Home Blog Page 1232

પેજર અને વોકી-ટોકી એટેક પર મોટો ઘટસ્ફોટ

લેબનોનમાં અચાનક પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની એક ન્યૂઝની તપાસમાં નવી માહિતી બહાર આવી છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ એક ન્યૂઝ ચેનલના ’60 મિનિટ્સ’ શોમાં તાજેતરમાં જ નિવૃત્ત થયેલા મોસાદના બે એજન્ટોએ ઈઝરાયેલના ઓપરેશનને લગતી મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

એક ન્યૂઝના પત્રકાર લેસ્લી સ્ટેહલે બંને મોસાદ એજન્ટો સાથે વાત કરી હતી. નેટવર્ક અનુસાર, આ બંને એજન્ટો પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટના ઇઝરાયેલ ઓપરેશન સાથે સંકળાયેલા હતા. બંને એજન્ટોની ઓળખ છૂપાવવા માટે ચેનલે તેમને ઢાંકી દીધા હતા અને એજન્ટોના નામ અને અવાજ બદલીને રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

એક દાયકા પહેલા આયોજન શરૂ થયું હતું

મોસાદના એજન્ટે જણાવ્યું કે આ ઓપરેશન લગભગ 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. વોકી-ટોકીમાં વિસ્ફોટકો મૂકવાનું શરૂ કરનાર મોસાદ સૌપ્રથમ હતું, પરંતુ તેને 10 વર્ષ સુધી ગુપ્ત રાખ્યું.

ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના એજન્ટ માઇકલ (નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે વોકી-ટોકીમાં વિસ્ફોટકો વાવવાની શરૂઆત એક દાયકા પહેલા કરવામાં આવી હતી, આ વિચાર સાથે કે હિઝબુલ્લાહ લડવૈયાઓ તેને છાતીની નજીક, એટલે કે હૃદયની નજીક રાખશે. મોસાદના એજન્ટ માઈકલ (નામ બદલ્યું છે)એ જણાવ્યું કે હિઝબુલ્લાએ મોસાદ દ્વારા ઉત્પાદિત લગભગ 16 હજાર વોકી-ટોકી સારી કિંમતે ખરીદી હતી.

પીઢ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે નિધન

મુંબઈ: બોલિવૂડમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની પ્રતિભા સાબિત કરી અને હટકેફિલ્મો માટે જાણીતા બન્યા. તેમણે 50 વર્ષથી વધુ સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં લાંબી સફર ખેડી.

મળતી માહિતી મુજબ શ્યામ બેનેગલનું મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં સાંજે નિધન થયુ.તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ફિલ્મોમાં આવતા પહેલા ફોટોગ્રાફી કરતા હતા

શ્યામ સુંદર બેનેગલનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ફિલ્મોની દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પરંતુ પછીથી તેણે ફોટોગ્રાફી શરૂ કરી. બોલિવૂડની દુનિયામાં તેમને આર્ટ સિનેમાના પિતા પણ માનવામાં આવે છે. જ્યારે તે બાર વર્ષના હતા ત્યારે તેણે તેના ફોટોગ્રાફર પિતા શ્રીધર બી સાથે કામ કર્યું હતું. બેનેગલ દ્વારા આપવામાં આવેલ કેમેરા પર તેની પ્રથમ ફિલ્મ બનાવી હતી.

ફિલ્મ ‘અંકુર’થી શરૂઆત કરી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેમણે ઘણી એડ એજન્સીઓ માટે કામ કર્યું હતું. શ્યામ બેનેગલે ‘અંકુર’ ફિલ્મથી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મે 43 એવોર્ડ જીત્યા હતા. આ પછી તેમણે ‘મંથન’, ‘કલયુગ’, ‘નિશાંત’, ‘આરોહન’ અને ‘જુનૂન’ જેવી ઘણી યાદગાર ફિલ્મો કરી હતી.

ઈન્દિરા ગાંધીએ વખાણ કર્યા હતા

એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ એકવાર તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમની ફિલ્મો માનવતાને તેના મૂળ સ્વરૂપમાં શોધે છે. સત્યજીત રેના અવસાન પછી શ્યામે તેમનો વારસો સંભાળ્યો.

પદ્મ ભૂષણથી સન્માનિત
તેમણે કલાના ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન આપ્યું અને વર્ષ 1991માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા. વર્ષ 2007 માં તેમને શ્રેષ્ઠ ભારતીય સિનેમા માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. શ્યામ બેનેગલની ફિલ્મોને સાત વખત શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જેમાં અંકુર (1974), નિશાંત (1975), મંથન (1976), ભૂમિકા (1977), મામ્મો (1994), સરદારી બેગમ (1996), ઝુબૈદા (1996)નો સમાવેશ થાય છે.

ગાયનેકોલોજિસ્ટથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સુધી…

“હું કંઈ કહું છું તેની અસર જો આજે લાખો લોકો પર પડે છે તો મારી એ નૈતિક જવાબદારી બને છે કે હું આજના યુવાનોને સારી-પોઝીટીવ વાતો શીખવું. એમનો સ્ટ્રેસ દૂર કરવા માટે કોમેડી વિડીયો બનાવીને તેમને હસાવું. હું આજે પ્રોફેશનલી એક ગાયનેકોલોજિસ્ટ છું. તો મારી કારકિર્દીની સફરથી પણ તેમને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરું.”

આ શબ્દો છે સોશિયલ મીડિયા પર ‘ડોક્ટર ગર્લ’ તરીકે જાણતા ડૉ. જિમ્મી પટેલના.

સોશિયલ મીડિયાના વધતા જતા ઈન્ફ્લુઅન્સ વચ્ચે આજે વાયરલ બનવું મોટી વાત નથી. પરંતુ તમે ક્યા કારણે વાયરલ થાવ છો તે ખૂબ જ મહત્વનું છે. સોશિયલ મીડિયા પર એવા કેટલાય ઈન્ફ્લુએન્સર્સ છે, જેઓ યુવાનોને સારા રસ્તે આગળ વધવા માટે પ્રેરણા આપતા હોય છે.

આવા જ એક ઈન્ફ્લુએન્સર એટલે ડૉ. જિમ્મી પટેલ. પ્રોફેશનલી ગાયનેકોલોજિસ્ટ, પણ શોખના કારણે શરૂ કરેલી સોશિયલ મીડિયાની સફરમાં જોડાયેલા લોકો આજે તેમનો બીજો પરિવાર બનો ગયો છે. ડૉ. જિમ્મીના ઈન્સ્ટાગ્રામ પર 162K ફોલોઅર્સ છે.

ચિત્રલેખા.કોમ ‘દીવાદાંડી’ વિભાગમાં ડૉ. જિમ્મી પટેલની આ સોશિયલ મીડિયા સફર વિશે વાત કરી.

ડૉ. જિમ્મી પટેલનો જન્મ સાબરકાંઠાના બાયડ તાલુકાના સરસોલી ગામે થયો. ઉછેર અમદાવાદમાં. માતા-પિતા બન્ને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા. ઘરમાં એક નાનો ભાઈ પણ ખરો. જિમ્મીબેનનો પોતાના વતન સાથેનો લગાવ ખૂબ જ ઉંડો છે. તેમનું કહેવું છે કે, “નાણપણથી કોઈપણ વાર-તહેવાર, બધાં જ વેકેશન અમે ગામડે જ કરતા આવ્યા છીએ. આથી હું ભલે અમદાવાદમાં રહું છું પરંતુ સાબરકાંઠા મારી અંદર રહે છે.”

નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર. શાળાનો અભ્યાસ મણિનગરમાં આવેલી દુર્ગા હાઇસ્કૂલમાં. M.B.B.S.નો અભ્યાસ વી. એસ. હોસ્પિટલમાંથી અને M.S. GYNECOLOGYનો અભ્યાસ તેમણે બી.જે. મેડિકલ કોલેજમાંથી કર્યો છે. પાંચ વર્ષથી તેઓ એક ગાયનેક હોસ્પિટલમાં કાર્યરત છે.

ઉત્તર ગુજરાતના આંજણા પટેલ સમાજમાંથી આવતા જિમ્મીબેનનું કહેવું છે કે, “મારા ઘડતરમાં માતાનો રોલ ખૂબ મહત્વનો છે. તેમણે મને નાનપણથી જ કહી દીધું હતું કે મારે ડોક્ટર અથવા તો પાયલોટ બનવાનું છે. આથી મારો ગોલ નાનપણથી જ નક્કી હતો અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારા પિતાની શીખામણો મને ખૂબ જ કામ લાગી. જ્યારે પણ એ લોકો કોઈ મહત્વની વાત કહે તો એની હું ગાંઠ બાંધી લઉં છું.”

સોશિયલ મીડિયાની સફર કેવી રીતે શરૂ થઈ?

ડૉ. જિમ્મી કહે છે, “કોરોના સમયમાં જ્યારે મારે OPD ઓછી હોય ત્યારે મારી મિત્ર રૂચિ અને ભાઈ સાહિલ સાથે ટાઈમપાસ માટે ટિકટોક પર વિડીયો બનાવવાના શરૂ કર્યા. 5 લાખથી વધુ ફોલોઅર્સ પણ બની ગયા. પછી તો લોકોને મજા પડવા લાગી એ જોઈને મને પણ વિડીયો બનાવવાની મજા આવવા લાગી. પરંતુ ટિકટોક પર પ્રતિબંધ આવી ગયો. પછી મેં જોયું કે ઈન્સ્ટાગ્રામ પર લોકોનો રસ વધી ગયો. લોકો સર્ચ કરી-કરીને મારા પેજ પર આવવા લાગ્યા. એવામાં મારો બનાસકાંઠાની બોલી વર્સિસ અમદાવાદની બોલીવાળો વિડીયો ખૂબ જ વાયરલ થયો. એટલે એવું લાગ્યું કે લોકોને હસાવવા માટે કે એન્ટરટેઈનમેન્ટ માટે આવા વધુ વિડીયો બનાવવા જોઈએ. આજે તો એવું થઈ ગયું છે કે ઈન્સ્ટા રીલ બનાવવા માટે મારી 6 માણસની ટીમ છે. જેની સાથે અમે ચર્ચા કરીને, પ્લાન બનાવીને વિડીયો શૂટ કરતા હોઈએ છીએ. મોટાભાગે મારી OPD હોય છે. આથી મારા ખાલી સમયમાં કેવી રીતે વિડીયો શૂટ કરી શકાય તેનું પ્લાનિંગ બનતું હોય છે. દરેક વખતે એવું નથી પણ બનતું. ક્યારેક પ્લાનિંગ વગર ઈન્સ્ટન્ટ વિચાર આવેને તેમાંથી પણ વિડીયો બની જાય છે.”

કેવાં પ્રકારના વિડીયો તમે વધારે બનાવો છો?

જવાબમાં જિમ્મીબેનનું કહેવું છે, “આમ તો હું જે બોલું તે લોકોને વધારે પસંદ આવે છે. પરંતુ હવે હું અને મારી ટીમ લોકોને હસાવવા માટે કેટલાંક ફની વિડીયો પણ બનાવીએ છીએ. હા પણ હું જે મારા વિચારો રજૂ કરું છું તે વિડીયો મિલિયન્સમાં શેર થતા હોય છે. ત્યારે મને વિચાર આવ્યો કે જો હું કંઈ કહું છું તો લોકો તેને સાંભળે છે. તો હવે હું વધારે સભાનપણે લોકોના જીવનમાં ઉપયોગી થાય તેમને પ્રેરિત કરે તેવાં વિડીયો વધારે બનાવું છું. આમ પણ હું ધાર્મિક પુસ્તકો વધારે વાંચું છું. તો તેમાંથી જે સારી વાતો હોય તે હું વધારે લોકો સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસો ચોક્કસથી કરું છું.”

આજે જે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ થઈ ગયું છે તેના વિશે તેમનું કહેવું છે, “મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મારું બાળપણ ગામડામાં વીત્યું છે. જેના કારણે મને આજે પણ દરેક ઝાડનાં નામ ખબર છે. ઝાડ પર કેવી રીતે ચઢાય તે ખબર છે. ઝાડ પરથી સીધા ફળો તોડીને ખાધા છે. આંબલી, કેરી, પપૈયુ, સીતાફળ, ચીકુ દરેક ફળના ઝાડ કેવાં હોય તે પણ ખબર છે. વેકેશનમાં અમે ખૂબ રખડતાં અને રમતા. આજના જેમ મોબાઈલ ફોન તો હોય જ નહીં. આઉટડોર ગેમ્સ જેટલી પણ હોય તે બધી જ અમે રમ્યા છીએ. આજે મારા કોઈ દર્દી આવીને એમ કહે કે મારું બાળક તમારી રીલ ખૂબ જ જુએ છે. તો હું તેમને કહું છું કે આ કોઈ ઉંમર નથી તમારા બાળકોની ફોન વાપરવાની કે મોબાઈલમાં રીલ જોવાની. તમારું બાળક હજુ નાનું છે, તેની બધી ઈન્દ્રિઓ અત્યારે એક્ટિવ થઈ રહી હોય તો તેને બને તેટલી આઉટડોર ગેમ્સ રમાડો. બાળકને ઈન્દ્રિયો ખીલવવા માટે જરૂરી હોય તેવી એક્ટિવિટી કરાવો.”

તેમની આ સફરમાં પરિવારના સાથ વિશે વાત કરતા ડૉ. જિમ્મી પટેલે કહ્યું કે, “આ સફરમાં મારો ભાઈ અને ખાસ મિત્ર રૂચિ હંમેશા સાથે હોય છે. હવે તો તેઓ મારી ટીમનો એક ભાગ બની ગયા છે. મારા પતિ દિપેશ ગજ્જરનો મોરલ સપોર્ટ પણ ખૂબ જ મળે છે. તેઓ મને હંમેશા એટલું જ કહે છે કે, સાચવીને કામ કરવું. કારણ કે સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં બધાં જ સારા હોય તેવું જરૂરી પણ નથી. હા, હજુ સુધી કોઈ ખરાબ અનુભવ થયો નથી. એકાદ બે કિસ્સામાં કેટલાંક લોકો મારાથી પ્રેરિત થઈને મને મળવા માટે હોસ્પિટલ આવી ગયા હતા. એક દીકરી જેણે MBBS પાસ કર્યું હતું તો ખૂબ દૂરથી મને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગઈ. આવીને મને કહે કે જો હું તમારા જેમ ગાયનેકોલોજિસ્ટ નહીં બની શકું તો હું ડિપ્રેશનમાં આવી જઈશ. તેને મેં એકાદ કલાક બેસાડીને ખૂબ જ સમજાવીને ઘરે મોકલી.”

 

જિમ્મીબેન ગરબા ક્લાસીસ પણ ચલાવે છે. દર વર્ષે તેઓ નવરાત્રીના ત્રણ મહિના પહેલાંથી જ ગોકુલ ટ્રેડિશનલ નામે ગરબા ક્લાસીસ ચલાવે છે. દર વર્ષે 200થી 250 બાળકો શીખવા આવે છે. એમાં ખાસ કરીને નાની બાળકીઓને ટ્રેડિશનલ ગરબા શીખવવામાં આવે છે. સાથે જ જિમ્મીબેને તૈયાર કરેલા ટ્રેડિશનલ કપડાંની ડિમાન્ડ પણ ખૂબ જ વધારે હોય છે. જેને લોકો ભાડે લઈ જતા હોય છે.

આગળ હવે શું?

જવાબમાં જિમ્મીબેનનું કહેવું છે, “સોશિયલ મીડિયાને લઈને મારા કોઈ ગોલ્સ નથી. આ તો મને કામ સિવાય જે સમય મળે છે તેમાં હું કરું છું. મને અત્યારે ગમે છે તો હું કરી રહી છું. જ્યારે આ કામ કરવું નહીં ગમે તો હું બંધ કરી દઈશ. જે ક્ષણે, જે સમયે, જે કરવાનું મન થાય અને એ તમને યોગ્ય લાગે, તેનાથી કોઈને નુક્સાન ન થતું હોય તો તે કામ કરવું જોઈએ. સોશિયલ મીડિયા સાથે મારી જે જવાબદારી વધી છે તેને સભાનપણે યાદ રાખીને યુવાઓને પ્રેરિત કરવા માટે અત્યારે તો કામ કરી જ રહી છું.”

(રાધિકા રાઓલ – અમદાવાદ)

બાંગ્લાદેશનું 200 કરોડનું વીજબિલ બાકી

બાંગ્લાદેશમાં સરકારના પલટા બાદ ઘણા વિવાદો સામે આવ્યા, જેમાં હિન્દુ લઘુમતી પર અત્યાર, લોકો ધર્મ પરિવર્ત કરાવવા આ ઉપરાંત બાંગ્લાદેશે ભારત પર પણ ઘણા આરોપો લગાવ્યા છે. પરંતુ ભારત સિવાય તેનો ઉદ્ધાર થાય તેમ લાગતુ નથી. બાંગ્લાદેશ પર ત્રિપુરા સરકારનું રૂ. 200 કરોડનુ વીજ બિલ બાકી હોવાનો ખુલાસો રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કર્યો છે. મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે, પાડોશી દેશ બાંગ્લાદેશને સપ્લાય થતી વીજ પર પ્રતિબંધ મુકવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડના માધ્યમથી ત્રિપુરા રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ પાડોશી દેશ બાંગ્લાદેશને 60-70 મેગાવોટ વીજ પુરવઠો મોકલે છે. જેના માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશે ત્રિપુરાને વીજ પુરવઠા બદલ રૂ. 200 કરોડની ચૂકવણી કરી નથી. આ રકમ વ્યાજ સાથે દરરોજે વધી રહી છે. જો બાકી ચૂકવવામાં નહીં આવે તો વીજ પુરવઠો અટકાવવામાં આવી શકે છે. જો કે, મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સરકાર માર્ચ, 2016થી બાંગ્લાદેશને વીજ પુરવઠો પૂરો પાડી રહી છે. ઓગસ્ટ, 2024થી બાંગ્લાદેશમાં સત્તાપલટો સહિત હિંસાની ઘટનાઓ બનતાં દેશ ત્રિપુરાને કોઈ ચૂકવણી કરી નથી. ત્રિપુરામાં વીજ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે અનેક મશીનરી બાંગ્લાદેશ (ચટગાંવ પોર્ટ)માંથી લાવવામાં આવી હતી. જેના બદલામાં ત્રિપુરા સરકારે એક કરાર બાદ બાંગ્લાદેશને પુરવઠો પહોંચાડવાનો નિર્ણય લીધો હતો. ત્રિપુરામાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ત્રણેય બાજુઓ પર બાંગ્લાદેશની સરહદ આવેલી છે. અગરતલામાં બાંગ્લાદેશના સહાયક ઉચ્ચ આયોગમાં સુરક્ષા ભંગ બદલ મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મુકેશ ખન્ના બાદ કુમાર વિશ્વાસનો સોનાક્ષીને લઈ શત્રુઘ્નને ટોણો

મુકેશ ખન્ના બાદ હવે કુમાર વિશ્વાસે આડકતરી રીતે શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહા પર નિશાન સાધ્યું છે અને તેમના પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. સોનાક્ષીનું નામ લીધા વિના કુમાર વિશ્વાસે કહ્યું કે બાળકોને રામાયણ શીખવવી જરૂરી છે. કુમાર વિશ્વાસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભલે કુમાર વિશ્વાસે આ સમયગાળા દરમિયાન શત્રુઘ્ન સિન્હા અથવા તેમની પુત્રી સોનાક્ષીનું નામ ન લીધું હોય, પરંતુ તેમના શબ્દો પીઢ અભિનેતા અને તેમની અભિનેત્રી સાથે જોડાયેલા છે.

શું કહ્યું કુમાર વિશ્વાસે?

કુમાર વિશ્વાસે કહ્યું,”તમારા બાળકોને રામાયણ શીખવો. તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોઈ શકે છે, પરંતુ તમારા ઘરમાંથી ‘લક્ષ્મી’ કોઈ બીજું છીનવી લે છે.” તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હાના ઘરનું નામ “રામાયણ” છે અને તેમની પુત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ મુસ્લિમ પરિવારમાંથી આવતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. નેટીઝન્સ કુમાર વિશ્વાસની ટિપ્પણીને સિંહા પરિવારના આંતર-ધાર્મિક લગ્ન પર કટાક્ષ માની રહ્યા છે.

શું કુમાર વિશ્વાસ સિંહા પરિવારને નિશાન બનાવી રહ્યા છે?

કાર્યક્રમ દરમિયાન કુમારે કહ્યું,”તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરાવો. હું એક સંકેત આપી રહ્યો છું, જે સમજે છે તેણે તાળીઓ પાડવી જોઈએ. રામાયણ શીખવો અને તમારા બાળકોને ગીતા સંભળાવો. એવું ના થવા દો કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય અને તમારા ઘરની શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.”

મુકેશ ખન્નાએ પણ સોનાક્ષીને ટ્રોલ કરી હતી

આ પહેલીવાર નથી જ્યારે સોનાક્ષી સિંહાને ‘રામાયણ’ સાથેના તેના કનેક્શનને લઈને ટીકાનો સામનો કરવો પડ્યો હોય. પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરેલા લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC) પર હિંદુ મહાકાવ્ય વિશેના પ્રશ્નનો ખોટો જવાબ આપવા બદલ અભિનેત્રીની ટીકા કરી હતી. થોડા દિવસો પહેલા મુકેશ ખન્નાએ તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાના નિવેદનોને યાદ કર્યા હતા. સોનાક્ષીએ પણ મુકેશ ખન્નાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો.

IND vs AUS: શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે આ ફાસ્ટ બોલરની ફિટનેસ અંગે માહિતી આપી અને તેને ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે ટેસ્ટ માટે અનફિટ જાહેર કર્યો. તાજેતરમાં, ત્રીજી ટેસ્ટ મેચ પછી, કેપ્ટન રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના અધિકારીઓને શમીની ફિટનેસ પર સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું અને હવે ભારતીય બોર્ડે તેને અનફિટ જાહેર કર્યો છે.

શમીને ઘૂંટણની ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની 18 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. શમી ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ ફાઈનલથી ભારતીય ટીમની બહાર છે અને રણજી ટ્રોફી દ્વારા મેદાનમાં પરત ફર્યો હતો. શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી.

શમીના ઘૂંટણમાં થોડો સોજો છે

બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે શમી ઘૂંટણની ઈજાને કારણે લાંબા સમયથી ટીમની બહાર છે અને તેઓ શમીના ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા રાખે છે. શમીની ફિટનેસ અંગે માહિતી આપતાં BCCIએ કહ્યું કે, BCCIની મેડિકલ ટીમ ભારતીય ફાસ્ટ બોલર શમી સાથે નજીકથી કામ કરી રહી છે જેથી તે ઈજામાંથી જલ્દી બહાર આવી શકે. શમી પગની ઘૂંટીની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હતો. શમીએ રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે બંગાળ માટે 43 ઓવર ફેંકી હતી. વધુમાં, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તમામ નવ મેચો રમી હતી, જ્યાં તેણે ટેસ્ટ મેચો માટે ફિટ થવા માટે વધારાના બોલિંગ સત્રોમાં ભાગ લીધો હતો.

જોકે, BCCIએ કહ્યું હતું કે બોલિંગ વર્કલોડને કારણે શમીના ડાબા ઘૂંટણમાં થોડો સોજો હતો. લાંબા સમય સુધી સતત બોલિંગ કર્યા પછી સોજો અપેક્ષિત સ્તરે છે. વર્તમાન તબીબી મૂલ્યાંકનના આધારે, BCCIની તબીબી ટીમે નક્કી કર્યું છે કે તેના ઘૂંટણને બોલિંગના ભારને નિયંત્રિત કરવા માટે વધુ સમયની જરૂર છે. આ કારણોસર શમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો નથી.

વિજય હજારે ટ્રોફીમાં રમવા પર શંકા

શમી ગયા અઠવાડિયે દિલ્હી સામેની વિજય હજારે ટ્રોફીની બંગાળની પ્રથમ મેચમાં રમ્યો ન હતો. BCCIએ પુષ્ટિ કરી છે કે મેડિકલ ટીમ શમીના વર્કલોડ પર સતત નજર રાખી રહી છે અને વિજય હજારે ટ્રોફી ODI ટૂર્નામેન્ટમાં તેનું રમવું તે કેટલી ઝડપથી સ્વસ્થ થાય છે તેના પર નિર્ભર રહેશે. બીસીસીઆઈએ કહ્યું, શમી બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં મેડિકલ સ્ટાફના નિરીક્ષણ હેઠળ રહેશે અને રમતના લાંબા ફોર્મેટ માટે ફિટ થવા માટે તેના બોલિંગ વર્કલોડ પર કામ કરશે. વિજય હજારે ટ્રોફીમાં તેનું રમવું તેના ઘૂંટણ કેટલી ઝડપથી સાજા થાય છે તેના પર નિર્ભર રહેશે.

રાહુલ ગાંધી મહારાષ્ટ્ર સરકાર પર થયા ગુસ્સે

રાયબરેલીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળ્યા હતા. રાહુલ ગાંધી નાંદેડ એરપોર્ટ પહોંચ્યા. આ પછી રોડ માર્ગે પરભણી પહોંચ્યા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ દ્વારા સૂર્યવંશીની હત્યા કરવામાં આવી છે. તેમણે મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી હિંસામાં જીવ ગુમાવનારા વિજય વાકોડેના પરિવારને પણ મળ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે સૂર્યવંશીની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ વંચિત સમાજના હતા અને બંધારણની રક્ષા કરતા હતા. પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ 100 ટકા કસ્ટોડિયલ ડેથનો મામલો છે. તેમણે કહ્યું કે કાર્યવાહી થવી જોઈએ.

મુખ્યમંત્રી વિધાનસભામાં ખોટું બોલ્યાઃ રાહુલ

પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સિવાય પરિવારે કેટલીક તસવીરો અને વીડિયો પણ બતાવ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ વિધાનસભામાં ખોટું બોલ્યા છે. યુવકની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કે તે વંચિત સમાજનો હતો.

RSSની વિચારધારા બંધારણનો નાશ કરવાની છે

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે આ ઘટના માટે કોણ જવાબદાર છે? તેના પર તેમણે કહ્યું કે વિચારધારા જવાબદાર છે. મુખ્યમંત્રી બોલ્યા છે, તેથી તેઓ પણ જવાબદાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસની વિચારધારા બંધારણને નષ્ટ કરવાની છે. રાહુલ ગાંધીએ આ કેસને વહેલી તકે ઉકેલવા અને દોષિતોને સજા કરવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે સૂર્યવંશીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેણી પર અત્યાચાર નથી થયો. સીસીટીવી ફૂટેજમાં પણ ક્રૂરતાનો કોઈ પુરાવો નથી. જોકે, સીએમ ફડણવીસે પરભણી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

રિટેલ બજારમાં સરકારની ‘દાળ’ નહીં ગળતાં કેન્દ્ર લાલઘૂમ

નવી દિલ્હીઃ દેશમાં દાળની વધેલી કિંમતોએ ગૃહિણીઓનું બજેટ બગાડી દીધું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારે બ્રાઝિલથી દાળ અને ખાદ્ય તેલની આયાતની પહેલ કરી છે, જેથી બજારમાં પુરવઠો વધે તો ભાવ ઘટવાની ધારણા સરકારને હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમા જથ્થાબંધ બજારમાં કિંમતો ઘટવા છતાં રિટેલ માર્કેટમાં દાળની કિંમતો ઘટવાનું નામ નથી લેતી. જેથી સરકારે રિટેલ ઇન્ડસ્ટ્રીને છૂટક બજારમાં ભાવઘટાડો કરવાની ચેતવણી આપી હતી.

સ્થાનિક જથ્થાબંધ બજારોમાં અડદ દાળ, ચણા દાળ, મસૂર કે તુવેર દાળની કિંમતો પાંચથી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે અને સરકારના તમામ પ્રયાસો છતાં રિટેલ માર્કેટમાં કિંમતો હજી પણ ઊંચી છે, જેથી સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં છે.

કન્ઝ્યુમર અને ખાદ્ય પુરવઠા મંત્રાલયના અધિકારીઓએ હાલમાં દાળોની કિંમતોને લઈને રિટેલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને મોટી રિટેલ ચેઇન કંપનીઓની સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. સરકારે નિર્દેશ આપ્યા છતાં રિટેલ માર્કેટમાં દાળની કિંમતો નહીં ઘટતાં નારાજી વ્યક્ત કરી હતી. હવે સરકારે રિટેલર્સ પર 15થી 20 ટકા દાળની કિંમતો ઘટાડવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. સરકારને લાગે છે કે રિટલર્સ વધુ માર્જિન રળી રહ્યા છે. હવે જો દાળોની કિંમત નહીં ઘટે તો સરકાર ખુલ્લા બજારમાં દાળોનું વેચાણ કરવાનું પણ વિચારી રહી છે.

જથ્થાબંધ બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં તુવેર અને અડદની કિંમતોમાં સરેરાશ 10થી 20 ટકાનો ઘટાડો થયો છે, પણ રિટેલ બજારમાં કિંમતો ટસની મસ નથી થતી, જેથી સરકાર લાલઘૂમ છે અને આકરાં પગલાં લેવાના મૂડમાં છે.

સરકારે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ થયેલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવશે. અસફળ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે, પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળા ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.

ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને અસર થશે

સરકારનું માનવું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના હેતુથી મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.

બે મહિનામાં ફરી પરીક્ષાની તક

આ નવી સિસ્ટમ અનુસાર નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થાય છે, તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.

શિક્ષણ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે, કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગલ્ફ દેશોએ પાકિસ્તાનના વિઝા પર પ્રતિબંધ લાદ્યો

સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE), સાઉદી અરેબિયા અને અન્ય ઘણા ગલ્ફ દેશોએ પાકિસ્તાનના 30 શહેરોના લોકોને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને તેમના પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદી દીધો છે. જેના કારણે પાકિસ્તાની પાસપોર્ટ સતત ત્રીજા વર્ષે વિશ્વમાં ચોથા ક્રમે સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે. આ સિવાય UAEએ પાકિસ્તાનના વિઝા અરજદારો માટે પોલીસ દ્વારા જારી કરાયેલ કેરેકટર સર્ટીફીકેટ સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગલ્ફ દેશો દ્વારા પાકિસ્તાની વિઝા એપ્લીકેશન નકારવા પાછળ ઘણા કારણો છે. જેમાં ભિખારીઓ અને ડ્રગ સ્મગલર્સ મુખ્ય કારણ છે, તેઓ પ્રવાસી અથવા જોબ વિઝા પર ગલ્ફ દેશોમાં પહોંચીને સમ્ગલીંગ કરતા પકડાય છે. ઘણા પાકિસ્તાનીઓ પણ ડ્રગ્સની દાણચોરી કરતા પકડાયા છે. ગલ્ફ દેશોમાં ભરતી કરતી કંપનીઓ, ખાસ કરીને જેઓ ગલ્ફ દેશોમાં મજૂરો મોકલવામાં સામેલ છે, તેઓ પણ બનાવટી દસ્તાવેજો અને અનુભવ પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ટીમને ત્યાં સુધી પહોંચાડે છે. તેઓ એજન્સીઓને લાંચ આપીને કામ કરાવે છે. ગલ્ફ દેશોની ઘણી કંપનીઓએ ફરિયાદ કરી છે કે એજન્સીઓ દ્વારા મોકલવામાં આવતા લોકો સંબંધિત નોકરીની મૂળભૂત જરૂરિયાતોને પણ પૂરી કરવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. આથી અખાતી કંપનીઓ હવે પાકિસ્તાનમાંથી કોઈ મજૂર કે ટેકનિશિયન રાખવા માગતી નથી કારણ કે તેઓ જાણે છે કે પાકિસ્તાનથી આવનાર વર્કફોર્સ બિનકાર્યક્ષમ સાબિત થશે. તેમને ભારત, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દેશોના લોકોને નોકરી પર રાખીને વધુ સારું કામ મેળવી શકે છે.