રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં સ્થિત કૃષ્ણા ધામ સાંવલિયા શેઠ મંદિરમાં સતત છઠ્ઠા દિવસે પણ દાનની ગણતરી શરૂ છે. જેમાં ભગવાનના ભંડારમાં 34 કરોડ 91 લાખ રૂપિયાથી વધારે રકમ મળી આવી છે. આ દરમિયાન અઢી કિલોથી વધારે સોનું અને આશરે 188 કિલો ચાંદી પણ દાનમાં ચડાવવામાં આવ્યું છે. મંદિરમાં આ દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે દાન કરે છે અને મંદિરમાં આ પરંપરા શ્રદ્ધાળુઓના વિશ્વાસનું પ્રતીક બની ચુકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 6 દિવસથી સતત દાનની ગણતરી કરવામાં આવી રહી હતી. જેમાં ભગવાનના ભંડારમાં 34, 91,95,008 રૂપિયા નીકળ્યા છે. આ સિવાય અઢી કિલોથી વધારે સોનું અને 188 કિલો ચાંદી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચિતોડગઢના સાંવલિયા શેઠ મંદિરમાં દાનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. શુક્રવારની સાંજે છઠ્ઠા તબક્કાની ગણના બાદ મંદિર પ્રશાસને અહીં મળેલાં દાન વિશે જાણકારી આપી. ભંડારમાંથી 25,61,67,581 રૂપિયા રોકડા મળ્યા છે. વળી, ઓનલાઇન અને દાન ગૃહમાંથી 30,27,427 રૂપિયા દાન મળ્યું છે. આ સાથે જ ભંડારમાંથી બે કિલો 290 ગ્રામ સોનું અને ભેટ ગૃહમાંથી 280 ગ્રામ 500 મિલીગ્રામ સોનું દાનમાં મળ્યું છે. આ પ્રકારે ભંડારમાંથી 58 કિલો 900 ગ્રામ ચાંદી અને ભેટમાં 129 કિલો ચાંદી મળી છે. મંદિરમાં શ્રદ્ઘાળુઓની માન્યતા છે કે, જેટલું દાન કરવામાં આવશે, તેટલું જ ભગવાન સાંવલિયા શેઠ દાનમાં આપશે. અહીં તમામ પ્રકારના લોકો આવીને દાન આપે છે. તેમના દાનથી કમાણીમાં બરકત થાય છે.
શારજાહ: અંડર-19 એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. હવે ભારત 8મી ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી.મેચમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રેએ 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતાડી હતી. ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
બોટાદ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લા કચેરીના સક્રિય સહયોગથી વર્ષ 2024-25 દરમિયાન કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કલા મહાકુંભ એ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને 4 જુદા-જુદા વયજૂથોમાં (6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર) સ્પર્ધાઓનું આયોજન કરી રહ્યો છે. રાજ્યના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં પ્રતિભાશાળી કલાકારોને મંચ આપવા આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
કલા મહાકુંભને લઈને ઝોન કક્ષાએ ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે, જેથી કલાકારો પોતાના ફોર્મ સંબંધિત ઝોનના કન્વીનરોને પહોંચાડી શકશે. બોટાદ જિલ્લાના વિભિન્ન તાલુકાઓ માટે આયોજક સંસ્થાઓ પણ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. ઇચ્છુક કલાકારોએ પોતાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બોટાદ ખાતે રૂબરૂ કે પોસ્ટ દ્વારા મોકલી આપવાના રહેશે. બોટાદ તાલુકા માટે આદર્શ વિદ્યાલય, ગઢડા તાલુકા માટે ઉગામેડીની સરદાર પટેલ વિદ્યાલય, બરવાળા તાલુકા માટે સંસ્કાર ભારતી વિદ્યાલય અને રાણપુર તાલુકા માટે કે.ડી. પરમાર વિદ્યાલય ખાતે યોજાશે. વધુ વિગતો જાણવા માટે કલાકારો/સંસ્થાઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, A/S-13, ખસ રોડ, બોટાદ ખાતેથી સંપર્ક કરવાની સુવિધા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશ.બી.દિહોરા આ બાબતે વધુ માર્ગદર્શન આપશે.
બેંગલુરુ: દીપિકા પાદુકોણ હાલમાં એક્ટિંગથી દૂર છે અને મધરહૂડનો આનંદ માણી રહી છે. માતા બન્યા બાદ પહેલીવાર દીપિકા જાહેરમાં આવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. બેંગ્લુરૂમાં દિલજીત દોસાંજના ‘દિલ-લુમિનાટી’ કોન્સર્ટમાં અભિનેત્રીને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા.દીપિકા પાદુકોણ દીકરી દુઆને જન્મ આપ્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણને અચાનક જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. એક્ટ્રેસ સફેદ સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સમાં કોન્સર્ટ માણવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં તે તેના મિત્રો સાથે દિલજીતનાં ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે.
દિલજીતે સૌથી પહેલા દીપિકાની બ્રાન્ડની પ્રોડકટ હાથમાં પકડીને ચાહકોને પૂછ્યું કે શું તેમને ખબર છે કે તે કોની છે તો બધા દીપિકાનું નામ લે છે. આ પછી દિલજીત કહે છે કે હું આનાથી જ સ્નાન કરું છું અને મારો ચહેરો ધોઉં છું, તો આ મારી સુંદરતાનું રહસ્ય છે. આ પછી તે દીપિકાને સ્ટેજ પર બોલાવે છે, તે સ્ટેજની પાછળ બેસીને દિલજીતની વાત સાંભળીને હસી પડે છે.
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ હતી. જ્યારે ભારતે દિવસની રમતને અંતે પાંચ વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. ભારત હજી 29 રનથી હજી પાછળ છે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા વતી ટ્રેવિસ હેડે 140 રન બનાવ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા વતી જસપ્રીત બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 86 રનથી કરી હતી. બીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે સ્ટીવ સ્મિથ મેકસ્વિનીના થોડા સમય બાદ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, માર્નસ લાબુશેન એક છેડેથી મક્કમ રહ્યો, તેણે 64 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 157 રનની જંગી લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી અને રવિચંદ્રન અશ્વિન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
‘વોટરમેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્ર સિંહનું અનંત નેશનલ યુનિવર્સિટી સાથે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડણ કર્યું છે. અનંત યુનિવર્સિટી ખાતે તેઓ કમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગ્રાઉન્ડ પર જઈને વિષયનો પ્રેક્ટિકલ અભ્યાસ કરાવશે. ડૉ. રાજેન્દ્રસિંહ વિશ્વના 123 દેશમાં જલ સંરક્ષણ માટે કાર્યરત છે. જો કે એમની કર્મભૂમિ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ ગોપાલપુર છે. ડૉ. રાજેન્દ્રસિંહે છેલ્લાં 50 વર્ષમાં 23 નદીઓને પૂનઃ જીવિત કરી ખરા અર્થમાં જળ ક્રાંતિ કરી છે. અમારા છોટી સી મુલાકાત વિભાગમાં અમે આજે ડૉ. રાજેન્દ્રસિંહ સાથે આજની શૈક્ષણિક પદ્ધતિઓ, દેશમાં નદીઓની સ્થિતિ તેમજ અન્ય કેટલાંક પર્યાવરણીય મુદ્દાઓ વિશે વાતચીત કરી.
પર્યાવરણ જેવાં વિષયને પણ ક્લાસરૂમની ચાર દિવલોમાં બેસીને ભણાવવામાં આવે છે? ત્યારે અનંત યુનિવર્સિટીની પહેલને તમે કેવી રીતે જુઓ છો?
ડૉ. રાજેન્દ્રસિંહ: અનંત યુનિવર્સિટીએ આ નવીનત્તમ ચિલો ચીતર્યો છે. તેમણે વિષય આધારિત વ્યવહારૂ જ્ઞાન સાથે બાળકોને જોડવાની શરૂઆત કરી છે, તો આને જ શુભ શરૂઆત માની લેવી. આ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ કેમ અપનાવવામાં આવતી નથી તેની આલોચના કરવાના બદલે, કોઈકે તો શરૂઆત કરી છે તે વાતથી ખુશ થવું જોઈએ. નવી પેઢીને જો આપણે ખરેખર પ્રકૃતિ સાથે જોડવા માગતા હોઈએ તો આપણે તેમને આ રીતે જ્યાં ખરેખરે જમીની સ્તર પર કામ થતું હોય ત્યાં લઈ જવા જોઈએ. યુવાનો જે વિષયનો અભ્યાસ કરી રહ્યા છે, તેના વિશે પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી તેમને પોતાના વિષયમાં રસ ઉત્પન્ન થાય છે બાદમાં વિષય સાથે પ્રેમ પણ થાય છે. જો કોઈપણ વ્યક્તિ પોતાના વિષયને પ્રેમ કરશે તો તે તેમાં ઉંડે ઉતરશે, તે કામનું હશે, તો તે શુભ હશે. આથી મને લાગે છે કે અનંત યુનિવર્સિટીએ આ એક શુભ શરૂઆત કરી છે. તો શૈક્ષણિક પ્રથાની આ શુભ શરૂઆત માટે તેમને અભિનંદન.
આજની શૈક્ષણિક પદ્ધતિ વિશે શું કહેશો? ખાસ કરીને તમે જ્યારે પર્યાવરણના વિષયના વિદ્યાર્થીઓને ભણાવવાના છો ત્યારે તેના વિશે શું કહેશો?
મને એવું લાગે છે કે પર્યાવરણ વિષયના વિદ્યાર્થીઓને જમીની સ્તર પર લઈ જઈને જો તમે પ્રેક્ટિલ જ્ઞાન ન આપો તો, માત્ર પુસ્તકો દ્વારા ભણવવાથી પર્યાવરણ જેવો વિષય સમજી શકાય નહી. જો તમે માત્ર પુસ્તકિયું જ્ઞાન જ આપો વિદ્યાર્થીઓને તો તેમના મનમાં અભ્યાસ પ્રત્યે એક વિરોધ-પ્રતિશોધ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તમે વિદ્યાર્થીઓને ફિલ્ડમાં લઈ જઈને વાસ્તવિક જ્ઞાન આપો છો ત્યારે તેમનો પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે છે અને પછી ધીમે-ધીમે સન્માન વધે છે. છેલ્લે ધીરે-ધીરે શ્રદ્ધા વધે છે.
પર્યાવરણ અને વિકાસને આપ કઈ રીતે જુઓ છો?
જેને આપણે વિકાસ કહીએ છીએ એ વિકાસ આપણી લાલચમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે લાલચી બની જઈએ છીએ ત્યારે આપણે પોતાની સુખ-સુવિધા પર વધારે ધ્યાન આપીએ છીએ. બીજાનો વિચાર કરતા નથી. આથી કહી શકીએ કે લાલચના પગલે આપણી બુધ્ધિ અને વિચારો ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારબાદ આપણે કુદરત અને પર્યાવરણને નુક્સાન પહોંચાડીયે છીએ. આ બધાના પગલે જ કુદરતી આફતો દ્વારા વિનાશ માનવી સુધી પહોંચી રહ્યો છે. પૂર, દુકાળ, ભૂકંપ કે સુનામી એ માનવી દ્વારા નોતરવામાં આવેલી કુદરતી આફતો હોય છે. તેથી આવા વિકાસની આપણે કાયાપલ્ટ કરવાની છે. એટલે કે આપણે સદાય નિત્ય નૂતન નિર્માણ કરવું. એવો વિકાસ કરવાનો છે કે જેનાથી કોઈપણ પ્રકારનું કુદરતને નુક્સાન ન થાય.
પોલીસી મેકર્સ અને સમાજના લોકો સાથે મળીને કેવી રીતે વોટર મેનેજમેન્ટ કરી શકે?
હાલમાં દેશમાં પીપલ ડેમોક્રેસીની જગ્યાએ કોર્પોરેટ કલ્ચર ડ્રિવન ડેમોક્રેસી છે. એટલે કોર્પોરેટ હાઉસ જે રીતે કહે તે રીતે આ દેશમાં પોલીસી મેકિંગ થાય છે. જે પ્રકૃતિ અને પર્યાવરણ બંન્ને વિરોધી છે. આથી જો નવી પેઢી આ વાતને સમજે અને પર્યાવરણને બચાવવા માટે આગળ આવશે તો જ આપણે તેને બચાવી શકીશું. કારણ કે આ યુવાનો જ ભણી-ગણીને કોર્પોરેટ્સ કંપનીઓમાં જઈને નોકરીઓ કરતા હોય છે. આથી તેમનામાં જાગૃતતા લાવવી જરૂરી છે.
અર્બનાઈઝેશન વિશે તમારૂં શું માનવું છે?
અર્બનાઝેશનને લઈને મારા વિચારો ખૂબ જ સ્પષ્ટ છે કે તેમાં વિકાસ એને કહેવામાં આવે છે જેમાં વધારે ખર્ચો થાય છે. જે દેશમાં પાણીનો વધારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તે દેશને વિકસિત માની લેવામાં આવે છે. મારું એવું માનવું છે કે વિકાસ એને કહેવામાં આવે છે કે જે ઓછામાં ઓછા સાધનોથી જીવનને સારી રીતે ચલાવી શકે. આથી આપણી જે અર્બન પેટર્ન છે તેને બદલવી પડશે.
મોર્ડન ટેક્નોલોજી અને પ્રાચીન પદ્ધતિઓ બંન્નેમાંથી વિદ્યાર્થીઓને તમે શું શીખવશો?
અત્યારે જે શિક્ષણ પ્રણાલી છે તે બાળકોને સ્વાર્થી અને લાલચી બનાવે છે. શિક્ષકો અત્યારે મોટામાં મોટું પેકેજ લેવા માગે છે, શાળાઓ તગડી ફીઓ વસૂલવા માગે છે. જે ખરેખર સારા શિક્ષકો છે તેમના મનમાં માત્ર એક જ ધ્યેય હોય છે, બાળકોને ભણાવવા, સારી તાલીમ આપવી અને એક સારા નાગરિક બનાવી સમાજમાં મોકલવા. આજના સમયમાં ખૂબ જ ઓછા શિક્ષકો આ કાર્ય કરી રહ્યા છે. આથી હું એવું માનું છે કે આપણી પ્રાચીન પદ્ધતિઓમાં અપરંપાર જ્ઞાનનો ભંડાર રહેલો છે. આપણા પૂર્વજો આજની દરેક સમસ્યાનું સોલ્યુશન આપણને આપીને જ ગયા છે. બીજી તરફ મોર્ડન ટેક્નોલોજીમાં પણ કેટલીક સારી બાબતો હોય છે. વિદ્યાર્થીઓ માટે જે સારું અને ઉપયોગી છે તે હું તેમને શીખવવાનો છું. હું વિદ્યાર્થીઓ સાથે મારા વિસ્તૃત જ્ઞાન અને અનુભવની આપ-લે કરીશ. જે તેમને વાસ્તવિક વિશ્વના પડકારોના અસરકારક સમાધાન માટે જરૂરી વ્યવહારુ અને સમુદાયલક્ષી ઉપાયો આપશે.
ગુજરાતમાં ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા નવી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. ખાતમુહૂર્ત વખતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું. ‘આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઈમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.’
વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભાએ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે. આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021-22માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.’
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ MVAમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમીએ આ મામલે મોટી જાહેરાત કરી છે. અબુ આઝમીએ શનિવારે કહ્યું કે વિપક્ષના લોકોએ અમારો સંપર્ક કર્યો નથી. ટિકિટ વિતરણ દરમિયાન અમારી સાથે કોઈ વાતચીત થઈ ન હતી. ચૂંટણી દરમિયાન કોઈ સંકલન ન હતું… તો અમારે તેમની સાથે શું લેવાદેવા છે.
અબુ આઝમીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું
EVM મુદ્દાને ટાંકીને MVA ધારાસભ્યોએ આજે શપથ ન લીધા પર, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના વડા અબુ આઝમી કહે છે કે અમારે તેની સાથે શું કરવાનું છે. હું એમ પણ સૂચન કરું છું કે જો લોકોને શંકા છે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી છે, તો બધાએ સામૂહિક રીતે તેમને ચૂંટણીમાંથી દૂર કરવા જોઈએ.
એસપી ધારાસભ્ય રઈસ શેખે આ વાત કહી
વાસ્તવમાં, MVA ધારાસભ્યોએ આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા ન હતા અને EVM ગરબડનો આરોપ લગાવ્યો હતો. પરંતુ MVA સાથે ચૂંટણી લડનારા સમાજવાદી પાર્ટીના બંને ધારાસભ્યો અબુ આઝમી અને રઈસ શેખે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. સપાના ધારાસભ્યોનું કહેવું છે કે એવું લાગે છે કે એમવીએ માત્ર ત્રણ પક્ષોનું ગઠબંધન છે. નાના પક્ષોનું સન્માન કરવામાં આવતું નથી. તેથી, અમે નિર્ણય લીધો છે કે અમે MVA નો ભાગ નહીં બનીએ. સપાના ધારાસભ્ય રઈસ શેખે કહ્યું કે અમને એમવીએ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી કે આજે શપથ લેવાના નથી.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર પર આ વાત કહી
અબુ આઝમીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવો જ જોઈએ, પરંતુ ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર, મસ્જિદો તોડી નાખવામાં આવી રહી છે, મુસ્લિમોને મારવામાં આવી રહ્યા છે… તેની પણ વાત ભાજપ કરે.
આ દરમિયાન શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે આજે અમે નિર્ણય કર્યો છે કે અમારા (શિવસેના યુબીટી) વિજેતા ધારાસભ્યો શપથ લેશે નહીં. જો તે જાહેર જનાદેશ હોત તો લોકો ખુશ થયા હોત અને ઉજવણી કરી હોત, પરંતુ ક્યાંય લોકોએ આ જીતની ઉજવણી કરી નથી. અમને EVM વિશે શંકા છે.
ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ સહિત અલ્પસંખ્યકોની વિરુદ્ધ સતત ઘટનાઓ વધી રહી છે. ઇસ્કોનના વધુ એક મંદિરમાં તોફાની તત્ત્વો તરફથી તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ હુમલો ઇસ્કોનના નમહટ્ટા મંદિર પર કરવામાં આવ્યો હતો. આ ઘટના હિન્દુ અલ્પસંખ્યકોને નિશાન બનાવીને કરવામાં વધુ એક હુમલો છે.
બાંગ્લાદેશમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાતું નથી. આ હિસા વચ્ચે ઢાકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) નમહટ્ટા સેન્ટરમાં આગ લગાવ્યાની ઘટના બની છે. જેનાથી ઈસ્કોન નમહટ્ટા સેન્ટરમાં રાખેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગયું હતું. મંદિરની છત દૂર કરીને મૂર્તિઓને સળગાવતાં પહેલાં પેટ્રોલ નાખવામાં આવ્યું હતું. કટ્ટરપંથીઓ દ્વારા ઘણાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બંગલાદેશની વચગાળાની સરકારના શાસનમાં બંગલાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. હિન્દુઓ સામે હિંસાની વધી રહેલી ઘટનાઓનો ભારતમાં વિરોધ વધી રહ્યો છે. ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વણસી ગયું છે. હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલામાં વધારો થયો છે. જેના પર પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ બંગલાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તહેનાત કરવાની વિનંતી કરી હતી.
Another ISKCON Namhatta Centre burned down in Bangladesh. The Deities of Sri Sri Laxmi Narayan and all items inside the temple, were burned down completely 😭. The center is located in Dhaka. Early morning today, between 2-3 AM, miscreants set fire to the Shri Shri Radha Krishna… pic.twitter.com/kDPilLBWHK
આ પહેલાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસની 25મી નવેમ્બરે ઢાકામાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 31મી ઓક્ટોબરે સ્થાનિક નેતાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય લોકો પર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બંગલાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ બંગલાદેશમાં ફરીથી સ્થિતિ અસામાન્ય જોવા મળી છે.
વડોદરા: શહેરમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવાની ઝૂંબેશ સતત 22માં દિવસે યથાવત્ જોવા મળી રહી છે. શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી રોડ રસ્તાની બંને બાજુના વોર્ડ નં.1-2 વિસ્તારમાંથી લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા પર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ, પાકા ઓટલા સહિતના હંગામી દબાણો પર દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદે દબાણોની શરૂ કરાયેલી ઝુંબેશ સતત ચાલુ રહે તેવી લોકમાંગ છે.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં શાસ્ત્રી બ્રિજથી દબાણ શાખાની ટીમે આજે નિયત સમયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી ત્યારે બ્રિજ પાસે જ ઉભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત અનેક બંધ પડેલા વાહનો, બ્રિજ નીચે પડેલી અનેક ચીજ વસ્તુઓ સહિત ગાદલા-ગોદડાનો કેટલો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે ખાણી પીણીની લારીઓવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી કરી ત્યારે નાસ્તા પાણી કરતા લોકોમાં ભાગદોડ મચી હતી. આવી જ રીતે છાણી સર્કલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખા શરૂ કરી ત્યારે ઠેક ઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે બોલાચાલી અને રકઝક થઈ હતી. પરંતુ બંદોબસ્તમાં રહેલા છાણી પોલીસે મામલો તુરત સંભાળીને કામગીરીમાં થતી દખલ રોકી હતી. રસ્તા પર છાપરાવાળી કેટલીય બંધ લારીઓ સહિત ચા-પાણીની લારીઓ કાચા પાકા 15થી વધુ શેડ અને હતું. ઠેકાણે દુકાનદારોએ બહાર બનાવેલા કાચા પાકા ઓટલા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્રની આ કામગીરી જોવા ઠેર ઠેર એકત્ર થયેલા લોક ટોળાથી ટ્રાફિકને ભારે અસર થઈ હતી અને વારંવાર ટ્રાફિકજામ થતા પોલીસને વાહનો માટે રસ્તો ક્લિયર કરવામાં જહેમત ઉઠાવવી પડી હતી.