Home Blog Page 1245

મુંબઈ બોટ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફરે જણાવી આખી કહાણી

મુંબઈ: મુંબઈ બોટ દુર્ઘટનામાં બચી ગયેલા 45 વર્ષીય ગણેશ કહે છે કે જ્યારે તેણે એક સ્પીડ બોટ જેવી બોટને તે બોટ તરફ જતી જોઈ જેના ડેક પર તે ઊભો હતો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે કંઈક અનિચ્છનીય બનાવ બની શકે છે. બુધવારે બપોરે મુંબઈ કિનારે એક યાટ સાથે નેવીની સ્પીડ બોટ અથડાતાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા જ્યારે 99 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.

Photo: IANS

ગણેશે કહ્યું, ‘બોટ, જે પાછળથી નૌકાદળની બોટ હોવાનું બહાર આવ્યું, તે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી, જ્યારે અમારી બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી. હું બપોરે 3.30 વાગ્યે બોટમાં ચડ્યો.’ તેણે કહ્યું,’એક ક્ષણ માટે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે નૌકાદળની બોટ અમારી બોટ સાથે અથડાઈ શકે છે, અને પછીની થોડીક સેકન્ડોમાં તે બન્યું’ ગણેશે કહ્યું કે દુર્ઘટના સમયે દુર્ભાગ્યપૂર્ણ નીલ કમલ બોટના ડેક પર તે ઊભો હતો.

આ અકસ્માત બાદ જે 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાં હૈદરાબાદનો રહેવાસી ગણેશ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બોટમાં બાળકો સહિત 100થી વધુ મુસાફરો હતા. તેણે કહ્યું,3.30 વાગ્યે ટિકિટ ખરીદ્યા પછી, હું બોટમાં ચડ્યો અને ડેક પર ગયો. મેં જોયું કે સ્પીડ બોટ જેવું જહાજ અમારી બોટની નજીક પૂરપાટ ઝડપે ચક્કર લગાવી રહ્યું હતું. તેણે જણાવ્યું કે બોટમાં મુસાફરી કરી રહેલા એક નૌકાદળના કર્મચારીનું અકસ્માતમાં પગ કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.

ટક્કર બાદ બોટમાં પાણી ભરાવા લાગ્યું

તેણે ઉમેર્યુ કે, ‘જેમ કે બોટ અમારી બોટ સાથે અથડાઈ કે તરત જ દરિયાનું પાણી અમારી બોટમાં આવવાનું શરૂ થઈ ગયું, ત્યારબાદ બોટના કેપ્ટને મુસાફરોને લાઈફ જેકેટ પહેરવા કહ્યું કારણ કે બોટ પલટી જવાની હતી.’ ગણેશે કહ્યું, ‘મેં લાઈફ લ જેકેટ લીધુ, ઉપર ગયો અને સમુદ્રમાં કૂદી ગયો.’ તેણે કહ્યું કે તે 15 મિનિટ સુધી તર્યો જ્યારે તેને નજીકની અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યો અને અન્ય લોકો સાથે ગેટવે ઓફ ઈન્ડિયા પર લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની બચાવ ટુકડીઓ અથડામણના અડધા કલાકની અંદર બોટ પર પહોંચી ગઈ હતી. હું બચાવી લેવામાં આવેલા 10 મુસાફરોના પ્રથમ જૂથમાં હતો, એવું તેણે કહ્યું હતું.

બેંગલુરુના રહેવાસી વિનાયક માથમ પણ દુર્ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળીઓમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે તે તેના બે સાથીદારો સાથે દુર્ભાગ્યપૂર્ણ બોટમાં સવાર હતો. તેણે કહ્યું, “પ્રથમ તો મને લાગ્યું કે નેવી ક્રાફ્ટના કર્મચારીઓ આનંદ માટે બહાર ગયા છે, કારણ કે તેમની બોટ અમારી બોટની આસપાસ ફરતી હતી. બોટ પર પૂરતા લાઇફ જેકેટ્સ નહોતા.” તેમણે કહ્યું, “જ્યારે મુસાફરો બોટમાં ચડ્યા હતા, ત્યારે તેમને લાઇફ જેકેટ્સ આપવા જોઇએ.”

અકબરે કેમ અબૂ તુરાબનું સ્વાગત કર્યુ હતું?

અમદાવાદ શહેરના બહેરામપુરા દાણીલીમડા વિસ્તારમાં આ ઔદ્યોગિક વસાહતની વચ્ચે ઐતિહાસિક ધરોહર સમાન અબૂ તુરાબ સહિત અનેક મહાનુભાવોને યાદ કરતી હેરિટેજ ઈમારતો આવેલી છે.

અબૂ તુરાબ વલી પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’ તૈયાર કરનાર શીરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરા હતા. એમના પિતા શાહ કુત્બુદ્દીન શુકરુલ્લાહ. દાદા સૈયદ શાહ મીર તરીકે જાણીતા વિદ્વાન મીર ગ્યાસુદ્દીન, જે કુત્બુદ્દીનના સમયમાં (1451-58) ગુજરાતની મુલાકાત લઈ ગયા હતા. 1492માં પુત્ર મીર કમાલુદ્દીન સાથે ચાંપાનેરમાં વસી ગયેલા. અબૂ તુરાબ વલી ગુજરાતના સરદાર એતિમાદખાનની નોકરીમાં 1571માં હતો. અકબરે ગુજરાત જીત્યું એ વખતે તેની સાથે વાટાઘાટો કરવામાં અબૂ તુરાબ વલીએ મહત્વનો ભાગ ભજવેલો. 1577માં અકબરે તેને ‘મીરે હજ’ બનાવીને મક્કા મોકલેલો. હજથી પાછા ફરતાં અબૂ તૂરાબ ‘કદમે રસૂલ’ (હ. મોહંમદની પગછાપવાળો પથ્થર) સાથે લાવેલા.

એ પવિત્ર પથ્થર અબૂ તુરાબ ગુજરાતમાં લાવ્યા ત્યારે એનું સ્વાગત ખુદ અકબરે કર્યુ હતું. તેના પર સૂફી ઉપાશ્રય બાંધવામાં આવેલો. ઇ.સ. 1583માં એતિમાદખાન ગુજરાતનો સૂબો થતાં અબૂ તુરાબ વલીને ‘અમીને સુબાહ’નો હોદ્દો મળેલો. એનો પુત્ર મીર ગદાઈ અકબરનો મન્સબદાર હતો. ‘મિરાતે અહમદી’ પ્રમાણે અબૂ તુરાબ વલી 1594(હિ. 1003)માં અવસાન પામ્યા. એમનો મકબરો અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર બહેરામપુરામાં આવેલો છે.

અબૂ તુરાબની યાદગીરી અદભુત છે. કલાત્મક સ્થાપત્યની અગાસીમાં  આઠ અર્ધઘૂમટ બનાવ્યા છે.  મધ્યખંડમાં ફરતી જાળીઓ પણ  હતી. ઐતિહાસિક ધરોહરની મધ્યમાં મુખ્ય કબરની બંને બાજુ એક એક અને મંડપના રવેશમાં બીજી બે મળીને કુલ પાંચ  કબરો જોવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બ્રિટનનો કેદી ગુજરાતની જેલમાં સજા પૂરી કરશે, જાણો શું છે મામલો

વર્ષ 2020માં, યુનાઇટેડ કિંગડમમાં 28 વર્ષની સજા પામેલા હત્યારાને ભારત-યુકે કરાર હેઠળ બાકીની સજા ભોગવવા માટે ગુજરાત લાવવામાં આવ્યો છે. ગુનેગારના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ બાદ યુકે સરકાર તેને ટ્રાન્સફર કરવા માટે સંમત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે સૌપ્રથમવાર વિદેશથી કોઈ આરોપીનું નહીં પરંતુ, કેદીનું પ્રત્યાર્પણ સ્વીકાર્યું છે. ભારતીય કેદીને લઈ દિલ્હી ઍરપૉર્ટ આવેલા બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું હતું. મંગેતરની હત્યાના ગુનામાં સજા પામેલા કેદી જીગુ સોરઠીએ પરદેશને બદલે સ્વદેશની જેલમાં બાકી રહેતી સજા કાપવા યુકેની કોર્ટમાં અરજી કરી હતી.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર કેદીને દિલ્હીથી સીધો સુરતની લાજપોર જેલ લાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનની લેસ્ટર કોર્ટે આરોપી જીગુ સોરઠીને તેની મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ સાથે જ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કેદીએ યુકેની કોર્ટ સમક્ષ તેની બાકી રહેતી સજા ઇંગ્લૅન્ડની જેલને બદલે ભારતીય જેલમાં કાપવા માટે અરજી કરી હતી. બ્રિટન સરકારે કેદીના પરિવાર બાબતે ભારત સરકાર પાસેથી વિગતો માંગી હતી. કેદીનો પરિવાર ગુજરાતમાં રહેતો હોવાથી તેને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ થયો હતો.

શું છે આખો મામલો?

બ્રિટનમાં રહેતા મૂળ ભારતીય એવા 24 વષીય જીગુ કુમાર સોરઠીએ તેની મંગેતર ભાવિની પ્રવિણને લેસ્ટરમાં તેના ઘરે ચાર વખત ચાકુ મારતાં મોત થયું હતું. ભાવિનીના માતા-પિતા જીગુ સાથેના સંબધોથી વિરુદ્ધ હતા. સંબંધ આગળ વધે નહીં તે માટે ભાવિનીને સમજાવી રહ્યા હતા. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે તા. 2જી માર્ચે બપોરે ભાવિનીની તેના ઘરે જીગુ કુમારે હત્યા કરી હતી. જીગુ કુમારે પોતે હત્યાનો ઇન્કાર કર્યો હતો. જોકે, કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે, તે ભયાનક, ક્રૂર અને નિર્દય હત્યા છે.

બેબી જ્હોનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, વરુણે કીર્તિને લગ્નની શુભેચ્છા પાઠવી

મુંબઈ: વરુણ ધવન તેની આગામી બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ ‘બેબી જ્હોન’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે, જેમાં તે કીર્તિ સુરેશ અને વામીકા ગબ્બી સાથે અભિનય કરશે. આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો કેમિયો છે, જે દબંગ ખાનના ચાહકોને ખૂબ જ ખુશ કરી રહ્યો છે. હાલમાં જ બેબી જ્હોનની એક પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફિલ્મના મુખ્ય અભિનેતા વરુણ ધવન, કીર્તિ સુરેશ, વામીકા ગબ્બી, એટલી, એટલીની પત્ની અને ફિલ્મની પ્રોડ્યુસર પ્રિયા મોહન, નિર્દેશક કલીઝે હાજરી આપી હતી.

આ દરમિયાન વરુણ ધવને કીર્તિ સુરેશને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે.

(તમામ તસવીરો: દીપક ધૂરી)

બીજેપી સાંસદે મને ધક્કો માર્યો, બધુ કેમેરામાં કેદ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: સંસદમાં ગુરૂવારે હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં જ સ્થળ પર ધક્કા-મુક્કી થઈ હતી.

રાહુલની સ્પષ્ટતા

રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે, અમે લોકો મકર દ્વારથી અંદર જઈ રહ્યા હતાં. ત્યાં ભાજપના લોકો ઊભા હતાં અને અંદર જવાથી રોકી રહ્યા હતાં. ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયાં. આ લોકો બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે.

ખડગે સાથે પણ થઈ ધક્કા-મુક્કીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, લોકો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી છે. જો કે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.

સંસદમાં દેખાવો દરમ્યાન રાહુલ ગાંધીએ ધક્કો માર્યોઃ પ્રતાપ સારંગી

નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહોમાં બાબા સાહેબ આંબેડકરને મુદ્દે કોંગ્રેસ ને ભાજપ –બંને દેખાવો કરી રહ્યા છે. એ દરમ્યાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીના માથામાં ઇજા થઈ હતી. ભાજપ નેતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ધક્કો એક સાંસદને માર્યો, જેથી એ સાંસદ મારા પર પડ્યા હતા. સંસદમાં ભારે હંગામાને પગલે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવી ગયા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી અને રોકા-ટોકીના અહેવાલ સામે આવ્યા.

સારંગીના આરોપ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર આરોપ લગાવ્યો હતો કે મને અંદર જવાથી અટકાવવામાં આવ્યો હતો. મારી સાથે ધક્કામુક્કી કરી અને મને ધમકાવવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને અને મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે. મારી સાથે ભાજપના સાંસદોએ ધક્કામુક્કી કરી રહ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતાં તે પડી ગયા અને તેમને ઈજા થઇ. હાલ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યાં કે ભાજપના સાંસદો અમને ધમકાવી રહ્યા હતા અને ડો. આંબેડકરનું અપમાન કરે છે. આ લોકો કહે છે કંઇ અને કરે છે કંઇ.

ગૃહપ્રધાન  અમિત શાહના નિવેદનને લઈને વિપક્ષ આક્રમક છે. વિપક્ષી દળો ઇન્ડિયા ગઠબંધન સંસદમાં પ્રોટેસ્ટ માર્ચ કરી રહ્યા હતા. આ માર્ચ સંસદમાં લાગેલી આંબેડકરની પ્રતિમાથી માંડીને મકર દ્વાર સુધી હતી.

પ્લાસ્ટિક પ્રતિબંધનો ભંગ કરનારા સામે કોર્પોરેશનની કડક કાર્યવાહી

અમદાવાદ: પ્લાસ્ટિક પ્રતિબંધિન લઈ શહેર મહાનગર પાલિકા કાર્યરત છે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે કામ કરતુ રહે છે. પરંતુ કેટલાક એકમો પ્રતિબંધ હોવા છતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. જેને લઈ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક, પેપર કપનો ઉપયોગ કરનારા અને ગંદકી ફેલાવનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તર ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા, પેપર કપ વાપરતા તેમજ ગંદકી કરનારા કુલ 305 એકમોને નોટિસ આપી કુલ 92,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે જ્યારે દક્ષિણ ઝોનમાં આ પ્રકારનું કૃત્ય કરનારા 199 કોમર્શિયલ અને 6 રહેણાંક મળી કુલ 205 એકમોને નોટિસ આપી 8.25 કિગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 1,18,400 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. તેમજ સોલિડ વેસ્ટના નિયમોના ઉલ્લંઘન બદલ બહેરામપુરમાં 6, વટવામાં 3, લાંભામાં 3 અને ખોખરામાં 1 મળી કુલ 13 એકમો સીલ કરાયા છે. મ્યુનિ.ના અધિકારીઓએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક, પેપર કપ અને ગંદકી મામલે કાર્યવાહી ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીને કર્યા ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે, જેમાં પાંચ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેર કર્યા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.

સુરક્ષા દળોને સંદિગ્ધ આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યાર પછી કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં દળોએ ઘેરાવ કર્યો હતો, જેમાં આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યાર પછી સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી છે.

ચિનાર કોર્પ્સે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે કુલગામના કદ્દેરમાં 19મી ડિસેમ્બરે આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કદ્દેર, કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરમાં જે બે જવાનો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

આ પહેલાં ત્રીજી ડિસેમ્બરે સુરક્ષા દળોએ શ્રીનગર જિલ્લામાં એક ઓપરેશન દરમિયાન જુનૈદ અહેમદ ભટ્ટ નામના આતંકીને ઠાર માર્યો હતો. ત્યારે પોલીસે માહિતી આપી હતી કે જુનૈદ અહેમદ ભટ્ટે ગગનગીર, ગાંદરબલ અને અન્ય ઘણી જગ્યાએ નાગરિકો પર હુમલામાં સામેલ હતો.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2024માં અત્યાર સુધી 45 આતંકવાદીઓના મોત થયાં હતાં, જ્યારે આ વર્ષના નવેમ્બરના પહેલા સપ્તાહ સુધી આતંકવાદીઓની ઘટનામાં નાગરિકોના મોતનો આંકડો ઘટીને 14 થયો છે.

 

વાણી નહીં, વર્તન સંભળાય

બે દિવસ પહેલાં સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈમાં એક ટીનએજર દીકરીને એની માતાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ભણવા પર ધ્યાન આપવાનું કહ્યું તો દીકરીએ આત્મહત્યા કરી લીધી.

એક વાત તો ચોક્કસ કે સ્માર્ટ ફોન આજે દુનિયાભરમાં, બધાને નહીં તો પણ અમુક વર્ગને સ્માર્ટ બનાવવાને બદલે દિમાગથી ખોખલા બનાવી રહ્યા છે. મુંબઈની એ કમનસીબ માતાને પુત્રીના ભવિષ્યની ચિંતા હોવી એ પણ સાહજિક વાત છે. સમયે સમયે સંતાનોને શિખામણ આપવી એ પણ ઉછેરનો એક ભાગ છે, પણ શિખામણ કેવી રીતે આપવી, કેવી રીતે અને ક્યારે એમને ટોકવાં એનું આજે એક વિજ્ઞાન વિકસ્યું છે. દુનિયાભરના માનસશાસ્ત્રીઓ એકઅવાજે કહે છે કે કૂમળા ટીનએજરો સાથે સાચવીને કામ લેવામાં ન આવે તો કુસંગની જ્વાળામાં હોમાતાં કે અનર્થ થતાં વાર નહીં લાગે.

અહીં ભારતના પૂર્વ પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના જીવનનો એક પ્રસંગ સાંભરે છેઃ એક વાર એમણે પોતાના દીકરાને કહ્યું, ‘હું જોઉં છું કે વડીલોને તું જે રીતે પગે લાગે છે એ યોગ્ય નથી. ચરણસ્પર્શ તો વ્યવસ્થિત નીચા નમીને કરવા જોઈએ.’

યુવાનીના જોરમાં પુત્રે કહ્યું, ‘હું તો વ્યવસ્થિત રીતે જ નમન કરું છું, બાપુજી, તમારી જોવામાં ભૂલ થાય છે.’

તે વખતે શાસ્ત્રીજી પુત્રની નજીક આવ્યા અને એને (પુત્રને) વ્યવસ્થિત, કેડેથી વળીને વ્યવસ્થિત ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, ‘બેટા, જો તું આ રીતે વડીલોને વંદન કરતો હોય તો તું સાચો છો, ભૂલ મારી છે. મને માફ કરજે. જો આ રીતે પગે ન લાગતો હો તો હવેથી લાગજે.’

શાસ્ત્રીજીનું આ વર્તન, એમનો જવાબ પુત્ર વર્ષો સુધી ભૂલી શક્યો નહીં. આ અનુભવ વાગોળતાં એણે કહેલું કે ‘જો તે વખતે મારા પિતાએ મને એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો હોત કે, ‘હું જ સાચો ને તું ખોટો તો મને એ બીજા સાધારણ પિતા જેવા જ લાગત, પણ તે વખતે એમણે મને જે રીતે જવાબ આપ્યો તેનાથી તે બીજા પિતા કરતાં જુદા પડી ગયા.’

કહેવાનું એ કે લાલ બહાદુર શાસ્ત્રીએ માત્ર શબ્દોથી નહીં, પણ વર્તનથી પોતાના દીકરાનું હ્રદય જીતી લીધું. કદાચ આ ઘટના પછી ક્યારેય તેમણે પોતાના પુત્રને વંદન કરવાની યોગ્ય રીત બાબતે શીખવવું પડ્યું નહીં હોય. મહાપુરુષોનાં જીવનની આ ખાસિયત છે કે એ લાંબાં ભાષણો નથી આપતા, પણ તેમની નાની નાની ક્રિયા દ્વારા જીવનના અમૂલ્ય પાઠો શીખવતા હોય છે.

અંગ્રેજીમાં જેને પ્રીચર કહે છે તેવા ઉપદેશક બનવું સહેલું છે, કારણ કે સલાહ આપવાનો આનંદ સૌને આવે છે. તેમાં કોઈ કષ્ટ પડતું નથી, પણ તેની અસર નજીવી છે. પાણીની સપાટી પરના પરપોટા જેટલું તેનું આયુષ્ય છે. બીજી બાજુ, વર્તન કરવું અઘરું છે, પણ વર્તન દ્વારો પડેલો પ્રભાવ પ્રચંડ હોય છે, સામેની વ્યક્તિને એ રીતે વર્તવા પ્રેરિત કરે છે.

થોડા સમય પહેલાં જ ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિએ કહ્યું કે આજનાં મૉડર્ન મમ્મી-પપ્પાએ જીવનમાં એક સારું પુસ્તક ઉઘાડીને વાંચ્યું નથી, પણ ફરિયાદ કરે છે કે અમારાં બાળકો વાંચતાં નથી. તમે તમારાં બાળકો સામે પુસ્તક વાંચો તો તમારા એ વર્તનની સંતાન પર ધારી અસર થશે.

તાજેતરમાં જ અમદાવાદમાં બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાઈ ગયો, જેમાં પાંચ દાયકા કરતાં વધુ સમયથી સેવા કરતા સંસ્થાના એક લાખથી વધુ કાર્યકરોનો ઋણસ્વીકાર કરવામાં આવ્યો. બી.એ.પી.એસ.ના ભવ્ય સમૈયા-ઉત્સવો કે પછી દેશ-દુનિયામાં આવી પડેલી આફતોમાં સ્વયંસેવકોને નિઃસ્વાર્થભાવે નાનામાં નાની સેવા નિઃસંકોચપણે કરતા જોઈને લોકોને અચરજ થાય છે કે એમનામાં આવી સેવાની ભાવના કેવી રીતે ઉદય થતી હશે? પણ આના મૂળમાં છે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું વર્તન. તેમનું વર્તન એવું ઉચ્ચ કક્ષાનું હતું કે તેમના શબ્દોનું વજન પડતું.

ટૂંકમાં વાણીથી નહીં, વર્તનથી બોલીશું તો વધુ સફળતા તો મળશે જ, પણ સાથે આપણને અંતરમાં સંતોષ થશે. વર્તન લોકોના હૃદયને સ્પર્શે છે અને પરિવર્તનનાં આંદોલનોને ઝંકૃત કરે છે. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા મેળવીએ. વાણીથી નહીં, વર્તનથી શિખામણ દઈએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરવાણી: જે વ્યક્તિનો સ્વભાવ દુષ્ટ હોય તેના પર ભરોસો ન કરવો

આંખો દેખા ઘી ભલા, ના મુખ મેલા તેલ,

સાધુ સો ઝઘડા ભલા, ના સાકટ સોં મેલ.

 

સત્યમ્, શિવમ્, સુંદરમ્ એ ઈશ્વરની ત્રિ-પરિમાણ કલ્પના છે. ઈશ્વરની ઉપાસના કરવામાં આ ત્રણ વિચારો આપણી દાર્શનિક ચિંતનની ઊંચાઈ દર્શાવે છે. કબીરજી માર્મિક રીતે કહે છે કે, ઘી જોવાથી જ આપણને સંતોષ થાય છે. તેની સુગંધ, સ્વાદ અને ગુણોનો ખ્યાલ હોય તો ઘીનું દર્શન કરતાં આંખો આનંદ અનુભવે છે. તેલ ઘીનો પર્યાય ગણી વપરાય છે તો પણ તેને ચાખવાથી આપણને આસ્વાદની ખુશી મળતી નથી. આ જ રીતે સારા માણસ સાથે મતભેદ કે તકરાર થાય તો પણ તેમાં જોખમ નથી, અન્યાય થવાનો સંભવ નથી.

સાધુ પ્રકૃતિથી સહનશીલ, દયાળુ અને સત્યપ્રેમી હોય છે. દુર્જન સાથે સારો મેળ પડે તો પણ તેનો સંગ ક્યારેક ગંભીર સમસ્યા બને છે. જે વ્યક્તિનો સ્વભાવ દુષ્ટ હોય તેના પર ભરોસો ન જ થાય. વિશ્વાસ વિનાનો સંબંધ ક્યારે દગો દે તે કહી ન શકાય. ‘સાકટ’ કે જે અજ્ઞાની છે, શઠ વૃત્તિ ધરાવે છે,  ઈશ્વરથી વિમુખ છે તેમનો સંગ તજીને ભક્તિમય જીવન સુખ માટે આવશ્યક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)