Home Blog Page 1401

દિવાળી માટે એસટી નિગમ આપશે વધારાની 8340 બસોની સેવા

અમદાવાદ: દિવાળીને લઈ ચારે તરફ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તહેવાર નિમિત્તે લોકો પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. અને પરિણામે શહેરોની રેલ્વે તથા બસ સ્ટેશન પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. એવા એસટી નિગમ દિવાળીના તહેવારને લઈને સજ્જ છે. મુસાફરોને સુવિધા માટે બસની 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરશે. જેનું એસટી નિગમની વેબ સાઈટ પર ઓનલાઈન અને કરંટ બુકિંગ કરી શકશે. એડવાન્સ બુકિંગના કારણે ટ્રેન અને બસમાં ફુલ બુકિંગ થઈ જાય છે.

તહેવારો નિમિત્તે ખાનગી બસના ભાડેમાં બે ગણો વધારો થઈ જતો હોય છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીની તહેવારને લઈ વધારાની બસો દોડાવશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એસટી નિગમ દ્વારા રોજના 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. તેમજ તહેવારો તેમજ ધાર્મિક મેળાઓમાં વધારાની એસટી બસ દોડાવી વિશેષ સુવિધા પૂરી પાડે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. જેઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એસ ટી નિગમ દ્વારા 26થી 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર તરફ 2200 એક્ટ્રા બસોનું સંચાલન કરશે. તેમજ રાજ્ય ભરના વિવિધ રૂટો ઉપર એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. ચાલુ વર્ષે સુરતથી 2200 બસો, દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્ર કચ્છ માથી 2150 બસો અને ઉત્તર ગુજરાતમાંથી 1090 જેટલી બસો, કુલ 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સેન્સેક્સ 495 પોઇન્ટ તૂટ્યો,નિફ્ટી 24,750ની નીચે બંધ

અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે ઘરેલુ શેરબજાર સતત ત્રીજા સેશનમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઓટો, મિડિયા અને રિયલ્ટીમાં 2-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.જોકે ITમાં સુધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. ઓક્ટોબરમાં FIIએ રૂ. 67,310.80 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. છેલ્લા સાડાચાર વર્ષોમાં એક મહિનામાં કરવામાં આવેલી સૌથી વધુ વેચવાલી કરી હતી.  શેરબજારનું ઊંચું વેલ્યુએશન, મિડલ-ઇસ્ટમાં ટેન્શન અને ચીનના નવા આર્થિક પેકેજને કારણે રોકાણકારો ઘરેલુ બજારમાં વેચવાલી કરી રહ્યા છે.

આ સાથે દેશમાં અનિયમિત પડેલા વરસાદને કારણે રિટ્લ મોંઘવારી દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 5.5 ટકાએ પહોંચ્યો છે, જે છેલ્લા નવ મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. આ પહેલાં ઓગસ્ટમાં મોંઘવારી દર 3.7 ટકા હતો.

બજારની નજર હવે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી, મિડલ ઇસ્ટમાં ટેન્શન, ચીનનાં આર્થિક પ્રોત્સાહનો અને કેન્દ્રીય બેન્કની આગામી બેઠક પર છે. બજાર હાલ કંપની પરિણામોની વચ્ચે બેતરફી વધઘટમાં અથડાઈ ગયું છે. બજારનું સેન્ટિમેન્ટ હાલ નરમ છે. આ સાથે બજારમાં બજાજ ઓટોનાં નબળાં પરિણામોએ ઓટો શેરોમાં નરમ વલણ રહ્યું હતું. જેથી રિયલ્ટી, PSE, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, FMCG શેરોમાં નરમાઈ પ્રવર્તતી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4064 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1272 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2691 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 101 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 312 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 239 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

શું કહે છે વાવ વિધાનસભાનો ઇતિહાસ?

ફરી એક વખત દેશમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષમાં હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને ઝાંરખંડ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં એમને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગેનીબહેન ઠાકોર ગુજરાત કોંગ્રેસનાં એકમાત્ર નેતા હતાં જેઓ લોકસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. માટે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. હવે એના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે.

છ દાયકા પછી મળ્યા બનાસકાંઠાને મહિલા સાંસદ

નોંધનીય છે કે આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વાવનો રાજકીય ઇતિહાસ

1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
ગેનીબેને MLA પદેથી રાજીનામું આપતા બેઠક ખાલી

શું કહે છે જાતિ સમીકરણ ?

જાતિ-જ્ઞાતિનું સમીકરણની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે 30 હજાર દલિત મતદારો, 43 હજાર ચૌધરી મતદારો, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000 રબારી મતદારો 19,000 અને 41 હજાર રાજપૂત મતદારો છે. વાવ વિધાનસભાના કુલ 321 પોલીંગ સ્ટેશન છે. કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે, એ પણ એક હકીકત છે.

સંભવિત ઉમેદવારો

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો જુદા-જુદા સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને એમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. ભાજપની વાત કરીએ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી ટિકિટિ માટે સૌથી વધુ દાવેદાર ગણવામાં આવે છે. તો બીજી તરફ કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા પણ નામની પણ ચર્ચામાં છે. જો કે ટિકિટનો અંતિમ ફેસલો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.

હવે જયારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ફરીવાર તમામ જાતિના મતદારોના કોંગ્રેસને આશીવાર્દ મળશે. કોંગ્રેસ જેને ટિકિટ આપશે એને જીતાડવા અમે લડીશું. તો ભાજપના ડીસાના ધારાસભ્યએ પણ વાવ બેઠક પર કમળ ખીલવાની વાત કરી. હવે જોવુ રહ્યુ કે કોણ બાજી મારે છે.

રામ ગોપાલ મિશ્રાને ગોળી મારનાર આરોપીનું એન્કાઉન્ટર

બહરાઈચના મહસીના મહારાજગંજ વિસ્તારમાં સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ગુરુવારે પોલીસ અને STFએ રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. કહેવાય છે કે બંને આરોપીઓએ નેપાળ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું.રામ ગોપાલ મિશ્રાની હત્યા કરનાર આરોપી સરફરાઝ સાથે ગુરુવારે પોલીસ એન્કાઉન્ટર થયું હતું. મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ અને તાલિબ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. મુખ્ય આરોપી સરફરાઝ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. આ દરમિયાન આ એન્કાઉન્ટર નેપાળ બોર્ડર પાસે હાંડા બશેહરી કેનાલ પાસે થયું હતું.

મળતી માહિતી મુજબ બંને આરોપીઓ તેમના સંબંધીઓ સાથે નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંનેએ એસટીએફ અને પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. બંને આરોપીઓ નેપાળની ખુલ્લી બોર્ડર પરથી બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી અને આ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ગોળી મારી દીધી. મળતી માહિતી મુજબ, આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નેપાળ સાથે જોડાણ

હોસ્પિટલમાં દાખલ આરોપીની હાલત અત્યંત ગંભીર છે. આરોપી નેપાળ સાથે કનેક્શનનો ઈતિહાસ પણ ધરાવે છે. યુપી પોલીસ અને એસટીએફ પણ આ મામલે નેપાળના અધિકારીઓના સંપર્કમાં હતા. બીજી તરફ, ગુરુવારે પાંચમા દિવસે ફરીથી ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.

હરિયાણામાં ફરી એકવાર નાયબ સરકાર

હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નાયબ સૈનીની સાથે 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને એનડીએ શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ માટે શહેરભરમાં સ્વાગત પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નાયબ સૈનીને હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ક્રિષ્ના પંવાર, ગૌરવ ગૌતમ, અનિલ વિજ, મહિપાલ ધંડા, શ્રુતિ ચૌધરી, વિપુલ ગોયલ, રાવ નરબીર, કૃષ્ણા બેદી, આરતી રાવ, શ્યામ સિંહ રાણા, ડૉ. અરવિંદ શર્મા અને રાજેશ નાગરે સહિત 13 મંત્રીઓએ શપથ લીધા છે.

હરિયાણાના મંત્રીઓની સંપૂર્ણ યાદી

1 – નાયબ સિંહ સૈની – CM
2 – અનિલ વિજ – કેબિનેટ મંત્રી
3 – કૃષ્ણલાલ પંવાર કેબિનેટ મંત્રી
4 – રાવ નરબીર કેબિનેટ મંત્રી
5- મહિપાલ ધંડા કેબિનેટ મંત્રી
6 – વિપુલ ગોયલ કેબિનેટ મંત્રી
7 – ડૉ.અરવિંદ શર્મા કેબિનેટ મંત્રી
8 – શ્યામ સિંહ રાણા કેબિનેટ મંત્રી
9 – રણબીર ગંગવા કેબિનેટ મંત્રી
10 – કૃષ્ણા બેદી કેબિનેટ મંત્રી
11 – શ્રુતિ ચૌધરી કેબિનેટ મંત્રી
12 – આરતી રાવ કેબિનેટ મંત્રી
13 – રાજેશ નગર. (રાજ્યમંત્રી-સ્વતંત્ર હવાલો)
14 – ગૌરવ ગૌતમ (રાજ્ય મંત્રી – સ્વતંત્ર હવાલો

ભૂતપૂર્વ PM શેખ હસીનાને કોર્ટમાં હાજર થવાનું ફરમાન

ઢાકાઃ બંગલાદેશની કોર્ટે ભૂતપૂર્વ PM શેખ હસીનાની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેઓ ઓગસ્ટમાં સત્તા પરથી દૂર થયા પછી ભારત આવી ગયાં હતાં.

બંગલાદેશના ભૂતપૂર્વ PM શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમના પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર હોવાનો આરોપ છે. બંગલાદેશની કોર્ટે આ આરોપોને આધારે શેખ હસીનાની ધરપકડનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે કોર્ટે તેમની ધરપકડ અને 18 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદી ટીમે PM શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માગ કરી હતી. અવામી લીગ પાર્ટીનાં નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

મોહમ્મદ તાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે હસીનાના 15 વર્ષના શાસનમાં મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળ્યા નથી. ભારતમાં તેમની હાજરીથી બંગલાદેશ નારાજ છે. આ કારણોસર શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે.

 

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલ્વે મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે.

 

રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે. જો કે, ઑક્ટોબર 31, 2024 સુધી 120 દિવસની ARP હેઠળ કરવામાં આવેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.

રેલ્વેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક કલાકો પર દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળતી હતી. જેના કારણે સમયસર ટીકીટ બુક થઇ શકી હતી અને વોટીંગ ટીકીટ કન્ફર્મ થવા માટે પુરતો સમય મળતો હતો પરંતુ 60 દિવસની સમય મર્યાદાને કારણે અચાનક બુકીંગ માટે ધસારો જોવા મળી રહ્યો હતો. વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી હશે. પૂર્વાંચલ અને બિહારના રૂટ પર આરક્ષણ ચાર મહિના અગાઉથી થઈ જાય છે.

 

ટિકિટ બુકિંગને સરળ બનાવવા અને દરેકને ટિકિટ મળી રહે તે માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરાવનારાઓ સામે રેલવે પણ સતત અભિયાન ચલાવે છે. રેલવેનું ધ્યાન સુવિધાઓને વધુ સરળ બનાવવા પર છે.

મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલા સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી

મુંબઈ: દેશના સૌથી પ્રખ્યાત અને હાઈપ્રોફાઈલ આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે હવે રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર વાનખેડે આગામી વિધાનસભામાં ચૂંટણી લડશે. સૂત્રોનું માનીએ તો IRS અધિકારી સમીર વાનખેડે શિવસેના શિંદે જૂથમાં જોડાશે. શિંદે જૂથ તેમને મુંબઈની કોઈપણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ધારાવી સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેવી ઘણી ચર્ચા છે.

મુંબઈની ધારાવી બેઠક પરથી ધારાસભ્ય વર્ષા ગાયકવાડ સાંસદ બન્યા બાદ હવે કોંગ્રેસ પોતાના જ પરિવારના સભ્યને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જોકે, સમીર વાનખેડેએ હજુ સુધી સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું નથી. એવું માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી શકે છે અને વિધાનસભા ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

સમીર વાનખેડે રિયા ચક્રવર્તી અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે વાનખેડે મુંબઈ નાર્કોટિક્સ વિભાગમાં પોસ્ટેડ હતા. જોકે, વર્ષ 2023માં સમીર વાનખેડે પોતે વિવાદોમાં ફસાયા હતા. તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પહેલા તેને વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પછી ફેબ્રુઆરી 2024માં EDએ તેની સામે કેસ નોંધ્યો. એપ્રિલ 2024માં કોર્ટે સમીર વાનખેડેની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈથી પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ તેની પસંદગી UPSC દ્વારા IRS માટે થઈ. વાનખેડેએ તેમની કારકિર્દીમાં ઘણા મોટા કેસની તપાસ કરી છે. જેમાં સુશાંત સિંહ ડ્રગ્સ કેસ અને આર્યન ખાનનો કેસ પણ સામેલ છે

અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી!

ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદને દેશના પ્રથમ વીસ શહેરમાં સ્થાન મળ્યું છે. જે બાદ અમદાવાદ મ્યુનિ.ના સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા જ નથી. 130 ટ્રાફિક જંકશન ઉપર 1999 સી.સી.ટી.વી.કેમેરા લગાવવા રુપિયા 16.20 કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકીના ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી.

હાલ અમદાવાદના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કુલ 290 ટ્રાફિક જંકશન આવેલા છે. જે પૈકી પશ્વિમ ઝોનમાં 84, ઔડા વિસ્તારમાં 15, દક્ષિણ ઝોનમાં 39, મધ્યઝોનમાં 34, પૂર્વ ઝોનમાં 28, ઉત્તરઝોનમાં 20, ઉત્તર-પશ્વિમ ઝોનમાં 12 તથા દક્ષિણ-પશ્વિમ ઝોનમાં 8,રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટમાં 16 ટ્રાફિક જંકશન આવેલા છે. વર્ષ-2018-19થી વર્ષ-2020-21 સુધી અલગ અલગ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામા આવ્યા પછી વર્ષ-2021-22થી ત્રણ વર્ષમાં મ્યુનિ.ના સ્માર્ટ સિટી મિશન તરફથી બાકી રહેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી કે કાર્યવાહી પણ કરવામાં આવી નથી. તમામ ટ્રાફિક જંકશન ઉપર મ્યુનિ.તંત્રે સી.સી.ટી.વી.કેમેરા લગાવ્યા નહીં હોવાથી શહેર પોલીસ ચોરી, લૂંટ, અકસ્માત  જેવા ગુનાઓમાં ગુનેગારોને પકડી શકતી નથી. અમદાવાદના પંચતીર્થ ટ્રાફિક જંકશન, ડુંગરીશનગર ટ્રાફિક જંકશન, પીરકમાલ મસ્જિદ ટ્રાફિક જંકશન, રાયખડ ટ્રાફિક જંકશન, ઓઢવ ફાયર સ્ટેશન ટ્રાફિક જંકશન, પકવાન ટ્રાફિક જંકશન, ડફનાળા ટ્રાફિક જંકશન, ગીરધરનગર ટ્રાફિક જંકશન, કામા હોટલ ટ્રાફિક જંકશન, માઉન્ટ કાર્મેલ ટ્રાફિક જંકશન પર કેમેરા લગાવવામાં આવ્યા નથી.

ટીમ ઇન્ડિયાનું ખરાબ પ્રદર્શનઃ 46 રનમાં ઓલઆઉટ

બેંગલુરુઃ ભારત વિરુદ્ધ ન્યુ ઝીલેન્ડની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની પહેલી ઇનિંગ્સમાં બીજા દિવસે ટીમનો 46 રનમાં વીંટો વળી ગયો હતો. ભારતના પાંચ બેટર ખાતું પણ નહોતા ખોલી શક્યા. માત્ર બે બેટર દ્વિઅંકી આંકડામાં પહોંચ્યા હતા. પહેલો દિવસ વરસાદને કારણે ખરાબ થયો હતો.  

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ભારતનો પ્રારંભ ખરાબ રહ્યો હતો. ભારતે 10 ઓવરમાં 10 રનની અંદર ત્રણ વિકેટ (રોહિત શર્મા, વિરાટ કોહલી અને સરફરાઝ ખાન)ની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ નિયમિત અંતરાલે વિકેટ પડતી રહી હતી. ભારતે લંચ સુધીમાં 23.5 ઓવરમાં માત્ર 34 રનમાં છ વિકેટ ગુમાવી હતી.

ભારતીય ટીમના ટોચના સાતમાંથી ચાર બેટર શૂન્ય પર આઉટ થયા હતા. આ પહેલાં વર્ષ 1952માં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની વિરુદ્ધ હેડિંગ્લેમાં ટોચના સાત બેટર શૂન્ય રને આઉટ થયા હતા. ત્યાર બાદ 2014માં ઇન્ગલેન્ડની વિરુદ્ધ ભારતીટ ટીમના ટોચના સાતમાંથી ચાર બેટર ડક પર આઉટ થયા હતા.

બેંગલુરુમાં આગામી ચાર દિવસ સુધી વાદળછાયું હવામાન રહેવાની અપેક્ષા છે. અગાઉ કાનપુર ટેસ્ટના પ્રથમ 3 દિવસ વરસાદથી પ્રભાવિત થયા હતા.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ.ન્યુ ઝીલેન્ડ (NZ): ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર/માઇકલ બ્રેસવેલ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓરર્કે.