Home Blog Page 1279

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

શું માત્ર નકશા પરથી વાસ્તુ સમજી શકાય?

ઘોંઘાટને ભારતીય સંસ્કૃતિએ ક્યારેય માન્યતા આપી નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘોંઘાટ એ પ્રદુષણ છે અને એના કારણે અનેક રોગ નોતરી શકાય છે એ વાતની જાણ હજારો વરસ પહેલા ભારતના લોકો જાણતા હતા. અને આજે ભારતીય વ્યક્તિ ઘોંઘાટ પ્રિય બની રહ્યો છે. રસ્તા પર કારણ વિના હોર્ન મારવા, ઊંચા અવાજે ગીતો વગાડવા, મોટા અવાજ વાળા ફટાકડા ફોડવા જેવી અનેક બાબતો આપણા મગજના ચેતા તંતુને અસર કરે છે. શું લાઉડ સ્પીકર વિના પૂજા અર્ચના કે ગરબા ન થઇ શકે?  સમગ્ર વિશ્વને શાંતિના પાઠ શીખવાડનાર દેશમાં ઘોંઘાટને પ્રાધાન્ય આપવામાં આવે તે વાત કદાચ અન્ય દેશના લોકોને પણ વિમાસણમાં મૂકી શકે. ઉત્સવ આનંદ કરવા માટે હોય છે. મોજશોખ માટે નહિ. અન્યને નુકશાન થાય એના માટેના નિયમો ભારતીય નથી જ.

મિત્રો, આ વિભાગ અપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: ઘણા વરસો પહેલા એક ફિલ્મ આવી હતી. “ રામ તેરી ગંગા મૈલી.” આ ફિલ્મના નામના લીધે ઘણો વિવાદ થયો હતો. આજે નદીમાં પ્લાસ્ટિક તરતું દેખાય છે ત્યારે લાગે છે કે આપણા લોકોમાં ભારતીય સંસ્કારો ખૂટી રહ્યા છે. હવા, પાણી, ખોરાક, ધ્વની અને વિચારોનું પ્રદુષણ ઝેર કરતા પણ ખતરનાક છે. પણ લોકો એનો આનંદ લઇ રહ્યા છે. આ તો કેવી પ્રજા છે? કોઈને જવાબદારી લેવી નથી. લગ્ન જેવી પ્રથામાં પણ ઇવેન્ટ બની જાય અને વિધિ કે મંત્રોચાર વગર કોઈ ફિલ્મની માફક બધું પતિ જાય ત્યારે દુખ થાય. આપણા દરેક રીતી રીવાજનું મહત્વ છે. છેલ્લા થોડા વરસોમાં પતનની ઝડપ વધી છે. જો કળીયુગની અસર હોય તો શું કલિયુગ હમણાં આવ્યો? અચાનક એવું તો શું થયું કે બધા બદલાવા લાગ્યા? શું ભારતીય વાસ્તુમાં આનું કોઈ નિરાકરણ ખરું?

જવાબ: આપને આવો સવાલ ઉભો થયો એ જ દર્શાવે છે કે ભારતીય વિચારો ક્યાંક બચી ગયા છે. કલિયુગ શરુ ક્યારે થયો એના વિષે કોઈ સચોટ માહિતી આપી શકશે? જો એ જ ખબર નથી તો એના અંતિમ તબક્કા વિષે કેવી રીતે વિચારી શકાય? એક યુગ લાખો વરસનો હોય છે. તમારી વાત સાચી છે કે કોઈને આપણી સંસ્કૃતિ વિષે સાચી વાત જાણવામાં રસ જ નથી. દારૂડિયાઓ એને સોમરસ સાથે સરખાવે છે. કહેવાતા સંતો પોતે જ આપણી સંસ્કૃતિ વિષે પૂરી સમજણ નથી ધરાવતા તો એ માર્ગ ક્યાંથી સુઝાડશે?

કોવીડ બાદ પણ જે લોકો કુકર્મીઓ હતા તે બચી ગયા એમને એવું લાગ્યું કે એમના કર્મ માફ થઇ ગયા છે. એટલે એ બેફામ બન્યા. કર્મના સિદ્ધાંતને સાચી રીતે ન સમજવાના કારણે બધા અચાનક ઉત્સાહમાં આવી ગયા. જો ઈશ્વરના પરિવારમાં પણ નિયમો તૂટે ત્યારે યાદવાસ્થળી થાય તો આ બધા તો સામાન્ય માણસો છે. બસ, સમયની રાહ જુઓ. તમારા સવાલોના જવાબ જરૂર મળશે. ભૌતિકતા વસ્તુઓ અને વ્યક્તિઓ ખરીદી શકે છે. સંજોગો કે મૃત્યુની સ્થિતિ નહિ.

ભારતીય વાસ્તુ નિયમોના આધારે આખી પરિસ્થિતિ વિચારીએ તો હવે જે કોઈ બાંધકામ થઇ રહ્યું છે એ માત્ર મન મનાવવા વાળા વાસ્તુ નિયમોને આધારે થાય છે. સાચા નિયમો વિશેની સમજણ ન હોય અથવાતો હું જ ઈશ્વર છુ એવી ગેરમાન્યતામાં થયેલો વધારો નકારાત્મક ઉર્જા આપવા સક્ષમ છે. આવા સમયે મહામૃત્યુંન્જય મંત્ર અને સૂર્ય પૂજા મદદ કરી શકે છે. જ્યાં સુધી વ્યક્તિનો અહંકાર ઓછો નહિ થાય ત્યાં સુધી કોઈ પણ નિયમો એને બચાવી નહિ શકે.

સુચન: મકાનમાં લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ ત્રણેય હોય છે. તેથી માત્ર નકશા પરથી વાસ્તુ સમજવું એ અધુરી બાબત છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

૦૬ ડિસેમ્બર ૨૦૨૪

લગ્નની ઉજવણી અવનવી થીમ સાથે…

લગ્ન સંસ્કાર એ ભારતીય કૌટુંબિક પરંપરાનો એક અવિભાજ્ય હિસ્સો રહ્યો છે. સદીઓથી ભારતીયો લગ્નજીવનની શરૂઆત ઉચ્ચત્વની હાજરીમાં કરવાનું પસંદ કરે છે, જ્યાં કુટુંબ કબીલા તો ઠીક પણ કુદરતી તત્વોની હાજરી ય એટલું જ મહત્વ ધરાવે છે. એટલે જ તો લગ્નમાં માણેકસ્તંભ પર ખોડેલ લાકડું હોય કે વરવધૂને નિખારતી હળદર, સાતફેરે સાક્ષી બનતો અગ્નિ હોય કે લગ્નના અંતે શુકનવંત દિશાસૂચક અરૂંધતીનો તારો. કોડાકોડીરૂપી સાગરના છીપલાઓથી લઈને ઘરના ડેલે, વધૂના હાથના છેલ્લા થાપાના કુમકુમ સ્વરૂપે, આ દરેક અવસરમાં પ્રકૃતિ કોઈને કોઈ રીતે સાક્ષી રહે છે. કેમકે પ્રભુતામાં પગલું માંડતા પહેલા સૃષ્ટિના શુભત્વરૂપી આશીર્વાદ હંમેશા ખાસ હોય છે.

વિશ્વમાં એક ભારતીય પરંપરામાં જ એવી સંસ્કૃતિ છે, જે મૂલ્યવાન માનવીય સબંધોનો અનન્ય વારસો ધરાવે છે. એ સંસ્કારો અને સબંધોથી પણ સમૃદ્ધ છે. લગ્નપ્રથા એ માત્ર બે વ્યક્તિની નહીં પરંતુ, તેમની સાથે જોડાયેલા દરેક સબંધોની ગરિમા છે. અંતે તો લગ્નજીવન પણ એકમેકની લાગણીઓના તાંતણે ગૂંથાયેલું કાવ્ય જ છે.

– અને એટલે જ ભારતીય લગ્નો એ હંમેશા એની વૈવિધ્યતા માટે પ્રચલિત રહ્યા છે. ઘણા ઉત્સાહી પરિવારજનો તેનેખાસ બનાવવા અવનવા પ્રયોગો કરતાં હોય છે. એમાં વેડિંગ પ્લાનર્સનો રોલ પ્રવેશ કરે છે. આ વેડિંગ પ્લાનર્સ ખાસ થીમ અને ડેસ્ટીનેશનના તત્વો ઉમેરીને લગ્નને યાદગાર બનાવે છે.

જો આ સીઝનમાં તમે કોઈ વેડિંગ પ્લાન કરી રહ્યા હોય તો જરૂર જાણો આજકાલની આ અવનવી વેડિંગ થીમ્સ વિશેઃ

1.સ્લેસ્ટલ વેડિંગ -આકાશગંગા થીમ

એમ તો એનો એક અર્થ ‘સ્વર્ગમાં થતાં લગ્ન’ એવો થાય છે, પણ અહીં વેડિંગ પ્લાનર્સ અવકાશીય થીમ દ્વારા ચાંદ સિતારાનુ અવતરણ મંડપ પર કરીને એ થીમ ઓર્ગનાઈઝ કરે છે. અહીં ડેકોરેશનમાં ચાંદ સિતારાઓનું સૌંદર્ય અતિ આહલાદક હોય છે. જોકે ઘણા કપલ્સ કોઈ શાંત સ્થળે હિલસ્ટેશન પર મધરાતે ખુલ્લા આકાશમાં લગ્ન કરવાનું પણ પસંદ કરે છે, જ્યાં સાચકલા ચાંદ સિતારાઓ એમના લગ્નના સાક્ષી બને છે. મહેમાનો માટે અવકાશીય અવલોકનની વ્યવસ્થા ટેલિસ્કોપ દ્વારા ગોઠવવામાં આવે છે, જે એમના માટે પણ અદ્ભૂત અનુભવ બની રહે છે.

2. ઇકો ફ્રેન્ડલી વેડિંગ

આજકાલ આ થીમ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. જ્યાં વેડિંગ ગિફ્ટ્સથી લઈને પેકેજીંગ માટે વપરાતાં ડિસપોઝેબલ્સ કચરાનો બોજ અસહ્ય થઇ રહ્યો છે ત્યાં નવા યુગલો પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. ફરી ઉગાડી શકાય એવા બીજવાળા કાગળ પર અપાતું ઇન્વિટેશન કાર્ડ, વાંસનો લગ્ન મંડપ અને બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુગલો આ માટે ગ્રામ્ય વિસ્તાર પર પસંદગી ઉતારી રહ્યા છે, જ્યાં બળદ ગાડા પર જાન લઇ જવી તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સંગીત સાધનાનુ આયોજન હોય એવા સંપૂર્ણ દેશી સ્ટાઇલના વિવાહ યુવાઓમાં પ્રચલિત થઇ રહ્યા છે.

3. વિન્ટેજ થીમ

હાલ બૉલીવુડ કપલ અદિતી હૈદરી અને સિદ્ધાર્થે વિન્ટેજ થીમ પર લગ્ન કર્યા હતાં. તેમણે રંગારંગ ધરાવતું સ્ટેજ અને મોંઘીદાટ હોટેલો કરતાં તેલંગણાંમાં આવેલ 400 વર્ષ જૂનુ રંગનાયકસ્વામી મંદિર લગ્ન માટે પસંદ કર્યું હતું. તેમના કપડાં પણ ખાસ સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા હતાં. દેખાડાથી દૂર અને સઁસ્કૃતિ સાથે અંતર્ગત થવાની આ એક અત્યંત રસપ્રદ તેમજ અનોખી પહેલ હતી. અહીં લગ્ન સમારંભ કોઈ ઐતિહાસિક સ્થળે રાખવામાં આવે છે, જ્યાં મહેમાનો ખાસ રિટ્રો-સ્ટાઇલ અને વિન્ટેજ ડ્રેસિંગમાં હોય.

4.ડેસ્ટીનેશન વેડિંગ

રઇશોની પહેલી ચોઈસ હોય છે ડેસ્ટીનેશન વેડિંગ. લગ્નની સીઝનમાં જયપુર, જોધપુર જેવા શહેરોની 5 સ્ટાર, 7 સ્ટાર હોટેલ્સ આ સીઝનમાં લગ્નો માટે પહેલેથી જ બુક રહે છે. એક ચોક્કસ વર્ગ શાહી લગ્નમાં માને છે, જ્યાં રાજા રજવાડા જેવા લગ્નો બહુ જ ફેમસ છે. હાથીની અંબાડીએ વરઘોડો, વેડિંગ ફંક્શન્સ માટેની અનોખી થીમ્સ, કાર્નિવલ્સ અને ડેકોરેશન્સ, ટ્રેડિશનલ ફોક ડાન્સર્સ અને ઇન્ટરનેશનલ બેન્ડ્સ આવા લગ્નોની શાન હોય છે.

તો આ લગ્નની સીઝનમાં જો તમે તમારા પ્રિય પાત્ર સાથે જીંદગીની નવી શરૂઆત કરી રહ્યા હો તો તમારી આ અમૂલ્ય પળોને અવનવી થીમ્સ સાથે યાદગાર બનાવી શકો છો. એ પળો હશે થોડાક કલાકોની, પણ એ તમારા જીવનને ખાસ બનાવી દેશે, બેહદ ખાસ.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

યોગિક સંપત્તિમાં ભાવનાત્મક સંપત્તિ ઘણો જ મહત્ત્વનો ઘટક છે

સેન દંપતી કોલકાતામાં રહે છે. શ્રી રોનક સેન ચાની એક કંપનીમાં જનરલ મૅનેજર છે. તેઓ અહીં પ્રોબેશનરી ઑફિસર તરીકે જોડાયા હતા અને છેલ્લાં 30 વર્ષોમાં સતત પ્રગતિ કરીને આજે જનરલ મૅનેજરના પદ પર પહોંચી ગયા છે. આટલાં વર્ષોમાં તેમણે લગ્ન કર્યાં, કુટુંબ વિસ્તાર્યું, બાળકોને ભણાવ્યાં અને તેમના લગ્ન કરાવ્યાં. આજે તેઓ નિવૃત્તિની નજીક છે. તેઓ સ્વભાવે નમ્ર, શાંત અને સરળ છે. કોઈ પણ વ્યક્તિ તેમના પર વિશ્વાસ મૂકી શકે છે. તેઓ બધા સાથે હળીમળીને રહે છે. જરૂર પડે ત્યારે, ખાસ કરીને માનસિક તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય એવા વખતે, બધા લોકો એમની મદદ લેવા આવે છે.

મોટા ભાગે શ્રી સેન હૉસ્પિટલમાં કોઈની મુલાકાત લેવાનું પસંદ કરતા નથી. તેઓ માને છે કે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને શારીરિક અને માનસિક રીતે આરામ મળવો જોઈએ. બીજા લોકો ઔપચારિક રીતે દર્દીની મુલાકાત લઈ લે ત્યાર બાદ તેઓ દર્દીને મળવા જાય અને એમને માનસિક સધિયારો આપે. આ જ રીતે તેઓ કોઈ પાર્ટીમાં કે સામાજિક મેળાવડામાં જતા નથી અને જો જાય તો પણ પોતાની હાજરી વર્તાવા દેતા નથી. તેઓ હાજરી પૂરીને યજમાનને માઠું ન લાગે એ રીતે પાછા ઘરે આવી જાય છે.

તેમણે ઘણી વૈવાહિક સમસ્યાઓ, ઘણા પારિવારિક વિવાદો હલ કર્યા હતા તથા ઘણી વ્યક્તિઓને તેમની માનસિક તકલીફના સમયમાં સાથ આપ્યો હતો. આ બધું તેઓ કોઈ પણ ગાજાવાજા કર્યા વગર કરતા. તેમના પત્ની સહિત કોઈનેય તે વિશે ખબર પડતી નહીં.

આવું બધું કોઈ મનથી સલામતી અનુભવતી વ્યક્તિ જ કરી શકે. જેમનું ચિત્ત શાંત હોય અને જેઓ ઠરેલ હોય તેઓ જ આવો ગુણ ધરાવતા હોય છે.

બીજું એ કે આવા માણસો ક્યારેય કોઈના વિશે અભિપ્રાય બાંધી લેવાનું પસંદ કરતા નથી. એક દિવસની વાત છે. તેમના એક સહયોગીએ પોતાના પુત્રના લગ્નપૂર્વેના પ્રેમસંબંધ વિશે ગોપનીય રીતે વાત કરી ત્યારે તેમણે એ યુવાન વિશે કોઈ અભિપ્રાય બાંધી લેવાને બદલે તેની સાથે મૈત્રી વિકસાવી અને તેને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે એ યુવાન અને યુવતી બન્ને સાથે માનપૂર્વક વર્તન કર્યું. આજે એ યુગલ સુખી દાંપત્યજીવન ધરાવે છે અને તેમનાં લગ્ન પહેલાની મુશ્કેલીઓ વિશે કોઈનેય ગંધ સુદ્ધાં આવી ન હતી. આવા તો ઘણા કિસ્સા શ્રી સેનની હાજરીમાં બની ગયા છે.

મોટા ભાગે તેઓ આવી બધી વાતોને લાંબો સમય યાદ રાખતા નથી. આવો ગુણ બધાની પાસે હોતો નથી, પણ એ વાત ખરી કે તેને વિકસાવી શકાય છે. એક વ્યક્તિની એ મહામૂલી મૂડી સમાન હોય છે.

આ જ શ્રી સેન એક વખત ગંભીર બીમારીમાં પટકાયા ત્યારે ઘણા લોકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી અને બાધાઓ રાખી હતી. તેનું કારણ એ કે એ વ્યક્તિઓ માટે તેઓ મજબૂત આધારસ્તંભ હતા; સામેવાળો માણસ કેવો છે તેની પરવા કર્યા વગર તેની મદદે દોડી જનારી વ્યક્તિ હતા. માણસ જેવો છે તેવો તેને સ્વીકારી લેવાનો ગુણ એમનામાં હતો. તેઓ બધાને બિનશરતી પ્રેમ કરતા. તેઓ એમ કરી શકતા, કારણ કે તેઓ પોતાની જાતને પણ એવી જ રીતે ચાહતા. આવા લોકો ફક્ત જીવવા ખાતર નથી જીવતા. તેઓ ભૌતિક સંપત્તિનો ઉપભોગ કરતા હોય છે અને આનંદ માણતા હોય છે, પરંતુ તેમાં એક પ્રકારની પરિપક્વતા હોય છે. સંપત્તિ એમના માટે અહંકારનું સાધન પણ નથી હોતી અને તેના વિશે ગુનાહિત લાગણી પણ તેમનામાં હોતી નથી.

કોઈ પણ વ્યક્તિ માટે ભાવનાત્મક સંપત્તિ એ સૌથી મોટી મિલકત હોય છે. એ ભગવાનની ભેટ હોય છે, પરંતુ બહાર પ્રગટ કરવા માટે એ ગુણ કેળવવો પડે છે. આથી જ યોગિક સંપત્તિમાં ભાવનાત્મક સંપત્તિને ઘણો જ મહત્ત્વનો ઘટક માનવામાં આવે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર

1956માં રિલીઝ થયેલી ‘જાગતે રહો’માં એક ટૂંકી ભૂમિકા ભજવ્યા બાદ નરગિસ ‘આર.કે. ફિલ્મ્સ’ને છોડી ગઈ ત્યારે રાજ કપૂર તૂટી ગયેલા. પોતાની કારકિર્દી માટે, પોતાના ભવિષ્ય માટે નરગિસ મને છોડી ગઈ એ સચ્ચાઈ શોમેન પચાવી ન શક્યા નહોતા. એ દિવસોમાં રાજજી એવા લાગતા, જાણે નદીકિનારે નાંગર્યા વિનાની હાલકડોલક થતી નાવિક વિનાની નૌકા. આત્મા વિનાનું ખાલી ખોળિયું. ખરા અર્થમાં, કેમ કે નરગિસ તો આર.કે. ફિલ્મ્સનો આત્મા હતાં. પહેલી ફિલ્મ ‘આગ’ થી રાજજીનો અખૂટ પ્રેરણાસ્રોત હતો નરગિસ.

આ પ્રસંગ વાંચવા મળે છે રાધુ કર્માકરના પુસ્તક ‘રાધુ કર્માકર: ધ પેઈન્ટર ઑફ લાઈટ્સ’માં.

-અને રાધુ કર્માકર એટલે આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર. આર.કે. કલ્પના કરે એને પરદા પર સાકાર કરતા અવ્વલ દરજ્જાના સિનેમેટોગ્રાફર રાધુ કર્માકર.  

મોજ-મસ્તીના બાશિંદાઓને ખબર હશે જ કે આવતા શુક્રવારે, 14 ડિસેમ્બરે રાજ કપૂરની હન્ડ્રેટ્થ બર્થ એનિવર્સરી છે. આ અવસરે 13-14-15 ડિસેમ્બર, ત્રણ દિવસ દેશનાં 40 શહેરનાં 135 પીવીઆર-આઈનોક્સ અને સિનેપોલિસમાં એમનાં સમયાતીત સર્જન પુનઃ પ્રદર્શિત થશે. પ્રોડ્યુસર-ડિરેક્ટર-એક્ટર રાજ કપૂર (1924-1988)ની ફિલ્મોને પુનઃ પ્રદર્શિત કરવાનું આયોજન ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, નેશનલ ફિલ્મ ડેવેલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)-નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયાએ મળીને કર્યું છે. સો રૂપિયામાં આર.કે.ની કેટલાક ક્લાસિક્સ જોવા મળશે.

 

આર.કે. વિશે અત્યાર સુધી ટનબંધ કાગળિયાં લખાયું હશે. વાત કરવી છે આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર રાધુ કર્માકરની. 1918માં પૂર્વ બંગાળના ઢાકામાં જન્મેલા રાધિકા જીબન કર્માકરે 16 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, અને સિનેમાસર્જન શીખવા કોલકાતા ગયા. એ દિવસો (1931થી 1938) પારાવાર સંઘર્ષના હતા. એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો, એક પ્રોસેસિંગ લેબોરેટરીથી બીજી એમ ચક્કર કાપવામાં શરીર તૂટી રહ્યું હતું. એમનાં ફેફસાંને પણ નુકસાન થયું. તે વખતે ફિલ્મ લેબોરેટરીમાં કામ કરતા ટેક્નિશિયનોનાં જીવનનો અકાળે ધી એન્ડ આવી જતો. કાળી ચિત્રપટ્ટીમાંથી વછૂટતી એસિડની જ્યોતથી આઠ-દસ વર્ષમાં ટેક્નિશિયનોને ટીબી અથવા એવો કોઈ ગંભીર રોગ લાગુ પડતો. જો કે રાઘુજીને આવો કોઈ ગંભીર રોગ લાગુ પડે તે પહેલાં, કલકત્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફોટોગ્રાફર જતીન દાસના સહાયક તરીકે કામ મળ્યું. એમની પાસેથી એમણે છબિકલાનો કસબ હસ્તગત કર્યો

1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું અને ‘બોમ્બે ટોકીઝ’ના ડિરેક્ટર નીતિન બોઝ સાથે 1940માં કરિયર શરૂ કરી. પહેલી ફિલ્મઃ ‘કિસ્મત કા ધની’ (1945) તે પછી ‘મિલન’ (1946). બન્ને ફિલ્મો ખાસ ચાલી નહીં, પણ રાધિકાની હાઈ કોન્સ્ટ્રાસ્ટ લાઈટિંગવાળી ફોટોગ્રાફીએ રાજ કપૂર જેવા અમુક પારખુનું ધ્યાન ખેંચ્યું. 1951માં આવારાથી રાજ સાથે નાતો જોડાયો.

-અને ઓળીઝોળી પીંપળપાન, રાજ કપૂરે રાધિકાનું પાડ્યું રાધુ નામ.

‘આવારા’ બાદ રાધુ રાજના ફેવરીટ સિનેમેટોગ્રાફર બની ગયા. પછીના ચાર દાયકા સુધી એમણે રાજની બધી ફિલ્મો શૂટ કરી. “પ્યાર હુઆ ઈકરાર હુઆ” જે રીતે એમણે શૂટ કરી એ જોઈને ચાર્લી ચેપ્લિને એમની પીઠ થાબડેલી. રાધુની કમાલના લીધે આઉટડોરની ફીલ કરાવતું આ વરસાદી ગીત સ્ટુડિયોમાં શૂટ થયેલું. 1960માં રાધુએ આર. કે. ફિલ્મ્સ માટે ‘જિસ દેસ મેં ગંગા બેહતી હૈ’ ડિરેક્ટ પણ કરી, જેને બેસ્ટ હિંદી ફીચર ફિલ્મનો નેશનલ એવૉર્ડ મળ્યો, ‘મેરા નામ જોકર’ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો નેશનલ એવૉર્ડ મળ્યો. જો કે કેમેરા પાછળના આ જિનિયસને પ્રસિદ્ધિની, માનઅકરામની કોઈ પડી નહોતી. એમની એકમાત્ર મહત્વાકાંક્ષા હતી કે ઓર્સન વેલ્સની ‘સિટિઝન કેન’ જેવી પરફેક્ટ ફિલ્મ બનાવવી. આ માટે એ દેશ-દુનિયાના સિનેમેટોગ્રાફરોની ફિલ્મોનો સતત અભ્યાસ કરતા.

આર.કે. સ્ટુડિયોઝ માટે રાધુની છેલ્લી ફિલ્મઃ ‘હીના.’ (દિગ્દર્શક રણધીર કપૂર). રાધુજીની લાસ્ટ ફિલ્મ હતીઃ 1995માં રિલીઝ થયેલી ‘પરમ વીર ચક્ર.’ આ.કે.ની જન્મશતાબ્દી નિમિત્તે એમની સાથે સંકળાયેલા યોગી સમા છબિકારનું પુણ્ય સ્મરણ. આવતા અઠવાડિયે જો આર.કે.ની ફિલ્મ જોવા જાઓ તો રાધુજીને અવશ્ય યાદ કરજો.

13-14-15 ગ્રેટેસ્ટ શોમેનની આ ફિલ્મો જોવા મળશેઃ  આગ, બરસાત, આવારા, શ્રી 420, જાગતે રહો, જિસ દેસ મેં ગંગા બેહતી હૈ, સંગમ, મેરા નામ જોકર, બોબી, અને રામ તેરી ગંગા મૈલી.

Chitralekha Gujarati – 16 December, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

શરીરનું દરેક અંગ આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે

એક વ્યક્તિ ખૂબ ક્રૂર પ્રકૃતિનો છે. તેની આંખોમાં હંમેશા લોહી જમા હોય છે. દરેક વ્યક્તિ તેનાથી ભય પામે છે. જીવનના છેલ્લા ક્ષણોમાં તે વ્યક્તિ નેત્રદાનની જાહેરાત કરે છે. તેના મૃત્યુ બાદ તેની આંખો જન્મથી અંધ સંતને બેસાડવામાં આવે છે. જેનાથી તે સંસારને જોવા માટે સમર્થ બની જાય છે. હવે તેજ આંખોથી કરુણા ટપકવા માંડે છે. અનેક લોકો તે સંત દ્વારા નજરથી નિહાલ થવા લાગે છે. અનેક લોકો તેમના દ્વારા દયા તથા દુઆની પ્રાપ્તિ કરીને પોતાને ધન્ય અનુભવ કરે છે. આટલું પરિવર્તન કેવી રીતે થઈ ગયું?

આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે આંખો ફક્ત એક યંત્ર છે. મનુષ્યને જોવા માટે એક સાધન માત્ર છે. પરંતુ આંખોનો માલિક કે તેના દ્વારા જોવા વાળી ચૈતન્ય શક્તિ આત્મા છે. એ આત્માનો જેવો ભાવ અથવા વૃત્તિ હોય છે તે જ આંખો દ્વારા પ્રગટ થાય છે. આ નિયમ શરીરની દરેક કર્મેન્દ્રિયો પર લાગુ પડે છે. શરીરનું દરેક અંગ, તમામ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે. આત્માના વિચાર શ્રેષ્ઠ હોય તો તે જ હાથ મલમ પટ્ટી કે દુવાઓ કમાવામાં લાગી શકે છે. જો આત્માના વિચાર ભ્રષ્ટ હોય તો તેજ હાથ દ્વારા મનુષ્ય કોઈનું ખૂન કરવું, ચોરી કરવી જેવા વિકર્મ પણ કરી શકે છે. માટે જ હાથ બાંધવા, આંખો કાઢી નાંખવી કે મોંને પટ્ટી બાંધવી વિગેરેની જરૂરિયાત નથી. જરૂરિયાત છે આત્માને શ્રેષ્ઠ વિચાર કરવાની તાલિમ આપવાની.


સંસારમાં અનેક પ્રકારના અભ્યાસક્રમ હોવા પર પણ આ પ્રકારના અભ્યાસક્રમનો ખૂબ અભાવ છે. જેનું પરિણામ આજે સમાજ ભોગવી રહેલ છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છેલ્લા 89 વર્ષ થી આત્માના વિચારો શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય કરી રહેલ છે. જેવી રીતે દહીને વલોવાથી માખણ તેની જાતેજ ઉપર આવી જાય છે તેવી રીતે ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરવાથી, મનમાં તેને વલોવાથી મહાન, સકારાત્મક વિચારો રૂપી માખણ પ્રાપ્ત થાય છે.

અંગ્રેજીમાં કહેવત છે I Think therefore I am ( હું છું તેનું પ્રમાણ છે કે હું વિચારું છું.) હું છું તેનું પ્રમાણ જોવું કે સાંભળવું નહીં પણ વિચાર કરવો તે છે. સાંભળવાની શક્તિ ન હોવા છતાં પણ હું આત્મા આ શરીરમાં રહી શકું છું. આત્માના વિચાર જ આંખ, મોં, હાથ વિગેરે દ્વારા પ્રગટ થાય છે. વિચાર સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો દ્વારા તે સ્થૂળ રીતે પ્રગટ થાય છે. આત્માના વિચાર જ્યારે મલીન થઈ જાય છે તો આત્મા પણ તમો પ્રધાન, પતિત બની જાય છે. આ કાળાપનને દૂર કરવા પ્રયત્ન કરવો તેજ આધ્યાત્મિક પુરુષાર્થ કહેવાય છે.

કોઈ સુંદર મકાનને જોઈને એક વ્યક્તિ વિચારે છે કે આ મકાનના માલિક ભાગ્યશાળી છે કે તેમને પૂર્વજો દ્વારા આટલું સુંદર મકાન વારસામાં મળેલ છે.

બીજી વ્યક્તિ વિચારે છે કે આ મકાનના માલિકે ધંધા કે નોકરીમાં બેઇમાનીથી પૈસા કમાઈને આ મકાન બનાવ્યું હશે. જ્યારે ત્રીજી વ્યક્તિ વિચાર છે કે આજે રાત્રે જો આ મકાનમાં ધાડ પાડવામાં આવે તો ઘણું ધન મળી શકે તેમ છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 06/12/2024

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ

મુંબઈ: મહારાષ્ટ્રને તેના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા છે. મુંબઈમાં આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ મેદાનની બહાર ભાજપ, શિવસેના અને એનસીપીના ઘણા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત અનેક વીવીઆઈપી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

આ પછી બીજા સ્થાન પર શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને ત્રીજા સ્થાન પર એનસીપી પ્રમુખ અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી હતી.

(તમામ તસવીરો: દીપક ધૂરી)