Home Blog Page 1218

બગોદરામાં 102 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, 25 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે.દાહોદમાં પોશડોડા ગાંજાનો જથ્થો, ભરૂચમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ હવે બગોદરામાંથી વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો છે. બગોદરા હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકમાં ચેકિંગ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને ટ્રકમાંથી 102 કિલો ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત બગોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઓરીસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત આવ્યો હોવાની વાત પણ સામે આવી છે. પોલીસે કુલ 10.24 લાખના ગાંજા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યુ હતું. જેમાં ઓડિસાથી આવતા ટ્રકમાં 102 કિલ્લો ગાંજા સાથે એક આરોપીને પોલસે ઝડપી પાડ્યો હતો. આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે. હજી સુધી સામે આવ્યું નથી કે આ ગાંજો કોણે મંગાવ્યો હતો,પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આ ગાંજો બગોદરા થઈને ખેડા પહોંચાડવાનો હતો. બનાવની જાણ થતા જ ધંધુકા ડીવીઝનના ASP સહિત બગોદરા, કેરલા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગાંજાનું વજન કરવા સહિતની કામગીરી હાથ ધરી NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધ રી હતી. ગાંજાનો જથ્થો ક્યા લઇ જવાનો હતો અને કોને આપવાનો હતો તે તમામ માહિતી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી બાજું ભાવનગરના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના ગુનામાં પોલીસે જપ્ત કરેલો રૂા.17,69,802ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ પોશ ડોડાના જથ્થાનો નાશ કર્યો હતો. અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ અંકલેશ્વરની કંપનીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અર્શદીપ સિંહ T20I ક્રિકેટર ઓફ ધ યર બન્યો

ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહને શનિવારે મોટી ખુશી મળી. અર્શદીપે ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ માટે કુલ ચાર ખેલાડીઓ રેસમાં હતા. ૨૫ વર્ષીય અર્શદીપે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને હરાવીને આ એવોર્ડ જીત્યો. 2022 માં ડેબ્યૂ કરનાર અર્શદીપને પહેલી વાર આ એવોર્ડ મળ્યો છે.

 

ગયા વર્ષે ભારતીય બોલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત મેચોમાં પ્રભાવ પાડ્યો. અર્શદીપે 2024માં 18 T20 મેચોમાં 36 વિકેટ લીધી હતી. તે સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. એક કેલેન્ડર વર્ષમાં ફક્ત ચાર ખેલાડીઓએ અર્શદીપ કરતાં વધુ T20I વિકેટ લીધી છે. તેમના પછી સાઉદી અરેબિયાના ઉસ્માન નજીબ (38), શ્રીલંકાના વાનિન્દુ હસરંગા (38), યુએઈના જુનૈદ સિદ્દીકી (40) અને હોંગકોંગના એહસાન ખાન (46)નો ક્રમ આવે છે.

અર્શદીપે 15.31 ની સરેરાશથી વિકેટ લીધી. તેણે મોટાભાગે પાવરપ્લે અને ડેથ ઓવરમાં બોલિંગ કર્યા હોવા છતાં વર્ષનો અંત 7.49 ના ઇકોનોમી રેટ સાથે કર્યો. તેનો સ્ટ્રાઇક રેટ ૧૦.૮૦ હતો. તેણે 2024ના T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ટુર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ (૧૭) લીધી અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. ભારતે 11 વર્ષના આઈસીસી ટાઇટલ દુકાળનો અંત લાવ્યો.

તેણે T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં યુએસએ સામે પોતાની શ્રેષ્ઠ બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ લીધી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. તેણે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ અસરકારક બોલિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકા સામેની ટાઇટલ મેચમાં, અર્શદીપે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપ્યા અને બે મહત્વપૂર્ણ વિકેટો ઝડપી. અર્શદીપને 2024 ની પુરુષોની T20 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં 26મીની પરેડમાં રમાનાર મણિયારો રાસ શું છે?

26મી જાન્યુઆરી, 2025ના રોજ ભારત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું એ પછીથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા હોય છે.

આ દિવસે રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલા કર્તવ્ય પથ પર યોજાતી ભવ્ય પરેડમાં રાષ્ટ્રપતિ સલામી ઝીલે છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ પણ છે. આ પરેડમાં ભારતીય સૈન્ય પોતાની નવી ટેન્કો, મિસાઇલો, રડાર વગેરેનું પ્રદર્શન પણ કરે છે. આ સિવાય, રાજ્યોની વાઇબ્રન્ટ ઝાંખીઓ પ્રદર્શિત થાય છે. ઝાંખી અને પરેડ 1950થી ચાલી આવતી વાર્ષિક પરંપરા છે.

આ વર્ષે “વિરાસત અને વિકાસ” શીર્ષક હેઠળ ગુજરાત રાજ્યની અનોખી ઝાંખીની રજૂઆત કરવામાં આવી રહી છે, જેમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોને રજૂ કરવામાં આવ્યા છે. આ ઝાંખી સાથે પોરબંદર જિલ્લાના ભાવપરા ગામની આવળ રાસ મંડળ ની ટીમ મણિયારો રાસ રજૂ કરવાની છે. આ મંડળના પ્રમુખ સમાન લાખણશીભાઈ ઓડેદરા સાથે ચિત્રલેખા.કોમ‘છોટી સી મુલાકાત’ માં તેમના અનુભવો વિશે વાતચીત કરી.

ચિત્રલેખા: તમારું 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મણિયારો રાસ રજૂ કરવા માટેનું સિલેક્શન કેવી રીતે થયું?

લાખણશીભાઈ ઓડેદરા: પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અમે વેબસાઈટમાં અમારી દાવેદારી નોંધાવી હતી. તેમાં અમારા ગ્રુપ અને અમારા પરંપરાગત ડાન્સ ફોર્મ વિશેની વિગતો આપી હતી. આ સિવાય અમે વર્ષો જે કાર્યક્રમો કરતા આવ્યા છીએ. દેશ-વિદેશમાં જે કાર્યક્રમો કર્યા છે તેનાં વિશે માહિતી આપી હતી. ત્યાંથી અમારું સિલેક્શન થયું હતું.

ડાન્સ ફોર્મ મણિયારા વિશે થોડું જણાવો…

પોરબંદરમાં રમાતો મણિયારો રાસ દેશ-વિદેશમાં અલગ જ ખ્યાતિ ધરાવે છે. પોરબંદરમાં મેર સમાજના લોકો પરંપરાગત ચોયણી અને કેડિયું પહેરીને આ શૌર્ય રસથી ભરપૂર રાસ રમે છે. મેર એ ખમીરવંતી પ્રજાતિ અને તેણે પ્રાચીન સમયમાં પોતાના વતન માટે અનેક યુદ્ધ લડ્યા હતા. યુદ્ધમાં જીત હાંસલ કર્યા બાદ બુંગીયો ઢોલ વગાડવામાં આવતો હતો. યુદ્ધ બાદ મનાવવામાં આવતા વિજ્યોત્સવમાં આ મણિયારો રાસ તલવારો સાથે રમવામાં આવતો. આજના સમયમાં મેર લોકો જન્માષ્ટમી, હોળી, નવરાત્રી, લગ્નોત્સવ અને રાષ્ટ્રીય પર્વ જેવાં તહેવારોમાં પરંપરાગત પોષાક પેહરીને મણિયારો રાસ રમે છે. મણિયારો રાસ રમવા શરણાઈ, ઢોલ અને પેટી-વાજુ જેવા સંગીત વાદ્ય હોવા અનિવાર્ય છે.

તમારા આવળ રાસ મંડળ વિશે જણાવો…

અમારા રાસ મંડળની સ્થાપના 1998માં થઈ હતી. હું નાનપણથી જ મણિયારો રાસ સારું રમતો હતો. ઢોલ, હાર્મોનિયમ પણ વગાડી શકું. આથી અમારા આ પરંપરાગત લોક નૃત્યને યુવાનો સુધી લઈ જવા અને તેને આગળ વધારવા માટે મેં આ રાક મંડળની સ્થાપના કરી હતી. હું અમારા ગામના યુવાનોને આ રાસ શીખવવા લાગ્યો. રાણાભાઈ આલાભાઈ સીડા એ મારા ગુરૂ છે. એમની પ્રેરણાથી મેં આ રાસ મંડળ શરૂ કર્યું. જેમાં મારા સિવાય ગામના અન્ય યુવાનો જોડાયા હતા. પહેલો પ્રોગ્રામ અમે અમારા ગામના માતાજી આવળ માતાના મંદિરે કર્યો. અમારી આસપાસના ગામોમાં જઈને અમે લોકો પ્રોગ્રામ કરતા હતા. દિવસ દરમિયાન અમે લોકો રોજિંદા કામ કરતા અને રાત પડે અમે લોકો પ્રેક્ટિસ કરતા. હું મારી પોતાની સમજથી ગીતો પર કોરિયોગ્રાફી તૈયાર કરતો હતો. વડીલોના આશીર્વાદથી ગ્રામ્ય વિસ્તારોમાં નાના-નાના કાર્યક્રમો કરતા હતા.

તમને પહેલું મોટું પ્લેટફોર્મ ક્યારે મળ્યું? કેવી રીતે મળ્યું?

મારા ગુરૂ રાણાભાઈએ અમને માર્ગદર્શન આપ્યું. 2003ના વર્ષમાં અમે પ્રથમ વખત નેશનલ ટ્રેડના પ્રોગ્રામમાં દિલ્હી ખાતે કાર્યક્રમ રજૂ કર્યો હતો. એ કાર્યક્રમમાં અમારા મંડળ તરફથી લગભગ દોઢસો છોકરાઓએ રાસ રજૂ કર્યો હતો. બધાં જ છોકરા મોટાભાગે 12થી 15 વર્ષની વચ્ચેની ઉંમરના હતા. ત્યારે પશ્ચિમ ઝોન, સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા અમને કાર્યક્રમ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. આજુ-બાજુના રાજ્યોમાંથી પણ અમને કાર્યક્રમો કરવા માટે આમંત્રણ મળવા લાગ્યું. અનેક હરિફાઈમાં ભાગ લીધો. પહેલાં પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા બનતા, પછી રાજ્ય કક્ષાની હરિફાઈમાં વિજેતા બનવા લાગ્યા અને પછી તો રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતાઓમાં અમે વિજેતા બનતા યુવાનોને ખૂબ જ પ્રોત્સાહન મળવા લાગ્યું.

સૌથી યાદગાર કાર્યક્રમ તમને અત્યાર સુધીનો ક્યો લાગે છે?

2003માં જ હૈદ્રાબાદમાં આફ્રો-એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમને અમારો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો હતો. જે અમારી માટે એક યાદગાર પ્રસંગ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પણ અમને અમારી કલા રજૂ કરવાનો અવસર મળ્યો હતો. ભારત પર્વ પ્રોગ્રામમાં પણ અમને આમંત્રણ મળ્યું હતું. તરણેતરના મેળામાં તો અમારું મંડળ સતત સાત વર્ષ સુધી વિજેતા બન્યું છે. આ સિવાય આંતરરાજ્ય કાર્યક્રમો તો અમે અનેક કર્યા છે. એ સિવાય અમે 2012માં મોરેશિયશ ખાતે ભારત સરકારના આમંત્રણથી પ્રોગ્રામ કરવા માટે ગયા હતા. ત્યારથી ક્યારેય પાછળ વળીને જોયું નથી. 2025માં અમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં 5,000 જેટલાં કલાકારો સાથે અમારી કલાને રજૂ કરવાનો અવસર મળ્યો છે. તે અમારા માટે એક મોટી ઉપલબ્ધિ જ છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમે જે કાર્યક્રમ રજૂ કરવાના છો તેમાં કેટલાં સભ્યો છો?

આ કાર્યક્રમમાં અમે 17 લોકો છીએ. જેમાં 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના લોકો છે જે મણિયારો રાસ રજૂ કરવાના છે. ત્યાં કર્તવ્ય પથ પર જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ અમે પહોંચીયે ત્યારે માત્ર 40 સેકન્ડમાં જ અમારે અમારી રજૂઆત કરવાની છે, જેના માટે અત્યારે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ) 

દિલ્હી ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર ભાગ-3 જાહેર

દિલ્હીની ચૂંટણી માટે હવે બહુ ઓછો સમય બાકી છે, તેથી રાષ્ટ્રીય રાજધાનીમાં રાજકીય તાપમાન ઊંચું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે શનિવારે દિલ્હી ચૂંટણી માટે પાર્ટીના ઢંઢેરાના ભાગ-3નું પ્રકાશન કર્યું. આ દરમિયાન તેમણે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કેજરીવાલ પોતાના વચનો પૂરા કરતા નથી. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગરીબ કલ્યાણ માટેની એક પણ યોજના બંધ કરવામાં આવશે નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે અમે 2025 વિધાનસભા ચૂંટણી સંકલ્પ પત્રના અંતિમ સંસ્કરણને લોન્ચ કરવા માટે અહીં છીએ. અમારા માટે, મેનિફેસ્ટો વિશ્વાસ અને આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ તેના વિશે છે. વાત ખોટી આશાઓ વિશે નથી. 2014 થી, પીએમએ પ્રદર્શનની રાજનીતિનો પાયો નાખ્યો છે. અમે બધા જૂથોના મતદારોને મળ્યા છીએ. યુવાનો, સ્ત્રીઓ, ઝૂંપડપટ્ટીવાસીઓ વગેરે તરફથી 1 લાખ 8 હજાર સૂચનો લેવામાં આવ્યા હતા. 62 વિભાગોની ચર્ચા કરવામાં આવી. અમારો મેનિફેસ્ટો સમગ્ર દિલ્હીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે ભાજપનો ઢંઢેરો કામ કરવા વિશે છે. ભાજપે ચૂંટણી દરમિયાન આપેલા બધા વચનો પૂરા કર્યા છે. ભાજપે આ સંકલ્પ પત્ર તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ સંકલ્પ પત્ર દિલ્હીના બજેટને જોયા અને સમજ્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે.

કેજરીવાલ પર સીધું નિશાન સાધ્યું

કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેજરીવાલ વચનો આપે છે પણ તેને પૂરા કરતા નથી અને નિર્દોષ ચહેરા સાથે આવે છે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ બંગલો નહીં લે, પરંતુ તે બંગલાને સજાવવા માટે 51 કરોડ રૂપિયા ખર્ચ્યા. દિલ્હીના લોકો તમારી પાસેથી આનો જવાબ માંગે છે. તમે કોઈ શાળા, મંદિર, ગુરુદ્વારા છોડ્યા નથી. બધે દારૂની દુકાનો ખુલી ગઈ. કેજરીવાલ દિલ્હીમાં એવી સરકાર ચલાવી રહ્યા છે, જે વચનો આપે છે, પણ પૂરા નથી કરતી અને ફરીથી જૂઠાણાના મોટા ઢગલા અને નિર્દોષ ચહેરા સાથે જનતા સમક્ષ દેખાય છે. મેં મારા રાજકીય જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને આટલું સ્વચ્છ ખોટું બોલતા જોયા નથી.


શાહે કહ્યું, કેજરીવાલે કહ્યું હતું કે તેઓ 7 વર્ષમાં યમુનાને સાફ કરશે અને તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ યમુનામાં ડૂબકી લગાવશે. અમે તમારા યમુનામાં ડૂબકી લગાવવાની રાહ જોઈ રહ્યા છીએ. ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાનો દિવસ. તમે આ સિવાય કંઈ કર્યું નહીં. જામીન મળતાની સાથે જ તમે કહ્યું કે હું સ્વચ્છ છું, કેજરીવાલ જી તમે જામીન પર બહાર આવી ગયા છો, પણ આરોપો સમાપ્ત થયા નથી. સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા દિલ્હીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તમે વચન આપ્યું હતું કે દિલ્હીને દલિત નાયબ મુખ્યમંત્રી મળશે, પરંતુ છેલ્લા દસ વર્ષમાં, અત્યાર સુધી કોઈ દલિત નાયબ મુખ્યમંત્રી મળ્યો નથી.

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતની યાત્રા પર આવેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતાઓએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ બનવા માટે ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓની વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર (MOU) થયા હતા.

PM મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગણતંત્ર દિવસના અવસર પર ઈન્ડોનેશિયા મુખ્ય અતિથિ દેશ હતો અને એ અમારા માટે ગર્વની વાત છે કે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ઈન્ડોનેશિયા ફરી એક વાર આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2018માં ઇન્ડોનેશિયાની મારી મુલાકાત દરમિયાન અમે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે અમારી ભાગીદારીને આગળ વધારી હતી. આજે મેં રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે અમારા પરસ્પર સહયોગના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને આગળ વધારવા માટે, અમે ઉત્પાદન અને પુરવઠામાં સાથે મળીને કામ કરવાનું પણ નક્કી કર્યું છે, અમે દરિયાઈ સુરક્ષા, આતંકવાદવિરોધી અને કટ્ટરપંથીકરણમાં સહયોગ પર પણ ભાર મૂક્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમુદ્રીય સુરક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં આજે થયેલા કરારથી ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં અમારો સહયોગ વધુ મજબૂત બનશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારો દ્વિપક્ષી વેપાર ઝડપથી વધ્યો છે. ગયા વર્ષે એ $30 બિલિયનથી વધુ હતો.

આ પહેલાં એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટાએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ઈન્ડોનેશિયાના ચોથા રાષ્ટ્રપતિ છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. PM મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની હાજરીમાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે MOUની આપ-લે કરવામાં આવી હતી.

AAPનું નવું પોસ્ટર વોર, રાહુલ ગાંધીને પણ ભ્રષ્ટ કહ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનના બે ઘટક પક્ષો AAP અને કોંગ્રેસ પણ એકબીજા પર જોરદાર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસે દારૂ કૌભાંડ સંબંધિત એક ઓડિયો બહાર પાડ્યો, તો AAPએ કોંગ્રેસના સૌથી મોટા નેતા રાહુલ ગાંધીને ભ્રષ્ટ ગણાવતું પોસ્ટર બહાર પાડ્યું. એવું પણ લખ્યું છે કે કેજરીવાલ તેમને છોડશે નહીં.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા પોસ્ટરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભ્રષ્ટ દર્શાવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમને છોડશે નહીં. આ પહેલી વાર છે જ્યારે દિલ્હીમાં શાસક પક્ષે રાહુલ ગાંધીને ભ્રષ્ટ કહ્યા છે. ભલે AAP અને કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સનો ભાગ છે, પરંતુ દિલ્હીની ચૂંટણીમાં બંને એકબીજાની વિરુદ્ધ ઉભા છે.

AAP દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે કે, કેજરીવાલની પ્રામાણિકતા બધા અપ્રમાણિક લોકો પર જીત મેળવશે. પોસ્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રમેશ બિધુરી, વીરેન્દ્ર સચદેવ અને અનુરાગ ઠાકુર અને અન્ય ભાજપ નેતાઓ પણ છે. દરમિયાન કોંગ્રેસના નેતાઓમાં રાહુલ ગાંધી, અજય માકન અને સંદીપ દીક્ષિતનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ અને AAP રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા બ્લોકનો ભાગ છે. અન્ય ગઠબંધન ભાગીદારો શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે પણ કોંગ્રેસને બદલે AAP ને ટેકો આપ્યો છે. આ કારણે બંને પક્ષો વચ્ચેનો મતભેદ વધુ વધ્યો છે. દિલ્હી વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ અને કથિત દારૂ કૌભાંડનો ઉલ્લેખ કરીને, કોંગ્રેસ દિલ્હીમાં વિકાસના અભાવ અને ભ્રષ્ટાચારને લઈને AAPને ઘેરી રહી છે.

ચોટીલા ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર

સુરેન્દ્રનગર: ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરનારા સામે તંત્ર એક્શમાં મોડમાં આવ્યું છે. પાછલા એક સપ્તાહમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા સહિત આસપાસના ટાપુ પર દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હવે દાદાનું બુલડોઝર સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વળ્યું છે. યાત્રાધામ ચોટીલામાં વહીવટીતંત્ર દ્વારા ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્રે બુલડોઝર ફેરવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોટીલા વહીવટી તંત્ર સહિતની ટીમ દ્વારા ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં ગેરકાયદે અને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથધરવામાં આવી હતી. જેમાં બુલડોઝરની મદદથી તળેટી વિસ્તારમાં આવેલ અલગ-અલગ અંદાજે 200થી વધુ દુકાનોના છાપરાઓને જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા હતા. ડેપ્યુટી કલેક્ટરના નેતૃત્વમાં થયેલી આ કાર્યવાહી પહેલા વહીવટીતંત્રે તમામ અતિક્રમણકારોને નોટિસ આપી હતી અને સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સૂચના છતાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યા ન હતા. તેથી વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડુંગરની તળેટીથી રસ્તા સુધી અતિક્રમણ કરાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. દબાણો હટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું અને અતિક્રમણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ અતિક્રમણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હમાસે 4 ઇઝરાયલી સૈનિકોને મુક્ત કર્યા

હમાસ અને ઇઝરાયલ યુદ્ધવિરામ: ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કર્યા. અહેવાલ મુજબ ચાર સૈનિકો (કરિના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલ્બાગ) ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે.

તેલ અવીવમાં ખુશીની લહેર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલાં હમાસના બંદૂકધારીઓ અને લોકોનો મોટો ટોળો ગાઝા શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર પર એકઠા થયા હતા. મહિલાઓને પેલેસ્ટાઇનના વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવી હતી. તેણે સ્મિત કર્યું અને ભીડ તરફ હાથ લહેરાવ્યો. પછી તેઓ રેડ ક્રોસના વાહનોમાં સવાર થયા. ગાઝામાં ચાર બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવતાં તેલ અવીવના એક ચોકમાં જ્યાં બંધકોના પરિવાર અને મિત્રો ભેગા થયા હતા ત્યાં ખુશીના ગડગડાટ શરૂ થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારેયની રિલીઝ મોટા સ્ક્રીન પર લાઈવ બતાવવામાં આવી હતી અને તેલ અવીવમાં લોકો રડતા, હસતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

7 ઓક્ટોબરના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટ અનુસાર, ચારેય મહિલાઓ ઇઝરાયલી સૈનિકો છે જેમનું 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન ઇઝરાયલના નાહલ ઓઝ લશ્કરી મથક પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે લશ્કરી દેખરેખ એકમની સભ્ય હતી. આ ચારના બદલામાં, ઇઝરાયલ 200 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. કુલ મળીને, ઇઝરાયલ ૧૮૦૦-૧૯૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ ચારના બદલામાં, ઇઝરાયલ ૨૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયલ કુલ ૧૮૦૦-૧૯૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.

ગયા રવિવારે અમલમાં આવેલા યુદ્ધવિરામના પહેલા તબક્કા દરમિયાન ઇઝરાયલ ગાઝામાં બંધક બનેલા દરેક ઇઝરાયલી સૈનિક માટે 50 પેલેસ્ટિનિયન કેદીઓને અને દરેક અન્ય મહિલા બંધક માટે 30 કેદીઓને મુક્ત કરવા સંમત થયું હતું. ત્યારથી કેદીઓની આ બીજી અદલાબદલી હશે. પ્રથમ વાતચીતમાં ત્રણ મહિલા ઇઝરાયલી બંધકો અને 90 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ જોવા મળી.

પ્રજાસત્તાક દિને 942 જવાનોને અપાશે વિવિધ વીરતા પદક

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ 2025ના અવસરે પોલીસ, અગ્નિશમન, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/સેવા (શૌર્ય) પદકથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, એમા 95 સૈનિકોને શૌર્ય પદક, 101ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રજાસત્તાક દિને ૯૫ વીરતા પુરસ્કારોમાંથી તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા હતા. નક્સલવાદી વિસ્તારના 28 સૈનિકો, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 સૈનિકો, ઉત્તર-પૂર્વના 03 સૈનિકો અને અન્ય વિસ્તારોના 36 સૈનિકોને તેમનાં વીરતાપૂર્ણ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આમાં 78 પોલીસ કર્મચારીઓ અને 17 ફાયર સર્વિસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.વિશિષ્ટ સેવા  માટે 101 રાષ્ટ્રપતિ પદકોમાંથી, 85 પોલીસ સેવાને, પાંચ ફાયર સર્વિસને, સાત નાગરિક સંરક્ષણ-હોમગાર્ડ્સને અને 4 સુધારા વિભાગને આપવામાં આવ્યા છે. સરાહનીય સેવા માટે 746 મેડલ (MSM)માંથી 634 પોલીસ સેવાને, 37 ફાયર સર્વિસને, 39 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ્સને અને 36 સુધારા સર્વિસને એનાયત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM) મેળવનારા સૈનિકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે છે. વીરતા પદક  મેળવનારા સૈનિકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિનો વિશિષ્ટ સેવા ચંદ્રક (PSM) સેવામાં અસાધારણ રીતે વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે અને મેરીટોરીયસ સેવા ચંદ્રક (MSM) સાધનસંપન્નતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા દર્શાવવામાં આવતી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે.

ઇટ્રા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન

જામનગર: ‘ઇટ્રા’(Institute of Teaching and Research in Ayurverda) દ્વારા શહેરમાં એક ખાસ પ્રકલ્પ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 100 દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.25 જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબીબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદી માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી.

સવારે 10-00 થી 11-00 સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી, નાયબ નિયામક ડો. જોબન મોઢા, ડિન સહિતના કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.