Home Blog Page 1278

રાજ્યસભામાં નોટોના બંડલ મળવાની તપાસ થશેઃ ધનખડ

નવી દિલ્હીઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં રોકડ મળવાનો દાવો કર્યો છે. સુરક્ષા કર્મચારીઓને તપાસ દરમ્યાન નોટોનું એક બંડલ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીની સીટની નીચેથી આ રોકડ જપ્ત થઈ છે. જેપી નડ્ડાએ કહ્યું હતું કે એનાથી સંસદની ગરિમાને ઠેસ પહોંચી છે. કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રોકડ મળવાની તપાસ થવી જોઈએ.

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે માહિતી આપી હતી કે ગઈ કાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંધવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તરત જ ઊભા થઈ સલાહ આપી હતી કે તમે કહી રહ્યા છો કે આ મામલે તપાસ હાથ ધરી છે તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં.

સત્તા પક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તા પક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નોટોનાં બંડલ મારા નથી.

રેડ અને પિંક બોલ વચ્ચે શું છે તફાવત? જાણો..

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 06 (શુક્રવાર) ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટ હશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ પર્થમાં નિયમિત રેડ બોલથી રમાઈ હતી. જો કે આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટ બંને ટીમો માટે સરળ નહીં હોય એ તો હકીકત છે. ત્યારે અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે રેડ અને પિંક બોલમાં શું તફાવત છે?  અને આ બંને બોલ એકબીજાથી કેટલા અલગ છે.

રેડ બોલની સરખામણીમાં પિંક બોલમાં ખાસ કોટિંગ હોય છે. જેને પોલીયુરેથીન કોટિંગ કહેવામાં આવે છે. એનાથી બોલને લાંબા સમય સુધી ચમકદાર રાખી શકાય છે. જેટલો લાંબો સમય ચમકે છે,એટલો જ બોલ સ્વિંગ થાય છે. ઓઇક બોલ 40 ઓવર માટે સરળતાથી સ્વિંગ કરી શકાય છે. કેટલીકવાર બોલ 40 ઓવર પછી પણ સ્વિંગ થાય છે. રેડ બોલને સફેદ થ્રેડ વડે સીવવામાં આવે છે. જ્યારે પિંક બોલને કાળા દોરા વડે સીવવામાં આવે છે. એનો ઉપયોગ પણ સારી વિઝિબિલિટી માટે થાય છે.

પિંક બોલ કેમ છે અલગ ?

પિંક બોલનો ઉપયોગ ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. કારણ કે રાત્રે લાઈટ હેઠળ પિંક બોલની વિઝિબિલિટી રેડ બોલ કરતાં વધુ સારી છે.

શું છે સમસ્યા?

જે ખેલાડીઓને કલર વિઝનની સમસ્યા છે. એમના માટે આ બોલની લાઈન અને લેન્થને જજ કરવી સરળ નથી. માટે પિંક બોલમાં સમસ્યાઓ પણ આવે છે.

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ પિંક બોલ વિશે વાત કરતા કહ્યું હતું કે આ બોલ સાથે રમવા માટે તમારે બોલને અંત સુધી જોવો પડશે. આ બોલ સાથે કીપિંગ કરવી પણ એકદમ અલગ છે, કારણ કે બોલમાં વધુ ચમક છે.

હવે એ જોવુ રહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલ સામે કયા ખેલાડીઓ બાજી મારે છે.

રવિ કૃષિ મહોત્સવ, CMએ દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિતિ રહ્યા. આ રવિ કૃષિ મહોત્સવ-2024 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.કૃષિ મહોત્સવના નવતર પ્રયોગની શરૂઆત 2005માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સમયને અનુરૂપ ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે આ પરંપરા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કર્યું છે.બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેક્નોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા.

રવિ કૃષિ મહોત્સવમાં 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું. રવિ કૃષિ મહોત્સવ-2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.

સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓએ પણ હાજરી આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

આ સિવાય શપથ ગ્રહણ સમારોહમાં વિદ્યા બાલન, રણબીર કપૂર અને સચિન તેંડુલકર પણ જોવા મળ્યા હતાં.

(તસવીરો: IANS)

વિવિધ માગોને લઈને દિલ્હી કૂચ કરતા ખેડૂતો

નવી દિલ્હીઃ પંજાબના ખનૌરી સરહદે છેલ્લા 10 મહિનાથી ધામો નાખીને બેઠેલા ખેડૂતોનો એક જથ્થો આજે દિલ્હી કૂચ કરવાનો છે. ખનૌરી સરહદે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ દરેક ઘરમાંથી એક વ્યક્તિને પહોંચવાનું આહવાન કર્યું છે. જોકે ખેડૂતોની કૂચને લઈને વહીવટી તંત્રએ કમર કરી છે.

ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા જિલ્લા વહીવટી તંત્રે કલમ 163 લાગુ કરી છે, જે અંતર્ગત આગામી આદેશો સુધી પગપાળા, વાહન અથવા અન્ય માધ્યમથી કોઈ પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હરિયાણા સરહદ પર બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને કૂચ કરવાની મંજૂરી નથી, તેથી તેમને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ખેડૂતોની બધા પાકની ખરીદી પર ગેરંટીડ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત તેમણે કૃષિ લોન માફી, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં વધારો ન કરવા, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા, 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય, જમીન સંપાદન અધિનિયમ, 2013નું પુનઃ પ્રારંભ, ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને સ્વામિનાથન પંચનાં સૂચનોને લાગુ કરવાની માગ કરી છે.

ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને હરિયાણાના દાતા સિંહ વાલા બોર્ડર પર સુરક્ષા દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે નરવાના-પટિયાલા નેશનલ હાઈવે પર ઉઝાના કેનાલમાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નરવાના કેનાલ પૂલ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતિને જોતા દાતા સિંહવાલા બોર્ડર પર સુરક્ષા દળોની 14 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને દરેક આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાદીને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિશ્વના સૌથી ઝડપી પક્ષીને જોવા કચ્છના નાના રણની મુલાકાત લેવી જ રહી

શિયાળાની સવારે જ્યારે તમે કચ્છના નાના રણની મુલાકાતે જાવ ત્યારે સફારીમાં ઘુડખર અને અન્યપ્રાણીઓ સામે દેખાતા હોય. એક તરફ મોટા લેન્સ વાળા ફોટોગ્રાફરની ગાડીઓ આમ તેમ આકાશમાં નજર રાખી દોડયા જ કરે. ક્યાંક રણમાં મોટા પત્થર પડયો હોય ત્યાં જઈએ અટકે.

આ નજારો નજીક જઈને જોઈએ તો ખબર પડે કે આ તો “પેરેગ્રિન ફાલ્કન” (શાહીન / કાળો શાહીન) ને જોવા માટેની દોડાદોડી છે. ધીરે ધીરે ફોટોગ્રાફર “પેરેગ્રિન ફાલ્કન”ની નજીક આવી જાય. ફાલ્કન એના શિકાર પર નજર રાખવામાં એટલુ મશગુલ હોય કે ફોટોગ્રાફરની દરકાર પણ ન કરે અને ઉડે નહીં.

પેરેગ્રિન ફાલ્કનને આકાશમાં ઉડતુ જોવું અને અત્યંત ઝડપ થી શીકાર કરતું જોવું તે એક અદભુત અનુભવ છે. કચ્છના નાના રણમાં સારી એવી સંખ્યામાં “પેરેગ્રિન ફાલ્કન” દર શિયાળામાં આવે અને ઉનાળો આવે તે પહેલા પરત ફરે.  શિયાળામાં પેરેગ્રિન ફાલ્કનના એક ફોટો માટે મોટા-મોટા લેન્સ સાથે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ધાડા પાડી પ્રવાસી તરીકે કચ્છના નાના રણના મહેમાન બને છે.

 

બાંગ્લાદેશે કોલકાતા-ત્રિપુરાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા

ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. 2 ડિસેમ્બરે અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરી થઈ હતી. કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર દેખાવો પણ થયા હતા. આ ઘટનાઓને કારણે બાંગ્લાદેશની સરકારે 3 ડિસેમ્બરે રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે આ માહિતી સામે આવી છે.કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યવાહક ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા પહોંચી ગયા છે. તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈનને પણ મળ્યા હતા. ત્રિપુરાના બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈકમિશનર આરિફ મોહમ્મદ હાલ ઢાકા પહોંચ્યા નથી.બીજી તરફ અગરતલા-કોલકાતાની ઘટનાના જવાબમાં બાંગ્લાદેશમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ગુરુવારે બાંગ્લાદેશી નેતાઓએ ઢાકામાં ભારતીય સાડીઓને સળગાવીને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશ સરકારે હજુ એ જણાવ્યું નથી કે બંને રાજદ્વારીઓને ક્યારે ભારત પરત મોકલવામાં આવશે. અગરતલા હાઈ કમિશનને ફરીથી ખોલવા અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને રાજદ્વારીઓ ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની સ્થિતિ પર રિપોર્ટ રજૂ કરશે.

રેપો રેટમાં ફરી કોઈ ફેરફાર નહીં, RBI ગવર્નરે MPCના નિર્ણયની જાહેરાત કરી

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ તેની ત્રણ દિવસીય બેઠકમાં ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ નિર્ણય MPC સભ્યો દ્વારા 4:2ની બહુમતીથી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે આરબીઆઈની નીતિઓની અસર લોકોના જીવન પર પડે છે. આરબીઆઈનું પહેલું કામ મોંઘવારી પર નિયંત્રણ રાખવાનું છે.

(IANS/Video Grab)

RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ 4-2 બહુમતી સાથે વ્યાજ દર 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો, જ્યારે SDF દર 6.25 ટકા અને MSF દર 6.75 ટકા પર યથાવત છે. મધ્યસ્થ બેંકનું વલણ તટસ્થ રહે છે. MPC સર્વસંમતિથી આ તટસ્થ નીતિ વલણ જાળવવા માટે સંમત થયું હતું, જે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ પ્રત્યે સાવચેતીભર્યું અભિગમ દર્શાવે છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5.4 ટકાની અપેક્ષા કરતા ઓછો હતો. બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકાંકો સમાપ્ત થઈ ગયા છે. દાસના મતે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. તેઓએ કહ્યું કે બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકાંકો હવે સમાપ્ત થવાના છે.

MPCની બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર સતત દબાણને કારણે ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં ઊંચો રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રવિ ઉત્પાદનથી રાહત મળશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાના અંદાજને 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.

કેલિફોર્નિયામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી રદ

અમેરિકા: કેલિફોર્નિયામાં પેસિફિક મહાસાગર પર સ્થિત કોસ્ટલ હમ્બોલ્ટ કાઉન્ટીના નાના શહેર ફર્ન્ડેલ નજીક સવારે 10:44 વાગ્યે જબરદસ્ત ભૂકંપ નોંધાયો આવ્યો હતો. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. યુ.એસ.એ.ના ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી હતી. જે બાદમાં રદ કરવામાં આવી હતી. આ પછી હળવા આંચકા પણ અનુભવાયા હતા.યુ.એસ.જી.એ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે, “આ ભૂકંપ ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકિનારે મેન્ડોસિનો ફ્રેક્ચર ઝોનની નજીકમાં, કેલિફોર્નિયાના ફર્ન્ડેલથી લગભગ 100 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો. આ ધરતીકંપ મેન્ડોસિનો ટ્રિપલ જંક્શન નજીક આવ્યો હતો. આ એ વિસ્તાર છે જ્યાં પેસિફિક, ઉત્તર અમેરિકા અને જુઆન ડી ફુકા/ગોર્ડા પ્લેટો ભેગી થાય છે.”

ભૂકંપની અસર દક્ષિણમાં સાન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાઈ હતી. જ્યાંના રહેવાસીઓએ કેટલીક સેકન્ડો સુધી ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. આ પછી ઘણા નાના આંચકા આવ્યા હતા. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, ભૂકંપથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના તાત્કાલિક અહેવાલો આવ્યા નથી.સુનામીની ચેતવણી લગભગ એક કલાક સુધી અમલમાં રહી. તે ધરતીકંપ પછી તરત જ જારી કરવામાં આવી હતી અને કેલિફોર્નિયામાં મોન્ટેરી ખાડીથી ઓરેગોન સુધી લગભગ 805 કિલોમીટરનો દરિયાકિનારો તેમાં આવરી લેવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોના બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટ (BART) એ સાન ફ્રાન્સિસ્કો અને ઓકલેન્ડને જોડતી પાણીની અંદરની ટનલ મારફતે તમામ દિશાઓમાં સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

મહાપરિનિર્વાણ દિવસ પર આંબેડકરને શ્રદ્ધાંજલિ, PM મોદી અને ખડગેની મુલાકાત

નવી દિલ્હી: સંસદ ભવનના લૉનમાં 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ.બી.આર.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી અને ખડગેએ એકબીજાને ખાસ રીતે આવકાર્યા હતા. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને સાથે હસતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી

આ પહેલા શુક્રવારે વડાપ્રધાન મોદીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે, ત્યારે તેઓ ફરી એકવાર તેમના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

શું કહ્યું પીએમ મોદીએ?

‘મહાપરિનિર્વાણ દિવસ પર અમે આપણા બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રતિક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ’. સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરનો અથાક સંઘર્ષ પેઢીઓને સતત પ્રેરણા આપતો રહ્યો છે. આજે જ્યારે આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ ત્યારે અમે તેમના વિઝનને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. આ પોસ્ટની સાથે વડા પ્રધાને આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્ય ભૂમિની તેમની મુલાકાત સાથે સંબંધિત એક ફોટો પણ શેર કર્યો અને લખ્યું,’જય ભીમ’.

આદર્શો અને બંધારણની રક્ષા કરવાની જરૂરઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે બીઆર આંબેડકરના આદર્શો અને ભારતના બંધારણમાં તેમના શ્રેષ્ઠ યોગદાનને સંરક્ષણ, સુરક્ષા અને સંરક્ષણની સખત જરૂર છે. તેમણે કહ્યું, ‘બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસે અમે બંધારણ અને સામાજિક ન્યાયના કટ્ટર સમર્થકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું.

6 ડિસેમ્બરે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે

આંબેડકરની પુણ્યતિથિ દર વર્ષે 6 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. બાબાસાહેબ આંબેડકરનું અવસાન 6 ડિસેમ્બર, 1956ના રોજ નવી દિલ્હીમાં થયું હતું.