Home Blog Page 1326

61 લાખના ધંધાકીય વિવાદમાં બોપલના એનઆરઆઈની હત્યા

અમદાવાદના બોપલ વિસ્તારમાં એનઆરઆઈ દીપકભાઈ પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી મૃતકનો જ ધંધાકીય પાર્ટનર હોવાનું સામે આવ્યું છે.  આ ઉપરાંત પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક દીપકભાઈ અને શીલજનો રહેવાસી આરોપી ઈન્દ્રજીતસિંહ વાઘેલા ઉર્ફે મુન્ના બંને જમીન દલાલીના ધંધામાં પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તેમના વચ્ચે નફાની વહેંચણીને લઈને રકઝક થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકે આરોપી પાસેથી 61 લાખ લીધા હોવાનું સામે આવ્યું છે. મૃતક દીપકભાઈ અને આરોપી બંને કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યાં હતા, ત્યારે પણ તેમના વચ્ચે નફાની વહેંચણીને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા આરોપીએ દીપકભાઈને પાઈપ વડે માર મારીને હત્યા કરી હતી, આ પછી દીપકભાઈના મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકીને નાસી ગયો હતો.

અલ્પાબેન અને દીપકભાઇ અમેરિકાથી બે મહિના પહેલા નવરાત્રિ અને દિવાળીના તહેવાર માટે અમદાવાદ આવ્યા હતા અને સરખેજમાં મુખીની શેરીમાં આવેલા એક બંગલામાં રહેતા હતા. ગુરૂવારે રાતના 12 વાગે દીપકભાઇ કારને યોગ્ય રીતે પાર્ક કરવાનું કહીને બહાર ગયા હતા. થોડીવાર પછી તેમણે અલ્પાબેનને કોલ કરીને કહ્યું હતું કે, ‘એક વ્યક્તિને મળીને એક કલાકમાં પરત આવું છું.’ પરંતુ, મોડી રાત સુધી પરત ન ફરતા અલ્પાબેને કોલ કર્યો ત્યારે તે ફોન ઉપાડતા નહોતા. જેથી તેમણે અમેરિકા ખાતે રહેતા તેના દીકરા જીગરને અને ગાંધીનગર ખાતે રહેતી દીકરીને જાણ કરતા તેમણે આઇફોન ટ્રેકિંગ સિસ્ટમથી તપાસ કરી ત્યારે મોબાઇલ ફોનનું લોકેશન ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામનું આવતું હતું. જેથી શુક્રવારે સવારે અલ્પાબેન અને તેમના વેવાઇ તપાસ કરવા માટે ગયા ત્યારે દીપકભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથા પર બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

‘અડાલજની વાવ’ ખાતે 24 નવેમ્બર યોજાશે વોટર ફેસ્ટિવલ

અમદાવાદઃ આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલની થીમ “ડ્રમ્સ ઓફ ઈન્ડિયા” છે, “સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક” સંગીતમય વાતાવરણ સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ અહીં દર્શાવવામાં આવશે.

ભરતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ છેલ્લાં 15 વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોર્ડન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. મ્યુઝિક, લાઇટિંગ અને એમ્બિયન્સના અનોખા સમનવય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો શ્વાસ પૂરે છે. જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. આ ઉત્સવ ભારતની કલા, સ્થાપત્ય અને લોકકથાના સમૃદ્ધ વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું, “મ્યુઝિક, હેરિટેજ અને હિસ્ટ્રીની ઉજવણી માટે અડાલજની વાવ ખાતે અમે ફરી વોટર ફેસ્ટિવલ લઇને આવ્યા છીએ. અમે છેલ્લાં 15 વર્ષોથી પ્રેક્ષકોને જાણીતા કલાકારોના પરફોર્મન્સ વચ્ચે સ્મારકની સુંદરતા અને સંસ્કૃતિનો અનુભવ કરાવીએ છીએ. હંમેશાની જેમ, આ સાંજમાં પણ પર્ફોમિંગ કલાકારો અને સ્મારકોની ભવ્યતા સાથે પ્રક્ષકોનો લયબદ્ધ સુમેળ જોવા મળશે.”

અડાલજની વાવ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તબલા ઉત્સાદ ફઝલ કુરેશી, સંગીતમય સમારોહમાં વિજય પ્રકાશ ગાયક તરીકે, સારંગી પર દિલશાદ ખાન, મૃદંગમ પર શ્રીદર પાર્થસારથી અને ઘાટમ પર ઉમા શંકર તેમને સાથ આપશે. અન્ય ફીચર્ડ કલાકારોમાં નવીન શર્મા ઢોલક પર, વિજય ચવ્હાણ ઢોલકી પર, ખેત ખાન કરતાલ પર, સંગીત હલ્દીપુર કીબોર્ડ પર, જીનો બેંક ડ્રમ પર, શેલ્ડન ડી’સિલ્વા બેસ પર અને રિધમ શૉન ગિટાર પર સંગત આપશે. સાંજે “વીરગર્જના ઢોલ તાશે પાઠક” અને “પુરુલિયા છાઉ” ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટરમાં આગવી ઓળખ ધરાવતા સંધ્યા મૃદલ ઇવેન્ટને હોસ્ટ કરશે, અને ફેસ્ટિવલમાં તેમના અનોખા આકર્ષણને ઉમેરશે.વોટર ફેસ્ટિવલની સાંજમાં માત્ર આકર્ષક પરફોર્મન્સ જ જોવા નહીં મળે, પરંતુ અડાલજની વાવને એક નવી જ રોશની સાથે રજૂ કરવામાં આવશે. આકર્ષક લાઇટિંગ દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ વાવના સુંદર સ્થાપત્યને પ્રકાશિત કરશે અને તેની ભવ્યતામાં વધારો કરશે. વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ માટે “ફસ્ટ-કમ, ફસ્ટ સર્વડ બેઇઝ” છે. સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલનું ફ્રિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ચૂંટણી ફંડ આપનાર લોટરી કિંગ માર્ટિનનાં સ્થાનો પર EDના દરોડા

ચેન્નઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ લોટરી-કિંગ સેન્ટિયાગો માર્ટિનની ઓફિસ અને ઘરેથી કુલ ૮.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. માર્ટિન પર રૂ. 900 કરોડથી વધુનો મની લોન્ડરિંગનો આરોપ છે.  મદ્રાસ હાઈ કોર્ટે લોટરી-કિંગ સામે એક્શન લેવાની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુન સાથે સંકળાયેલી વીસ જગ્યાએ દરોડા પાડ્યા હતા. એમાં તામિલનાડુ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળની ઑફિસનો પણ સમાવેશ હતો. માર્ટિન સામે ગેરકાયદે લોટરીનું વેચાણ કરવાનો આરોપ છે. ગયા વર્ષે પણ તેની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે EDએ તેની ૪૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

સિક્કીમ રાજ્યની લોટરીના કેરળમાં કરાયેલા ઠગાઇભર્યા વેચાણના પગલે સિક્કીમ સરકારને થયેલા 900 કરોડના નુકસાન સાથે સંકળાયેલા માર્ટિન સામેના એક કેસના સંદર્ભે EDએ ગયા વર્ષે માર્ટિનની લગભગ રૂ. 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

લોટરી કિંગ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે અનેક રાજ્યોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. તામિલનાડુ પોલીસે માર્ટિન તથા અન્ય કેટલાક લોકો સામેની FIR પડતી મૂકવાનું નક્કી કર્યું તથા નીચલી કોર્ટે પોલીસની આ અરજીને સ્વીકારી એ પછી મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં EDને માર્ટિન સામે પગલાં માટે લીલી ઝંડી આપતા ઉપરોક્ત સર્ચની કાર્યવાહી શક્ય બની છે.ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિક્કીમ લોટરીના મુખ્ય વિતરક છે. ED તામિલનાડુમાં લોટરી કિંગ તરીકે જાણીતા માર્ટિનની 2019થી તપાસ કરી રહ્યું છે.

ઝાંસીની આગની તપાસ માટે હાઈપાવર કમિટીની રચના

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક મેડિકલ કોલેજના બાળકોના વોર્ડમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે એક સમિતિની રચના કરી છે. યુપી આરોગ્ય વિભાગની એક ઉચ્ચ સત્તા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં ડીજી મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં 4 સભ્યો હશે. આ ઘટના અંગે, ડાયરેક્ટર મેડિકલ એન્ડ હેલ્થ, એડિશનલ ડાયરેક્ટર ઈલેક્ટ્રીકલ મેડિકલ હેલ્થ સર્વિસીસ, ડીજી ફાયર દ્વારા નામાંકિત અધિકારીઓ પણ સભ્ય તપાસ કરશે અને આગામી 7 દિવસમાં કેસનો વિગતવાર તપાસ અહેવાલ સરકારને સુપરત કરશે.


ઝાંસીમાં સ્થિત બુંદેલખંડ ક્ષેત્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICU વોર્ડમાં શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે આગ લાગી હતી. પ્રારંભિક કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 10 નવજાત બાળકો દાઝી ગયા હતા. ઘણા બાળકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. મેડિકલ કોલેજે જણાવ્યું કે અકસ્માત સમયે 52 થી 54 બાળકો એનઆઈસીયુમાં દાખલ હતા, જેમાંથી 10ના મોત થયા છે અને 16ની સારવાર ચાલી રહી છે.

 

PM મોદી અક્ષય કુમારને મળ્યા, પૂછ્યું- કેમ છો ભાઈ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા અક્ષય કુમાર શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. PM એ અક્ષય સાથે હાથ મિલાવ્યા અને પૂછ્યું, ‘કેમ છો ભાઈ.’ બંનેએ એકબીજાની ખબર-અંતર પૂછ્યા હતા. આ મુલાકાત એક મીડિયા હાઉસના એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી.

 

બોલિવૂડના ખેલાડીએ વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતની તસવીર અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં અક્ષય કુમાર પીએમનો હાથ પકડીને હસતો જોવા મળ્યો હતો. અક્ષયે લખ્યું, નવા ભારતની પ્રગતિ પર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી શબ્દો સાંભળવાની તક મળી. વીડિયોમાં પીએમ મોદી અને અક્ષય ઉષ્માભેર મુલાકાત કરતા જોવા મળ્યા હતા. બંને વચ્ચે થોડો સમય વાતચીત થઈ હતી.

IFFI 2024: આશુતોષ ગોવારિકર આંતરરાષ્ટ્રીય જ્યુરીના પ્રમુખ તરીકે નિયુક્ત

મુંબઈ: ‘જોધા અકબર’, ‘લગાન’ અને ‘સ્વદેશ’ જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા-નિર્દેશક આશુતોષ ગોવારીકરને આ મહિને ગોવામાં યોજાનારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માટે ઈન્ટરનેશનલ જ્યુરીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આશુતોષ ગોવારિકરે તેમની નિમણૂક પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે.

આ તારીખથી ગોવામાં ફેસ્ટિવલ શરૂ થશે
20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આશુતોષ ગોવારિકરે એક નિવેદનમાં કહ્યું,’સિનેમા સમયની સાથે સતત વિકસિત થઈ રહ્યું છે અને આ ઉત્ક્રાંતિને જોવા માટે ફિલ્મ ફેસ્ટિવલ કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા આ પરિવર્તનનું પ્રતિક છે અને તેનો ભાગ બનવાનું મને ગૌરવ છે.’

શેખર કપૂરનો આભાર વ્યક્ત કર્યો
આશુતોષ ગોવારીકરે વધુમાં કહ્યું કે, ‘હું આ ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર શેખર કપૂર અને IFFI અને NFDC ટીમનો આ વર્ષની આંતરરાષ્ટ્રીય જ્યુરીની અધ્યક્ષતા માટે મને વિચાર કરવા બદલ આભાર માનું છું. સિનેમાની દુનિયામાં ભાગ લેવો એ મારા માટે એક વિશેષાધિકાર અને આનંદની વાત છે.’

શેખર કપૂરે શું કહ્યું?
જ્યારે શેખર કપૂરે કહ્યું, ‘આશુતોષની ફિલ્મોએ વાર્તા કહેવાના વિશાળ અને વૈવિધ્યસભર સ્વરૂપોને સફળતાપૂર્વક પ્રદર્શિત કર્યા છે’. માહિતી અને પ્રસારણ મંત્રાલય NFDC અને ESG સાથે મળીને ફેસ્ટિવલની 55મી આવૃત્તિનું આયોજન કરશે.

ચૂંટણી પંચ આકરાપાણીએ, આચારસંહિતા ભંગની ફરિયાદ પર માંગ્યા જવાબ

ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના પ્રમુખો પાસેથી એકબીજા વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદો પર જવાબ માંગ્યો છે. બંને પક્ષોએ સોમવારે એટલે કે 18 નવેમ્બરે બપોરે 1:00 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો રહેશે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી દરમિયાન 22 મે 2024ના રોજ આપવામાં આવેલી એડવાઈઝરીની પણ યાદ અપાવી હતી. આ એડવાઈઝરીમાં, સ્ટાર પ્રચારકો અને નેતાઓને નિયંત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને જાહેર શૌર્યનું ઉલ્લંઘન ન થાય અને ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવે.

ઝારખંડમાં ચૂંટણીનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે. મહારાષ્ટ્રની તમામ સીટો અને ઝારખંડની બાકીની સીટો માટે 20 નવેમ્બરે ચૂંટણી છે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસે આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરી છે. હવે ચૂંટણી પંચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અલગ-અલગ પત્ર લખીને ફરિયાદ પર જવાબ માંગ્યો છે.

પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયું, 8 ઈરાની નાગરિકો ઝડપાયા

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો, એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ અને નેવીનાં સંયૂકત ઓપરેશન સાગર મંથન-4માં પોરબંદરના સમૂદ્રમાં એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયુ છે. જેની એક કિલોની કિંમત રૂ.2થી 5 કરોડ હોઈ અંદાજે 3500 કરોડની કિંમતના નસિલા પદાર્થ સાથે 8 ઈરાની નાગરિકો ઝડપાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર NCBને ગુપ્ત માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ ભારતીય જળસીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થો સાથે પ્રવેશ કરશે. આથી NCBએ ગુજરાત ATS અને નેવીની મદદ લઇ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગત રાત્રે હાથ ધરાયેલ આ ઓપરેશનને સાગર મંથન -4 કોડ નેમ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મધદરિયે ગઈકાલે રાત્રે શંકાસ્પદ હાલતમાં રહેલી એક બોટને આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી સાયકોટ્રોપિક ડ્રગ મેથામ્ફેટામાઇનનો 700 કિલો જેટલો જંગી જથ્થો મળી આવ્યો હતો. બોટમાં સવાર 8 શખસોની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ઈરાની નાગરિક હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત રૂ.3500 કરોડ જેટલી જાણવા મળી રહી છે. ત્યારે બોટમાં રહેલ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવ્યા હતા. અહી એસઓજી કચેરી ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી કોણે અને ક્યાંથી આ ડ્રગ્સ મોકલ્યું છે અને કોને તેની ડિલિવરી આપવાની હતી તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચૂંટણીઃ હવે રાહુલ ગાંધી,શરદ પવારના હેલિકોપ્ટરનું પણ ચેકિંગ કરાયું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીપ્રચારમાં ભાગ લેતા નેતાઓની બેગના ચેકિંગનો સિલસિલો ચાલી રહ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓએ તરફથી ગૃહપ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરના ચેકિંગ પછી હવે અમરાવતીમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર અને બેગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે રાયગઢમાં NCP શરદ પવારની બેગનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે અમરાવતીમાં કોંગ્રેસ નેતા અને લોકસભા નેતા ઉમેદવાર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. હવે રાયગઢમાં NCPના વડા શરદ પવારના હેલિકોપ્ટરની તપાસ થઈ હતી તેમ જ નાસિકમાં શિવસેના જૂથના નેતા સંજય રાઉતના બેગની પણ તપાસ કરવામાં આવી હતી.

આ પહેલાં ગૃહ મંત્રી અમિત શાહના ચૂંટણીપ્રચાર પહેલાં હિંગોલીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં નેતાઓની બેગ ચકાસી રહ્યું છે. ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણી પ્રણાલીનો વિશ્વાસ કરે છે. તે તમામ નિયમોનું પાલન કરે છે.ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહેલાં નેતાઓની બેગ અને હેલિકોપ્ટરની તપાસ હાથ ધરી છે. જેમાં 11 નવેમ્બરે શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરેની બેગ અને હેલિકોપ્ટરની તપાસે વિવાદનું સ્વરૂપ લીધું હતું. બાદમાં લાતુરમાં પણ તેમની બેગની તપાસ કરવામાં આવતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે, નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી સહિત અન્ય ઘણા દિગ્ગજ નેતાઓની આ રીતે તપાસ કરવામાં આવી હતી.

 

 

 

 

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર રિલીઝ કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધાઓ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નહીં જાય. ICCએ પાકિસ્તાન દ્વારા POK પ્લાન રદ્દ કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ ઈસ્લામાબાદથી 16 નવેમ્બરથી શરૂ થશે. તેનું છેલ્લું શિડ્યુલ ભારત માટે જ રાખવામાં આવ્યું છે. આ પછી ટ્રોફી ફરી પાકિસ્તાન જશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ચેમ્પિયન્સ ટ્રોફીને પીઓકે લઈ જવા ઈચ્છતું હતું. પરંતુ બીસીસીઆઈના વાંધા બાદ તેની યોજના બરબાદ થઈ ગઈ હતી. હવે ICCએ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે 16 નવેમ્બરથી શરૂ થશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. ટ્રોફી 26મી જાન્યુઆરીએ ભારતમાં જ રહેશે. 26 જાન્યુઆરી એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ગણતંત્ર દિવસ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં ક્યારે આવશે?

ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પણ નક્કી કરવામાં આવ્યો છે. તે 15 જાન્યુઆરીએ ભારતમાં આવશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. ICCએ તેનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પાકિસ્તાનમાં 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. ઈસ્લામાબાદ બાદ ટ્રોફી એબોટાબાદ, મુરી, નથિયા ગલી અને કરાચી જશે. આ પછી તે 26 થી 28 નવેમ્બર સુધી અફઘાનિસ્તાનમાં રહેશે.

બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત આ દેશોમાં પણ થશે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ

અફઘાનિસ્તાન બાદ હવે ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશ જશે. 10 થી 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ પછી 15 થી 22 ડિસેમ્બર સુધી સાઉથ આફ્રિકાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રોફી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. આ પછી, તે 6 થી 11 જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડમાં રહેશે. આ ટ્રોફી 12 થી 14 જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડમાં રહેશે. આ પછી તે ભારત પહોંચશે.

ટ્રોફી ટૂરનું સંપૂર્ણ શેડ્યૂલ

16 નવેમ્બર – ઈસ્લામાબાદ, પાકિસ્તાન
17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
18 નવેમ્બર – એબોટાબાદ, પાકિસ્તાન
19 નવેમ્બર- ​​મુરી, પાકિસ્તાન
20 નવેમ્બર- ​​નાથિયા ગલી, પાકિસ્તાન
22 – 25 નવેમ્બર – કરાચી, પાકિસ્તાન
26 – 28 નવેમ્બર – અફઘાનિસ્તાન
10 – 13 ડિસેમ્બર – બાંગ્લાદેશ
15 – 22 ડિસેમ્બર – દક્ષિણ આફ્રિકા
25 ડિસેમ્બર – 5 જાન્યુઆરી – ઓસ્ટ્રેલિયા
6 – 11 જાન્યુઆરી – ન્યુઝીલેન્ડ
12 – 14 જાન્યુઆરી – ઈંગ્લેન્ડ
15 – 26 જાન્યુઆરી – ભારત
27 જાન્યુઆરી – ટુર્નામેન્ટ શરૂ થવાનું સ્થળ – પાકિસ્તાન