નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અનેક રાજ્યોમાં લાગુ નથી થઈ. આ યોજના હેઠળ લોકોને રૂ. પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે. જોકે દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી પરંતુ હવે આતિશી સરકાર ટૂંક સમયમાં તેને રાજ્યમાં અપનાવે એવી શક્યતા છે.
દિલ્હીનાં CM આતિશીએ અહેવાલ મળ્યા હતા કે દિલ્હી સરકારની મફત સારવાર યોજના બહુ અસરકારક નથી, ત્યારે તેણે આરોગ્ય વિભાગના અધિકારીઓને કેન્દ્રની આયુષ્માન ભારત યોજના અપનાવવાનો માર્ગ શોધવાનો આદેશ આપ્યો.
દિલ્હીના CM આતિશીએ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી, જેમાં પ્રસ્તુત ડેટા દર્શાવે છે કે જો દિલ્હી સરકાર કેન્દ્રની આયુષ્માન ભારત વીમા યોજનાને અપનાવે છે, તો તેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેથી AAP સરકારે કેન્દ્ર સરકારની આ યોજના અંગે નરમ વલણ અપનાવ્યું છે.
કેન્દ્રની આયુષ્માન ભારત વીમા યોજનાની દિલ્હીમાં AAP સરકાર દ્વારા લાંબા સમયથી ટીકા કરવામાં આવી હતી. હવે આ ફેરફાર પાછળનું બીજું કારણ એ છે કે તાજેતરમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સાર્વત્રિક કવરેજમાં સામેલ કરવામાં આવ્યા છે. જેથી રાજ્ય સરકાર એને અપનાવવા માગે છે.
આ મામલે દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ છેલ્લા એક વર્ષથી આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ સાથે જોડાયેલી ફાઈલો મંત્રીને મોકલી રહ્યું છે, પરંતુ તેના પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું હતું કે તાજેતરની બેઠકમાં વિભાગે તેની યોજનાઓ પરના ખર્ચ અંગે છેલ્લાં બે વર્ષનો વિગતવાર ડેટા રજૂ કર્યો હતો.
છેલ્લા બે વર્ષના ખર્ચ પર નજર નાખતાં જાણવા મળ્યું છે કે રાજ્યની યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત સર્જરી કરાવનારા લગભગ 7000 દર્દીઓમાંથી માત્ર એક દર્દીનું અંતિમ બિલ રૂ. 5 લાખથી વધુ હતું. આનો અર્થ એ થયો કે જો સરકારે આયુષ્માન ભારત યોજના અપનાવી હોત તો મોટા ભાગના દર્દીઓ તેના હેઠળ આવરી લેવામાં આવ્યા હોત. આ પછી CMએ વિભાગને રાજ્યની હાલની યોજનાઓને પાછી ખેંચ્યા વિના દિલ્હીમાં તેને લાગુ કરવાના માર્ગો શોધવાનો નિર્દેશ આપ્યો.