટીસ, હૃદયરોગ, કૅન્સર તેમ જ અલ્ઝાઈમર્સ ડિસીઝમાં પણ અસરકારક રહે છે. સમયસૂચકતા અને એ પ્રમાણે અંકુશમાં રહીને આહાર લેવાની પ્રક્રિયા તમને પણ ચોક્કસ લાભ અપાવશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

હૈદ્રાબાદમાં તોફાની તત્વોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી, મૂર્તિ ખંડિત કરી

હૈદ્રાબાદ: નામપલ્લી વિસ્તારના પ્રદર્શની મેદાનમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી છે. બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદના નામપલ્લીમાં કેટલાક લોકોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી છે. આરોપીએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી દીધો છે. ઘટનાની જાણકારી શુક્રવારે સવારે થઇ હતી. જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગુરૂવારે રાત સુધી પોલીસ ત્યાં હાજર હતી. ઘટના કેટલા વાગ્યાની છે, હજુ સુધી તેની જાણકારી સામે આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ દાનપેટીને એક તરફ મુકી હતી. તેનાં કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હોવાનું અનુમાન છે. દેવી શરણ નવરાત્રિ સમારોહના ભાગરૂપે એક્ઝિબિશન સોસાયટીના રહીશો અને કર્મચારીઓ દર વર્ષે દેવીની મૂર્તિ બનાવે છે.

કબીરવાણી: જેવા આદર્શ ગુરુની તલાશ છે તે ક્યાં મળે?

 

જૈસા ઢૂંઢત મેં ફિરું, તૈસા મિલા ન કોય,

તતવેતા તિરગુન રહિત, નિરગુન સોં રત હોય.

 

આ સાખી દ્વારા કબીરજી વાસ્તવિક્તાની વ્યથાને વાચા આપે છે. સાચા ગુરુની શોધ કઠિન છે. જેવા આદર્શ ગુરુની તલાશ છે તે ક્યાં મળે ? તેની ઓળખ શું ? કબીરજી કહે છે કે, “તતવેતા’” જેને મૂળ વસ્તુનું જ્ઞાન છે, સ્વની સાચી ઓળખ છે. જે સત્-રજસ્ અને તમસ્ જેવા તિરગુણથી મુક્ત છે.

ભગવાન ગીતામાં મનુષ્ય દ્વારા અને વિશ્વમાં થતા તમામ કર્મો ત્રિગુણમાંથી જન્મે છે તેમ કહે છે. આ પ્રકૃતિદત્ત વૃત્તિમાંથી મુક્તિ મળે તો એ જ નિજાનંદ, સચ્ચિદાનંદ કે સમાધિ છે. રજનીશજી વૃત્તિઓને પંપાળીને શાંત કરવાની સલાહ આપે છે પણ કબીરજી તો તેનાથી છૂટવાની જરૂર સમજાવે છે.

સાધક માટે યોગ્ય માર્ગદર્શક શોધવામાં વારંવાર નિરાશા થાય, કારણ કે નિરગુણ સ્થિતિ પ્રાપ્ત કરવી સહેલી નથી. શરીર અને મન સાથે જોડાયેલી વૃત્તિઓ સહેલાઈથી સંતોષાતી નથી. તૃપ્તિની જગ્યાએ તૃષ્ણાની આગમાં ઇચ્છાવૃત્તિનું ઘી હોમાતાં તે વધારે પ્રજ્વલિત થાય છે. મનુષ્ય જ જાગૃત રીતે જીવન જીવી પાંશુ વૃત્તિને પરાજિત કરી શકે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

ત્રણ પ્રકારના ‘સ’ આપશે આનંદ ચોવીસ કલાક

યુવાવસ્થાની પુત્રીનું સતત મોબાઈલ પર વાત કરવું માતાને ન ગમ્યું, માતાએ એને ટોકી, તો પુત્રીએ એના માનેલા ભાઈને પૈસા આપી માતાની હત્યા કરાવી…

મોંઘો મોબાઈલ અપાવવાની ના પાડતાં પુત્રે પિતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો…

બે મિત્રો સ્કૂટર પર જઈ રહ્યા હતા. પાછળથી પૂરપાટવેગે આવતી કાર એમને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. કારવાળાની જરીક ગફલત થાત તો સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો હોત. આગળ જઈ મિત્રોએ પેલા કારવાળાને જેમતેમ રોકી આવી સ્પીડે ને બેદરકારીથી કાર ચલાવવાનું કારણ પૂછ્યું. બન્ને કંઈ સમજે એ પહેલાં તો કારચાલકે સ્ટીલના સળિયાથી મિત્રો પર હુમલો કર્યો. આટલું જ નહીં, પણ ખીસામાંથી ગન કાઢી બન્નેને મારી નાખવાની ધમકી પણ આપી…

ગુસ્સો આવવો અને કોપાયમાન થવું એમાં ફરક છે. આપણે જેને રેજ કહીએ છીએ એ, કોપની અવસ્થામાં માણસ કંઈ પણ કરી શકે, પરિણામની એ ક્ષણે એને પરવા હોતી નથી. આપણે જે પ્રસંગો જોયા એમાં કારણ સામાન્ય છે, પણ પરિણામ અસામાન્ય. કારણ? સહનશક્તિનો અભાવ. સ્કૂટરવાળા કિસ્સામાં કારચાલકે સ્કૂટરવાળાઓને માત્ર એક જ શબ્દ કહેવાનો હતોઃ સૉરી. એણે એમ ના કર્યું, એની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો, પોલીસે એની ધરપકડ કરી, કોર્ટમાં પૈસા ભરી કારચાલકે જામીન મેળવ્યા… કેસ તો ઊભો છે.

નથી લાગતું કે નાની-મોટી ઘટના વખતે લીધેલા આવા ઘાતક નિર્ણયથી આપણે પ્રશ્નને ઉકેલતા નથી, પરંતુ વધુ જટિલ બનાવી દઈએ છીએ? આવા વખતે જરૂર હોય છે સહનશીલતાની, જેની આજે ચોમેર અછત વરતાય છે.

અમદાવાદની ફૅમિલી કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.ડી. સોની પચીસ વર્ષનો જાતઅનુભવ વર્ણવતાં કહે છે કે, “પરિવારમાં ઊભી થયેલી તિરાડ અને લગ્નો તૂટવાનું કારણ છે સહનશક્તિ અને સમજણશક્તિનો અભાવ.”

આપણે બૉક્સિંગનું ઉદાહરણ લઈએ. બાળાબળની આ રમતમાં તમે પ્રતિસ્પર્ધીને કેટલા જોરથી મુક્કા મારો છો તેના કરતાં પ્રતિસ્પર્ધીના મુક્કા સહન કરીને કેટલું ઝઝૂમો છો અથવા એના મુક્કા સહન કરો છો એ મહત્વનું છે. આવી જ રીતે મુશ્કેલી-મુસીબતના મુક્કા સામે સમજણ સાથેની સહનશીલતા જ આપણને લડતાં-ઝઝૂમતાં શીખવે છે, જે મહાન પુરુષો-સાધુસંતોનાં જીવનમાં જોવા મળે છે.

વ્યક્તિના પોતાના શારીરિક, આર્થિક, પારિવારિક કે સામાજિક પ્રશ્નોમાં એણે દાખવેલી સહનશક્તિથી તેના સંસ્કાર અને સજ્જનતાની કિંમત અંકાય છે. સામાન્ય રીતે માણસ સહન તો કરતો જ હોય છે, પણ ગરજથી કે મજબૂરીથી, જ્યારે મહાન પુરુષો સહન એક ચોક્કસ સમજણ સાથે કરતા હોય છે.

એક વાર સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યાઃ “મારા જીવનમાં ખૂબ દુઃખ છે. ઘડીએ ઘડીએ આનંદ છીનવાઈ જાય છે, આનંદ કેવી રીતે આવે?”

પ્રત્યુત્તરમાં પરમહંસજી કહેઃ “ભાઈ, મને નથી લાગતું કે તમારી સમસ્યાનો મારી પાસે ઉકેલ છે, પણ કક્કો આવડે છે. જુઓ, કક્કામાં ત્રણ પ્રકારના ‘સ’ આવે છે, જે હંમેશાં આનંદમાં રહેવાની ચાવી આપે છેઃ સહન કરો, સહન કરો, સહન કરો. આ જ સુખશાંતિનો ઉપાય છે.”

જીવનનાં 91 વર્ષ જેમણે સમાજના નૈતિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અવિરત વિચરણ પાછળ ગાળ્યાં તેવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ખભો એક વાર સખત દુખતો હતો. સંતોએ પૂછ્યું કે, “આ સહન કઈ રીતે કરો છો?” સ્વામીના જવાબમાં તેમની સહનશીલતા પાછળની ઊંચી સમજણનો સૌને પરિચય થયો. તેમણે જણાવ્યું કે, “રડવાથી દુઃખ ઓછું ન થાય અને બીજાને કહેતાં ફરીએ એમાં બમણું થાય. કેમ કે સાંભળનારને પણ દુઃખ થાય. એકમાત્ર ઉપાય છે શાંતિથી સહન કરવું. અવસ્થા થઈ એટલે આવું તો રહેવાનું જ. ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવું એ સમજણ રાખીએ તો વાંધો ન આવે.”

સમજણ સાથે સહન કરવું તે આધ્યાત્મિક ગુણ છે અને એટલે જ તેને શિરમોડ સહનશીલતા કહેવાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)