Home Blog Page 1282

ભૂલનો કોલાહલ, ને શાંત સ્વીકાર

એક વાત તમે પણ નોંધી જ હશેઃ દરેક હાઉસિંગ સોસાયટીમાં અમુક એવા સભ્ય હોય, જેને વાતે વાતે વાંકું પડે. મિટિંગમાં નકામા મુદ્દા ઊભા કરે, જાતજાતના કાયદા બતાવે. મુંબઈની એક પૉશ ગણાતી હાઉસિંગ સોસાયટીની વાત. આ સોસાયટીમાં પણ આવા ચારેક જણ છે. થોડા સમય પહેલાં સોસાયટીના રહેવાસીઓની મિટિંગમાં એમણે મેનેજિંગ કમિટીને ભિડાવવાના મનસૂબા સાથે સાવ અતાર્કિક લાગે એવી દલીલો કરીઃ “આમ થવું જોઈતું હતું તે કેમ થયું નહીં? અમને કેમ જાણ ન કરી? જવાબ આપો.” કમિટીના અમુક સભ્ય પણ ઉગ્ર સ્વભાવના. એ બાંયો ચડાવીને જડબાંતોડ જવાબ આપવા જતા હતા ત્યાં ચેરમેને એમને અટકાવી પેલી ચોકડી સામે જોઈને કહ્યું, “તમારી વાત સાચી છે. ભવિષ્યમાં અમે ધ્યાન રાખીશું… ચલો, આ સિવાય કોઈ ચર્ચવા જેવો પૉઈન્ટ છે?” ગણતરીની પળોમાં આખો મામલો શાંત થઈ ગયો.

મુંબઈથી હવે અમેરિકા જઈએ. અહીં રેન્ડોલ્ફ ‘રેન્ડી’ પોશ નામના પ્રખર શિક્ષણશાસ્ત્રી- કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર થઈ ગયા. રેન્ડી 10 વર્ષના હતા ત્યારે મોટાં બહેન સાથે ડિઝની વર્લ્ડ ફરવા ગયા. ત્યાં સોવિનિયર સ્ટોરમાંથી તેમણે દસ ડોલરનું રમકડું ખરીદ્યું. એ સ્ટોરની બહાર નીકળતા હતા ત્યારે હાથમાંથી રમકડું પડી ગયું ને તૂટી ગયું. ભાઈ–બહેન દુઃખી થઈ ગયાં. એ સમયે એક વ્યક્તિએ એમને સલાહ આપી કે “તમે સ્ટોર મેનેજર પાસે જાઓ અને રમકડું પાછું આપી દો.”  રેન્ડીએ કહ્યું, “રમકડું મારી બેદરકારીના લીધે તૂટ્યું છે, તો કેવી રીતે પાછું અપાય?” પેલી વ્યક્તિએ કહ્યું કે, “પ્રયત્ન તો કરી જુઓ.” ભાઈ-બહેન ખચકાતાં સ્ટોરમાં ગયાં અને વિવેકપૂર્વક મેનેજરને કહ્યું, “અમારી ભૂલથી રમકડું તૂટી ગયું છે, તો આપ અમને કોઈ રીતે મદદ કરી શકો?” મેનેજરે તૂટેલું રમકડું પાછું લઈ લીધું અને રેન્ડીને નવું રમકડું આપતાં કહ્યું, માફ કરજો, પણ આ તમારી નહીં, અમારી ભૂલ કહેવાય. અમારું પેકિંગ એવું હોવું જોઈએ કે બાળક આનંદમાં આવી જાય અને તેના હાથમાંથી રમકડું પડી જાય તો પણ તે ન તૂટે… અમે એવું પેકિંગ નથી કરી શક્યા એ અમારી ખામી છે.”

ઉપરોક્ત બન્ને જુદા જુદા પ્રસંગમાં ભૂલ કોની હતી એ આપણે જાણીએ છીએ. આમ છતાં સામેની વ્યક્તિએ ભૂલ સ્વીકારી લઈને ખેલદિલી બતાવી. માણસમાત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ પણ આપણે કેટલીય વાર ઉચ્ચારી હશે, પરંતુ સ્વીકારી કેટલી વખત? જ્યારે આપણે બીજા તરફ આંગળી ચીંધીએ ત્યારે એક જ આંગળી સામોવાળા તરફ હોય છે. બાકીની ત્રણ આંગળી આપણી તરફ જ હોય છે.

માણસને કોઈ એની ભૂલ બતાવે તે ગમતું નથી. પતિ-પત્નીનો ઝઘડો હોય, શેઠ-કર્મચારી વચ્ચે અણસમજણ હોય, યુવાનો-વડીલો વચ્ચે ઉદભવતું પેઢીગત અંતર હોય કે સાસુ-વહુ વચ્ચેનો ગજગ્રાહ હોય- તમામ પ્રશ્નોનાં મૂળ ભૂલનો અસ્વીકાર જ હોય છે. જો વ્યક્તિ ભૂલોને સ્વીકારી સુધારવાનો પ્રયત્ન કરે તો તે શ્રેષ્ઠતાના માર્ગે અવશ્ય ચડી શકે. એક વાત ધ્યાનમાં રાખજો કે અન્યો દ્વારા આપણી ભૂલોનાં ભૂંગળાં વાગતાં જ રહેવાનાં, પરંતુ તેને સાંભળીને આપણે સ્વીકાર કરતાં શીખીશું તો શાંતિનો અને પૂર્ણતાનો અનુભવ થઈ શકશે.

વિશ્વવિખ્યાત કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે “મને મારી દરેક ભૂલમાંથી કંઈક શીખવા મળે છે, કારણ કે ભૂલ જીવનને સુધારવાની દિશા આપે છે. ભૂલ થઈ હોય ને તેને સ્વીકારવી તે તો સારી વાત જ છે, પરંતુ ભૂલ ન હોવા છતાં એને પોતાના માથે વહોરવી તે મહાપુરુષોની પરમ સિદ્ધિ છે.”

જો મહાપુરુષો પોતાની ભૂલ ન હોવા છતાં જો ભૂલનો સ્વીકાર કરી શકતા હોય તો આપણા દ્વારા તો સતત ભૂલો થતી હોય છે. શું આપણે આપણી ભૂલનો સ્વીકાર ન કરીએ?

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૦૫ ડિસેમ્બર ૨૦૨૪

૦૫ ડિસેમ્બર ૨૦૨૪

પંચાંગ 05/12/2024

મુંબઈ: નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે FOC-IN-C વેસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મુંબઈ: 03 ડિસેમ્બર 2024 ના રોજ મુંબઈ ખાતે વાઈસ એડમિરલ સંજય જે સિંહે, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વેસ્ટર્ન ફ્લીટના સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓ પર નૌકાદળ સપ્તાહ 2024 ની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધિત કર્યા.

તેમના પ્રારંભિક સંબોધનમાં, તેમણે વેસ્ટર્ન નેવલ કમાન્ડ (WNC) દ્વારા અમારા કાર્યક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા જાળવવા અને સુનિશ્ચિત કરવા અને આપણા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જહાજો, સબમરીન અને એરક્રાફ્ટની વ્યાપક તૈનાતી પર પ્રકાશ પાડ્યો હતો. મીડિયાના સભ્યોને વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા પાછલા એક વર્ષમાં હાંસલ કરાયેલી પહેલો અને સીમાચિહ્નો જેવી કે ઓપ સંકલ્પ, મિશન આધારિત જમાવટ, વિદેશી નૌકાદળ સાથેની કવાયત, સુરક્ષા, સલામતી, માનવતાવાદી સહાય, નાર્કોટિક્સ અને વિરોધી ચાંચિયાગીરી કામગીરી, આપત્તિ રાહત અને પર્યાવરણીય ચેતના વિશે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

મીડિયા તરફથી વિશાળ શ્રેણીના પ્રશ્નો ઉઠાવતા, વાઇસ એડમિરલ સંજય જે સિંઘે દરિયાકાંઠાના સંરક્ષણ, દરિયાઇ સુરક્ષા, આત્યંતિક પરિસ્થિતિઓમાં કામ કરવા માટેના SOPs, સમુદ્ર દ્વારા ડ્રગની હેરાફેરી સામેની લડત, સ્વદેશી યુદ્ધ જહાજનું ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, અન્ય વિષયો વચ્ચે સુરક્ષા અને ભાવિ સંપાદન તથા સાયબર જેવા પ્રશ્નોની સ્પષ્ટતા કરી હતી.

ભારતીય નૌકાદળ દર વર્ષે 04 ડિસેમ્બરે નૌકાદળ દિવસ (Navy Day)ની ઉજવણી કરે છે, જે તારીખે, 1971ના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન નૌકાદળના જહાજો, કરાચીથી ચોરીછૂપીથી દાવપેચ કરી અને ઘાતક મિસાઇલ હુમલો કર્યો જેનાથી બંદર સળગી ગયું અને નાશ પામ્યું.

સારા તેંડુલકરના આ કામ પર સચિન તેંડુલકરને ગર્વ થયો, દીકરીના વખાણ કર્યા

મુંબઈ: સચિન તેંડુલકર લાંબા સમયથી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેનું નામ સચિન તેંડુલકર ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ રમતગમત સાથે જોડવાનું કામ કરવામાં આવે છે. હવે આ ફાઉન્ડેશનમાં સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે બુધવારે તેની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલા એક મોટા સમાચાર શેર કર્યા છે. જેમાં તેણે જણાવ્યું કે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

સચિન તેંડુલકરે દીકરી સારા વિશે મહત્વના સમાચાર શેર કર્યા છે

સચિન તેંડુલકરે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે સારાને STF એટલે કે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે. સારાએ આ ફાઉન્ડેશનને લગતા કામમાં તેની માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી છે અને હવે તે પોતે તેની બાગડોર સંભાળશે. સચિન તેંડુલકરે આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે પોતાની પુત્રી પર ગર્વ વ્યક્ત કર્યો છે અને ચાહકોને આ ખુશખબર આપી છે.

સચિન તેંડુલકરની પોસ્ટ

સચિન તેંડુલકરે પોતાની પોસ્ટમાં લખ્યું,’મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા તેંડુલકર એસટીએફ ઇન્ડિયા (સચિન તેંડુલકર ફાઉન્ડેશન)માં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. તેણીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જ્યારે તેણી રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણ દ્વારા ભારતને સશક્ત બનાવવાની સફર શરૂ કરે છે, ત્યારે તે વૈશ્વિક શિક્ષણ કેવી રીતે સંપૂર્ણ વર્તુળમાં આવી શકે છે તેની યાદ અપાવે છે.’

STFની સ્થાપના ઘણા વર્ષો પહેલા થઈ હતી

સચિન તેંડુલકરે પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં સારા આ ફાઉન્ડેશનના કામમાં મદદ કરતી જોવા મળી હતી. ફોટામાં સારા બાળકો સાથે બેસીને મસ્તી કરતી જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, સારા તેંડુલકર ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. સારા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ઘણી વખત તેના બોલિવૂડ ડેબ્યૂની પણ ચર્ચા થાય છે. પરંતુ, હવે સારાએ તેના પિતાના ફાઉન્ડેશન સાથે જોડાઈને લોકોની સેવા કરવાની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. સચિન તેંડુલકરે ઘણા વર્ષો પહેલા આ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને રમતગમત સાથે જોડવાનો છે. સચિન અને તેની પત્ની અંજલિ તેંડુલકર આ ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને નિર્દેશક છે.

BAPS કાર્યકરોના અભિવાદન સમારોહની તસવીરી ઝલક..

સન ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ. પરંતુ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી ૧૯૭૨માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું.એ વાતને આજે ૫૦ વર્ષનો સમય વીતી ગયો છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી ૨૦૨૪માં સુરત ખાતે ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ- મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા. જયારે આગામી 7 ડિસેમ્બર શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતમાં 24 કલાકમાં ચાર મોટા અકસ્માત, સાત મોત અને અનેક ઇજાગ્રસ્ત

વડોદરા શહેરમાં 24 કલાકમાં એક બાદ એક ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગેંડા સર્કલ વિસ્તારમાં ગત રાત્રે ડિવાઇડર કુદાવીને જીપકાર સામેની તરફ ઊભેલી ઇકો કાર સાથે જઇને અથડાઈ હતી, એને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ અકસ્માત સર્જનાર જીપનો ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

 

આજે બપોરે (4 ડિસેમ્બર) સમા સર્કલ પાસે કારચાલકે ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલક ટ્રાફિક જવાનને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અંગે જાણવા મળ્યું કે સિગ્નલ તોડીને કારચાલક આવતો હતો, જેને રોકવાનો ટ્રાફિક-પોલીસ જવાને પ્રયાસ કર્યો હતો, પરંતુ કારચાલક રોકાવાને બદલે ટ્રાફિક-પોલીસ જવાનને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ અકસ્માત કરનાર જીપચાલક ત્યાં જ વાહન છોડીને જતો રહ્યો હતો. બાદમાં અકસ્માતનો ભોગ બનનારે અકસ્માત સર્જનાર વિરુદ્ધમાં ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવાન અકસ્માત બાદ ભેગી થયેલી ભીડને સ્ટ્રેચરમાંથી ઊભો થઇને કહે છે કે મરી તો નથી ગયો ને..!. જેને પગલે લોકો વધુ રોષે ભરાયા અને બેજવાબદાર ચાલકને ભાન કરાવવા માટે ઉગ્ર સ્વરે પ્રત્યુત્તર આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં ચાર અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે, જેમાં કુલ સાત લોકોનાં મોત થયાં છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રક સાથે ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતની બીજી ઘટના દાહોદમાંથી સામે આવી છે. તોયણી ગામે મોડી રાતે બે બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમા 3 યુવકોના મોત થયા છે. ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાયા છે. અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

નોઈડા જઈ રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પોલીસે અટકાયત કરી

અલીગઢ: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને અલીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. તેઓ ખેડૂત નેતાઓની બેઠકમાં ભાગ લેવા ગ્રેટર નોઈડા જઈ રહ્યા હતા. રાકેશ ટિકૈત અને તેમના સાથીઓને યમુના એક્સપ્રેસ વે પર આગળ વધતા અટકાવ્યા બાદ બસ દ્વારા ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) એ ટિકૈત સાથે વાત કરી. પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી કે રાકેશ ટિકૈતની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટિકૈતની અટકાયત કરવામાં આવી છે.

રાકેશ ટિકૈતે પણ મીડિયાને કહ્યું, “પોલીસ ખેડૂતોને તેમના ઘરોમાં રહેવા માટે દબાણ કરીને ગૌતમ બુદ્ધ નગર, નોઈડામાં જતા અટકાવી રહી છે. આ મુદ્દે રાકેશ ટિકૈતે કહ્યું, પોલીસ અમને ક્યાં સુધી કસ્ટડીમાં રાખશે? જો તેઓ અમને બંધ રાખશે, તો તમે કોની સાથે વાત કરશો? જો અધિકારીઓનું આ વલણ ચાલુ રહેશે તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે.”

ભારતીય કિસાન યુનિયનએ મંગળવારે રાકેશ ટિકૈતના નેતૃત્વમાં મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં આવેલા ખેડૂત ભવનમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં નોઈડા અને ગ્રેટર નોઈડામાં દેખાવો કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવાની ચર્ચા કરવામાં આવી હતી. આ ખેડૂતો જમીનના વળતરનો મુદ્દો અને અન્ય માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે.રાકેશ ટિકૈત અને તેમના સમર્થકો બુધવારે નોઈડામાં ખેડૂતોની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. તેમણે જમીન સંપાદન, વળતર અને ખેડૂતોની જમીનોના કબજાના મુદ્દે સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતોનો કાફલો યમુના એક્સપ્રેસ વેથી નોઈડા તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ રોકી દીધા. પોલીસે ટિકૈત અને તેમના સમર્થકોને યમુના એક્સપ્રેસ વે પર રોક્યા બાદ કસ્ટડીમાં લીધા હતા.

બેન્ક એકાઉન્ટમાં ચાર નોમિનીનું બિલ લોકસભામાં પસાર

નવી દિલ્હીઃ લોકસભામાં બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ, 2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા સાથે હવે બેન્ક ખાતાધારકો તેમના ખાતામાં ચાર નોમિની રાખી શકશે. આ બિલ મારફત પાંચ બેન્કિંગ કાયદાઓમાં કુલ 19 સુધારાઓ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના મારફત બેન્કિંગ સિસ્ટમમાં સંચાલન વ્યવસ્થા મજબૂત બનાવવાની સાથે ગ્રાહકો અને રોકાણકારોનાં હિતોને સુરક્ષિત રાખશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નોમિનીની સંખ્યામાં વધારો કરતાં બેન્કોએ અનક્લેમ્ડ કેટેગરીમાં સામેલ ડિપોઝિટ ઘટાડવાની ખાતરી કરવી પડશે. આ સુધારા હેઠળ RBIને સ્ટેચ્યુટરી રિપોર્ટ સોંપવાની ડેડલાઇન પણ આપવામાં આવી છે. જેનાથી બેન્કિંગ સિસ્ટમ સરળ, પારદર્શી અને વેગવાન બનશે.વર્તમાન નિયમો અંતર્ગત એક જ નોમિની ડિપોઝિટરનાં જમા નાણાંની ચુકવણી કરી શકે છે, જેમાં કસ્ટડી કે લોકર્સમાં નાણાં સુરક્ષિત રાખવામાં આવે છે. હવે આ સુધારાથી ચાર નોમિનીને આ સુવિધાનો લાભ મળશે.

આ બિલ મારફત રિઝર્વ બેન્કે ઓફ ઇન્ડિયા ઍક્ટ 19૩4, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1955, બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ 1970 અને બેન્કિંગ કંપની (એક્વિઝિશન ઍન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ 1980માં કુલ 19 સુધારા કરવામાં આવ્યા છે.

બેન્કિંગ કાયદા (સુધારા) બિલમાં અન્ય એક સુધારો ડિરેક્ટરશિપ્સ માટે ‘સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટને નવેસરથી વ્યાખ્યાયિત કરવા સંબંધિત છે. જેમાં લગભગ 6 દાયકા અગાઉ નિશ્ચિત કરાયેલી રૂ. 5 લાખની વર્તમાન મર્યાદા વધારી રૂ. 2 કરોડ કરવાની ભલામણ છે. બૅન્કિંગ કાયદા (સુધારા) બિલમાં રોકડ અનામત (કેશ રિઝર્વ) માટે ફોર્ટનાઇટની પરિભાષા બદલવામાં આવી છે. આ સિવાય ઓડિટર્સને ચૂકવણી માટે મહેનતાણું નક્કી કરવામાં બૅન્કોને વધુ સ્વતંત્રતા આપવાની જોગવાઈ કરાઈ છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે  આ સુધારા મારફત થાપણદારોને ક્રમિક અથવા એકસાથે નોમિનેશનની સુવિધા જ્યારે લોકર ધારકોને માત્ર ક્રમિક નોમિનેશનનો વિકલ્પ અપાશે. 2014થી એનડીએ સરકાર અને આરબીઆઇ બેન્કોને સ્થિર જાળવી રાખવા સાવચેત બની છે. અમારો ઉદ્દેશ આપણી બેન્કોને સુરક્ષિત, સ્થિર અને સ્વસ્થ રાખવાનો છે.