Home Blog Page 1270

રેવેન્યુ સચિવ સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર

નવી દિલ્હીઃ રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નરપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના ગવર્નર શક્તિકાંત દાસની જગ્યા લેશે. સરકારે શક્તિકાંત દાસનો કાર્યકાળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. 2018માં RBIના ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિયુક્તિ થઈ હતી.

  કેબિનેટની કમિટી દ્વારા મલ્હોત્રાની RBIના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 11 ડિસેમ્બર, 2024થી તેઓ આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતી કાલે સમાપ્ત થઈ રહ્યો છે. કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતી સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને નાણાં અને ટેક્સ ક્ષેત્રે વ્યાપક અનુભવ છે. તેઓ રાજસ્થાન કેડરના 1990ની બેચના ભારતીય વહીવટી સર્વિસના અધિકારી છે. તેઓ IIT ગ્રેજ્યુએટ છે. તેમણે IIT કાનપુરથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે અને પ્રિન્સ્ટન યુનિવર્સિટી, અમેરિકાથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સનું શિક્ષણ લીધું છે.  

RBIના નવા ગવર્નર તરીકે, મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતાં બેવડા પડકારનો સામનો કરવો પડશે. આગામી ત્રણ વર્ષીય કાર્યકાળમાં રાજકોષિય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે.

નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને માઈનિંગ ક્ષેત્રોમાં બહોળો 33 વર્ષનો અનુભવ છે. તેમણે ભૂતકાળમાં રાજ્ય સંચાલિત RECના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. આ સિવાય રેકોર્ડ ટેક્સ કલેક્શન હાંસલ કરવામાં પણ તેમણે નોંધનીય ફાળો આપ્યો છે. બજેટ માટે ટેક્સ સંબંધિત દરખાસ્તો પર પણ તેઓ ધ્યાન આપશે.

અમદાવાદમાં ડ્રગ્સ ઓવરડોઝથી 18 વર્ષના યુવકનું મોત

અમદાવાદ: ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. રાજ્યમાંથી દરરોજ હજારો-કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે. પરંતુ તેમછતાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં સરળતાથી ડ્રગ્સ મળી રહે છે. ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત નીપજતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના ઇસનપુરમાં 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકનું નામ પ્રિન્સ શર્મા છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે.

પ્રિન્સ શર્મા નામનો યુવક ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ડ્રગ્સ લેતાં લેતાં ઢળી પડતાં તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર તબીબોની ટીમ યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી યુવક પ્રિન્સ શર્માના મૃતદેહને PM અર્થે મોકલી દીધો છે. પીએમ રિપોર્ટ બાદ સમગ્ર હકિકત બહાર આવશે. આપને જણાવી દઈએ કે મૃતક યુવકને તેના કમ્પાઉન્ડર મિત્રએ નશાકારક દવાનો ઓવરડોઝ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. જેની પોલીસ અટકાયત કરી તપાસ હાથ હતી. તપાસમાં કમાઉન્ડર દરરોજ 200 જેટલા યુવકોને ઇંજેક્શન આપતો હોવાનો ખુલાસો થયો છે.  પોલીસે હાલમાં ઉંડી તપાસ કરી રહી છે, તપાસ વધુ વિગતો સામે આવશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા રિવરફ્રન્ટ ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન

અમદાવાદ: શહેરમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી છેલ્લાં 20 વર્ષથી અમદાવાદમાં ધર્મયાત્રા અર્થે આવતા લોકોને યોગ્ય માર્ગે દોરી રહ્યા છે. આ પ્રસંગની ઉજવણી કરતા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહારભવન ટ્રસ્ટ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 6 થી 8 ડિસેમ્બર  દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ત્રિદિવસીય કાર્યક્રમનું  ભવ્ય આયોજન કરાયું હતું.ગુરુદેવ રાકેશજીની પધરામણીથી હજારો મુમુક્ષુઓએ ધર્મોલ્લાસભેર આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે ગુરુદેવ રાકેશજી દ્વારા લિખિત પુસ્તક મોહશત્રુનો પરાજયનું વિમોચન કર્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીએ વ્યક્તવ્યમાં કહ્યું હતું કે, મોહભંગ થયા વગર અંતર્મુખ થવું કઠિન છે. જેટલો વધારેમાં વધારે સમય ગુરુદેવજી જેવા સત્પુરુષોના ચરણોમાં ગાળીશું તો જ આપણું આ મોહભંગનું  કામ થશે. સાથે જ ભારતના અમૂલ્ય રત્ન સમાન સંત, યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ  દેશ સેવા માટે પૂજ્ય ગુરુદેવજી પાસે આશીર્વાદની  યાચના કરી હતી .આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુરુદેવ રાકેશજીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ આધારિત અંતઃકરણના ત્રણ દોષોની નિવૃત્તિ વિષય પર અત્યંત સરળ અને રોચક શૈલીમાં પ્રવચનો આપ્યા હતા. અન્ય ભક્તિવર્ધક સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે સાઉન્ડ બાથ મેડિટશન, ભક્તિ સંધ્યા વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય ગુરુદેવના દર્શનાર્થે ખાસ મુલાકાત લીધી હતી. સાથે આ ઉજવણીમાં સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી  અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.19મી સદીમાં થયેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજી એક પ્રબુદ્ધ સંત હતા. જેમણે નવા યુગ માટે આધ્યાત્મિકતાનો પાયો નાખ્યો હતો. જેમને સરળ શબ્દોમાં મુક્તિનો સમગ્ર માર્ગ ઉજાગર કર્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીના ધર્મસંદેશના જ્યોતિર્ધર ગુરુદેવ રાકેશજી વિશ્વમાં સૌને સુખ અને શાંતિની સંપ્રાપ્તિ થાય એ માટે ધર્મયાત્રા દ્વારા સત્સંગ અને ધ્યાનશિબિરોના માધ્યમથી લોકોને ઉચ્ચ ધ્યેય તરફ દોરી રહ્યા છે. તેઓ આજના યુવાનોને અધ્યાત્મ અને સેવા તરફ વાળી રહ્યા છે, જે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનું છે.

ડીસામાં HDFC બેંકના સ્ટાફે ડિજિટલ એરેસ્ટ ફ્રોડની ઘટના અટકાવી

અમદાવાદઃ રાજ્યના ડીસામાં HDFC બેંકના સજાગ સ્ટાફે છેતરપિંડી કરનારાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટ સ્કેમ મારફતે થવા જઈ રહેલી છેતરપિંડીને અટકાવીને ગ્રાહકના 59.67 લાખ રૂપિયાને બચાવી લીધા હતા. HDFC બેંકની ડીસામાં આવેલી શાખાના સજાગ સ્ટાફને એક્ટિવ ના હોય તેવા એક ખાતામાં અસામાન્ય રીતે નાણાં જમા થયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સ્ટાફે ટ્રાન્ઝેક્શનની પેટર્નમાં વિસંગતતાને ઓળખી તરત જ તપાસ શરૂ કરી હતી.

શ્રેણીબદ્ધ ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરીને બેંક આ ખાતું ફ્રીઝ કરી શકી હતી અને છેતરપિંડી દ્વારા નાણાં ઉપડતા અટકાવી શકી હતી. વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી અટકાવવાના અને પીડિતનાં નાણાંને સુરક્ષિત રાખવાના HDFC બેંકની બ્રાન્ચના સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ડિજિટલ એરેસ્ટ એટલે શું?

ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં છેતરપિંડી કરનારાઓ કાયદાનું અમલ કરનારી એજન્સી કે સરકારી અધિકારીના સ્વાંગમાં લોકો અને બિઝનેસને ટાર્ગેટ કરે છે. પીડિતોને કથિત કરચોરી, નિયમોના ઉલ્લંઘન કે નાણાકીય ગેરરીતિ માટે ડિજિટલ એરેસ્ટ વૉરન્ટથી ડરાવવામાં આવે છે. આ ડિજિટલ એરેસ્ટ વોરન્ટને પાછો ખેંચવા માટે છેતરપિંડી કરનારાઓ ‘સેટલમેન્ટ ફી’ કે ‘દંડ’ના સ્વરૂપમાં ચુકવણી માંગે છે. એક વાર ચુકવણી થઈ જાય તે પછી છેતરપિંડી કરનારો ગાયબ થઈ જાય છે અને તેમની ઓળખના કોઈ પુરાવા છોડતાં નથી.

ડિજિટલ એરેસ્ટ ફ્રોડથી બચવાના સૂચનો

  • જેઓ વાસ્તવમાં સરકારી અધિકારીઓ કે કાયદાનું અમલ કરનારી એજન્સી હોય છે, તે ક્યારેય પેમેન્ટ કે બેંકિંગ વિગતો માગતા નથી.
  • છેતરપિંડી કરનારાઓ ઘણી વાર તમે વગર વિચારે ઝડપથી તેમનું કહેલું કરો તે માટે તાકીદની સ્થિતિ પેદા કરતા હોય છે.
  • KYCની વિગતો, બેંકની વિગતો જેમ કે – યુઝર ID પાસવર્ડ, કાર્ડની વિગતો, CVV, OTP કે પિન નંબર વગેરે જેવી સંવેદનશીલ માહિતી કોઈની પણ સાથે શેર કરશો નહીં.
  • હંમેશાં સરકારી અધિકારી કે કાયદાનું અમલ કરનારી એજન્સીનો સ્વતંત્ર રીતે સંપર્ક કરીને અધિકારીની ઓળખની ખરાઈ કરો.
  • દસ્તાવેજોમાં ત્રુટિઓ છે કે નહીં તપાસો અને શંકાસ્પદ લિંકો પર ક્લિક કરવાનું ટાળો.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના ચક્ષુ પોર્ટલ – www.sancharsaathi.gov.in પર તાત્કાલિક આવા કોઈ શંકાસ્પદ છેતરપિંડીભર્યા સંદેશવ્યવહારની જાણ કરો.

જો કોઈ વ્યક્તિ કોઈ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને તેવી ઘટનામાં તેમણે બેંકને તાત્કાલિક ધોરણે આ પ્રકારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ કરવી જોઇએ, જેથી કરીને પેમેન્ટ ચેનલને બ્લોક કરી શકાય, એટલે કે કાર્ડ્સ/UPI/નેટ બેંકિંગ અને ભવિષ્યમાં વધુ નુકસાન થતું અટકાવી શકાય. ગ્રાહકોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ પણ દાખલ કરવી જોઇએ તેમજ નેશનલ સાઇબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ https://www.cybercrime.gov.in પર ફરિયાદ સોંપવી જોઇએ.

સૌરાષ્ટ્રમાં વીજ ચોરી પર PGVCLનું એક્શન, લાખોની ચોરી ઝડપાઈ

ગુજરાતમાં અવાર નવાર વિજ ચોરીને લઈ PGVCL દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે સામાન્ય રીતે આવી વિજચોરીની ઘટના ઉનાળાના સમયમાં વધુ થતી જોવા મળીતી હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં જ્યારે PGVCL દ્વારા જ્યારે આજે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવા આવી રહી છે. ગીર-સોમનાથ અને જામનગર જિલ્લામાં PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, PGVCLની ટીમ દ્વારા ગીર-સોમનાથનાં દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 18 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરનાં લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતનાં વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વટવા GIDCમાં ભીષણ આગ, 18 ફાયરની ગાડીઓને 4 કલાકની જહેમત

અમદાવાદ: શહેરના વટાવા વિસ્તારમાં આવેલ GIDCમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે આગના બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનામાં 35 ફાયર ફાઈટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જ્યારે કયા કારણોસર આગ લાગી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી.

સૂત્રોનું માનીયે તો, વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં 35 ફાયર ફાઈટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ઓલવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, ફેક્ટરીમાં મોટી માત્રામાં સોલવંટનો જથ્થો હોવાથી આગ લાગી હોઈ શકે છે. આગના બનાવમાં 50 વર્ષના એક વ્યક્તિને દાઝી જવાથી ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કયા કારણોસર આગ લાગી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કપિલ દેવ કાંબલીની મદદ કરવા તૈયાર, પણ એક શરતે!

મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી આજકાલ તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તેઓ થોડાં દિવસ પહેલાં તેમના સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકરના સ્મારક સમારોહમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમની માટે ખુરશી પરથી ઉઠવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તેમના આ દશા જોઈને તેમના ફેન્સ સહિત સમગ્ર દેશવાસીઓ ચિંતામાં છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું  આ અંગે કહેવું છે કે દરેક વ્યક્તિએ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ. પરંતુ સાથે જ તેણે પણ પોતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ.કપિલ દેવે કહ્યું, “આપણે બધાએ વિનોદ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ, પરંતુ તેણે પણ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. જો તે પોતાનું ધ્યાન નહીં રાખે તો અમે પણ તેની સંભાળ રાખી શકીશું નહીં.”તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિનોદ કાંબલીને પોતાનો પુત્ર ગણાવતા કહ્યું હતું કે, “1983 વર્લ્ડ કપની ટીમ યુવા ખેલાડીને લઈને ચિંતિત છે કારણ કે આ યુવા ખેલાડી અમારા પુત્ર જેવો છે. 1983ની ટીમે વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે તેને મદદ કરીશું અને તેને વધુ સારી સ્થિતિમાં લાવીશું.”જો આપણે વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય પર પ્રકાશ ફેંકીએ, તો તેઓ લાંબા સમયથી હતાશાથી ઘેરાયેલા છે. તે પોતે પણ ઘણી વખત માનસિક તણાવમાં હોવાનું કબૂલ્યું છે. આ સિવાય દારૂનું વ્યસની હોવું પણ તેની ખરાબ તબિયતનું એક મોટું કારણ છે, જ્યારે તેણે ઘણી વખત દારૂ છોડવાનો પ્રયાસ કર્યો છે.

વિપક્ષ રાજ્યસભામાં ઉપ-રાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ લાવશે પ્રસ્તાવ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે બંગલાદેશ હિંસા સહિત તમામ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ હવે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી સાસંદ બંધારણના આર્ટિકલ 67(B) હેઠળ સભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

સભાપતિ જગદીપ ધનખડેની વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અને TMC પણ અવિશ્વાસની તરફેણમાં છે. આ બંને પક્ષોના સાંસદોએ સભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને એના પર 70 સભ્યોએ હસ્તાક્ષર કરી દીધા છે.

વળી, સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હંગામા દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડેના વલણને જોતાં કોંગ્રેસ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

સત્તારૂઢ NDAના સભ્યોએ કોંગ્રેસ અને એના નેતાઓ પર વિદેશી સંગઠનો અને લોકોના માધ્યમથી દેશની સરકાર, અર્થતંત્રને અસ્થિર કરવના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. NDAના સાંસદોએ આ મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે PM મોદી અને સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ?

અવિશ્વાસ શબ્દનો અર્થ કોઈ પણ પદ પર બેઠેલી વ્યક્તિને તે પદની તમામ સત્તાઓ અને જવાબદારીઓથી હટાવવાનો નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પ્રક્રિયા છે. બંધારણની કલમ 61, 124 (4), (5), 217 અને 218માં તેનો ઉલ્લેખ છે. મહાભિયોગ પ્રસ્તાવ ત્યારે જ લાવી શકાય છે જ્યારે બંધારણનું ઉલ્લંઘન, ગેરવર્તણૂક અથવા અસમર્થતા સાબિત થાય. નિયમો અનુસાર સંસદના કોઈ પણ ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. જોકે તેને લોકસભામાં રજૂ કરવા માટે, 100 સાંસદોની સહીઓની જરૂર છે, જ્યારે તેને રાજ્યસભામાં રજૂ કરવા માટે 50 સાંસદોની સહીઓની જરૂર છે.

ચટગાંવમાં વેપારી પર હુમલાનો કેસ, મુખ્ય આરોપી તરીકે ચિન્મય કૃષ્ણ દાસ

બાંગ્લાદેશ: પોલીસ અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ બાદ 8મી ડિસેમ્બર ચિત્તાગોંગ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ઢાકા ટ્રિબ્યુનલના અહેવાલ મુજબ, આ કેસમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ દાસને દેશદ્રોહના આરોપમાં મુખ્ય આરોપી જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય આ કેસમાં 164 ઓળખાયેલા લોકો અને 400-500 અજાણ્યા લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

ઈનામુલ હકે કેસ દાખલ કર્યો હતો

બિઝનેસમેન અને હેફાઝત-એ-ઈસ્લામ બાંગ્લાદેશના કાર્યકર્તા ઈનામુલ હક તરફથી આ કેસ ચિત્તાગોંગ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હકે આરોપ લગાવ્યો છે કે 26મી નવેમ્બરે જ્યારે તે જમીન રજિસ્ટ્રીનું કામ પૂરું કરીને કોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને માથા અને જમણા હાથે ગંભીર ઈજાઓ થઈ હતી.સ્થળ પર હાજર લોકોએ હકને બચાવી લીધો હતો અને ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હકે એમ પણ કહ્યું હતું કે હુમલાને કારણે તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે કેસ નોંધવામાં વિલંબ થયો હતો. તેના વકીલના જણાવ્યા અનુસાર આ કેસમાં ચિન્મય કૃષ્ણ દાસ મુખ્ય આરોપી છે.ચિન્મય કૃષ્ણાની જામીન અરજી પર સુનાવણી સ્થગિત

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાને કારણે ભારત-બાંગ્લાદેશના સંબંધો તંગ બન્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલામાં વધારો થયો છે અને આ ઘટનાઓ બાંગ્લાદેશના હિંદુ સમુદાય પ્રત્યેની વધતી જતી ચિંતાઓને દર્શાવે છે. બાંગ્લાદેશની કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી 2 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. કોર્ટનું કહેવું છે કે તેમની તરફેણમાં કોઈ વકીલ હાજર નહોતો. તેથી કોર્ટે આ નિર્ણય લેવો પડ્યો.

મુખ્યમંત્રીએ કી દબાવી… ને સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!

થ્રી…ટુ…વન…

જેવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટની એક કી દબાવી કે આંખના પલકારામાં સામે ગોઠવાયેલા મોટા સ્ક્રીન પર ખૂલ્યો માહિતી અને મનોરંજનનો ખજાનો- ન્યૂઝ, વ્યૂઝ, અવનવી ઇમેજીસ, વિડીયોઝ અને પોડકાસ્ટ્સ… ગાગરમાં સાગર એ કહેવત જાણે ખરા અર્થમાં સાકાર થતી હોય એમ અહીં ‘ચિત્રલેખા.કોમ’ ની વેબસાઇટમાં રસપ્રદ વાંચન અને દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રીનો સમુદ્ર ઘૂઘવતો હતો…

જી, વાત છે લાખ્ખો વાચકોના માનીતા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની ઓળખ બની રહેલા ‘ચિત્રલેખા’ સાપ્તાહિકની વેબસાઇટની નવી નક્કોર તૈયાર થયેલી ડિઝાઇનના લોન્ચ અવસરની.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટક અને ચિત્રલેખા ટીમના વરિષ્ઠ સભ્યોના ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હમણાં આ ડિઝાઇનનું લોકાર્પણ કર્યું. એ પછી આ અવસરે ખાસ તૈયાર કરાયેલી એક ટૂંકી ઓપનિંગ વિડીયો પણ મુખ્યમંત્રીએ મોબાઇલ ફોનમાં પ્લે કરી.

બદલાતા સમયમાં પ્રિન્ટની સાથે સાથે હવે ડિજિટલની દુનિયામાં પણ અગ્રસર બની રહેલા ચિત્રલેખાના આ અભિગમને મુખ્યમંત્રીએ વખાણ્યો એટલું જ નહીં, પણ ચિત્રલેખા ટીમના સભ્યો સાથે વેબસાઇટ-સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ પર કેવા પ્રકારનું કન્ટેટ મૂકવામાં આવે છે એની માહિતી મેળવીને ચર્ચા કરી. વેબસાઇટની એક સંપૂર્ણ વર્ચ્યુઅલ ટૂર પણ કરી.

ચિત્રલેખા હાલ એની સ્થાપનાના 75 મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ આ ગૌરવશાળી સફર માટે ચિત્રલેખા ટીમને અભિનંદન આપવાની સાથે સાથે પત્રકારત્વમાં આવી રહેલા બદલાવ અંગે પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરીને ચિત્રલેખાને એના વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત પત્રકારત્વ માટે બિરદાવ્યું. ડિજિટલ માધ્યમમાં પણ ચિત્રલેખા ઉત્તરોત્તર એટલી જ પ્રગતિ કરતું રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી.

પ્રારંભમાં ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અને મેમેન્ટોથી સ્વાગત કરીને ચિત્રલેખાના 75 મા વર્ષની ઉજવણી અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

એ પણ નોંધી લો કે, ચિત્રલેખા.કોમ પર સ્થાનિક અને દેશ-વિદેશની મહત્વની ન્યૂઝ અપડેટ્સ ઉપરાંત વાચકોને ગમી જાય એવા વિવિધ વિષયો પરના લખાણો નિયમિત રીતે અપડેટ થાય છે, જેમાં દર સોમવારે ‘પ્રેરણાદાયી સ્ટોરી’, મંગળવારે મહિલાઓ માટે ‘ઓ-વુમનિયા’, શુક્રવારે વર્તમાન મુદ્દા પર સમાજના વિવિધ વર્ગના લોકોના અવાજને મંચ આપતો વિભાગ ‘ઓપિનિયન’, અઠવાડિક રેસિપી, શનિવારે કોઇ એક ક્ષેત્રના અગ્રગણ્ય વ્યક્તિની મુલાકાત કરવાતો વિભાગ ‘છોટી સી મુલાકાત’ અને રવિવારે અવનવા વિષયો પર આંકડાકીય માહિતી સાથેનો વિશેષ લેખ આપતા વિભાગ ‘સન્ડે સ્પેશ્યલ’નો સમાવેશ થાય છે. સાથે સાથે દર બુધવારે નયનરમ્ય તસવીરની સાથે એની રોમાંચક કથા વર્ણવતી ‘ફોટોસ્ટોરી’ તો ખરી જ.  ચિત્રલેખા ડિજિટલ ટીમના પત્રકારો દ્વારા તૈયાર થતા આ વિભાગો ડિજિટલ પત્રકારત્વમાં અનોખી છાપ ઉપસાવે છે.

સ્પિરિચ્યુઅલ ક્ષેત્રના જાણીતા આધ્યાત્મિક ગુરૂઓ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર, બીએપીએસ સંપ્રદાયના સાધુ જ્ઞાનવત્સલદાસ, બ્રહ્માકુમારીઝના સિસ્ટર શિવાની, ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવના લખાણો ઉપરાંત ફિલ્મ જગતની ચટપટી વાતો પીરસતી બે મનોરંજક કોલમ્સ બોલીવુડ કી બાતેં અને મોજમસ્તી અનલિમિટેડ, જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક જયનારાયણ વ્યાસની કલમે કહેવત કથા, ગુજરાતના નિવૃત્ત ચીફ સેક્રેટરી પ્રવીણ કે. લહેરીની કલમે કબીરના દોહાની સરળ સમજૂતી, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શ્રીનાથ શાહની કલમે કેમેરા પાછળની વાત કરતી કોલમ બિહાઇન્ડ ધ લેન્સ, જાણીતા ફાઇનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલાની કલમે યોગિક સંપદા, મયંક રાવલની કલમે વાસ્તુની વિધિવત વાતો, યુવા લેખિકા નિધિ દિવાસળીવાળાની કલમે મહાભારતની કથાઓને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજાવતી કથાશ્રેણી દેવહૂમા જેવા વિભાગોનો રસથાળ સતત અપડેટ થાય છે. તો, ‘ઇતિહાસમાં આજે’ ઉપરાંત નિતનવી વાતોનો ખજાનો ‘અજબ બ્રહ્માંડની અજાયબ વાતો’, ક્વોટ્સ, ગુલકંદ જેવા ઇમેજબેઝ્ડ વિભાગો તો હવે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે.

હા, ચિત્રલેખાના ડિજિટલ એડિટરની કલમે દેશ-વિદેશની જિયોપોલિટીકલ ઘટનાઓ કે ક્યારેક જિંદગીના રંગોને કેલિડોસ્કોપિક દ્રષ્ટિથી નિહાળતી કોલમ્સ ‘પોલિસ્કોપ’ અને ‘પેલેટ’ તો ખરી જ!

નહીં, નહીં. ફક્ત આટલું જ નહીં, ચિત્રલેખાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ પર દર શનિવારે સાંજે આવતા અઠવાડિયામાં ઘટનારી મહત્વની ઘટનાઓની વાત કરતું ન્યૂઝ બુલેટીન ‘ન્યૂઝ બિફોર ન્યૂઝ’, અવનવી વાતોને એક મિનીટમાં રજૂ કરતી રિલ્સ, યુવા તબીબ ડો. નિધિ દવે અને ડાયેટીશ્યન હીરવા ભોજાણી દ્વારા આરોગ્ય અંગે ઉપયોગી વાતો પીરસતી વિડીયોઝ, મુંબઇસ્થિત આર્થિક ક્ષેત્રના જાણીતા નામો ખ્યાતિ મશરૂ વસાણી અને પ્રિયંકા આચાર્ય દ્વારા રોકાણ, બચત અને ઇન્શ્યોરન્સના અટપટા નિયમોને સરળ અને રસાળ શૈલીમાં સમજાવી યોગ્ય માર્ગદર્શન આપતી રિલ્સ પણ ઝડપથી દર્શકોને આકર્ષી રહી છે. હા, સાંપ્રત ઘટનાઓ પર ફક્ત 99 શબ્દમાં ટીપ્પણી કરતા પોડકાસ્ટ ‘નટશેલ ઇન 99’ પણ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે.

તો, વધારે રાહ જોવાની જરૂર નથી. હમણાં જ તમારો સ્માર્ટફોન ઉઠાવો અને ચિત્રલેખા સાથે જોડાઇ જાવ ફોલો/સબસ્ક્રાઇબના આ બટન્સ પર ક્લિક કરીને:

    : chitralekha.in

    : @chitralekha.in

   : @chitralekhamag

   : chitralekhamag 

 

(હેતલ રાવ)