Home Blog Page 1340

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાર્યવાહી

મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી તેમને સીધી રીતે આપવામાં આવી ન હતી, પરંતુ મુંબઈ પોલીસની એક શાખામાંથી ધમકીનો ફોન આવ્યો હતો.આ પછી પોલીસ એક્શનમાં આવી અને શંકાસ્પદને ટ્રેક કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ખબર પડી કે આ ધમકીભર્યો કોલ છત્તીસગઢથી આવી રહ્યો હતો. હવે પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે અને એક શકમંદની અટકાયત કરી છે.મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છત્તીસગઢના રાયપુરમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલમાં મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હાજર છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે.

મુંબઈ પોલીસની ટીમ આજે સવારે રાયપુર પહોંચી હતી, જેના ફોન દ્વારા શાહરૂખ ખાનને ધમકી આપવામાં આવી હતી તે વકીલ ફેઝાનનો હતો અને તેણે દાવો કર્યો હતો કે ફોન ચોરાઈ ગયો હતો, પરંતુ હાલમાં એવી ઘણી બાબતો છે જેના કારણે મુંબઈ પોલીસ સંતુષ્ટ ન હતી અને તેઓ યોગ્ય જવાબો મેળવી શક્યા ન હતા.ફૈઝાન ખાનને મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. થોડા સમય પછી શંકાસ્પદની રાયપુરમાં ધરપકડ કરવામાં આવી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પછી મુંબઈ પોલીસ ફૈઝાન ખાનને મુંબઈ લાવી શકે છે.

શાહરુખ ખાનને મળેલી આ ધમકી વિશે બાન્દ્રા પોલીસને જાણકારી મળી હતી. પોલીસ સ્ટેશનમાં જ ફોન આવ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું હતું. 5 નવેમ્બરના રોજ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો અને આરોપીએ કહ્યું,’પેલો બેન્ડસ્ટેન્ડવાળો શાહરુખ છે એને 50 લાખ રૂપિયા આપવાનું કહે, નહીં તો તેને મારી નાખીશ.’ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું કે તે વ્યક્તિ કોણ બોલી રહ્યો છે તો તેણે કહ્યું કે તે વાતથી કોઈ ફર્ક નથી પડતો મારું નામ હિન્દુસ્તાની લખી દેજે. આ ઘટના બનતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તપાસ શરૂ કરી તો ખબર પડી કે નંબર છત્તીસગઢના એક વ્યક્તિ ફેઝાનના નામ પર રજિસ્ટર્ડ છે. પોલીસે ફેઝાનનો સંપર્ક કર્યો તો સામે આવ્યું કે આ ઘટના બની તેના 2 દિવસ પહેલા તેનો ફોન ચોરી થઈ ગયો હતો અને તે નંબર બંધ નહોતો કરાવી શક્યો. ફેઝાને રાયપુરમાં ફોન ચોરીની ફરિયાદ પણ નોંધાવી હતી.

નોંધનીય છે કે એવું નથી કે પહેલી વાર શાહરુખ ખાનને ધમકી મળી હોય. શાહરુખ ખાન હંમેશા અંડરવર્લ્ડની હિટ લિસ્ટમાં રહ્યાં છે. કરિયરની શરૂઆતના દિવસોમાં પણ તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી, જે અંગે તેમણે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. હાલમાં શાહરુખ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે.

શું ઉદ્ધવ ઠાકરે ભાજપની સાથે નવું ગઠબંધન બનાવશે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે એક નિવેદને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે અને સવાલ ઊભા થયા છે કે શું ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર ભાજપની સાથે ગઠબંધન કરશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે છે. વંચિત બહુજન અઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (શિવસેના UBT) સ્પષ્ટપણે ભાજપ સાથે જોડાયેલી હોય તેવું લાગે છે.રાજ્યના વાશિમમાં પત્રકારો સાથે વાત કરતાં વંચિત બહુજન અઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (શિવસેના UBT) સ્પષ્ટપણે ભાજપ સાથે જોડાયેલી હોય તેવું લાગે છે. તેણે તે શરતો જાહેર કરવી જોઈએ કે જેના પર તે પોતાનું સમર્થન આપી રહ્યો છે. જ્યારે વકફ સુધારો બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે ઉદ્ધવ ઠાકરેના સહયોગીઓ તેનો વિરોધ કરવા સંસદમાં હાજર ન હતા.

વળી, ઠાકરે યવતમાળ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. પૂર્વ CMએ સવાલ કર્યો હતો કે શું ચૂંટણી અધિકારીઓ PM મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના માલસામાનની પણ તપાસ કરશે? ઠાકરેએ યવતમાળના વાનીમાં શિવસેના (UBT) ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ કથિત ઘટના વિશે માહિતી આપી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી 23 નવેમ્બરે મતગણતરી થશે.

IOCL રિફાયનરીમાં આગ, 15 કલાકની જહેમત બાદ આવી કાબૂમાં, બેના મોત

વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ રાતે 3 વાગ્યા બાદ કાબુમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત રિફાઇનરીમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં 1000 કિલો લીટરની ક્ષમતા ધરાવતી બેન્ઝીન ટેન્કમાં સેમ્પલ લેવા જતા પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેનાથી એક કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો, અને પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગતરોજ (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. જેમાં અમદાવાદા, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગોડી ગઈ હતી. IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર એ ફાયર ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગ ફોમ (AFFF) સિસ્ટમથી 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં હોવાની માહિતી આપી છે.

પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં બંગલાદેશી ઘૂસણખોરીની વિરુદ્ધ EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ બંગલાદેશી ઘૂસણખોરી મામલે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલો બંગલાદેશી ઘૂસણખોરી, વેશ્યાવૃત્તિ અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીની ટીમે કેટલાક લોકો અને સંગઠનોની સરહદ પારથી ઘૂસણખોરી સંબંધિત નાણાકીય ગોટાળાઓની તપાસ કરી રહી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સપ્ટેમ્બરમાં એક કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે ઘૂસણખોરી અમને ચોરીથી કરેલી ગુનાઇત આવક કરવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓએ ઝારખંડ સરકાર પર આવી ઘૂસણખોરીની સુવિધા આપવાનો આરોપ મૂક્યો છે, જેનો તેઓ દાવો કરે છે કે સંથાલ પરગણા અને કોલ્હાન જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં વસ્તી વિષયક લેન્ડસ્કેપ બદલાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે શાસક JMMની આગેવાની હેઠળના ગઠબંધનની ટીકા કરી, આરોપ લગાવ્યો કે તેણે ઝારખંડને રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે આશ્રયસ્થાનમાં ફેરવી દીધું છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતી કાલે એટલે કે બુધવારે 43 બેઠકો પર મતદાન થવાનું છે. તેમ જ પશ્ચિમ બંગાળની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.

ખરેખરમાં, આ વર્ષે જૂનમાં રાંચી પોલીસે બરિયાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના હિલ વ્યુ રોડ બાલી રિસોર્ટમાંથી ત્રણ શંકાસ્પદ બાંગ્લાદેશી યુવતીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી ત્રણ યુવતીઓની ઓળખ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામની રહેવાસી નિમ્પી બિરુઆ, સમરીન અખ્તર અને નીપા અખ્તર તરીકે થઈ છે. ત્રણેય યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે મનીષા રાય નામની અન્ય યુવતીની મદદથી બાંગ્લાદેશથી જંગલ મારફતે પહેલાં કોલકાતા અને પછી ત્યાંથી રાંચી લાવવામાં આવી હતી. તેમને બ્યુટી સલૂનમાં નોકરી આપવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ અહીં તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.

ધરપકડ કરાયેલી બાંગ્લાદેશી યુવતીઓ પાસેથી મળેલી માહિતીના આધારે રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં 4 જૂને FIR (નંબર 188/2024) નોંધવામાં આવી હતી. આ કેસ આઈપીસીની કલમ 420, 467, 468, 471 અને 34, પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 12, ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14-એ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

 

ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ, CM ચંદ્રબાબુ નાયડુ સંબંધિત છે મામલો

મુંબઈ: પોતાના નિવેદનોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહેતા ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા નવી મુશ્કેલીમાં ફસાયા છે. આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રામ ગોપાલ વર્મા પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણની કથિત રીતે મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનો આરોપ છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.

Ram Gopal Varma.

પોલીસે શું કહ્યું?
આ સમગ્ર મામલાને લઈને પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિક્ષક એઆર દામોદરે માહિતી આપી છે કે રામ ગોપાલ વર્મા પર સીએમ એન ચંદ્રબાબુ નાયડુ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ અને તેમના પરિવારના સભ્યોની તસવીરો સાથે વાંધાજનક રીતે ચેડા કરવાનો કેસ મદ્દીપાડુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી
ડિરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ રવિવારે રાત્રે રામલિંગમ નામના 45 વર્ષના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ તસવીરોથી સમાજમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

આઈટી એક્ટ હેઠળ કેસ નોંધાયો
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શિવ રામૈયાએ માહિતી આપી છે કે TDP વિભાગીય સચિવ રામલિંગમની ફરિયાદના આધારે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ખ્યાતિ હોસ્પિટલનું ફરીથી એક કૌભાંડ, રૂપિયાની લાલચમાં બે લોકોના થયા મોત

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત રૂપિયા હેઠવાની લાલચમાં હોસ્પિટલે બે દર્દીના જીવની આહુતી આપી હોવાની ઘટના પ્રકાશ આવી છે. ધરતી પરના ભગવાન સમાન ડોક્ટરની લાલચનો ભોગ બન્યા બે દર્દીના જીવ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડી પંથકના બે દર્દીઓનો મોત નિપજ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, તબીબોએ ખોટી રીતે દર્દીને દાખલ કરી ઓપરેશન કર્યું હતું. પરિવારજનોને પૂછ્યા વિના જ દર્દીને સ્ટેન્ટ મૂકી દીધાં. જેના કારણે દર્દીનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળી રહ્યુ છે કે, થોડા સમય પહેલા કડીમાં ફ્રી હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. ત્યારે મૃતક દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે દર્દીનું મોત થયું છે. દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો.

આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, ‘અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને  સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.’ વધુમાં આરોગ્ય મંત્રીએ ખાતરી આપતા કહ્યું, આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.’ નોંધનિય છે કે હાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે.

આપને જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ નવેમ્બર ૨૦૨૪

‘રાજા’ વખતનો નાના પાટેકરના સ્વભાવનો મોટો કિસ્સો

નિર્દેશક ઇન્દ્રકુમારની ફિલ્મ ‘રાજા’ (૧૯૯૫) માં પહેલાં જે ભૂમિકામાં નાના પાટેકર હતા એ પાછળથી પરેશ રાવલે ભજવી હતી. ફિલ્મમાં આ ફેફાર કેમ થયો એનો નાના પાટેકરના સ્વભાવનો મોટો કિસ્સો ઇન્દ્રકુમારે એક મુલાકાતમાં કહ્યો હતો. ઇન્દ્રકુમારે માધુરી દીક્ષિત- સંજય કપૂર સાથે ફિલ્મ ‘રાજા’ શરૂ કરી ત્યારે બ્રીજનાથ ઉર્ફે બીરજુની ભૂમિકા નાના પાટેકર ભજવી રહ્યા હતા. પરંતુ ત્રણ દિવસમાં કેટલાક દ્રશ્યો અને એક ગીતના શુટિંગ પછી ઇન્દ્રકુમારને લાગ્યું કે અભિનેતા નાના પાટેકર નિર્દેશક તરીકે પણ કામ કરી રહ્યા છે. ત્યારે ઇન્દ્રકુમારે વિચાર્યું કે જ્યારે અભિનેતા નિર્દેશક બનવા લાગે ત્યારે એણે સમજી જવું જોઈએ કે તે ખરાબ ફિલ્મ બનાવી રહ્યો છે. તે દરેક કલાકારને દ્રશ્ય કેવી રીતે કરવું એની સલાહ આપવા લાગ્યા હતા. કલાકારો નાનાને એની વાત માનવાની ના પાડી શકતા ન હતા.

નાનાનો ઇરાદો દ્રશ્યોને સારા બનાવવાનો જ રહ્યો હશે. પરંતુ ઇન્દ્રકુમારને થયું કે નાનાનો ઇરાદો નહીં પદ્ધતિ ખોટી હતી. નાનાએ એની અભિનેતા તરીકેની લક્ષ્મણ રેખા ઓળંગી હતી. છતાં શરૂઆતમાં થોડું ચલાવી લીધું. ઇન્દ્રકુમારને એ યોગ્ય ના લાગ્યું કે તે બેઠા હોય ત્યારે એ જ નિર્દેશન આપવા લાગતાં હતા. નાના જ્યારે માધુરી વગેરે દરેક કલાકારને માર્ગદર્શન આપવા લાગ્યા ત્યારે ઇન્દ્રકુમારને થયું કે હું સેટ પર શા માટે બેઠો છું. કલાકારો પણ બે જણના નિર્દેશનથી ગૂંચવાય શકે છે. અને એમણે નાનાને ના પાડવાનો નિર્ણય લઈ લીધો.

ઇન્દ્રકુમાર નાના પાટેકરના ઘરે ગયા અને પ્રેમથી કહ્યું કે આ રીતે તે એમની સાથે કામ કરી શકશે નહીં. નાનાએ પણ કહ્યું કે તારી કામ કરવાની પદ્ધતિ અલગ છે અને મારી અલગ છે એટલે સાથે કામ કરી શકીશું નહીં. ઇન્દ્રકુમાર અને નાનાએ સમજૂતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. ઇન્દ્રકુમાર એને ગળે મળીને છૂટા પડ્યા હતા. એ પછી નાનાના સ્વભાવનો એમને એક અલગ જ અનુભવ થયો. ફિલ્મ માટે ઇન્દ્રકુમારે નાનાને કોઈ હીરો ના લેતા હોય એટલી મોટી રકમ ચૂકવી હતી. એ સમય પર એટલી રકમ અનિલ કપૂર પણ લેતા ન હતા.

ઇન્દ્રકુમારે નાના સાથે કામ કરવું હતું એટલે કોઈ ચર્ચા વગર એમણે માંગી એટલી રકમ આપી દીધી હતી. પરંતુ નાના પાટેકર જ્યારે ઇન્દ્રકુમારની ફિલ્મ ‘રાજા’ થી અલગ થઈ ગયા ત્યારે એમણે લીધી હતી એ પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી. એ સમય પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું બહુ ઓછા કલાકારો કરતાં હશે. ઇન્દ્રકુમારે પોતાનો એ અનુભવ યાદ કરતાં બીજી એક વાત એ કહી હતી કે ત્યારે બીજા કલાકારો અમુક રકમ રોકડમાં લેતા હતા પણ નાના હંમેશા ચેકથી જ તમામ ફી લેતા હતા. એટલું જ નહીં એમને જે ફી ચૂકવવામાં આવતી હતી એની અડધી રકમનો ચેક જ પોતાના નામે લેતા હતા અને અડધી રકમનો ચેક એક સંસ્થાને દાન આપવા એના નામ પર લેતા હતા. આવું ભાગ્યે જ કોઈ કલાકાર કરતાં હશે. તેથી ઇન્દ્રકુમારને નાના માટે જીવનમાં મોટું માન રહ્યું છે.

છોકરાં છાશ ના પીવે

  છોકરાં છાશ ના પીવે

 

આ જ કહેવતની સમાનાર્થી કહેવત છે ‘ઘરડાં ગાડાં વાળે’. અનુભવ અને પરિપક્વતા/પાકટતા કોઈ પણ કામ સારી રીતે પૂરું કરવા માટે જરૂરી છે.

પાકટતા વગર સફળતાથી કામ પૂરું થઈ શકતું નથી અથવા સિદ્ધિ હાંસલ થઈ શકતી નથી એ સંદર્ભમાં ‘છોકરાં છાશ ના પીવે’ એ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)