Home Blog Page 1402

શાંતિ એશિયાટિક સ્કૂલમાં એન્યુઅલ સ્ટુડન્ટ એક્ઝિબિશન ‘જુનિયર પ્રભાત’ શરૂ

શાંતિ એશિયાટિક સ્કૂલ બોપલ ખાતે પાંચ દિવસીય એન્યુઅલ એક્ઝિબિશન “જુનિયર પ્રભાત”નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વિદ્યર્થીઓમાં રહેલી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલ ખાતે ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પ્રદર્શન ‘જુનિયર પ્રભાત’ સેલિબ્રેશન ઓફ નોલેજનું આયોજન થાય છે.

   આ એક્ઝિબિશનમાં પર્યાવરણ, યોગ, સંગીત, નૃત્ય, નાટક, ક્વિઝ વિજ્ઞાન, ગણિત, નેતૃત્વ, આર્ટ, ક્રાફ્ટ, કૂકિંગ વગેરે જેવી વિવિધ કલા અને વિષયો અંગેની 23 સ્ટુડન્ટસ ક્લબ્સ ભાગ લઈ રહી છે. જેમાં ધોરણ એક થી પાંચના લગભગ સાતસોથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ દિવસે લીડર ઈન મી, એન્વાયર્મેન્ટલ અવેરનેસ, તેમજ ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા વિષયોને લગતી વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પેરેન્ટસ પણ હાજર રહ્યા હતા.

લગ્નના 12 વર્ષ બાદ રાધિકા આપ્ટે બનશે મા, બેબી બમ્પ સાથે ફોટો વાયરલ

મુંબઈ: રાધિકા આપ્ટેએ તેની નવી ફિલ્મ ‘સિસ્ટર મિડનાઈટ’ના પ્રીમિયરમાં પ્રથમ વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે, જેના કારણે તે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પગ મૂકતાની સાથે જ બધાને ચોંકાવી દીધા હતા. રાધિકાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પછી બધા તેને અભિનંદન આપી રહ્યા છે. રાધિકા આપ્ટેએ 2012 માં બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા અને સુંદર દંપતી લગ્નના 12 વર્ષ પછી તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. અભિનેત્રી રાધિકા આપ્ટે BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

રાધિકા આપ્ટેએ સારા સમાચાર આપ્યા
રાધિકા આપ્ટેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઈવેન્ટની તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બોડીકોન ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં, જે વસ્તુએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું તે તેનું બેબી બમ્પ હતું. રાધિકા આપ્ટે પહેલીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. આ પહેલા તેણે પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી કોઈ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. આ તસવીરો પોસ્ટ થતાં જ ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. એક પ્રશંસકે લખ્યું, ‘હે ભગવાન!!! તમે ગર્ભવતી છો, અભિનંદન!’ બીજાએ લખ્યું, ‘આહ! પ્રીમિયર અને તમારી ગર્ભાવસ્થા પર અભિનંદન! તમે રેડ કાર્પેટ પર તમારા બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ખૂબ સુંદર દેખાશો!’

રાધિકા અને ટેલરની મુલાકાત લંડનમાં થઈ હતી જ્યાં તે કન્ટેમ્પરરી ડાન્સ શીખવવા ગઈ હતી. આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને થોડા વર્ષો એકબીજાને ડેટ કર્યા બાદ 2012માં લગ્ન કરી લીધા. રાધિકા અને બેનેડિક્ટના ઉત્તર ઈંગ્લેન્ડમાં લગ્ન થયા હતા. હવે આ કપલ લગ્નના 12 વર્ષ બાદ તેમના પ્રથમ સંતાનને આવકારવા માટે તૈયાર છે. રાધિકા પોતાના અંગત જીવનને હંમેશા ખાનગી રાખે છે. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પોતાનો બેબી બમ્પ બતાવ્યો ત્યારથી તે ચાહકોમાં ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાધિકા બે અંગ્રેજી ફિલ્મો, ‘સિસ્ટર મિડનાઈટ’ અને ‘લાસ્ટ ડેઝ’ની રિલીઝ માટે તૈયારી કરી રહી છે.

સિવાનમાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને 32

પટનાઃ બિહારના સિવાન જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી થતા મોતોની સંખ્યા વધી રહી છે. એ સંખ્યા 32એ પહોંચી છે. એની પુષ્ટિ SP અમિતેશ કુમારે કરી છે. આટલું જ નહીં, ઝેરી દારૂની અસરે કેટલાક લોકોની આંખો પણ ચાલી ગઈ છે.

બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે અને ઝેરી દારૂ પીવાથી 32 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મોત સિવાન અને છપરામાં થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોનાં મોત થયાં છે જ્યારે છપરામાં 8 લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની હાલત ગંભીર છે. જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ સમિશનરે આશિષકુમારે જણાવ્યું હતું કે એની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એ સાથે સ્થાનિક ચોકીદાર અને પંચાયત બીટ પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આટલા મૃત્યુ પછી પણ મંત્રી સ્વીકારી રહ્યા નથી કે આ વહીવટી નિષ્ફળતાનો મામલો છે. તેમણે કહ્યું હતું કે આ વહીવટી નિષ્ફળતા નથી, સવાલ એ છે કે આટલા લોકોના મૃત્યુ પછી શું આ વહીવટી નિષ્ફળતા નથી?

 

બંગલાદેશના શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

નવી દિલ્હીઃ બંગલાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. જોકે તેમણે જણાવવું પડશે તે તો ભારત ક્યારે આવ્યા હતા. ભારતીય નાગરિકતા માટે નવ દસ્તાવેજ સાબિત કરશે કે અરજીકર્તા પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિક છે કે નહીં. આ શરણાર્થીઓ CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નાગરિકતા અધિનિયમની કલમ 6A માટે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સંશોધનના માધ્યમથી નાગરિકતા કાયદાની કલમ 6Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો હતો, જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ વ્યક્ત કરી હતી. કલમ 6એને 1985માં આસામ સમજૂતીમાં સામેલ કરવામાં આવી હતી જેથી બંગલાદેશમાંથી ગેરકાયદે વસાહતીઓને નાગરિકતાનો લાભ આપી શકાય જેથી એક જાન્યુઆરી 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં આવ્યા હોય.

CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6A બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. નોંધનીય છે કે બહુમતીએ સંશોધનને યોગ્ય ગણાવ્યું છે, એટલે કે 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બંગલાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આસામમાં 40 લાખ ગેરકાયદે વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, તેમ છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ-ઓફ તારીખ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ સાચી છે.

 

કોણ છે નિકિતા પોરવાલ? જેણે જીત્યો મિસ ઈન્ડિયા 2024નો તાજ

મુંબઈ: મધ્યપ્રદેશની નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024 (Femina Miss India 2024)નો તાજ મળ્યો છે, જ્યારે રેખા પાંડે ફર્સ્ટ રનર અપ અને આયુષી ધોળકિયા સેકન્ડ રનર અપ રહી છે. 18 વર્ષની ઉંમરે ટીવી એન્કર તરીકે કારકિર્દી શરૂ કરનાર નિકિતા ઘણા વર્ષોથી નાટકો પણ લખી રહી છે. તે અભિનેત્રી પણ છે. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તાએ તેને તાજ પહેરાવ્યો, જ્યારે બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ આપીને તેનું સન્માન કર્યુ હતું.

નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા 2024 બની

ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે બુધવારે રાત્રે મુંબઈમાં યોજાયો હતો. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ આ સમયગાળા દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું અને રનવે પર પણ પોતાની સુંદરતા દેખાડી હતી. આ પ્રસંગે અભિનેત્રી નેહા ધૂપિયા, ડાન્સર રાઘવ જુયાલ અને અન્ય ઘણી હસ્તીઓ પણ હાજર રહ્યા હતાં. અનુષા દાંડેકર ફેમિના મિસ ઈન્ડિયા 2024ની જ્યુરી પેનલનો ભાગ બની હતી. ગ્રાન્ડ ફિનાલેમાં 30 રાજ્યોમાંથી ફાઇનલિસ્ટ ભાગ લેવા આવ્યા હતા. વિજેતા નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

કોણ છે નિકિતા પોરવાલ?

મધ્યપ્રદેશની બ્યુટી ક્વીન જે ઉજ્જૈનની રહેવાસી છે. ફેમિના અનુસાર, નિકિતા પોરવાલે કાર્મેલ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરી રહી છે. તે કહે છે, ‘એવું જીવન જીવો જે મહત્ત્વનું છે, એવી ખોટ જે અનુભવાય છે.’ નિકિતા એક અભિનેત્રી પણ છે અને 18 વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. તેણે ટીવી એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 60 થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે કૃષ્ણલીલા નાટક લખ્યું છે જે 250 પાનાનું છે. 2024 ફેમિના મિસ ઈન્ડિયા 16 ઓક્ટોબરે મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં યોજાઈ હતી. તે પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી આવૃત્તિ હતી.

મિસ ઈન્ડિયા નિકિતા આ અભિનેત્રીની ફેન છે

મિસ ઈન્ડિયા 2024 વિજેતા નિકિતા પોરવાલે જણાવ્યું કે તે મિસ વર્લ્ડ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની મોટી ફેન છે. તેણે ફેમિનાને કહ્યું, ‘તે મારા માટે સુંદરતા અને બુદ્ધિનું પ્રતીક છે જે ક્યારેય બદલાશે નહીં… મને તેના વિશે બધું જ ગમે છે. હું તેની પાસેથી ઘણું શીખી છું. એટલું જ નહીં, તે મારી પ્રેરણા છે.’

કચ્છની ધરા ફરી ધણધણી ઉઠી, 4 રિક્ટર સ્કેલનો ભૂકંપ અનુભવાયો

કચ્છ: ગુજરાતના કચ્છની ધરા ફરી એક ધણીધણી ઊઠી હતી. 2001ના ભૂંકપ બાદ અવાર નવાર કચ્છમાં ભૂંકપના આંચકાનો અનુભવ થતો રહે છે. ત્યારે કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગ્યે અને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 બતાવાઈ છે. જેના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.

કચ્છમાં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે. આજે રાત્રે 3 વાગ્યાને 54 મિનિટે 4 રિકટર સ્કેલનો આંચકો આવતા લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 રિકટર સ્કેલનો આંચકો હોય લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. સિસ્મોલોજી વિભાગમાં નોંધાયા મુજબ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છની સામે પાર પાકિસ્તાનના સરહદી નિર્જન સ્થળે નોંધાયું હતું. 4ની તિવ્રતા ધરાવતા મધ્યમ કક્ષાના આંચકાના કારણે તેની અસર ખાવડા સુધી વર્તાઈ હતી.

બાવળ વાવો તો આંબા ન ઊગે

અમેરિકાની અવકાશસંશોધન સંસ્થા નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)નાં અંતરીક્ષયાત્રી, ભારતીય મૂળનાં સુનીતા વિલિયમ્સ ૫ જૂનના રોજ બોઈંગના નવા સ્ટારલાઈનર અવકાશયાનમાં સાથી બચ વિલમોર અંતરીક્ષમાં ગયાં. બંને અવકાશયાત્રીઓ આઠ દિવસમાં સંશોધન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત આવવાના હતા પરંતુ આજ સુધી એ પરત ફરી શક્યાં નથી. અવકાશયાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે આમ થયું છે. અનેક શારીરિક-માનસિક વિટંબણા વચ્ચે પણ બન્ને વિજ્ઞાની અવકાશયાત્રી હિંમત હાર્યા ટકી રહ્યાં છે ને સંશોધન કરી રહ્યાં છે. આટલું જ નહીં, પણ હાલ એ જ્યાં છે ત્યાંથી એટલે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મતદાન કરીને ઈતિહાસ રચશે. સર્વવીદિત છે કે પાંચ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે.

હજારો વર્ષ પહેલાં પશુ જેવું જીવન જીવતો માનવ આજે સ્પેસમાં માત્ર સંશોધન કરવા જ જતો નથી બલકે, સ્પેસ ટુરીઝમ કરતો થઈ ગયો. તે સમયથી આજ સુધી જેટલી શોધખોળ થઈ, માનવીની પ્રગતિ થઈ એ એના મગજમાં આવેલા એક વિચારનું, આઈડિયાનું પરિણામ છે. અંગ્રેજ લેખક ડૉ. જૉન રસ્કિને કહેલું કે ‘માનવઈતિહાસ ખરેખર તો વિચારોનો ઈતિહાસ છે.’

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની સ્વ. ડૉ.અબ્દુલ કલામ પોતાની આત્મકથામાં જણાવે છે કે, ‘બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનનું આકર્ષણ હતું. બગલા તથા સીગલ પક્ષીઓને આકાશમાં ઊંચે ઊડતાં જોતો ત્યારે મને ઊડવાની ઈચ્છા થતી. હું ભલે ગામડાનો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું આકાશમાં ઊડીશ. અને ખરેખર રામેશ્વરમાંથી આકાશમાં વિહરનારો હું પ્રથમ છોકરો બન્યો.’

એક પ્રબળ વિચાર વ્યક્તિને કેટલી બળવાન બનાવી શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે જ, કહેવાયું છે કે, જીવન રૂપી ખેતરમાં જેવા વિચારનાં બીજ વાવીએ એવો જ પાક મળે. આંબો વાવો તો આંબો જ ઊગે, બાવળ વાવો તો બાવળ ઊગે. વાવીએ તે જ ઊગે.

મોટા ભાગના લોકો પોતાને સામાન્ય ગણી વિચારવાનું માંડી વાળે છે. જેમણે મૌલિક વિચાર કર્યા છે તે બીજા કરતાં જુદું કરી પ્રગતિ અને સફ્ળતા પામ્યાં.

યુવાનો બીજાની સફ્ળતા કે પ્રસિદ્ધિથી અંજાઈને તેના જેવા બનવાના વિચાર કર્યા કરે છે. ક્યારેક સચિન કે કોહલી, ક્યારેક રોનાલ્ડો તો ક્યારેક બ્રુસ લી, પરંતુ ફૂટબૉલ કે ઘડિયાળના લોલકની જેમ આમથી તેમ ફંગોળાતા પાયા વિનાના વિચાર પાણીમાં દોરડાં વણવા જેવો વ્યર્થ વ્યાયામ સાબિત થાય છે. એક વિચાર પકડી તેના માટે સતત ચિંતનમનન સહિતનો ઉદ્યમ થાય તો જીવનમાં કાંઈક પામી શકાય.

1855માં અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલો કૅમ્પ 21 વર્ષનો થયો ને પહેલી નોકરી મળી. સેલ્સમેન તરીકે એણે વિવિધ શહેરોમાં જઈને માલ વેચવાનો હતો. આમ ને આમ 30 વર્ષ બીજાનો માલ વેચી એ કંટાળ્યો. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતાનું કામકાજ કરવું અને એવું કંઈ બનાવવું, જે લોકો દર થોડા દિવસે ખરીદ્યા કરે. આ વિશે સતત વિચાર કરતાં એને શેવિંગ બ્લેડ અને હોલ્ડરનો આઈડિયા આવ્યો. આનાથી રોજેરોજ અસ્ત્રાની ધાર કાઢવાની ઝંઝટ છૂટી. વળી બે-ચાર વાર દાઢી કર્યા બાદ નવી બ્લેડ ખરીદવી પડતી એટલે માલ ધૂમ વેચાતો. મિસ્ટર કૅમ્પનું આખું નામઃ કિંગ કૅમ્પ જિલેટ. એણે શોધેલી બ્લેડ અને અન્ય શેવિંગનાં સાધનનું બ્રાન્ડનેમઃ જિલેટ.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાકાંઠે મંદિર કરવું. પોતાના ગુરુનો આ એક વિચાર પ્રમુખસ્વામી મહારાજનું જીવન બની ગયો. વિચારને સાકાર કરવા તેમણે 32 વર્ષ ધીરજ રાખી પ્રચંડ પુરુષાર્થ કર્યો. અલબત્ત, એમાં વિઘ્ન આવ્યાં, પણ એનાથી ડર્યા કે ડગ્યા વિના તેમણે માત્ર વિચાર સમક્ષ જ દૃષ્ટિ રાખી, જેના ફ્ળ સ્વરૂપે આ વિશ્વને દિલ્હી અક્ષરધામ મળ્યું. સારા વિચારોનાં વાવેતર કરી કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૧૭ ઓક્ટોબર ૨૦૨૪

૧૭ ઓક્ટોબર ૨૦૨૪

કબીરવાણી: સ્વાર્થમાંથી પરમાર્થમાં પ્રયાણ કરવું તે જ સાચો જ્ઞાનમાર્ગ

કબીર હૃદય કઠોર કે શબ્દ ન લાગે સાર,

સુધિ બુધિ કે હિર દૈ વિધે, ઉપજે જ્ઞાન વિચાર.

 

સમાજમાં અમુક વ્યક્તિઓનું દિલ પથ્થર જેવું કઠણ થઈ ગયું હોય છે. આવા માણસોને ઉપદેશની અસર થતી નથી. પ્રકૃતિગત ગુણોમાં જ્યારે અહમ્, લોભ, ઈર્ષાનું પ્રાધાન્ય હોય ત્યારે માનવીની સંવેદના લુપ્ત થઈ જાય છે. ગાંધીજીને જ્યારે પૂછયું કે, આ દેશની સૌથી મોટી કરુણતા કઈ ? તો તેમણે જવાબ આપ્યો, “ભણેલા, ગણેલા દેશબંધુઓની લાગણીશૂન્યતા.”

તાજેતરમાં બિલ ગેટસે પણ સંપત્તિદાન સમયે જે કહ્યું છે કે, વિશ્વના 34 ટકા સંપત્તિવાન લોકો બાકીના 66 ટકાની સ્થિતિથી માહિતગાર થાય તો પણ ગરીબી અને દુઃખના નિવારણનો રસ્તો સરળ બને.

માણસમાં જ્યારે સંવેદના જાગૃત થાય છે, હૃદય અન્યના દુઃખે દ્રવી ઊઠે છે ત્યારે જ સત્ય સમજાય છે. પાષાણ ઉપર પાણીની અસર નથી થતી તેમ બોધની અસર દુર્જનને થતી નથી. કઠોરને કોમળ બનાવવું, આક્રોશને અનુકંપામાં પરિવર્તિત કરવો અને સ્વાર્થમાંથી પરમાર્થમાં પ્રયાણ કરવું તે જ સાચો જ્ઞાનમાર્ગ છે. તેથી જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે, હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ.”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)