
અમદાવાદમાં રોડ બનતા ‘થૂંકણવીરો’ સામે તંત્રની કાર્યવાહી
અમદાવાદ: જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જાહેર રોડ પર થૂંકનારા 623 લોકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝડપી રૂપિયા 63,400નો દંડ ફટકાર્યો છે. દરરોજ વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા ફરીને આવા ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયામાં શહેરમાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના જંક્શનો પર લગાવેલા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પણ જે વાહનચાલકો ચાર રસ્તા પર વાહન ઊભું રાખે છે તે દરમિયાન રોડ પર થૂંકે તેને સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરી તેનો ફોટો લેવામાં આવે છે અને ત્યાર બાદ વાહન નંબરના આધારે તે વ્યક્તિને રૂપિયા 100થી લઈને અને રૂપિયા 500 રૂપિયા સુધીનો દંડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ જે વ્યક્તિ જાહેર રોડ ઉપર થૂંકતા હોય તેમને પકડીને પણ દંડ કરી રહ્યા છે.
દેશનો GDP ગ્રોથ સાત ત્રિમાસિકના નીચલા સ્તરે
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિકમાં દેશના GDP ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નેશનલ સ્ટેસેસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી આંકડા અનુસાર GDP ગ્રોથ 5.4 ટકા પર આવી ગયો છે. જે સાત ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો નોંધાયો છે. આ પહેલાં જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં GDP ગ્રોથ 8.1 ટકા નોંધાયો હતો.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વપરાશમાં થયેલા ઘટાડાને કારણે અને અનેક ક્ષેત્રો પર પડેલી મોસમની પ્રતિકૂળ અસર GDP પર જોવા મળી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GVA 5.6 ટકાએ આવી ગયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં GVA 7.7 ટકા હતા. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 6.9 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે GDP વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે આજે 29 નવેમ્બરે GDP ડેટા જાહેર કર્યો.

તાજા ડેટા અનુસાર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં માઇનિંગ ગ્રોથ સાત ટકા ઘટીને 2.2એ આવી ગયો હતો, જે ગયા વર્ષે 11.1 ટકા હતો. આ સાથે બીજા ત્રિમાસિકમાં કૃષિ ક્ષેત્રનો GDP વધી 3.5 ટકા નોંધાયો છે. જે એક વર્ષ પહેલાં 1.7 ટકા હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો GDP બીજા ત્રિમાસિકમાં ઘટી 2.2 ટકા થયો છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 14.3 ટકા હતો.
બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં GDP ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતાં અર્થશાસ્ત્રીઓએ આગામી મોનિટરી પોલિસીમાં પણ RBI વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરી છે.
અમદાવાદમાં એસજી હાઇવે નજીક બનશે લોટસ પાર્ક
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહી છે. રાજ્યના શહેરોમાં પ્રવાસન વધારવા માટે નવા નવા આકર્ષણના કેન્દ્ર બનાવી રહી છે. આ શ્રેણીમાં રાજ્ય સરકાર અમદાવાદ શહેરને નવો લુક આપવા જઈ રહી છે. ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને એક નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.

આ લોટસ પાર્ક અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. આ નવો પાર્ક આગામી બે વર્ષમાં અમદાવાદનું નવું આકર્ષણ બનશે. આ પાર્કમાં ફ્લાવર શો જેવો બગીચો પણ હશે. જેમાં લોકોને કાયમી ધોરણે અનોખા ફૂલોના છોડ જોવા મળશે. અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતા વિસ્તારમાં 80 રૂપિયાના ખર્ચે લોટસ પાર્ક બનાવવામાં આવશે. આ ગાર્ડન અનોખો હશે, જે કમળના આકારમાં બનવા જઈ રહ્યો છે. તેની ખાસિયત એ છે કે અહીં દેશના તમામ રાજ્યોના ખાસ ફૂલો એક જગ્યાએ જોવા મળશે. આ કમળનો બગીચો અનેક વિશેષતાઓથી ભરપૂર હશે. પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. દેશના તમામ રાજ્યોની પાંખડીઓ ટેબલેટ સ્વરૂપે એક જગ્યાએ પ્રદર્શિત થશે. આ ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો ઉદ્યાન હશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ અને પાર્કિંગની વ્યવસ્થા સાથે તૈયાર થશે. લોટસ પાર્કના અન્ય કામો સહિત સિવિલ, ઇલેક્ટ્રિકલ અને લેન્ડસ્કેપના કામો માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોટસ પાર્કનો કુલ ખર્ચ 50 કરોડથી વધુ થવાની શક્યતા છે. બગીચાનું કામ બે થી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
મહેસાણાના રાધે ગ્રુપ પર IT વિભાગના દરોડા, બેનામી વ્યવહારો મળવાની આશંકા
રાજ્યમાં થોડા દિવસ બાદ ફરી એક વખત IT વિભાગ એક્સનમાં જોવા મળી રહ્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતનાં સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશરે બે ડઝનથી વધુ સ્થળે આઈટી વિભાગે એકસાથે તપાસ હાથ ધરી છે. ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. આ ગ્રુપ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડાપાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ, કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
સામંથાના પિતા જોસેફ પ્રભુનું નિધન, માતા-પિતા વિશે કર્યો હતો આવો ખુલાસો
મુંબઈ: સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સામંથાએ પોસ્ટ પર લખ્યું, જ્યાં સુધી આપણે ફરી મળીએ, પાપા. તેણે તેની સાથે હાર્ટ બ્રેક ઈમોજી પણ શેર કરી છે.

સામંથાના પિતા તેલુગુ એંગ્લો-ઈન્ડિયન હતા
સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુ અને માતા નિનેટ પ્રભુ છે. સામંથાના પિતા તેલુગુ એંગ્લો-ઈન્ડિયન હતા. સામંથાના જીવન અને ઉછેરમાં અભિન્ન ભૂમિકા રહી હતી. જો કે, તેને તેના કામમાં તેના પિતાનો સહયોગ મળ્યો ન હતો. તેના કામની સાથે સાથે, સામંથા ઘણીવાર તેના પરિવાર અને તેના પિતા વિશે વાત કરતી રહેતી હોય છે.
સામંથાએ તાજેતરમાં તેના પિતા જોસેફ પ્રભુ સાથેના તેના તણાવપૂર્ણ સંબંધો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ તણાવની તેના જીવન પર કેવી અસર થઈ. ગલાટા ઈન્ડિયા સાથેની વાતચીતમાં સામંથાએ જણાવ્યું કે જીવનમાં તેનો વિકાસ તેને આસાનીથી નથી મળ્યો, તેના માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
સામન્થાએ તેના પિતા વિશે વાત કરી
તેના માતા-પિતા વિશે સામંથાએ કહ્યું કે તે માને છે કે લગભગ તમામ ભારતીય માતા-પિતા આવા હોય છે. તેમણે કહ્યું તું એટલી હોશિયાર નથી. આ ભારતીય શિક્ષણનું ધોરણ છે તેથી તું પણ પ્રથમ રેન્ક મેળવી શકે છે. સામન્થાએ કહ્યું કે જ્યારે તમે બાળકને આવું કહો છો, ત્યારે મને ખરેખર લાંબા સમય સુધી લાગતું હતું હું હોશિયાર નથી અને સારી નથી.
નાગા ચૌતન્યા સાથેના લગ્ન તૂટી ગયા
ઑક્ટોબર 2021 માં સમન્થા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન સમાપ્ત થયાના લગભગ એક વર્ષ પછી, સમન્થાના પિતા જોસેફ પ્રભુએ લગ્નના જૂના ફોટા શેર કરવા અને ભૂતકાળની યાદ તાજી કરવા સોશિયલ મીડિયા પર લીધો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના અલગ થવાને સ્વીકારવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો અને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની આશા હતી.








હસીના સરકારના સૂર્યાસ્ત બાદ લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓનું રહેવું મુશ્કેલ બન્યું છે. હિન્દુઓની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી રહી છે. ઈસ્કોન મંદિર અને કાલી મંદિર તોડી પાડવામાં આવ્યા છે. હિન્દુઓના ઘરમાં આગચંપી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં હિન્દુઓએ લડત આપવાનું નક્કી કરી ચટગાંવમાં રેલીનું આયોજન કર્યું હતું. તો કેટલાક હિન્દુએ તો હિજરતનો વિકલ્પ પસંદ કર્યો છે.
બાંગ્લાદેશના હિન્દુને લઈ ભારતે એક મજબૂત સ્ટેન્ડ લેવું જોઈએ. આ માત્ર બાંગ્લાદેશની વાત નથી સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હિન્દુ પર અત્યાચાર થાય ત્યારે આપણા દેશે તેમનો પક્ષ લેવો જોઈએ. આ ઉપરાંત માત્ર ધર્મ માટે જ નહીં પરંતુ આપણે માણસાઈની રીતે પણ સ્ટેન્ડ લેવું જોઈએ. હાલના સમયમાં અર્થતંત્રની રીતે જોવા જઈએ, તો આપણી પાસે અત્યારે પુરતા રિસોર્સિસ છે. આપણે બાંગ્લાદેશની ઘણી મદદ કરી પણ છે. હા એ વાત છે કે, શાંતિપૂર્ણ વાટાઘાટોની જો હિન્દુ પર અત્યાચાર અટકી જતા હોય તો સારુ છે. પરંતુ જો વાટાઘાટોથી ન થાય તો, આપણે કડક નિર્ણય કરવા જોઈએ. જ્યારે શરણાગતિ આપવી કે ન આપવી એ અલગ-અલગ દેશ પર આધાર રાખે છે. મારા મત પ્રમાણે શરણાગતિ એ સરકારના નિર્ણય પર આધાર રાખે છે. કેમ કે અત્યારના સમયમાં આપણે વસ્તી વધારાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છીએ.
આમ તો, કોઈ પણ દેશે પોતાના નાગરિકોના રક્ષણ માટે પગલાં ભરવા જોઈએ. પરંતુ ભારતના જ ભાગમાંથી બનેલા બાંગ્લાદેશના હિન્દુ માટે ભારતે રાજકીય રીતે બાંગ્લાદેશ સરકાર સાથે શાંતિપૂર્ણ વાટાઘાટો કરવી જોઈએ. હિન્દુઓ પર થતાં અત્યાચારો અને હુમલાઓને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. મારા મત પ્રમાણે ભારત સરકાર તેમના પક્ષમાં કોઈપણ નિર્ણય કરે તે પહેલાં, બાંગ્લાદેશના હિન્દુઓએ પોતાના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશના ઇસ્કોન ટ્રસ્ટના સંતોએ લોકોને ખવડાવવાની સાથે સ્વરક્ષણ માટેના ટ્રેનિગ સેન્ટર શરૂ કરવાની જરૂર છે. દરેક જગ્યા પર પાડોશી દેશની સરકાર પહોંચી નથી વળતી. આજે જે કિસ્સો બાંગ્લાદેશમાં થયો, તેવા કિસ્સા આવનાર ભવિષ્યમાં બીજા દેશમાં પણ બની શકે છે. તો મારું એવુ માનવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓએ રેલી, સંઘર્ષ કરવાની જરૂર નથી. તેમને તાલીમ સેન્ટર ઉભા કરી સ્વરક્ષણ કરવું જોઈએ. ભારત સરકાર સાથે હિન્દુ સંગઠનો, ધર્મગુરુઓ આ મુદ્દે ચિંતિત છે અને તે લોકોને બચાવવા માટે જરૂરી કાર્યવાહી કરી જ રહ્યા છે.
બાંગ્લાદેશની જરૂરિયાતના સમયે ઇસ્કોન ટેમ્પલ તેમને મદદ કરી હતી. જ્યારથી શેખ હસીનાની સરકારને ત્યાંથી હટાવવામાં આવી છે, ત્યારથી લઘુમતી સમુદાય સાથે થતાં અત્યાચાર પર ઘણા લોકો રાજકીય રીતે પોતાના હાથ શેકી રહ્યા છે. હા, જો ભારત સરકાર આ વાતમાં કોઈ કડક પગલાં લેશે તો, ત્યાંના હિન્દુ બચી શકે છે. મારા મત પ્રમાણે ત્યાંની સરકાર લઘુમતી ધરાવતી કોમને હટાવવા માંગે છે. કેમ કે, બાંગ્લાદેશની મોટાભાગની સરહદ ભારત સાથે જોડાયેલી છે અને ત્યાંના શરણાર્થી ભારતમાં આવવાની પૂરી સંભાવના છે. તેઓ આપણા દેશમાં આવી ભારતનું વાતાવરણ ખરાબ કરવાની મનસા પણ ધરાવતા હોઈ શકે છે. જો ભારત સરકાર આ વિષય પર કડક નિયમો અને કાર્યવાહી કરે તો આવું થતા અટકાવી શકાય.
બાંગ્લાદેશનું અસ્તિત્વ જ ભારત સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશમાં હિન્દુની સંખ્યા લગભગ દોઢ કરોડની આસપાસ છે. મોટાભાગના લોકો ભાગલા પડ્યા એ પહેલાના છે. ભૂતકાળમાં પણ ભારતે બાંગ્લાદેશને સાથ આપ્યો છે અને અત્યારે પણ સાથ આપી જ રહ્યો છે. દેશના મૂળ નાગરિકો સાથે આવો અત્યાચાર ન જ થવો જોઈએ. કોઈ ધર્મ અત્યાચારને પ્રોત્સાહન આપતુ નથી. ચીન અને પાકિસ્તાનની વાતોમાં આવીને બાંગ્લાદેશ પોતાના જ નાગરિકો પર પ્રહાર કરી રહ્યા છે. જે ખરેખર નિંદાને પાત્ર છે. આ બાબતે ભારત સરકારે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.