Home Blog Page 1281

આ શક્તિપીઠમાં શિયાળે રસ રોટલીના પ્રસાદની પ્રથા

અમદાવાદ: માગસર સુદ બીજના દિવસે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને રસ રોટલી ધરાવવાની પરંપરા છે. શિયાળાની શરૂઆતે જ કેરીનો રસ એ આશ્રર્ય પમાડે એવી વાત છે. પરંતુ બહુચરાજીના પરમ ભક્તો આ દિવસે કેરીના રસની વ્યવસ્થા કરી હજારો લોકોને પ્રસાદરૂપે રસ રોટલી જમાડે છે. બહુચરાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ પાસે લોકો એ શિયાળે રસ રોટલીના જમણની માંગણી કરી હતી. શક્તિપીઠ બહુચરાજીની કૃપાથી વલ્લભ ભટ્ટ સૌને રસ રોટલી જમાડી શક્યા. આવી હજારો ચમત્કારી શક્તિઓ આ યાત્રાધામમાં છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર નામે ગામ છે. એના નામ પરથી આ તીર્થસ્થળનું તથા દેવીનું નામ બહુચરાજી પડ્યું હોવાનું કહેવાય છે. આશરે 3.6 મીટર લંબાઈ અને 3.3 મીટર પહોળાઈ ધરાવતું એક મંદિર અહીં વરખડીના ઝાડ નીચે ચોતરા પર એક ગોખ રૂપે હતું. વળી આશરે 6 મીટર લાંબું અને 5 મીટર પહોળું માતાજીનું આદ્યસ્થાનક અહીંથી બે-ત્રણ કિમી. અંતરે શંખલપુરમાં શંખલરાજે ઈ. સ. 1152 બંધાવેલું. આ મંદિર બે ઘુમ્મટ અને એક શિખરવાળું છે. મંદિરનાં પગથિયાં ચડતાં જ ઉત્તર-દક્ષિણ બંને તરફ જવા-આવવાના માર્ગવાળો સભામંડપ છે. અંદર તરફ બીજો એક નાનો સભામંડપ છે. ત્યાંથી માતાજીના મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ, નિજમંદિરમાં જઈ શકાય છે. અહીં આશરે દોઢેક મીટર ઊંચા આસને માતાજી બિરાજે છે. નિજ મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા ‘શ્રી બાલાયંત્ર’ની પૂજા થાય છે. યંત્ર નિરાકાર હોઈ મૂર્તિપૂજકો અને મૂર્તિમાં નહિ માનનાર બંને પ્રકારના લોકો માટે પૂજનીય ગણાય છે. બાલાયંત્રની બંને બાજુ અખંડ દીપજ્યોત પ્રગટેલી રહે છે.દેવાલયની સામે પૂર્વ દિશામાં પવિત્ર યજ્ઞમંડપ (અગ્નિકુંડ) આવેલો છે. એક બાજુ બે માળની અષ્ટકોણીય ભવ્ય દીપમાળ છે. જ્યારે ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર, મધ્યસ્થાને ગણપતિજી, નારસિંગજી, હનુમાનજી, મહાદેવજી તથા વલ્લભ ભટ્ટના ધામમાં શ્રીજીની પાદુકા બિરાજે છે. પશ્ચિમ તરફના દરવાજા આગળ પ્રાચીન બાંધણીનો માનસરોવર કુંડ આવેલો છે. શંખલપુર ખાતેનું મા બહુચરનું આદ્યસ્થાન ‘ટોડા માતાજી’ નામથી લોકજીભે વસેલું છે. મંદિર ફરતા કોટને ત્રણ દરવાજા અને ચાર બુરજ છે. મુખ્ય દરવાજો દક્ષિણ બાજુએ આવેલો છે. મંદિર લગભગ 30 મીટર લાંબું, 15 મીટર પહોળું અને 32 મીટર ઊંચાઈવાળું, બે મજલાનું છે.મુખ્ય મંદિરની સન્મુખ પૂર્વ દિશામાં માના પરમ ભક્ત વલ્લભ ધોળાનું નિવાસસ્થાન આવેલું છે. અહીંથી નિજમંદિરની અખંડ જ્યોતનાં દર્શન થઈ શકે છે. ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલ સોલંકીની બાબરી (ચૌલક્રિયા) તે પછી અહીં ઉતરાવી હતી. આજે પણ આ ઇતિહાસને અનુસરીને હજારો ભાવિકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવવા આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે અહીં 15,000 જેટલી બાબરી ઊતરે છે. અહીં ચૈત્ર સુદ તેરશથી પૂનમ સુધી દર વર્ષે મોટો મેળો ભરાય છે.અમદાવાદથી બહુચરાજીનું અંતર 110 કિમી. છે. મહેસાણાથી 40 કિમી. અને વિરમગામથી 47 કિમી. દૂર તે આવેલું છે. રાજ્યપરિવહન નિગમની બસો નિયમિત રીતે આ યાત્રાધામના પ્રવાસીઓની અવર-જવરની સવલતોને સાચવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરથી BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે. જેના માટે બી.એ.પી.એસ.ના કાર્યકરોએ અત્યાર સુધી જેટલા પણ સેવાકીય કાર્યો કર્યા છે એની માટે એમને સન્માનિત કરાશે.

21,000 બાળ, યુવા, મહિલા મંડળોમાં પ્રતિવર્ષ લાખો સભાઓ દ્વારા આધ્યાત્મિક, નૈતિક, પારિવારિક મૂલ્યો અને સનાતન સંસ્કૃતિના પવિત્ર વારસાનું સિંચન કરવામાં આ કાર્યકરો પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

વિરાટ પાયે વ્યસનમુક્તિ અભિયાન, પારિવારિક એકતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, હોસ્પિટલોમાં બીમાર દર્દીઓ માટે પ્રાર્થના યજ્ઞો, વગેરે અનેક સેવાકાર્યોનું તેઓ વહન કરે છે.

સેંકડો સુવિધાસજ્જ અદ્યતન શૈક્ષણિક સંકુલોમાં હજારો વિદ્યાર્થીઓને સંસ્કારયુક્ત શિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપીને કાર્યકરો તેમની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે છે.

આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યરૂપે સેંકડો નૂતન શાળાઓનું નિર્માણ, કુલ 25 ધ્વસ્ત ગામો-વસાહતો દત્તક લઈને એનું પુનઃનિર્માણ, પ્રાકૃતિક આપત્તિઓનાં પ્રસંગોએ 2000થી વધુ ગામડાઓમાં રાહતસેવા – આવી અનેક સેવાઓ કરીને આ કાર્યકરોએ સમાજને હંમેશાં સુખદુખમાં પોતાનો સાથ આપ્યો છે.

કોવિડ મહામારી હોય કે રેલ-હોનારતો હોય, યુક્રેન-રશિયા યુદ્ધ સમયે ભારતીય વિદ્યાર્થીઓને કટોકટીના સમયમાં સહાય હોય, ત્સુનામીની ગોઝારી ઘટના હોય કે ભૂકંપની ભયાનક યાતના હોય, પ્લેગ જેવા રોગચાળાની ભરમાર હોય કે ભયંકર દુષ્કાળના ઓળા હોય – BAPSના આ કાર્યકરો ખડે પગે સેવામાં તૈયાર રહ્યા છે.

કુલ 7 જેટલી આધુનિકતમ હોસ્પિટલોમાં સારવાર, 12 ફરતાં દવાખાનાઓ દ્વારા પ્રતિવર્ષે લાખો દર્દીઓની નિ:શુલ્ક સારવાર, રોગનિદાન યજ્ઞો અને રકતદાન યજ્ઞો દ્વારા સેવાની અવિરત શૃંખલા. દેશ-વિદેશમાં અનેક હોસ્પિટલોમાં આર્થિક અનુદાનો. આવી વિવિધ તબીબી સેવાઓમાં કાર્યકરો તત્પર રહે છે.

    ગાંધીનગર, દિલ્લી અને રોબિન્સવિલ, ન્યૂજર્સીના સ્વામિનારાયણ અક્ષરધામ જેવા મહામંદિરો હોય કે પછી લંડનના વિશ્વવિખ્યાત મંદિરથી લઈને અબુધાબીનું પ્રસિદ્ધ BAPS હિન્દુ મંદિર હોય, વિશ્વભરમાં BAPSના 1800 કરતાં વધુ સંસ્કારધામ-મંદિરો કાર્યકર્તાઓના અકલ્પનીય સમર્પણના સાક્ષી છે.

તાજેતરમાં અમેરિકામાં નિર્મિત ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય સ્મારક સ્વામિનારાયણ અક્ષરધામ, 12,500 કરતાં વધુ નવયુવાન સ્વયંસેવકો- કાર્યકરોએ નિર્માણમાં જોડાઈને ક્યારેય ન રચાયો હોય એવો ઇતિહાસ સર્જી દીધો હતો.

ડિસેમ્બર-2022 થી જાન્યુઆરી-2023 સુધી અમદાવાદના આંગણે 600 એકરમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80,000 જેટલાં સ્વયંસેવકોએ તેઓના પુરુષાર્થ અને સમર્પણથી એક અભૂતપૂર્વ ઇતિહાસ રચી દીધો. આવા અનેકવિધ મહોત્સવોમાં BAPSના કાર્યકરોએ અભૂતપૂર્વ સેવાઓ કરી નિ:સ્વાર્થ સેવાનો અનોખો આદર્શ પૂરો પાડ્યો છે.

2000થી વધુ ગામોમાં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, આદિવાસી ગામોમાં હજારો બાળ-યુવા-સંયુક્ત સભાઓ દ્વારા સંસ્કાર સિંચન, આદિવાસી પરિવારોની શૈક્ષણિક અને તબીબી સેવાઓના વિવિધ પ્રકલ્પોમાં કાર્યકારોનું સમર્પણ વંદનીય રહ્યું છે.

છેલ્લાં 25 વર્ષોથી યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યોજાતા પ્રતિભાવિકાસ પર્વોમાં લાખો યુવતીઓને સ્વનિર્ભર થવાની તાલીમ આપવામાં આવી છે.

નર્મદા યોજના વિષયક જનજાગૃતિ અને કાર્યક્રમો, અનેક વૃક્ષારોપણ અભિયાનો, સ્વચ્છતા અભિયાનો, જળસંચય અભિયાનો વગેરે પ્રકલ્પોમાં આ કાર્યકરોની સેવાઓ નોંધપાત્ર રહી છે.

સામાજિક – પારિવારિક જવાબદારીઓ વચ્ચે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સેવા આપતા આ નિ:સ્વાર્થ કાર્યકરો, BAPSની સેંકડો સેવાપ્રવૃત્તિઓનું એક ગૌરવભર્યુ સુવર્ણ પૃષ્ઠ છે.

ગુરુવર્યોના નિ:સ્વાર્થ પ્રેમથી અંકુરિત થયેલું BAPS કાર્યકર પ્રવૃત્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે અને વિશ્વના કરોડો લોકો આ વટવૃક્ષના મધુર ફળોનો આસ્વાદ માણી રહ્યા છે.

ગુજરાતમાં હવામાનનો ફેરફાર, તાપમાન વધ્યું, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

અમદાવાદ: સામાન્ય રીતે નવેમ્બરમાં રાજ્યભરની ઠંડીનો બરાબરનો માહોલ જામી ગયો હયો છે. ત્યારે આ વર્ષે નવેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો છે અને ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો ત્યારે હજી શરૂ લોકો કડકડતીનો અનુભવ કર્યો નથી. શરૂઆતમાં થોડા દિવસ ઠંડીનું જોર વધ્યા બાદ ફરી તાપમાન વધતાં ઠંડીમાં ‘ઠંડી’ પડી ગઈ. રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતાં ઠંડીમાં રાહત રહી હતી. એકમાત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું, જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું હતું. આ વચ્ચે આજે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 20 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીની જમાવટ થશે. વલસાડ જિલ્લાના કેટલાક આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શિયાળાની સિઝનમાં વરસાદ પડતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે.

ગુજરાત રાજ્યનાં ચાર મહાનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીનું જોર ઓછું રહ્યું હતું, જેમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન 19 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 19.2 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 23 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતભરમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, પરંતુ આગામી સાત દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ સાથે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સનો ઘટાડો નોંધાય શકે છે, જેથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાતના કેટલાક ભાગો ઉપર છુટા છવાયા વરસાદની પણ શક્યા છે.

હેમંત સોરેન કેબિનેટનું વિસ્તરણ, 11 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

ઝારખંડ: હેમંત સોરેન સરકારની કેબિનેટનું ગુરૂવારે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં ત્રણ ગઠબંધન પક્ષો (જે.એમ.એમ.-કોંગ્રેસ-આર.જે.ડી.)ના 11 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. હેમંત સોરેનના શપથ ગ્રહણ પહેલા, સ્ટીફન મરાંડીએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. જેમણે પાછળથી અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.કોંગ્રેસના રાધાકૃષ્ણ કિશોર, જેઓ હેમંત સોરેન સરકારનો હિસ્સો હતા, તેમણે પ્રથમ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ઝારખંડની છતરપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. ધારાસભ્ય તરીકે આ તેમની ચોથી ટર્મ છે. તેઓ કોંગ્રેસ, જેડીયુ અને ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. શપથ લીધા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.બીજા સ્થાને ઝારખંડ મુક્તિ મોરચાના દીપક બિરુવાએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ચાઈબાસાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને આ ચોથી વખત છે જ્યારે તેઓ ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. આ પછી જે.એમ.એમ.ના ચમરા લિંડાએ શપથ લીધા. તેઓ બિષ્ણુપુરથી ધારાસભ્ય ચૂંટાયા છે અને આ સતત ત્રીજી વખત છે જ્યારે તેઓ ચૂંટણી જીત્યા છે. પરંતુ તેઓ મંત્રી પ્રથમ વખત બન્યા છે.

ત્યારબાદ ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળના સંજય પ્રસાદ યાદવે શપથ લીધા. આ પહેલીવાર છે જ્યારે તેઓ મંત્રી બન્યા છે. તેઓ ગોડ્ડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અગાઉ પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. આ પછી જે.એમ.એમ.ના રામદાસ સોરેને શપથ લીધા. ચંપાઈ સોરેનના રાજીનામા બાદ પણ તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ ત્રીજી વખત ઘાટસીલાથી ધારાસભ્ય ચૂંટાયા છે અને બીજી વખત મંત્રી બન્યા છે.કોંગ્રેસના ઈરફાન અંસારીને પણ હેમંત સોરેનની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને પાર્ટીની ટિકિટ પર ત્રીજી વખત જામતારા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આલમગીર આલમ જેલમાં ગયા પછી પણ ઈરફાન અંસારીને છેલ્લી વખત મંત્રી બનાવવામાં આવ્યા હતા. હફિઝુલ હસનને પણ JMM ક્વોટામાંથી લઘુમતી તરીકે મંત્રી બનાવવામાં આવ્યા છે. હફિઝુલ હસન તેમના પિતાના અવસાન બાદ 2021ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ હેમંત સરકારમાં મંત્રી પણ રહ્યા. આ વખતે તેમને સતત ત્રીજી વખત મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે ઉર્દૂમાં શપથ લીધા હતા.

ABSLAMCએ આદિત્ય બિરલા સન લાઇફ કોંગ્લોમરેટ ફંડ કર્યું લોન્ચ

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે (ABSLAMC) આદિત્ય બિરલા સન લાઇફ કોંગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડ દેશના ટોચના ઉદ્યોગ જૂથોમાં મૂડીરોકાણ કરશે. આ ન્યુ ફંડની ઓફર (NFO) પાંચ ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.

આ ફંડ ઇન્ડસ્ટ્રી અને કેટેગરી ફર્સ્ટ ફંડ છે જે વિવિધ ક્ષેત્રોમાં કમસે કમ બે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા દેશના ટોચના પ્રમોટરોના નેતૃત્વમાં આવેલાં જૂથોમાં મૂડીરોકાણ કરશે. વળી, આ મૂડીરોકાણ કરેલી કંપનીઓની વિશેષતા એ રહેશે કે એ વૈવિધ્ય ધરાવતા ક્ષેત્રમાં તેમની બિઝનેસની કામગીરી, બજારમાં મજબૂત સ્થિતિ અને નોંધપાત્ર રોકડપ્રવાહ ધરાવતી હોય.

આ ફંડ દ્વારા મોટાં ઉદ્યોગ જૂથોની કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં મૂડીરોકાણ કરવામાં આવશે. ખાસ કરીને કોંગ્લોમરેટ થીમ પર મૂડીરોકાણ કરવામાં આવશે. કોંગ્લોમરેટ એટલે કે પેઢીથી વારસાગત ઉદ્યોગ-ધંધા સંભાળતા ઉદ્યોગપતિઓનાં જૂથો કે જે અબજો લોકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડતા હોય. આ ઉદ્યોગ જૂથોએ ગ્રાહકો સાથે લાંબા સમયથી વ્યાવસાયિક સંબંધો જાળવ્યા હોય અને દાયકાઓની વિશ્વાસ અને વફાદારીને પ્રોત્સાહન આપ્યું હોય.

તેમની સફળતા ઉભરતા ઊંચા વિકાસ ઉદ્યોગોમાં વ્યૂહાત્મક રીતે મૂડીરોકાણ કરવાની અને તેમની દૂરંદેશીપણાની ક્ષમતાથી નોંધપાત્ર નફો મેળવવાની હોય છે. તેમને હંમેશાં ઊભરતાં ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે મોટાં ઉદ્યોગ જૂથો બજારમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખે, પણ વૈશ્વિક વેપાર અને ગ્રાહકોના વલણોને ભવિષ્યમાં આકાર આપવામાં પણ મદદ કરે છે.  આ ફંડ દ્વારા રોકાણકાર લાંબા ગાળે એની મૂડી પર નોંધપાત્ર વળતર મેળવી શકે છે.

નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતાં આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એ. બાલાસુબ્રહ્મણિયને કહ્યું હતું કે કોંગ્લોમરેટેસે દેશમાં ઓદ્યૌગિક ક્રાંતિમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તેઓ આર્થિક પ્રગતિની કરોડરજ્જુ સમાન છે.

આદિત્ય બિરલા સન લાઇફ કોંગ્લોમરેટ ફંડ વિકાસ કરતા અર્થતંત્રમાં રોકાણકારોને તેમનાં નાણાંને વધરાવાની એક ઉમદા તક આપે છે. આ ઓફર થકી રોકાણકારને 22 ક્ષેત્રોમાં 169 કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની તક પૂરી પાડે છે, જે કંપનીઓ BSEના કુલ માર્કેટ કેપમાં 33 ટકાના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફંડમાં 36 લાર્જ-કેપ, 30 મિડ-કેપ અને 103 સ્મોલ-કેપ શેરોનો સમાવેશ થાય છે. જે રોકાણકારોને સંભવિત ગ્રોથ અને ક્ષેત્રોના વૈવિધ્ય પણ પૂરાં પાડે છે.

 

25 વર્ષ બાદ ભારત પરત આવી મમતા કુલકર્ણી, મુંબઈમાં પગ મૂકતા જ થઈ ગઈ ભાવુક

મુંબઈ: શાહરૂખ ખાન અને સલમાન ખાનની ‘કરણ અર્જુન’ની કો-સ્ટાર મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત આવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ભારત પરત ફરવા પર ભાવુક અને ખુશ જોવા મળી રહી છે. મમતા કુલકર્ણીએ વીડિયોમાં કહ્યું કે તે 25 વર્ષ બાદ ભારત પરત આવી છે અને મુંબઈ પહોંચીને તેની જૂની યાદો તાજી થઈ ગઈ છે. તેણે કહ્યું કે જ્યારે તેની ફ્લાઈટ ભારતની ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે તે પોતાની માતૃભૂમિને જોઈને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે તે પોતાના આંસુને કાબૂમાં રાખી શકી નહોતી.

દેશ પરત ફરવા પર મમતા કુલકર્ણીએ શું કહ્યું?
વીડિયોમાં મમતા કહે છે- ‘હાય મિત્રો, હું મમતા કુલકર્ણી છું. હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ, આમચી મુંબઈ આવી છું. હું વર્ષ 2000 માં ભારતની બહાર ગઈ હતી અને હવે બરાબર 2024 માં પાછી આવી છું. હું પાછી આવીને ખરેખર ખુશ છું. મને તે કેવી રીતે વ્યક્ત કરવું તે ખબર નથી, પરંતુ ખરેખર જ્યારે ફ્લાઇટ લેન્ડ તે પહેલાં, હું સતત મારી ડાબી અને જમણી તરફ જોતી હતી. 25 વર્ષ પછી મેં મારા દેશને ઉપરથી જોયો અને ભાવુક થઈ. મારી આંખોમાં આંસુ હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પગ મૂકતાં જ હું ફરીથી ભાવુક થઈ ગઈ. આ સાથે મમતાએ ભારત પરત ફરવાનું કારણ પણ જણાવ્યું. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે મહાકુંભ મેળા માટે ભારત પરત ફરી છે.

મમતા કુલકર્ણી વિવાદોમાં રહી છે
તમને જણાવી દઈએ કે ફિલ્મો સિવાય મમતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. 12 એપ્રિલ 2016 ના રોજ, થાણે પોલીસે બે વાહનોમાંથી ત્રણ કિલોગ્રામ એફેડ્રિન પાવડર, જે માદક દ્રવ્યોની શ્રેણીમાં આવે છે, રિકવર કર્યો હતો. આ કેસમાં આરોપી મયુર અને સાગરની ધરપકડ કરવામાં આવી હતી અને ડ્રગ્સની કિંમત લગભગ 80 લાખ રૂપિયા હતી. બંને પાસે નકલી ઓળખ કાર્ડ પણ હતા.

કોર્ટનો નિર્ણય
તપાસ દરમિયાન પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે મમતા કુલકર્ણી સહિત સાત લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસનો આરોપ છે કે મમતા કુલકર્ણીએ જાન્યુઆરી 2016માં કેન્યામાં એક મીટિંગમાં હાજરી આપી હતી અને આરોપી વિકી ગોસ્વામી અને અન્ય લોકો સાથે તેની ચર્ચા કરી હતી. જો કે, મમતા કુલકર્ણીએ તેના વકીલ માધવ થોરાત મારફત દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેની સામેના આરોપો માત્ર સહઆરોપીના નિવેદન પર આધારિત છે અને તેની સામે કોઈ નક્કર પુરાવા નથી. આખરે, કોર્ટે, આરોપો અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, નિષ્કર્ષ પર આવ્યો કે NDPS એક્ટ હેઠળ તેમની સામે આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.

ખેડૂત આંદોલનમાં પડી ફૂટ, ટિકેત સહિત અનેક સંગઠનો થયાં દૂર

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માગોને લઈને દેખાવો કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓમાં ફૂટ પડી છે. 10 સંગઠનો દ્વારા આ આંદોલનને સંચાલિત કરવામાં આવી રહ્યું છે, પણ એના મુખ્ય ઘટક ભારતીય કિસાન યુનિયન (ટિકેત) અને અન્ય કેટલાંક સંગઠનો આ ધરણાંથી અલગ થયાં છે.

ભારત કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે જણાવ્યું હતું કે ગુરુવારે ખેડૂતો અને તેમની સમસ્યાઓને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે પાંચ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે.  તેમણે કહ્યું હતું કે કિસાન સંગઠનના લોકો આ સમિતિની સાથે ધરણાં સ્થળ પર જ વાતચીત કરે અને તેમની માગો તેમની સામે મૂકે. ધરણાં-દેખાવો સિવાય સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરીને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કાઢી શકાય છે. તેમણે કહ્યું હતું કે દિલ્હી કૂચ કરીને સમસ્યાનો હલ નહીં થાય, કેમ કે કૂચ માટે રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોનાં બધાં સંગઠનોનું એક થવું જરૂરી છે, ત્યારે તેઓ સફળ થશે.

કિસાન નેતા સમિતિના લોકોથી વાત કરે, પણ કેટલાક નેતાઓ આ વાત માટે તૈયાર નહોતા. એને કારણે ભારતીય કિસાન યુનિયન આ પ્રદર્શનથી અલગ થયું છે. તેમનું કહેવું છે કે અન્ય કોઈ સંગઠન પોતાના હિસાબે જે પણ કરી શકે છે, એ કરે. કિસાન સંગઠનનાં સૂત્રો અનુસાર આ સિવાય કેટલાંક અન્ય સંગઠનોએ પણ આ પ્રદર્શનથી પોતાને અલગ કરી લીધાં છે. તેમનો મત એ છે કે સમિતિની સામે પોતાનો પક્ષ રાખીને ખેડૂતોની મૂળ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.

 

ફડણવીસે CM પદના શપથ લેતાં પહેલા સિદ્ધિવિનાયક મંદિરે કર્યા દર્શન

મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ત્રીજી વખત લેવા જઈ રહ્યા છે. જો કે શપથ લેતા પહેલા તેમણે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં નવી સરકાર આજે શપથ લેવાની છે. સૂત્રો અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ ત્રણેય આજે શપથ લેશે કે અન્ય મંત્રીઓ પણ સાથે શપથ લેશે તેના પર સૌની નજર છે.શિવસેનાના નેતા દીપક કેસરકરે શપથ સમારોહ પહેલા જણાવ્યું હતું કે શિવસેનાના તમામ ધારાસભ્યો બુધવાર સાંજે એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને મહારાષ્ટ્ર કેબિનેટનો હિસ્સો બનવા અને નાયબ મુખ્ય મંત્રી પદ સ્વીકારવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આને હકારાત્મક રીતે વિચારશે અને એકનાથ શિંદે હંમેશા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વાત સાંભળે છે. જો ત્યાંથી કોઈ સંદેશ આવે છે, તો તેઓ હંમેશા તેમના નિર્ણય પર વિચાર કરશે.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાથી મુંબઈ જવા રવાના થઈ ગયા છે. મુંબઈ પહોંચ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં રચાનારી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.  જો કે આજે યોજાનાર શપથ સમારોહમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે હાજરી નહીં આપે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે વિપક્ષને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. શરદ પવાર દિલ્હીમાં હોવાથી હાજરી આપી શકશે નહીં.

ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાં

ઊંઝા એપીએમસીની 15 બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો. ચૂટણીમાં ખેડૂત વિભાગમાંથી એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમજ  ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની દસ, વેપારી વિભાગની ચાર, અને ખરીદ વેચાણ મંડળીની એક બેઠક મળીને કુલ 15 બેઠકોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ જોવા મળ્યો હતો. આજે ગુરૂવારે ફોર્મ ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ 9 ડિસેમ્બરના છે. જેથી 9 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપને જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીમાં 15 બેઠકોની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયાં છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74  ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે. તેમજ  ખરીદ – વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા માટે દિનેશ પટેલ અને કિરીટ પટેલના જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ભાજપ દ્વારા કયા જૂથના આગેવાનને મેન્ડેટ અપાશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણાં સમયથી ભાજપના જ બે જૂથો દ્વારા મેન્ડેટ મેળવવા માટે પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં મંડળીના પ્રતિનિધિઓએ ઉમેદવાર અમારો હોવા જોઈએ તેવી રજૂઆત મહેસાણા કમલમ્ ખાતે કરવામાં આવી હતી અને જો મતદારયાદી બહારના ઉમેદવારને મેન્ડેટ આપશે તો પરિણામ કઈક વિપરીત જ આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને લઈને સરકાર પણ દ્વિધામાં મુકાઈ છે. સરકાર કોને મેન્ડેટ આપશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર મેન્ડેટ આપવા બાબતે અનેક સવાલો ઉભા થયા છે.

સામાજિક કાર્યકર પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શંટી AAPમાં જોડાયા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. જેમાં તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ શંટીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. જીતેન્દ્ર સિંહ શાંતિ વર્ષ 2013માં ભાજપ તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જીતેન્દ્રસિંહ શંટીનું AAPમાં સ્વાગત કરતાં કેજરીવાલે કહ્યું કે તેમના આગમનથી પાર્ટી મજબૂત થશે.AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે આ પ્રસંગે કહ્યું કે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા જીતેન્દ્ર સિંહ શંટી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોરોના મહામારી દરમિયાન લોકોને મોટાપાયે મદદ કરવાને કારણે તેમને એમ્બ્યુલન્સ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવવા માટે, બીમાર લોકોને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને પોતે 100થી વધુ વખત રક્તદાન કરવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે.જીતેન્દ્રસિંહ શંટી ભગતસિંહ સેવા દળ(એસ.બી.એસ.) ફાઉન્ડેશનના સંસ્થાપક પણ છે. તેઓ વર્ષ 2013માં શહાદરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે છેલ્લી ચૂંટણીમાં તેઓ આપના રામ નિવાસ ગોયલ સામે હારી ગયા હતા. જો કે હવે આપમાંથી રામ નિવાસ ગોયલના રાજીનામા બાદ જીતેન્દ્રસિંહ શંટીને શહાદરા બેઠક પરથી આપમાંથી ટિકિટ મળવાની પૂરેપૂરી શક્યતા છે.