Home Blog Page 1290

‘વૉટરમેન ઑફ ઇન્ડિયા’ રાજેન્દ્રસિંહ રાણા અનંત યુનિ.ના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપશે

અમદાવાદ: અનંત નેશનલ યુનિવર્સિટીએ તેમના કોમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે વિદ્યાર્થીઓ માટે વર્ગખંડના શિક્ષણ કરતા પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપ્યો છે. જેના ભાગરૂપે ‘વોટરમેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્ર સિંહનું અનંત નેશનલ યુનિવર્સિટી સાથે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડણ કર્યું છે.આજના યુવાનોને ભણતર દરમિયાન ગ્રાઉન્ડ પર જઈને તેમના વિષયનો પ્રેક્ટિકલ અભ્યાસ કરવા માટે ઓછો મળતો હોય છે. તેમાં એન્વાર્યમેન્ટલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે તેમના જ રોલ મોડેલ તેમને યોગ્ય દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે તેવી સુવિધા અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને વાસ્તવિકતાઓથી વાકેફ કરવા ઉપરાંત સામાજિક માળખાંની સમજ આપી સમુદાયોના જે પ્રશ્નો હોય તેને સમજવામાં મદદ કરી શકે. ડો. રાજેન્દ્ર સિંહ અનંત યુનિવર્સિટીમાં આ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે, જે વિદ્યાર્થીઓને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાસ્તવિક્તા આધારિત ઉકેલો તૈયાર કરવામાં મદદ કરશે.વોટરમેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ડો. રાજેન્દ્ર સિંહે પાયાના સ્તર પર શરૂ કરેલી પહેલ દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની, સાથે-સાથે જ સાતત્યપૂર્ણ ઉકેલો દ્વારા અનેક સમુદાયોને એક કરીને સશક્ત બનાવ્યા છે. પાણીને લઈને તેમણે જે કામ કર્યું છે તે ખરેખર વિશ્વ સ્તર પર અભ્યાસનો વિષય બન્યો છે. રાજસ્થાનના ઉજ્જડ રણ વિસ્તારમાં તેમણે કેવી રીતે હરિયાળી લાવી છે? કેવી રીતે 15 જેટલી નદીઓને ફરી જીવંત બનાવી છે? તેનો અભ્યાસ કરવા માટે તો દેશ-વિદેશમાંથી લોકો રાજસ્થાનના ગોપાલપુરા સ્થિત તેમના આશ્રમમાં આવે છે. ત્યારે ડો. રાજેન્દ્ર સિંહાના આ બહોળા અનુભવનો લાભ અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યો છે. અનંત નેશનલ યુનિવર્સિટી સાથે જોડાવવા પાછળનું તેમનું લક્ષ્ય આગામી પેઢીને પર્યાવરણ સાથે જોડીને તેના પડકારો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય? કેવી રીતે ઉપાયો મેળવી શકાય? તે શીખવવાનો છે. અનંત નેશનલ યુનિવર્સિટી સાથે જોડાઈને ડો. રાજેન્દ્ર સિંહ તેમના વિસ્તૃત જ્ઞાન અને અનુભવની આગામી પેઢીને આપ-લે કરવાની એક અનોખી તક ઝડપી રહ્યા છે.અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.અનુનય ચૌબેએ અનંત સેન્ટર ફોર ઈન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ શરૂ કરવાની આજે જાહેરાત કરી. જેની અધ્યક્ષતા ડો. રાજેન્દ્ર સિંહ કરવાના છે. આ કેન્દ્રમાં ભવન નિર્માણ અને કૃષિ પદ્ધતિઓથી માંડીને જળ સંરક્ષણ સુધીની ભારતની વિવિધ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓનું મેપિંગ કરવા માટે વૈજ્ઞાનિક અને સંગઠિત અભિગમ અપનાવવામાં આવશે. જેમાં વર્તમાન પદ્ધતિઓ અને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પદ્ધતિઓ બંનેનો સમાવેશ થાય છે.

ડો. ચૌબેએ આ પ્રસંગે જણાવ્યું કે “સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પુનર્જીવિત કરવી એ સામાજિક પડકારોના ઉકેલ માટે નિર્ણાયક છે. અનંત સેન્ટર ફોર ઇન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસ દ્વારા અમે આમ જ કરવા માંગીએ છીએ. ડો. સિંહ સાચા અર્થમાં એક સમાધાનકારી અને દૂરદર્શી નેતા છે. તેમણે પરંપરાગત જ્ઞાનને નવીન પદ્ધતિઓ સાથે સાંકળીને સૈદ્ધાંતિક ખ્યાલોને કાર્યક્ષમ ઉકેલોમાં પરિવર્તિત કર્યા છે. તેમના કાર્યોએ સ્થાનિક પ્રયાસોને જન આંદોલનમાં પરિવર્તિત કર્યા છે. તેઓ ભવિષ્ય માટેના પ્રેરણાસ્ત્રોત છે. જે સ્વદેશી સમજણથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે દર્શાવે છે”.

સ્વદેશી જ્ઞાનની વૈશ્વિક પ્રાસંગિકતા પર પ્રકાશ પાડતા ડો. રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “સ્વદેશી જ્ઞાન વૈશ્વિક સુસંગતતા ધરાવે છે. ભારત તેની સમૃદ્ધ સ્થાનિક બુદ્ધિમતાને કારણે ‘વિશ્વ ગુરુ’ હતું. સાતત્યપૂર્ણ નિર્માણથી લઈને જળ સંરક્ષણ સુધી, આ વ્યવસ્થાઓ એવા ઉકેલો પ્રદાન કરે છે જે વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.”

જળ સંરક્ષણ અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાના ડો. રાજેન્દ્ર સિંહના પરિવર્તનશીલ કાર્યોથી અગણિત લોકોના જીવન પર સકારાત્મક અસરો થઈ છે. તેમના નવીન અને સાતત્યપૂર્ણ ઉકેલો પરિણામલક્ષી ડિઝાઇન વિકસાવવાના અનંતના મિશન સાથે સુસંગત છે.

AMTSને સતત નુકસાન, વહીવટીની ખામીના લીધે ખર્ચમાં વધારો

અમદાવાદમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જોડતી કડી રૂપ સેવા એટલે AMTSની સેવા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી AMTS વિભાગ નુકશાનમાં ચાલી રહ્યો છે. તેની પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેના કારણે AMTS સતત નુકશાનીમાં ચાલી રહી છે. તેની પાછળ પગાર, પેન્શન, ફ્યુલ ચાર્જ જેવા અનેક કારણ જવાબદાર છે. પહેલા ચાલુ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં AMTSને રૂપિયા 4,025 કરોડ કરતાં વધુની ખોટ ગઈ છે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 માટે એએમટીએસનું બજેટ રૂપિયા 673 કરોડ મંજુર કરવામાં આવ્યું હતું.

આ રીતે 2023-24ના નાણાંકીય વર્ષમાં એએમટીએસને રૂપિયા 541.66 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે રૂપિયા 141.80 કરોડની આવક નોંધાઈ હતી. ત્યારે પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂપિયા 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે તો પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂપિયા 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે. બીજી તરફ કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે તો એએમટીએસના મકાનોની મરામત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે, જેમાં ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે એએમટીએસનો કુલ ખર્ચ રૂપિયા 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે એએમટીએસને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ છે. નોંધનીય છે કે ગત 2022-23ના નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ રૂપિયા 487.79 કરોડનો થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઈ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઈ હતી. આમ, AMTSને આવકની સામે લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે અને તેના કારણે નુકસાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો આ સિવાય એક મહત્વનું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે સત્તાધીશો દ્વારા સતત અણઘડ વહીવટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સતત નુકસાનીમાં વધારો થઈ રહ્યો છે.

આતિશી સરકાર હવે આયુષ્માન ભારતને લાગુ કરવા માટે તૈયાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અનેક રાજ્યોમાં લાગુ નથી થઈ. આ યોજના હેઠળ લોકોને રૂ. પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે. જોકે દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી પરંતુ હવે આતિશી સરકાર ટૂંક સમયમાં તેને રાજ્યમાં અપનાવે એવી શક્યતા છે.

દિલ્હીનાં CM આતિશીએ અહેવાલ મળ્યા હતા કે દિલ્હી સરકારની મફત સારવાર યોજના બહુ અસરકારક નથી, ત્યારે તેણે આરોગ્ય વિભાગના અધિકારીઓને કેન્દ્રની આયુષ્માન ભારત યોજના અપનાવવાનો માર્ગ શોધવાનો આદેશ આપ્યો.

દિલ્હીના CM આતિશીએ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી, જેમાં પ્રસ્તુત ડેટા દર્શાવે છે કે જો દિલ્હી સરકાર કેન્દ્રની આયુષ્માન ભારત વીમા યોજનાને અપનાવે છે, તો તેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેથી AAP સરકારે કેન્દ્ર સરકારની આ યોજના અંગે નરમ વલણ અપનાવ્યું છે.

કેન્દ્રની આયુષ્માન ભારત વીમા યોજનાની દિલ્હીમાં AAP સરકાર દ્વારા લાંબા સમયથી ટીકા કરવામાં આવી હતી. હવે આ ફેરફાર પાછળનું બીજું કારણ એ છે કે તાજેતરમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સાર્વત્રિક કવરેજમાં સામેલ કરવામાં આવ્યા છે. જેથી રાજ્ય સરકાર એને અપનાવવા માગે છે.

આ મામલે દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ છેલ્લા એક વર્ષથી આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ સાથે જોડાયેલી ફાઈલો મંત્રીને મોકલી રહ્યું છે, પરંતુ તેના પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું હતું કે તાજેતરની બેઠકમાં વિભાગે તેની યોજનાઓ પરના ખર્ચ અંગે છેલ્લાં બે વર્ષનો વિગતવાર ડેટા રજૂ કર્યો હતો.

છેલ્લા બે વર્ષના ખર્ચ પર નજર નાખતાં જાણવા મળ્યું છે કે રાજ્યની યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત સર્જરી કરાવનારા લગભગ 7000 દર્દીઓમાંથી માત્ર એક દર્દીનું અંતિમ બિલ રૂ. 5 લાખથી વધુ હતું. આનો અર્થ એ થયો કે જો સરકારે આયુષ્માન ભારત યોજના અપનાવી હોત તો મોટા ભાગના દર્દીઓ તેના હેઠળ આવરી લેવામાં આવ્યા હોત. આ પછી CMએ વિભાગને રાજ્યની હાલની યોજનાઓને પાછી ખેંચ્યા વિના દિલ્હીમાં તેને લાગુ કરવાના માર્ગો શોધવાનો નિર્દેશ આપ્યો.

BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ

ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. CID દ્વારા અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ દ્રઢપણે જણાવ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈપણ ભલામણ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે.

શિક્ષણ મંત્રીએ આ મામલે કહ્યું, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલ વ્યક્તિ કૌભાંડમાં સંડોવાયેલી હશે તો તેનાં વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે”. BZ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો કે અન્ય એજન્ટોને લઈને પ્રફુલભાઈ પાનસુરીયાએ કહ્યું, “CID દ્વારા આપવામાં આવેલા નામો પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શિક્ષકને ગુનામાં સંડોવાયો હોવાનું સાબિત થશે તો તેમને યોગ્ય દંડ અને સજા કરવામાં આવશે”.

શિક્ષણ મંત્રાલયે સિસ્ટમમાં સંભવિત ભ્રષ્ટાચાર સામે લડવા માટે શૂન્ય સહનશીલતાનો અભિગમ અપનાવ્યો છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે. જો કોઈ કૌભાંડ સાથે સંકળાયેલ હશે તો કાયદેસરની કાર્યવાહી માટે કડક પગલાં લેવામાં આવશે. BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની માહિતી સામે આવતા રાજ્યભરના શિક્ષણ જગતમાં પણ ભારે ચકચાર મચી છે. આ કૌભાંડ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને પડકારરૂપ સ્થિતિમાં મૂકી શકે છે.

મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને મોટું અપડેટ, શપથ ગ્રહણની તારીખ જાહેર

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ ગઠબંધન સરકાર 5 ડિસેમ્બરે રચાશે. દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવાના ઉમેદવારોની રેસમાં સૌથી આગળ છે.

ભાજપે 132 બેઠકો જીતી હતી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધને 288માંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે જ્યારે શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે.

કોણ બનશે મહારાષ્ટ્રના સીએમ?
જો કે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. શિંદે, ફડણવીસ અને પવાર ગુરુવારે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં આગામી સરકારની રચના અંગે સમજૂતી માટે વાટાઘાટો કરવા માટે બીજેપી અધ્યક્ષ જેપીને મળ્યા હતા. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા.

એકનાથ શિંદે તેમના વતન ગામ પહોંચ્યા
શુક્રવાર માટે નિર્ધારિત મહાયુતિની મહત્વપૂર્ણ બેઠક, કાર્યપાલક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતારા જિલ્લામાં તેમના વતન ગામ જવા રવાના થયા પછી મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે રવિવારે યોજાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં ફડણનીસ સૌથી આગળ છે

ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે થશે. નેતાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે.

જો કે, હજુ સુધી ભાજપ વિધાનમંડળ પાર્ટી તેના નવા નેતાની પસંદગી માટે બેઠક ક્યારે કરશે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી મુખ્યમંત્રીને લઈને બીજેપી નેતૃત્વના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે. આ પ્રક્રિયામાં કોઈ અડચણ નહીં આવે. તે જ સમયે, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ મુખ્યમંત્રી પદ માટે ફડણવીસને સમર્થન આપ્યું છે.

પ્રી-સ્કૂલો સાથે સંકળાયેલી લાખો બહેનો વિશે સરકાર વિચારે: હસમુખ પરમાર

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે પ્રી-સ્કૂલની નોંધણીને લઈને કેટલાંક નવા નિયમો બનાવ્યા છે. જો કે એ નિયમોને લઈને પ્રી-સ્કૂલ માલિકો અને સંચાલકોને કેટલીકી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિયમોને લઈને પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા અધિકારીઓ અને સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રી-સ્કૂલ સંચાલકોને નવા શૈક્ષણિક ક્ષત્રમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી સમગ્ર ગુજરાતમાં રહેલી પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા અલગ-અલગ શહેરોમાં ક્લેટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. જો આગળ સરકાર ઝડપથી કોઈ નિર્ણય ન કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ જ મુદ્દે અમે અમારા છોટી સી મુલાકાત વિભાગમાં આજે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિએશનના સભ્ય હસમુખભાઈ પરમાર સાથે વાતચીત કરીને સમગ્ર મુદ્દાને જાણવાનો પ્રયત્ન કર્યો છે.

ચિત્રલેખા: સરકાર દ્વારા ક્યા ત્રણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનો તમારા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે?

હસમુખ પરમાર: ગુજરાત સરકાર દ્વારા પ્રી-સ્કૂલ નોંધણીને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું અમને લાગે છે. જેમ કે,

  1. જે જગ્યા પર પ્રી-સ્કૂલ ચાલુ કરવાની હોય એ જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે.
  2. જે જગ્યા પર પ્રી-સ્કૂલ ચાલતી હોય તેનો 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે.
  3. ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

પ્રી-સ્કૂલ એસોસિએશનને જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને તેમાં રજૂઆત કરી છે કે,

  1. બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનની જગ્યા પર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે પ્રી-સ્કૂલની માન્યતા આપવામાં આવે.
  2. 15 વર્ષના રજિસ્ટર ભાડા કરારના બદલે 11 મહિનાના ભાડા કરારથી પ્રી-સ્કૂલને મંજૂરી આપવામાં આવે તો સંચાલકોને મુશ્કેલી ન પડે.
  3. ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની કે, પછી સહકારી મંડળીની સાથે-સાથે પ્રોપરાઈટરથી ભાગીદારીનો વિકલ્પ પણ પ્રી-સ્કૂલની નોંધણી માટે આપવામાં આવે.

સરકાર દ્વારા અચાનક કેમ નિયમો તૈયાર કરવામાં આવ્યા?

અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી-પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી. સરકારના કોઈપણ વિભાગની હેઠળ પ્રી-પ્રાઇમરી સ્કૂલો આવતી ન હતી. પરંતુ નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી-પ્રાઈમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પોલિસી ન હતી. જેથી નાના ઘરથી લઈને મોટા કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી હતી. પરંતુ હવે નવી પોલિસી મુજબ પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી બની રહી છે.

 

નવા નિયમ પ્રી-સ્કૂલ સંચાલકોને શું તકલીફો પડી રહી છે?

નવા નિયમો માટે 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર, બિલ્ડિંગ યુઝ પરમિશન માગી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી-પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રી-પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના સંચાલકોનું કહેવું છે કે ત્યાં BU પરમિશન મળતી નથી. પ્રી-પ્રાઇમરી સ્કૂલ એસોસિયેશન મુજબ પ્રી-સ્કૂલ એજ્યુકેશન પોલિસી છે એમાં સ્પષ્ટતા થઈ નથી. અમારી પાસે BU માગવામાં આવી છે, જેમાં ચોખવટ કરવામાં આવી નથી કે કયા પ્રકારનું BU લેવાનું. પરંતુ રાજકોટની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા એજ્યુકેશન BU માગવામાં આવી રહ્યું છે. કોઈ ગ્રામ્ય વિસ્તારમાં BU પરમિશન મળતું નથી. સ્પષ્ટતા નથી એટલે રજિસ્ટ્રેશન નથી થતા. ત્યારે બીજી તરફ કોઈ સંચાલક ભાડાના મકાનમાં પ્રી-સ્કૂલ ચલાવે છો તો અત્યારે મોટાભાગના મકાન માલિકો 11 મહિનાથી વધારેના ભાડા કરાર કરવા માટે પણ તૈયાર થતા નથી. એવામાં 15 વર્ષનો ભાડા કરાર ક્યાંથી લાવવો તેવાં પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અમારું એવું કહેવું છે કે સરકાર દ્વારા આ પ્રકારના મામલાઓમાં વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ.

સરકારના નવા નિયમોથી હાલમાં કાર્યરત પ્રી-સ્કૂલ સંચાલકોને કેવાં પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે?

હાલમાં રાજ્યમાંલ ચાલતી મોટાં ભાગની પ્રી-સ્કૂલો સાથે મોટી સંખ્યામાં સ્ત્રીઓ જોડાયેલી છે. જો સરાકર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો તેમના રોજગારીના પ્રશ્ન ઊભો થશે. નિયમોના કારણે જો પ્રી-સ્કૂલો બંધ થઈ જાય તો સ્ત્રી સશક્તીકરણનો સળગતો પ્રશ્ન ઊભો થશે. જો આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતની પ્રી-સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકોના જીવનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ જશે. મારી એક જ પ્રી-સ્કૂલની વાત કરવામાં આવે તો 42 જેટલી મહિલાઓ મારી પ્રિ-સ્કૂલથી રોજગારી મેળવી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રી-સ્કૂલ સાથે 5 લાખ જેટલી મહિલાઓ સંકળાયેલી છે. સરકારના આકરા નિયમોના કારણે જો આ પ્રી-સ્કૂલો બંધ થાય તો આ તમામ મહિલાઓની રોજગારીને અસર પહોંચશે. પ્રી-સ્કૂલના રોજગારમાં બહેનો પોતાની જાતને વધારે સુરક્ષિત સમજે છે. વધારેમાં તેઓ બાળકો અને પરિવારને સાચવીને સાથે-સાથે નોકરી કરી શકતી હોય છે. તેવામાં તેઓ માટે રોજગારનો બીજો ઓપ્શન શોધવો પણ અઘરો બને છે. એવી અનેક સિંગલ મધર્સ છે, વિધવા બહેનો છે જેઓના ઘર પ્રી-સ્કૂલથી ચાલતા હોય છે. ત્યારે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આ બધી જ સ્વનિર્ભર બનેલી બહેનોને આર્થિક તકલીફો પડવાની છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

“ભારત કા શેરબજાર” પેવેલિયનને IITFમાં ગોલ્ડ મેડલ

મુંબઈઃ રોકાણકારોમાં જાગૃતિ લાવવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર સિક્યુરિટી મેનેજમેન્ટ (NISM), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX), નેશનલ કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX), સેન્ટ્રલ ડિપોઝિટરી એન્ડ સિક્યુરિટીઝ લિ. (CDSL), નેશનલ સિકયોરિટટીઝ ડિપોઝીટરી લિ. (NSDL) અને એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) સહયોગમાં 43મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)માં “ભારત કા શેરબજાર” પેવેલિયનની સાતમી એડિશનનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટનું આયોજન ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) દ્વારા 14મીથી 27 નવેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યું હતું.

અહીં 14 દિવસના આ કાર્યક્રમમાં રોકાણકાર જાગૃતિ અને શિક્ષણના પ્રસાર હેતુ બજારના નિષ્ણાતો સાથેના ટોક શો સહિત, નાટિકાઓ અને હાસ્ય કાર્યક્રમો, વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ગેરકાયદે ચાલતી ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ અને ઓનલાઇન ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો સંબંધિત માહિતી આપી રોકાણકારોને સાવધ કરવામાં આવ્યા હતા. ટ્રેડ ફેરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સેબી પેવેલિયનને પબ્લિક કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કેટેગરી હેઠળ આઈટીપીઓના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખોસલાને હસ્તે સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો.

 

PCBને અલ્ટિમેટમ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી દુબઈમાં રમાવાની શક્યતા

નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી હતી, પરંતુ એને શેડ્યુલ અને વેન્યુ પર સસ્પેન્સ છે, ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી નથી આપી, ત્યારે ICC હાઇબ્રિડ મોડલ હેઠળ એ ટુર્નામેન્ટ કરાવવાનું આયોજન કરી રહ્યું છે. જોકે પાકિસ્તાન આ ફોર્મ્યુલાને માની નથી રહ્યું. ખુદ PCB હવે પાકિસ્તાનની બહાર ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવા ઇચ્છે છે.

PCBનો એક વર્ગ ઇચ્છે છે કે સંપૂર્ણ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનની બહાર સ્થાનાંતરિત કરવામાં આવે અને દુબઈમાં રમાડવામાં આવે, જેથી યજમાનીના હક 6.5 કરોડ US ડોલરના ચેક પાકિસ્તાનને મળે.

જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ બેઠક દરમિયાન ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ ટુર્નામેન્ટની યજમાની કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ICCએ તેને અલ્ટિમેટમ આપ્યું છે. ICCએ આ મીટિંગ દરમિયાન PCBને સ્પષ્ટ કહ્યું છે કે તે કાં તો તમે ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવો અથવા તો આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવા માટે તૈયાર રહો. આ મીટિંગનો હેતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડ્યુલ નક્કી કરવાનો હતો, પરંતુ ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હોવા છતાં પીસીબીએ ફરી એક વખત ‘હાઈબ્રિડ મોડલ’ને ફગાવી દીધું છે, જેના પછી સર્વસંમતિ ન બની શકી.

હવે જો પાકિસ્તાન ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકારશે તો ભારત સામેની મેચો, એક સેમી ફાઈનલ અને ફાઈનલ UAEમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે અને જો ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને 60 લાખ ડોલર (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી થી હાથ ધોવા પડશે. તેનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે. જે લગભગ 350 લાખ ડોલર (આશરે રૂ. 296 કરોડ) છે.

અમદાવાદ: હિટ એન્ડ રન કેસમાં એસયુવી ચાલકની ધરપકડ, નબિરા તત્વો પર તંત્ર સજ્જડ

અમદાવાદ: શહેરમાં વધતા નબિરા અને અસામજીક તત્વો આતંક સામે તંત્ર સજ્જડ બની ગયું છે. દિવસ રાત એક કરી એક એક નબીરાને ગોતી સજા આપી રહ્યા છે. અમદાવાદમાં 23મી નવેમ્બરે એસ. જી. હાઈવે પર હાઈકોર્ટ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક એસયુવી કાર ચાલક બે સાઇકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાઇકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતાં. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે આખરે એસયુવી ચાલક પરમ ઉદય વોરાની ધરપકડ કરી લીધી છે.

23મી નવેમ્બરે વહેલી સવારે હાઇકોર્ટ બ્રિજ પર હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાઈકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની એસયુવી આવી અને સાઇકલ ચાલક ડો. અનિસ તિવારી અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ હતો. પોલીસ સીસીટીવીના આધારે કાળા રંગની એસયુવી ચાલક પરમ ઉદય વોરાને ઝડપી લીધો છે. ઈજાગ્રસ્ત તબીબ સહિતના મિત્રો સવારે કસરત કરવાના હેતુથી સાઇકલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ કારે બે લોકોને ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં મદદે પહોંચી ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી.

વાવાઝોડા ફેંગલથી શ્રીલંકામાં 4.5 લાખ લોકો પ્રભાવિત, 15નાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમી બંગાળની ખાડી પર બનેલા ઘેરા દબાણને કારણે પ્રતિકૂળ હવામાન સ્થિતિને કારણે શ્રીલંકામાં 15 લોકોનાં મોત થયા છે, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્ર (DMC)એ આ માહિતી આપી હતી.  દેશમાં પૂર, તેજ હવા અને ભૂસ્ખલનને કારણે 4.50 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

શ્રીલંકામાં હવામાને ખતરનાક વળાંક લીધો છે. આવી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે પૂર, તોફાન અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે શ્રીલંકામાં 15 લોકોના જીવ લીધા છે. હવામાન હવે વધુ ખરાબ થવાની સંભાવના છે.

DMCએ જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ 10નાં મોત પૂર્વીય પ્રાંતમાં થયાં છે. પૂર્વીય પ્રાંતમાં તબાહી મચાવનાર ચક્રવાતી તોફાન શનિવાર બાદમાં ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુ તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ પછી દેશમાં હવામાનમાં સુધારો થઈ શકે છે.

જોકે ઉત્તર-મધ્ય અને પૂર્વ ત્રિંકોમાલી જિલ્લામાં 100 મિમીથી વધુ વરસાદની સંભાવના છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દેશના કેટલાક ભાગોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પોલીસે જણાવ્યું હતું કે પૂરને કારણે છ વિદ્યાર્થીઓના મોત સંબંધે તેમણે શાળાના આચાર્ય અને એક શિક્ષકની ધરપકડ કરી છે. બસ ન હોવાથી આચાર્યએ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરથી જવાનું કહ્યું હતું. વાવાઝોડું ફેંગલ શનિવારે પોંડિચેરી નજીક પહોંચવાની શક્યતા છે. ફેંગલના પુડુચેરીની પાસે કરાઈકલ અને મહાબલિપુરમની વચ્ચે પસાર થવાની શક્યતા છે.