જામનગર: નવરાત્રિના તહેવારને બે દિવસની બાકી છે. હવે ગુજરાતભરમાં દશેરાના તહેવારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગરમાં પ્રતિવર્ષ સિંધી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના પ્રદર્શન મેદાનમાં વિજ્યાદશમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સિંધી સમાજ દશેરા કમિટીના આગેવાનો, કારોબારી સભ્યો સહિતના પદધિકારીઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં રહ્યા છે. જેમાં લંકા પતિ રાજા રાવણની 35 ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. અને તેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામાં આવ્યો છે. ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં દારૂખાનું સમાવવામાં આવ્યું છે, અને કાર્યક્રમ માટેની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે. સાથે સાથે નાનકપુરીથી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરીપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળમાં દેવી-દેવતા અને મહાપુરુષોની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે અને ઘોડે સવારી કરીને અથવા અન્ય રીતે શોભાયાત્રામાં જોડાશેએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
નવરાત્રીમાં અષ્ટમી કે નવમીના હવન બાદ માતાજીને થાળમાં તેમને ભાવતા શીરા અને પુરી સાથે ચણાનું શાક પણ ધરાવવામાં આવે છે. પ્રસાદમાં ધરાવવામાં આવતા ચણાના શાકનો સ્વાદ બહુ જ નિરાળો હોય છે!
સવારે તેમાંનું પાણી નિતારી લઈને કૂકરમાં આ ચણા લઈ તેમાં ચણા ડૂબે તેનાથી થોડું વધુ પાણી લઈ બાફવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. કૂકરની સીટી 7-8 થવા દેવી. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.
એક બાઉલમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, ગરમ મસાલો તેમજ હળદર પાઉડર લઈ અડધા કપ પાણીમાં મસાલો મેળવીને પેસ્ટ બનાવી લો.
આદુ તેમજ મરચાંની લાંબી પાતળી ચીરી સમારી લો.
એક કઢાઈ અથવા પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડાવો. હવે તેમાં આદુ તેમજ મરચાંની ચીરી 2 મિનિટ સાંતળીને સૂકા મસાલાની પેસ્ટ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈ આમચૂર પાઉડર ઉમેરી દો. ત્યારબાદ કૂકર ઠંડું થયું હશે તેમાંથી બફાયેલા ચણામાંથી 1 ચમચો ચણા મિક્સી બાઉલમાં કાઢીને પીસી લો. બાકીના ચણામાંથી 1 કપ જેટલું પાણી બાજુએ રાખીને બાકીના ચણામાંથી પાણી નિતારી લઈ કઢાઈના મસાલામાં ઉમેરી દો. મિક્સીમાં પીસેલા ચણાની પેસ્ટ પણ ઉમેરી દો અને બફાયેલા ચણાનું પાણી તેમાં ઉમેરીને મિક્સ કરી દો. કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે ચણાને સૂકા થવા દો. પાણી સૂકાય જાય એટલે સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
તૈયાર ચણાનું શાક થોડું ઠંડું થાય એટલે માતાજીના થાળમાં ધરાવી દો.
મુંબઈ: સુપરહિટ ફિલ્મ ‘હનુમાન’ બનાવ્યા બાદ હવે નિર્દેશક પ્રશાંત વર્મા દેશની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ ‘મહાકાલી’ હશે. પ્રશાંતની સિનેમેટિક યુનિવર્સની આ ત્રીજી ફિલ્મ હશે. તેની વાર્તા અને પટકથા બંને પ્રશાંત વર્મા લખશે. પૂજા અપર્ણા કોલ્લુરુ તેનું નિર્દેશન કરશે.
‘મહાકાલી’ બંગાળની સંસ્કૃતિ પર આધારિત હશે અને તેમાં કેટલાક આધુનિક તત્વોનો પણ સમાવેશ કરવામાં આવશે. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં IMAX 3D ફોર્મેટમાં રિલીઝ થશે. ફિલ્મમાં મહાકાળીનું પાત્ર કોણ ભજવશે તે હજુ જાહેર થયું નથી.
જો કે, ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર જોયા બાદ ચાહકોનો અત્યારથી જ ઉત્સાહ વધી ગયો છે. પોસ્ટરમાં એક નાનકડી બાળકી દીપડાના માથા સાથે સ્પર્શ કરતી મળી રહી છે. પાછળ હાવડા બ્રિજ દેખાય છે. શાંતિની સાથે ચહેરા પર તેજ પણ જોવા મળે છે. આ સાથે એક મોશન પોસ્ટર પણ આવ્યું છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.
એક ચાહકે લખ્યું છે કે, ‘આ ફિલ્મ શાનદાર હશે. માતા કાલીની યાત્રા જોવા આતુર. બીજી કોમેન્ટ છે, ‘હવે થશે તાંડવ. હર હર મહાદેવ.’ અન્ય એક ચાહકે લખ્યું, ‘આખરે ભારતને તેની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ મળી.’
‘મહાકાલી’નું શૂટિંગ મોટા પાયે થશે
‘મહાકાલી’ની કાસ્ટ અને ટેકનિકલ ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ એક ભારતીય સુપરહીરો ફિલ્મ હોવાથી, દેખીતી રીતે જ તે મોટા પાયે શૂટ કરવામાં આવશે, અને તેમાં ઘણા બધા VFX હશે. પ્રશાંતની અગાઉની ફિલ્મ ‘હનુમાન’ તાજેતરમાં જ જાપાનમાં રિલીઝ થઈ હતી, અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રશાંતે 12 જાન્યુઆરી, 2024ના રોજ રીલિઝ થયેલી ‘હનુમાન’થી પોતાની સિનેમેટિક યુનિવર્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રશાંતે તેની સિક્વલ ‘જય હનુમાન’ નામની જાહેરાત કરી. હવે આ બ્રહ્માંડની ત્રીજી ફિલ્મ ‘મહાકાલી’ હશે.
મુંબઈ: ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ 9 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહ્યું. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર દેશ શોકમાં છે. દેશ અને દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે તેમના ગયા પછી લોકો તેમના જીવનના દરેક પાસાને જાણવા માંગે છે. તેમના શબ્દો યાદ આવી રહ્યા છે. આ દરમિયાન તેનું બોલિવૂડ કનેક્શન પણ સામે આવ્યું. બધા જાણે છે કે તેમણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરી હતી. સિમી ગરેવાલ સાથેની તેમની નિકટતા અને ગાઢ મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ શું તમે જાણો છો કે તેઓ અમિતાભ બચ્ચન અને સિમી ગરેવાલ કરતા પણ વધુ કયા અભિનેતા રતન ટાટાના નજીકના મિત્ર હતા? આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શકુની એટલે કે ‘મહાભારત’ના મામા ગુફી પેન્ટલ હતા.
ગુફી પેન્ટલે મિત્રતાની વાર્તા સંભળાવી હતી
ગુફી પેન્ટલે પોતાની યુટ્યુબ ચેનલ પરના એક જુના વિડીયોમાં રતન ટાટા સાથેના પોતાના સંબંધો વિશે વિગતવાર વાત કરી હતી. વીડિયોમાં, ગુફીએ 1960ના દાયકાના અંતના દિવસોની વાત કરી, જ્યારે તે જમશેદપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા અને રતન ટાટા સાથે એક જ હોસ્ટેલમાં રહેતા હતા. તેમણે કહ્યું,’તે સમયે રતન ટાટા અમેરિકામાં તેમની ટ્રેનિંગમાંથી પાછા જ ફર્યા હતા અને મારાથી થોડા વર્ષ મોટા હતા. તે રૂમ નંબર 21 માં રહેતો હતો અને ખૂબ જ સજ્જન હતો. તે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના વડા છે અને હું એક ભારતીય અને મિત્ર તરીકે ગર્વ અનુભવું છું.’
સાથે પિકનિક પર જતા હતા
આ વીડિયોમાં ગુફીએ તે નાની-નાની પળોને યાદ કરી હતી જેણે તેમની મિત્રતાને ખાસ બનાવી હતી. તેમણે કહ્યું,’તે અમને તેની કારમાં પિકનિક પર લઈ જતા હતા અને અમારી વચ્ચે ગાઢ મિત્રતા હતી. હું એકમાત્ર વિદ્યાર્થી હતો જેને તેણે ચર્ચા માટે તેના રૂમમાં બોલાવ્યો હતો. 1960ના દાયકાની શરૂઆતમાં તેની પાસે સુંદર સિલ્વર કન્વર્ટિબલ પ્લાયમાઉથની માલિકી હતી અને તે સમયે કારમાં હાઇ-ફિડેલિટી રેડિયો જોવો એ નોંધનીય ગણાતું. અમે અંગ્રેજી અને હિન્દી ગીતો સાંભળતા અને ક્યારેક બિનાકા ગીતમાલા પણ સાંભળતા.
તેમણે વીડિયોમાં કહ્યું હતું કે,’ મને એ દિવસ યાદ છે જ્યારે હું બાંદ્રામાં લિંકિંગ રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. એક મોટી કાર ઉભી રહી અને મેં પાછળ બે મોટા કૂતરા જોયા. એ રતન ટાટા જ હતા જે ઘરે પરત ફરી રહ્યા હતા. તેમણે ગાડી રોકીને પૂછ્યું કે હું તને ઘર સુધી છોડી દઉં, મેં કહ્યું ના, રતન, તમારો ખૂબ ખૂબ આભાર. હું રસ્તો ક્રોસ કરું છું; મારી કાર બીજી બાજુ છે. આ એક ટૂંકી મીટિંગ હતી, પરંતુ તેણે મારા પર કાયમી છાપ છોડી ગઈ.’ તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા ગુફી પેન્ટલનું 2023માં નિધન થયું હતું.
ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદ ખેલૈયાના રંગમાં ભંગ પાડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
મળતી માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે શહેરીજનોને બફારાનો અનુભવ થશે તથા મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ આજે સાંજ પછી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ગતરોજ ગોવા પાસે જે પૂર્વ મધ્ય અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય હતું, તે આગળ વધીને મહારાષ્ટ્ર પાસેના દરિયા કાંઠાના વિસ્તારોમાં સક્રિય છે. તેને કારણે ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના ત્રણેય નરાધમો ઝડપાઈ ગયા છે. જેમાંથી આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું 10મી ઓક્ટોબરે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. જે બાદ કસ્ટોડિયલ ડેથના મુદ્દે ભારે વિવાદ થયો હતો. આરોપીનું પોસ્ટ મોર્મ કરવામાં આવતા મોતનું સાચુ કારણ બહાર આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 10મી ઓક્ટોબરે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેને તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડીની સારવાર બાદ તેનું મોત થયું હતું. ત્યારે આજે સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગમાં આરોપીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમિક રિપોર્ટમાં આરોપીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક આરોપીના હૃદયમાં બે બ્લોકેજ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. જોકે, એક મહિના પછી સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. મૃતક આરોપી શિવ શંકરનો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. જેની સામે ગુજરાત અને ગુજરાત બહારના મળીને 8 જેટલા વિવિધ કેસ નોંધાયેલા છે. જેમાં અંકલેશ્વરમાં 2 ગુના, કરજણ, કડોદરા, અમીરગઢમાં 1-1 ગુના દાખલ છે. જ્યારે આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે.
સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યાર બાદ આરોપીોને પકડવા પોલીસ માંડવીના તડકેશ્વર પહોંચી હતી. જ્યાં ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું અને અંતે શિવશંકર ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાન ઝડપાઈ ગયા હતા. પરંતુ રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જેને અમદાવાદ રેલવે પોલીસે આજે ઝડપી લીધો છે. જો કે ગેંગરેપના આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી ઝડપી લેવાયો હતો. છે. આરોપી વડોદરાથી ટ્રેનમાં બેઠો હતો જે અજમેર શરીફની દરગાહ પર માફી માગવા જઈ રહ્યો હતો.
ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન શક્તિ સ્વરૂપા દીકરીઓ પર હેવાનોના વધતા કહેરના એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી સુરક્ષિત ગણતા ગુજરાતમાં જ લગભગ 15 દિવસમાં 10 દુષ્કર્મના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
સવાલ એ છે કે, શું આપણો કાયદો અને વ્યવસ્થા એટલા નબળા પડે છે કે નરાધમોને આવા કૃત્ય કરવાની છૂટ મળે? દીકરીની સુરક્ષા શું માત્ર પોલીસના હાથમાં જ હોય? કે પછી શું દીકરાને મળેલી છૂટનો ભોગ બીજાની દીકરી બને?
આ વખતે ઓપિનિયન વિભાગમાં અમે પૂછ્યું કે દુષ્કર્મના કિસ્સામાં શું છે આપણા સમાજની જવાબદારી? આ દૂષણનું નિવારણ ફક્ત કાયદાથી જ થઇ શકે કે સમાજે પણ આ મુદ્દે વિચારવું પડશે?
અર્જુન સાંબડ, PSI, ઉમરપાડા પોલીસ સ્ટેશન
જ્યારે દીકરીઓ ગરબા રમવા જતી હોય ત્યારે સમૂહમાં જવું જોઈએ. ગરબા રમવા જતી વખતે પોતાના માતા પિતાને દીકરીના આયોજનનો ખ્યાલ હોવો જોઈએ. દીકરી હોય કે દીકરો માતા પિતાએ પોતાના સંતાનો પર સમય સીમાનો અંકુશ લગાવવો જોઈએ. પહેલાના સમયમાં જાગૃતિના અભાવને કારણે આવા કિસ્સા બનતા હતા. પરંતુ હાલના સમયમાં પોલીસ દ્વારા સુરક્ષા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા પણ દીકરી પોતાની સુરક્ષા કરી શકે છે. બીજી બાજુ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ત્યારે દીકરા ફોનનો શું ઉપયોગ કરી રહ્યો છે તેના પર પણ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત, પોતાના દીકરા સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ, અને તેને દીકરી સાથે કેવું વર્તન કરવું તેની સમજ આપવી જોઈએ, જેથી છોકરામાં આવતી વિકૃતતાને અટકાવી શકાય.
સોનલ સોની, યો વુમનિયા ગ્રુપ, અમદાવાદ
સરકાર રેપ કેસને લઈ પુરતા કાયદા બનાવે જ છે. આપણે આપણા બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. બાળકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. માતા પિતા પોતાના છોકરા સાથે ફ્રેન્ડલી બનીને માર્ગદર્શન પુરૂ પાડે તો આવા કિસ્સામાં ઘટાડો થઈ શકે. લેટ નાઈટ આઉટ પર પણ થોડા કાયદા આવે તો વધુ સારું. સામાન્ય રીતે દીકરીઓને આપવા આવતી સૂચનાનું પાલન થાય છે, જ્યારે બીજી બાજુ કેટલીક વખત દીકરાઓ એ સૂચનાનુ પાલન કરતા નથી. આ ઉપરાંત દીકરો કોની સાથે જાય છે. ક્યા જાય અને શું કરે છે. તેના પર પણ ધ્યાન રાખવાની માતા પિતાની ફરજ બને છે.
પ્રીતિ જોશી, વિંગ્સ વુમન ફાઉન્ડેશન, અમદાવાદ
સૌથી પહેલાં આપણે આપણી દીકરીને આવી કપરી પરિસ્થિતિમાં લડતા શીખવાડવું જોઈએ. બીજા દેશોમાં દુષ્કર્મની ઘટનાના આરોપીઓને મોતની સજા આપવામાં આવે છે, જેની સામે આપણા દેશમાં આપવામાં આવતી સજાની નકોઇ નિશ્ચિત જોગવાઇ નથી. અદાલત બધું જોઇને સજા નક્કી કરે છે. મારા મત અનુસાર આરોપીને ચાર રસ્તા પર ફાંસી લગાવી દો અથવા તો ગોલી મારી દો. એક કેસમાં જ્યારે આરોપીની ઓળખ થઈ ચૂકી હોય, તે મુદ્દે પછી કેસ ચાલ્યા જ કરે છે. વિકૃત મગજના લોકોને જીવવાનો હક જ નથી. આપણે દીકરાને ખોટા સાચાની સમજ આપવાની જરૂર છે.
દિપ્તી જોશી, દીકરીની માતા, અંકલેશ્વર
મારા મત પ્રમાણે આપણા કાયદા એટલા કડક હોવા જોઈએ કે કોઈ આવું કૃત્ય કરી જ ન શકે. દીકરાને નાનપણથી જ માણસ તરીકે કોને કઈ નજરથી જોવાનું એ સમજ આપવી જોઈએ. દીકરો અને દીકરી બંનેની આજુબાજુ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી છોકરાઓનો છોકરીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલે. માતાપિતાએ દિવસમાં એક એવો સમય જરૂર રાખવો જોઈએ કે, જ્યારે તેઓ બાળક સાથે ચર્ચા કરી શકે. જ્યારે દીકરાને ઘરની સ્ત્રીનું મૂલ્ય સમજાવવું જોઈએ. કોલકતા કેસ બાદ હું મારી દીકરીને જલ્દી કોઈની ઉપર ભરોસો ન કરવાની સલાહ આપીશ. ફોન પર સોશિયલ મીડિયા કે ફોન પરથી કોઈ એપ્લીકેશનથી સાવધાન રહેવાની સલાહ આપીશ. આ ઉપરાંત, કોઈપણ ખોટી વાત પર અવાજ ઉઠાવતા હું મારી દીકરીનો જરૂરથી શીખવાડીશ.
ઉત્તર પ્રદેશ: સમાજવાદી ચિંતક જય પ્રકાશ નારાયણની જયંતી પર રાજ્યની રાજધાની લખનઉમાં રાજકીય માહોલ ગરમાયો છે. JPNICમાં જયપ્રકાશ નારાયણની મૂર્તિ પર માળા અર્પણ કરવાથી રોકવા પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમારને મોદી સરકારથી ટેકો ખેંચવાની અપીલ કરી છે.શુક્રવારે જ્યારે યુપી સરકારે અખિલેશ યાદવને જેપી કન્વેન્શન સેન્ટર જતા અટકાવ્યા ત્યારે સપાના વડાએ તેમના ઘરમાં સ્થાપિત લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને માળા પહેરાવી. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ જયપ્રકાશ નારાયણ નેશનલ કન્વેન્શન સેન્ટર (JPNIC)માં પુષ્પાંજલિ અર્પણ કરશે.સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે ‘ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે અને સરકારને ચલાવવામાં મદદ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જય પ્રકાશ નારાયણ આંદોલનથી ઉભર્યા છે. આ નીતિશ કુમાર માટે તે સરકારથી સમર્થન પાછું લેવાની તક છે, જે કોઈ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પરવાનગી આપી રહી નથી.સમાજવાદી પાર્ટી સુપ્રીમોના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને પ્રતિક્રિયા આપતા કહ્યું, “આ નિવેદન ચોંકાવનારું છે. જો અખિલેશ યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનના મૂલ્યોનું થોડું પણ સન્માન કર્યુ હોત તો સમાજવાદી પાર્ટી પર એક પરિવારનું પૂર્ણ પ્રભુત્વ હોત નહીં.”
બીજી તરફ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, “સમાજવાદી પાર્ટી જેપીના માર્ગેથી ભટકી ગઈ છે. જે રીતે તે પીડીએના નામ પર પોતાના પરિવારને પ્રોત્સાહન આપી રહી છે, તેનાથી ખબર પડી જાય છે કે સપા પોતાના રસ્તેથી ભટકી ગઈ છે. આ તેનો રાજકીય નિર્ણય છે અને રાજ્ય અને દેશની જનતા આ જાણે છે.”
એકલ્વ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્ર્સ્ટ અને અમદાવાદ સંસ્કૃત એકેડેમી દ્ધારા સંસ્કૃત ભાષાનો પ્રચાર અલગ અલગ પ્રકારે થઈ રહ્યો છે. સંસ્કૃત બધી ભાષાઓની જનની છે. અને ગુજરાતી લોક ગરબાને સતત 4 કલાક સુધી ગવાય અને ગરબાના શબ્દો પર સંસ્કૃત પ્રેમીઓ ગરબા રમે આ ઘટના માત્ર ભારતમાં એક જ સ્થાને અમદાવાદમાં જ થઈ રહી છે.
આવા પ્રચારાત્મક કાર્યક્રમો દ્ધારા સંસ્કૃત ભાષાને દરેક ઘર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડાયરેક્ટર ડો. મિહિર ઉપાધ્યાય અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા થઈ રહ્યો છે. 2009થી શરૂ થયેલી આ સંસ્કૃત ગરબાની યાત્રાને સતત 4 કલાક સુધી ગવાયએ માટેનું બીડું ડો. મિહિર ઉપાધ્યાયે સહજતાથી ઝડપી લીધું. અને આ સંસ્કૃત ગરબા એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટના અવિરત પ્રયત્નોથી પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યા.
સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવના રાવલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, દર વર્ષે વધુને વધુ સંસ્કૃત પ્રેમીઓ આ ગરબામાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે સાતમી નવરાત્રિના શુભદિને નવરંગસ્કૂલ નવરંગપુરાના પ્રાંગણમાં યોજાયેલા આ ગરબામાં બે તાલી, ત્રણ તાલી, ભાંગડા, સનેડો અને સુંદર કર્ણપ્રિય સ્ત્રોત રજૂ કરવામાં આવ્યા. મહિષાસુર મર્દિની સ્ત્રોત, શિવમહિમા સ્ત્રોત, મઘુરાષ્ટકમ્, રેવાગીતમ્ વગેરે આ ગરબાના આકર્ષણો રહ્યા.
એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડાયરેકટર ડો. મિહિર ઉપાધ્યાયે ચિત્રલેખા.કોમને કહ્યુ કે, સંસ્કૃતીનું રક્ષણ કરતા સંસ્કૃતભાષાના આ અનેરા ગરબા કદાચ આવનારા ભવિષ્યમમાં નવ દિવસ યોજાય તો નવાઈ નહીં લાગે.
વર્ષ 2024ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે જાપાની સંસ્થા ‘નિહોન હિડાંક્યો’ની પસંદગી કરવામાં આવી છે. આ સંસ્થાનેએ પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવાના પ્રયાસો કર્યા છે. સંસ્થાએ સાક્ષીઓના નિવેદનો લઈને એ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે પરમાણુ શસ્ત્રોનો ફરી ક્યારેય ઉપયોગ થવો જોઈએ નહીં. ‘નિહોન હિડાંક્યો’ સંસ્થાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકો માટે જમીની સ્તર પર લડાઈ લડી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1956માં રચાયેલ ‘નિહોન હિડાંક્યો’ સંસ્થા જાપાનમાં પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકોનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી સંગઠન છે. તેનું ધ્યેય પરમાણુ શસ્ત્રોના વિનાશક માનવતાવાદી પરિણામો વિશે વૈશ્વિક જાગૃતિ વધારવાનું છે. સંસ્થા સાથે જોડાયેલા લોકો ઓગસ્ટ 1945માં પોતે અનુભવેલા વિનાશના અંગત અનુભવો શેર કરે છે. હિરોશિમા અને નાગાસાકીના બચી ગયેલા લોકોએ – આંતરરાષ્ટ્રીય “પરમાણુ નિષિદ્ધ”ને આકાર આપવામાં મદદ કરી છે. જેણે પરમાણુ હથિયારોના ઉપયોગને નૈતિક રીતે અસ્વીકાર્ય જાહેર કર્યો છે.
નોર્વેજીયન નોબેલ સમિતિએ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 286 ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવી હતી. જેમાંથી 89 સંસ્થાઓ હતી. વર્ષ 2023માં ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓ ઇરાનમાં પ્રતિબંધિત સંસ્થા, માનવ અધિકાર કેન્દ્રના ડિફેન્ડર્સના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેના તેમના કામ માટે વધુ જાણીતા છે.નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ (સ્ટોર્ટિંગેટ) દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. સમિતિમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત 5 સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરે છે.