Home Blog Page 1283

સુરત પોલીસ કમિશનર દ્વારા 12 પીઆઇની બદલીના ઓર્ડર જાહેર

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આખરે એક્શન મોડમાં આવી ગયા છે. અપેક્ષા મુજબ તેમણે એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર જાહેર કર્યો છે. સુરત શહેરના 12 મહત્વના પોલીસ સ્ટેશનો અને વિભાગમાં રહેલા પીઆઇઓની બદલી કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કમિશનરે એક સાથે  12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો, ત્યાર બાદ તમામ પોલીસ સ્ટેશનમાં બદલીનો દોર યથાવત્ છે.  વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ અલ્પેશ ગાબાણીને એ એચ.ટી.યુમાં મુકાયા છે. જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે જી પટેલને સ્પેશિયલ બ્રાન્ચમાં અને અઠવા પોસ્ટેના જી એ હડિયાને ઇકો સેલમાં મુકાયા છે. ઇકો સેલના એચ કે સોલંકીને અઠવા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. ટ્રાફિક શાખાના ડી.ડી ચૌહાણને અલથાણ પોલીસ સ્ટેશન મુકાયા છે. AHTUના પી.જે સોલંકીને અડાજણ પોલીસ સ્ટેશન મુકાયા છે. અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયાને વરાછા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઈ કે.વી પટેલને ઉમરામાં મુકાયા છે, જ્યારે સચિન gidc ના જે આર ચૌધરી ને સ્પેશિયલ બ્રાન્ચમાં મુકાયા છે. સાઇબર ક્રાઇમના બંસરી પંચાલને ટ્રાફિક શાખામાં મુકાયા જ્યારે  ટ્રાફિક શાખાના કુલદીપ સિંહ ચાવડાને લસકાણા પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ હવાલો સંભાળવાનો રહેશે. છેલ્લા કેટલાય સમયથી શહેર પીઆઇઓની આંતરિક બદલીને ચર્ચાઓ ચાલતી હતી આખરે આજે બપોરે પોલીસ કમિશનરે ઓર્ડર ફાટ્યા છે.

મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં એકનાથ શિંદે પણ ડેપ્યુટી CMના લેશે શપથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં CM પદનું સસ્પેન્સ દૂર થયું છે. એ સાથે તેમની સાથે ડેપ્યુટી CMપદના એકનાથ શિંદે પણ શપથ લેશે. નવી સરકારનો શપથગ્રહણ સમારોહ આવતી કાલે સાંજે 5.30 કલાકે યોજાશે, જેમાં PM મોદી પણ હાજર રહેશે.

આ પહેલાં એકનાથ શિંદેએ સસ્પેન્સ ઊભું કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ફડણવીસને શુભેચ્છાઓ પાઠવું છું. હું સરકારનો હિસ્સો બનીશ કે નહીં, તેના વિશે સાંજે જણાવીશ. શિંદેના આ નિવેદનથી મહારાષ્ટ્ર સરકારની રચનામાં કંઈક મોટી ઊથલપાથલ થવાની વકી છે. જ્યારે અજિત પવારે પણ આ ભયને સાચો ઠેરવતું નિવેદન આપ્યું છે કે હું કાલે શપથ લેવાનો છું, પણ શિંદેનો નિર્ણય શું છે, તે જાણવા માટે તમારે રાહ જોવી પડશે.શિંદેએ ટીખળ કરતાં કહ્યું કે દાદાને શપથ લેવાનો અનુભવ વધુ છે. સવાર અને સાંજે બંને સમયે તેમણે શપથ લીધા છે. આટલું કહેતાં જ ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. CM માટે ફડણવીસને સમર્થન અઢી વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM પદે શિંદેનું નામ જાહેર કર્યું હતું. હવે શિંદેએ CM માટે દેવેન્દ્ર ફડણવીસની ભલામણ કરી છે.

તેમણે કહ્યું હતું કે તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત ઠરી છે. આ લોકોની જીત છે, અમે તમામ માટે આકરી મહેનત કરીએ છીએ. અમે તેમના કલ્યાણ અને સારું પ્રદર્શન કરવાની જવાબદારી લીધી છે. અમે માત્ર નિર્ણયો જ લેતા નથી, પરંતુ તેને ઝડપથી લાગુ પણ કરીએ છીએ.મહારાષ્ટ્રના નવા CM ફડણવીસ આવતી કાલે સાંજે શપથ ગ્રહણ કરશે, તેની જાહેરાત કરશે. અમે બધા નિર્ણયો સાથે મળીને લઈશું. મેં એકનાથ શિંદેની મુલાકાત કરી તેમને સરકારનો હિસ્સો બનવા અપીલ કરી છે. તેમણે સકારાત્મક પ્રતિક્રિયા પણ આપી છે, એમ તેમણે કહ્યું હતું.

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે. આ નિર્ણયનો લાભ રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024 થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.

મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100

BAPS “કાર્યકર સુવર્ણ મહોત્સવ”ની થશે ભવ્ય ઉજવણી

7 ડિસેમ્બર (શનિવારે) અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન

વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં ભાગ લેશે, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન થઇ ગયું છે. બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ક્રિક્રેટનું ગ્રાઉન્ડ બનશે પ્રસ્તુતિ મંચ

1 ડિસેમ્બરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ માટેની તૈયારીઓમાં BAPS સંસ્થાનાં સંતો અને સ્વયંસેવકો જોડાયા છે. ત્યારે 7 ડિસેમ્બરે યોજાનાર BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આખું ક્રિક્રેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી ચાલી રહી છે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન

ભારતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમમાં એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. જ્યારે સ્ટેડિયમમાં અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. જે  ભારતમાં સૌ પ્રથમવાર રજૂ થશે. બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો. એ સમયે કાર્યકરોની સંખ્યા માત્ર 11 હતી, જેમાં 8 ભારતના અને 3 વિદેશના કાર્યકરો હતા. આજે આ કાર્યકરોની સંખ્યા લાખોમાં છે. જેના 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

દરેક પ્રસ્તુતિમાં છે હકારાત્મક મેસેજ

સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ આપશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી ફ્રુટની પ્રતિકૃતિ પણ તૈયાર થશે. આ દરેક પ્રસ્તુતિ  હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. 3 ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરવામાં આવશે. જેમાં 1500થી વધુ બાળકો વિશેષ રજૂઆતો કરશે.

કાર્યકરો બીએપીએસના કરોડરજ્જુ સમાન

આ વિશે બીએપીએસના સાધુ બ્રહ્યવિહારી સ્વામીએ કહે છે કે, “કાર્યકરો બીએપીએસના કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરાશે. જેમાં બીએપીએસ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં એક લાખ જેટલા રજીસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે. જેથી એમને સન્માનવાનો આ અવસર છે. જેની ઉજવણી સૌથી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે. જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક આપવામાં આવી છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરશે.”

બીએસપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ક્લીન કરવા માટે માત્ર પાંચ ટકા પાણીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને  સ્ટેડિયમની એક  લાખ જેટલી સીટ સાફ કરવામાં આવી હતી.

કાર્યક્રમની પ્રસ્તુતિ મુખ્ય ત્રણ થીમ દ્ધારા વ્યક્ત કરાશે

બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને એના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.

વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.

ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, એની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.

‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની પૂર્વતૈયારીઓ

  • છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
  • સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ આયોજન.
  • કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
  • આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.

આ કાર્યક્રમમાં એક અદ્ભૂત તકનીકનો ઉપયોગ કરાયો છે. જ્યારે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે ત્યારે રસ્તા પર પાથરેલી ગુલાબની પાંખડીઓ ટેકનોલોજીની મદદથી ગોલ્ડન રંગમાં કન્વર્ટ થશે.

રાજયમાં જંત્રીદરોમાં પ્રસ્તાવિત વધારા સામે બિલ્ડર્સનો વિરોધ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જંત્રીના દરોમાં વધારા પર કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઈ)એ ચિંતા દર્શાવી છે અને ચેતવણી પણ આપી છે કે એનાથી સંપત્તિની કિંમતોમાં 30 ટકાથી 40 ટકાનો વધારો થવાની શક્યતા છે.

સંસ્થાએ વાંધા જમા કરવાની સમયમર્યાદા 30 ડિસેમ્બર, 2024થી વધારીને 31 માર્ચ, 2025 સુધી કરવાની પણ માગ કરી છે.  સામે પક્ષે રાજ્ય સરકારનું કહેવું છે કે જંત્રીના દરોમાં જે પ્રસ્તાવિત વધારો છે તે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યો છે, પરંતુ ક્રેડાઈ ગુજરાતનું કહેવું છે કે આ તદ્દન અવૈજ્ઞાનિક છે. ક્રેડાઈએ તે પણ કહ્યું છે કે સરકારે વાંધા-સૂચનો મગાવ્યા છે તેના માટે ફક્ત એક મહિનાનો સમય જ રાખ્યો છે તેથી આ સમયને વધારવામાં આવે અને વાંધા-સૂચનો રજૂ કરવા માટે ઓફલાઈન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવે. આ સાથે ક્રેડાઈ ગુજરાતે તે પણ ચીમકી આપી છે કે જો સરકાર પ્રસ્તાવિત વધારા પ્રત્યે ધ્યાન નહીં આપે અને આ સમસ્યાનું સમાધાન નહીં લાવે તો તે કોર્ટમાં જશે.

ક્રેડાઈ ગુજરાતે જણાવ્યું છે કે જો જંત્રીના દરોમાં જે પ્રસ્તાવિત વધારો કરવામાં આવ્યો છે તે અમલી બનશે તો નવા ઘરોની કિંમતમાં 30થી 40 ટકાનો વધારો થશે જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડશે. ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સરકારે 2023માં રાજ્યમાં જંત્રીના દરો ડબલ કરી દીધા હતા અને બાદમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ દરોને વૈજ્ઞાનિક ઢબે ફાઈનલાઈઝ કરવામાં આવશે.

રાજ્ય સરકારની તમામ મશીનરીએ જંત્રીના નવા દરો નક્કી કરવા માટે 18 મહિનાનો સમય લીધો. જ્યારે તેના માટે વાંધા-સૂચનો રજૂ કરવા માટે સરકાર દ્વારા ફક્ત એક જ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. લોકો આટલા ઓછા સમયમાં વાંધા-સૂચનો રજૂ કરી શકશે નહીં. તેથી ક્રેડાઈ ગુજરાત દ્વારા આ સમયગાળાને વધારીને 31 માર્ચ 2025 સુધી કરવામાં આવે.

 

VIDEO: PGVCLના કસ્ટમર કેર કર્મચારીઓનો સૂતાનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

રાજ્યમાં તમામ સુવિધા આપવા સાથે સુવિધાનો લાભ ઉઠાવવામાં કોઈ પણ જાતની મુશ્કેલીના પડે તે માટે કસ્ટમર સપોર્ટ બનાવવામાં આવે છે. આ કસ્ટમર સપોર્ટમાં ફોન કરતાની સાથે તમામ ગ્રાહકોની મુશ્કેલીનો અંત આવવાની સરકાર કે પ્રાઈવેટ કંપની વાયદો આપતી હોય છે. પરંતુ ઘણી કંપની કસ્ટમર સપોર્ટ ભાગ્યે મુશ્કેલીના સમાધાન માટે ફોન ઉપાડતા હોય છે. આ પ્રકારની વધતી ફરિયાદો વચ્ચે રાજકોટના PGVCLના કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો વાઇરલ થયો છે.

 

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાઇરલ થયેલા વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો ફરિયાદ માટે PGVCLના કસ્ટમર કેર ઓફિસમાં ફોન કરતા હોય છે, પરંતુ તેમનો ફોન ઉપાડવામાં ન આવતો હોય તે પ્રકારની ફરિયાદ પણ ઉઠી હતી. ત્યારે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ બેઝ્ડ પર કામ કરનારા તમામ કર્મચારીઓ એક સાથે ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ મામલે MD દ્વારા તપાસના આદેશ અપાયા છે અને હવે આગામી સમયમાં આ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે, કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયો કઈ તારીખનો છે તે હજુ ખ્યાલ નથી. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ પગલાં લેવામાં આવશે. આ મામલે મેનેજિંગ ડિરેકટર પ્રિતી શર્મા દ્વારા તપાસ સોંપવામાં આવેલી છે. પીજીવીસીએલ કસ્ટમર કેરમાં ફરજ બજાવનારા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવ્યું છે. તેમજ પીજીવીસીએલ દ્વારા બેસ્ટ એજન્સી નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ સાથે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

ઇસરો યુરોપીય અંતરિક્ષ એજન્સીના PROBA-3નું પ્રક્ષેપણ કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) PSLV-C59 રોકેટ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રોબા-3 સ્પેસક્રાફ્ટને લઈને ઉડાન ભરશે. આ સ્પેક્રાફ્ટ ચોથી ડિસેમ્બરે સાંજે 4.08 વાગ્યે ઉડાન ભરશે. એને શ્રીહરિકોટાથી નવા લોન્ચપેડથી લોન્ચ કરવામાં આવશે.

ઇસરોનું આ રોકેટ PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ESA અનુસાર ‘PROBA-3’ મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. ઈસરો પહેલેથી જ બે તપાસ મિશન લોન્ચ કરી ચૂક્યું છે. પહેલું 2001માં PROBA-1 અને બીજું PROBA-2 મિશન 2009 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.PROBA-3 મિશન બે મુખ્ય અવકાશ યાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓક્યુલ્ટર છે, તેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે, જેનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને સેટેલાઈટ અલગ થઈ જશે. આને પછીથી સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવશે. તે સૂર્યના કોરોનાનો વિગતવાર અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે.

પ્રોબા-3 મિશન શું છે?

PROBA-3 મિશન યુરોપના કેટલાક દેશોનો પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે. આ દેશોના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનનો કુલ ખર્ચ અંદાજે 200 મિલિયન યુરો હોવાનો અંદાજ છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્વારા પ્રથમ વખત અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એકસાથે ઉડાન ભરશે. આ સેટેલાઈટ સતત એક જ ફિક્સ કોન્ફિગરેશન મેઇનટેઇન રાખશે.

અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત, 1 જાન્યુઆરીથી નિયમ થશે લાગુ

અમદાવાદ: શહેરમાં રિક્ષા ચાલકોના ભાડાને લઈ પાછલા ઘણા સમયથી નાના મોટા વિવાદ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર તંત્રએ રિક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પાછલા ઘણા સમયથી ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે. આ સિવાય પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વિના રિક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કૉમેડિયન સુનીલ પાલ ગુમ! પત્નીએ કર્યો દાવો, પોલીસે આપ્યો આવો જવાબ

મુંબઈ: કૉમેડિયન સુનીલ પાલના ગુમ થવાના સમાચાર સામે આવ્યા છે. તેનો ફોન કામ કરતો ન હતો, જેના કારણે તેની પત્ની ચિંતામાં પડી ગઈ હતી. કલાકોની રાહ જોયા બાદ મંગળવારે નિરાશ થઈને તેની પત્ની મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી. તેણે તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કોમેડિયન મુંબઈની બહાર એક શો કરવા ગયો હતો અને મંગળવારે ઘરે પરત ફરવાનો હતો, પરંતુ તે આવ્યો નહોતો. હવે પોલીસે સુનીલ પાલને લઈને રાહતના સમાચાર આપ્યા છે.

સુનીલ પાલના ગુમ થવાના સમાચાર ખોટા છે
સુનીલ પાલના ગુમ થવાના સમાચાર આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર અને લોકોમાં ભારે હલચલ મચી ગઈ છે. હવે આ મામલે નવી માહિતી આપતાં મુંબઈ પોલીસે કહ્યું છે કે કોમેડિયન ગુમ નથી. થોડા સમય પહેલા તેનો સંપર્ક કર્યો હતો. જોકે, આ અંગે તેની પત્ની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કોમેડીના બેતાજ બાદશાહ સુનીલ પા તેની ઉત્તમ કોમેડી માટે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. પત્નીએ જણાવ્યું હતું કે સુનીલ મુંબઈની બહાર એક શો કરવા ગયો હતો. આજે 3જી ડિસેમ્બરે તેઓ પરત આવવાના હતા, પરંતુ તેઓ આવ્યા નથી. હું ઘણા કલાકોથી ફોનનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ તે કામ કરતો નથી. એટલા માટે મારે ગુમ થવાનો રિપોર્ટ નોંધાવવો પડશે.

કોણ છે સુનીલ પાલ?
ઘણા લોકપ્રિય કોમેડી શોમાં પોતાના જોક્સથી દર્શકોને હસાવનાર સુનીલ પાલે ફિલ્મોમાં સાઈડ રોલ પણ ભજવ્યા છે. તેણે માત્ર ‘ફિર હેરા ફેરા’, ‘અપના સપના મની મની’, ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘કિક’ જેવી હિટ ફિલ્મોમાં જ શાનદાર અભિનય કર્યો નથી પરંતુ તેની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા છે. સુનીલ પાલ છેલ્લે ફિલ્મ ‘તેરી ભાભી હૈ પહેલે’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2018માં આવી હતી. આ પછી સુનીલ લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહ્યો. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કોમેડી અને એક્ટિંગ સિવાય સુનીલ પાલ પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. તે હંમેશા ઘણા કોમેડિયન અને કલાકારો સામે ખુલીને બોલતો રહ્યો છે.

હાઇકોર્ટે કેજરીવાલ, કે. કવિતા પાસે EDની અરજી પર જવાબ માગ્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં આદેશ પડાકર આપતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ભૂતપૂર્વ CM કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અને અને નેતાઓ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતા પાસે જવાબ માગ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ મનોજકુમાર ઓહરીએ EDની અરજી અને કેસમાં સ્ટેની અરજી પર 40 આરોપીઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટ આ કેસની આગામી સુનાવણી 30 જાન્યુઆરીએ નક્કી કરી છે.

દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલ, આપ નેતાઓ- મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત અનેક વેપારી આ મામલામાં આરોપીઓમાં સામેલ છે. કોર્ટમાં ED નિર્દેશ આપ્યો હતો કે દસ્તાવેજોનો ડિજિટલ રેકોર્ડ જમા કરાવે.કોર્ટે સૂચિત કર્યું હતું કે નીચલી કોર્ટમાં સંબિત કેસમાં આગામી સુનાવણી 21 ડિસેમ્બરે છે.

બીજી બાજુ, દિલ્હી સરકારે નવેમ્બર, 2021માં આ નીતિ લાગુ કરી હતી, જે પછી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા પછી સપ્ટેમ્બર, 2022માં એને રદ કરી હતી. લિકર પોલિસી લાગુ કરવામાં અનિયમિતતાને પગલે તપાસ માટે દિલ્હીના રાજ્યપાલ સકસેનાએ CBIને ભલામણ કર્યા પછી એજન્સીએ કેસ નોંધ્યો હતો. આ કેસ મની લોન્ડરિંગ પર આધારિત છે.

CBI અને EDના જણાવ્યાનુસાર લિકર કેસમાં તપાસ કરતા ગેરરીતિ આચરવામાં આવી હતી અને લાઇસન્સધારકોને ગેરકાયદે રીતે લાભ પહોંચાડવામાં આવ્યો હતો.