Home Blog Page 1213

AIMIM નેતા તાહિર હુસૈનને ચૂંટણીપ્રચાર માટે શરતી જામીન મંજૂર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે AIMIM નેતા અને મુસ્તફાબાદ સીટથી ઉમેદવાર તાહિર હુસૈનને 29 જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કસ્ટડી પેરોલ આપ્યા છે. તાહિર હુસૈન દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે.  

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે  હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી દિવસના સમયે (જેલ મેન્યુઅલ મુજબ 12 કલાક માટે) ચૂંટણીપ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. કોર્ટે હુસૈનને રૂ. 2.07 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ બે દિવસનો પોલીસ સુરક્ષા ખર્ચ છે.

કોર્ટે તાહિરને આ કેસ પર ટિપ્પણી ન કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તાહિર તેના ઘરે ​​​​​​(અહેવાલ મુજબ જ્યાં રમખાણો થયાં હતાં) નહીં જાય, જે મુસ્તફાબાદ મતવિસ્તારની નજીક છે. હુસૈન અને અધિકારીઓ એક હોટેલમાં જ રોકાશે.

સુપ્રીમ કોર્ટે તાહિર હુસૈનના વકીલને પૂછ્યું કે આ સિવાય બીજા કેટલા કેસ છે, જેમાં જામીન મળ્યા નથી. તેણે કહ્યું કે બે કેસમાં જામીન માટેની તેની અરજી ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ વચગાળાના જામીન આપશે તો તે ઘરે નહીં જાય, પરંતુ હોટેલમાં રહેશે.તાહિર હુસૈન દિલ્હી રમખાણોના આરોપમાં 4 વર્ષ 9 મહિનાથી જેલમાં છે. 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ તાહિરની જામીન અરજી પર સર્વસંમતિ પર પહોંચી શકી ન હતી. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા તાહિરને જામીન આપવાની તરફેણમાં હતા, જ્યારે જસ્ટિસ પંકજ મિત્તલે અરજી ફગાવી દીધી હતી.

શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર કર્યો ગોળીબાર

મંગળવારે સવારે શ્રીલંકાના નૌકાદળે ડેલ્ફ્ટ ટાપુ નજીક ગોળીબાર કર્યો અને 13 માછીમારોની અટકાયત કરી. માછીમારોને અટકાયતમાં લેતી વખતે શ્રીલંકાના નૌકાદળે પણ ગોળીબાર કર્યો, જેમાં પાંચ માછીમારો ઘાયલ થયા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે અને શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવીને આ કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ વ્યક્ત કર્યો છે.

આ કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડી લેતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર વિશે તેમને જાણ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, માછીમારી બોટમાં સવાર 13 માછીમારોમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલમાં તેઓ જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં મગફળી-સોયાબીનની ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.

સારા વરસાદના પગલે આ વર્ષે રાજ્યમાં મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂપિયા 6783 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કર્યો હતો. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધુ તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ ઉપરાંત ભારત સરકારે સોયાબીન માટે રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ 24800થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 88 ખરીદ કેન્દ્રો પરથી આશરે 20500 થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડથી વધુના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 17000 જેટલા ખેડૂતોને રૂ. 210 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે.

આદિત્ય બિરલાનો ઓપરેટિંગ નફો 42 ટકા વધીને ર. 2.6 કરોડ થયો

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2024એ પૂરા થતા નવ મહિનાનાં ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીની કામગીરી થકી વાર્ષિક ધોરણે આવક 30 ટકા વધીને રૂ. 4.5 કરોડ નોંધાવી છે.

ચાલુ નાણાકીય વર્ષ (FY25)ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 2.6 કરોડ થયો છે. કંપનો કરવેરા પહેલાંનો નફો 14 ટકા વધીને રૂ. ત્રણ કરોડ થયો છે. જોકે કંપનીની નવ મહિનાની કામગીરી થકી આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 12.6 કરોડ થઈ છે. કંપનીએ નવ મહિના દરમ્યાન ઓપરેટિંગ નફો 35 ટકા વધીને રૂ. 7.1 કરોડ નોંધાવ્યો છે, જ્યારે કંપનીનો નવ મહિના દરમ્યાન કરવેરા પહેલાંનો નફો 27 ટકા વધીને રૂ. 7.4 કરોડ થયો હતો.

  • કંપનીની QAAUM ઓવરઓલ વૈકલ્પિક અસ્કયામતો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 4009 કરોડ થઈ હતી,જ્યારે કંપનીના મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે રૂ. 3839 કરોડ થઈ હતી.
  • કંપનીના ઇક્વિટી મ્યુચ્યુલઅલની QAAUM વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળામાં 32 ટકા વધીને રૂ. 1795 કરોડ થઈ હતી, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મિક્સની QAAUM 44 ટકાથી વધીને 47 ટકા વધીને થઈ હતી
  •  ડિસેમ્બર, 2024ના અંતે ઇન્ડિવિડ્યુઅલ મન્થલી AAUM 19 ટકા વધીને રૂ. 1973 થઈ હતી, જ્યારે ટોટલ મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડિયવિડ્યુઅલ મિક્સની AUM 52 ટકા છે.
  • ડિસેમ્બર, 2024ને અંતે B-30 મન્થલી AAUM વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 690 કરોડે થઈ હતી, જ્યારે B-30 મિક્સના મ્યુચ્યુઅલ ફંડની AUM 18 ટકાએ છે.
  • ડિસેમ્બર, 2024ને અંતે કંપનીની પેસિવ AUM રૂ. 316 કરોડના સ્તરે છે.
  • 31 ડિસેમ્બર,સુધી કંપનીએ 1.5 કરોડ ફોલિયોને સર્વિસ આપી છે.
  • કંપની પાસે મન્થલી સિસ્ટેમિક રોકડપ્રવાહ (STP સહિત)માં વાર્ષિક ધોરણે 38 ટકાનો વધારો થયો હતો, જે રૂ. 13.82 કરોડે પહોંચ્યો છે. કંપની પાસે ડિસેમ્બર, 2024ના અંત સુધીમાં 4.35 કરોડ એકાઉન્ટ્સ હતા.
  • ડિસેમ્બર, 2024એ પૂરા થતા ત્રિમાસિક ગાળાને અંતે આશરે 6,70,000 નવા SIP (STP સહિત) નોંધાયા હતા, જેમાં વાર્ષિક ધોરણે 185 ટકાનો વધારો થયો હતો.

હવે AI માર્કેટમાં DeepSeek ની ધૂમ, બીજા બધા ચેટબોટ્સથી કેટલું અલગ ?

છેલ્લા બે-ત્રણ વર્ષ AI ના નામે રહ્યા છે. ચેટજીપીટી લોન્ચ થયા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં એક અલગ જ ઉથલપાથલ જોવા મળી છે. હવે એક નવો ચેટબોટ દાખલ થયો છે. તે ચીન દ્વારા બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે AI મોડેલ વિકસાવવાનો ખર્ચ ખૂબ ઓછો છે, જેના કારણે તે સમગ્ર વિશ્વમાં મફત ઉપયોગ માટે ઉપલબ્ધ છે. હવે પ્રશ્ન એ છે કે ડીપસીક એઆઈમાં એવું શું ખાસ છે જે અન્ય ચેટબોટ્સ ન કરી શક્યા. તે ચીનની એક સંશોધન પ્રયોગશાળા દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ChatGPT, Gemini, Cloud AI અને Meta AI જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

તે અન્ય AI મોડેલોથી કેવી રીતે અલગ છે?

સોમવાર, 27 જાન્યુઆરી સુધીમાં DeepSeek V3 યુએસમાં Apple સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન બની ગઈ. આ એપ ખાસ છે કે આ એપ ચીનની એક રિસર્ચ લેબ દ્વારા બનાવવામાં આવી છે. ડીપસીક v3 એ 671 અબજ પેરામીટર નિષ્ણાતોનું મિશ્રણ છે અને ‘એડવાન્સ્ડ રિઝનિંગ મોડેલ’નો ઉપયોગ કરે છે, જે તેને ઓપનએઆઈના 01 કરતા શ્રેષ્ઠ બનાવે છે. ડીપસીક ઓપનએઆઈના 01 મોડેલ કરતાં 20 થી 50 ગણું વધુ ખર્ચ-અસરકારક અને સારું હોવાનું કહેવાય છે. તે ChatGPT અને Cloud AI કરતાં સાત થી 14 ટકા વધુ સારું પ્રદર્શન કરે છે.

OpenAI નું 01 પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે $15 ચાર્જ કરે છે. ડીપસીકનું R1 પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે $0.55 ચાર્જ કરે છે, જે તેને બાકીના કરતા અલગ બનાવે છે. તે એકદમ સસ્તું છે. તેની પરવડે તેવી ક્ષમતા પણ AI મોડેલને અલગ બનાવે છે.

ChatGPT કરતા વધારે સ્કોર

સોફ્ટવેર ડેવલપર્સ માટે લોકપ્રિય ઓનલાઈન કોમ્યુનિટી, Dev.to એ જણાવ્યું હતું કે મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવામાં તેણે 92 ટકા સ્કોર કર્યો છે, જ્યારે GPT 4 એ 78 ટકા સ્કોર કર્યો છે. તેને મેટા એઆઈ અને જેમિની કરતાં પણ વધુ સારું માનવામાં આવે છે.

ટેક જાયન્ટ્સ પ્રતિક્રિયા આપે છે

ચીનના AI મોડેલ ડીપસીક પર ટેક જાયન્ટ્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે મને લાગે છે કે આપણે ચીનના વિકાસને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીનના AI મોડેલ સાથે સ્પર્ધા કરવા માટે આપણે ઝડપથી કામ કરવું પડશે. તે જ સમયે, સેમ ઓલ્ટમેને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે ભારત અને ચીનનું નામ લઈને ધમકી આપી!

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી એકવાર યુએસના હિત પર ટેરિફ લાદવા અંગે મોટું નિવેદન આપ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સરકાર કોઈપણ દેશ પર ટેરિફ લાદશે જે અમેરિકાને નુકસાન પહોંચાડશે. ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લેતા તેમણે કહ્યું કે આ દેશો અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે એવા દેશો પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ જે અમને નુકસાન પહોંચાડશે. ભલે આ દેશો પોતાના માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ આનાથી નુકસાન થઈ શકે છે.

આ કાર્યક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે વિદેશી દેશો અને એવા લોકો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર આપણને નુકસાન પહોંચાડવા માંગે છે. તેઓ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે, પરંતુ તેઓ મૂળભૂત રીતે તેમના દેશને સારો બનાવવા માંગે છે. ચીન એક જબરદસ્ત ટેરિફ ઉત્પાદક છે.. આ યાદીમાં ભારત, બ્રાઝિલ અને બીજા ઘણા દેશો છે. પરંતુ અમે હવે એવું થવા દેવાના નથી કારણ કે અમે અમેરિકાને પ્રથમ સ્થાન આપવાના છીએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ફેબ્રુઆરીમાં મુલાકાત પણ થઈ શકે છે.

અમેરિકાને સમૃદ્ધ બનાવવાની પોતાની યોજના જણાવી

ટ્રમ્પે અમેરિકાને ખૂબ જ ઝડપથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ ન્યાયી વ્યવસ્થા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે, આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી દેશો પર કર લાદવો જોઈએ.” અમે ફરજો લાદીશું અને દેશો પર કર.” તેમણે વધુમાં કહ્યું, “જો ભારત, ચીન કે બ્રાઝિલની કંપનીઓ ઊંચા ટેરિફથી બચવા માંગતી હોય, તો તેમણે અમેરિકામાં પોતાના પ્લાન્ટ સ્થાપવા પડશે.”

ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળો વધ્યો, જામનગરમાં 5 વર્ષ બાદ કોંગો ફીવરનો કેસ

ગુજરતભરમાં બેવડી ઋતુને કારણે રોગચાળામાં વધારો થતો નોંધાય રહ્યો છે. થોડા દિવસ સવારે શિયાળો અને બપોરે ઉનાળોની અનુભવ થાય છે, તો ઘણી વખત ભર શિયાળે કમોસમી વરસાદનો નોંધાય રહ્યો છે. ત્યારે આ બદતી ઋતુ વચ્ચે રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં ફરી કોંગો રોગોનો વાયરસ દેખાતા નાગરીકોમાં ભયનો માહોલ જોવા ણળી રહ્યો છે. શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડદામ વ્યાપી ગઈ હતી.

સરકારી આંકડાઓ પ્રમાણે પંચેશ્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના 50 વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં. જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યું હતું. જે કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. કોંગો વાયરસના હોવાના મુખ્ય લક્ષણ એ છે કે આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા. આ ઉપરાંત સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ થવી આ સાથે મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.

તો આ તકફ રાજકોટ શહેરમા પણ પાણી જન્ય રોગચાળોમાં નોંધ પાત્ર વધારો થયો છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં પણ વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા છે. સપ્તાહમાં તાવના અધધ 829 કેસ નોંધ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બેવડી ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં ઓન દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે.

શહેરમાં પ્રેમ સંબંધમાં શિક્ષકની હત્યા

વિરમગામઃ શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.  શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો છે. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું છે. 

આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખસો ઊતર્યા હતા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં શિક્ષક ગંભીરપણે ઘાયલ થયા. બોથડ પદાર્થ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે ઘાયલ થયેલા શિક્ષકને ત્યાં હાજર લોકો સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા. એ દરમ્યાન જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું.

આ મામલે વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે ઘટના વખતે હાજર લોકોની પૂછપરછ કરતાં આસપાસ વિસ્તારના સીસીટીવીની ચકાસણી કરી હતી. એ તપાસમાં સામે આવ્યું કે હર્ષાબહેનના પતિ કલાભાઈ ગોહિલ આ સંબંધથી નારાજ હતા. આથી પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા કલાભાઈ ગોહિલ અને તેમના મિત્રોએ શિક્ષક પર હુમલો કર્યો. જોકે આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો અને તેમનું સારવાર દરમ્યાન મોત થયું છે. વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજિતભાઈ ખેંગારભાઇ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારિયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ખેલાડી નહીં રમી શકે T20 નો ત્રીજો મેચ!, પ્લેઈંગ-11માં થઈ શકે માટા ફેરફાર

રાજકોટ: આજે એટલેકે 28મી જાન્યુઆરીના રોડ T20 સીરિઝનો ત્રીજો મુકાબલો નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજશે. આ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. ઉલ્લેખનીય છેક ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાં ભારતે અંગ્રેજોને કારમી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં સાત વિકેટથી અને ચેન્નઈમાં 2 વિકેટથી જીત હાંસલ કરી હતી. આજે સાંજે રમાનારી ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા મુકાબલો જીતી પાંચ મેચોની T20 સીરિઝમાં વિજયી બની શકે છે.

આજે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ક્રિકેટ જંગ જામતા પહેલા પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ સેવાય રહી છે. આ મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ રમી શકે છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમમાં સામેલ કરાશે. નીતિશને સ્નાયુ ખેંચાઈ જતાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રિંકુ સિંહને પણ ઈજા થતાં તેના સ્થાને રમનદીપને લેવામાં આવી શકે છે. રિંકુને પીઠના નીચલા હિસ્સામાં ઈજા થઈ હતી. ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન શિવમ દુબેએ મીડલ ઓવર્સમાં સ્પિનર્સ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. ઓલરાઉન્ડર રમનદીપ સિંહ પણ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે જાણીતો છે, સાથે સાથે બોલિંગમાં પણ કારગર સાબિત થઈ શકે છે. બંને ઓલરાઉન્ડર ક્રિકેટર આ મેચમાં પોતાનો જાદુ ચલાવે છે કે નહીં તે તો સાંજે જ ખબર પડશે. શિવમે ભારત માટે 33 ટી20 મેચ રમી છે, જેમાં 448 રન અને 11 વિકેટ ઝડપી છે. રમનદીપે બે ટી20 મેચમાં 15 રન અને એક વિકેટ હાંસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવે તો ધ્રુવ જુરેલ  અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ટીમમાંથી બહાર થઈ શકે છે. બિશ્નોઈએ આ સીરિઝમાં અત્યારસુધી એક પણ વિકેટ લીધી નથી. જ્યારે જુરેલ ચેન્નઈ ટી20માં ખાસ પર્ફોર્મ કરી શક્યો નહીં, તે માત્ર ચાર રન બનાવી પવેલિયન ભેગો થયો હતો. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ આ સીરિઝમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે આ ત્રીજી મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

ગેરકાયદે પ્રવાસીઓ માટે અધિકારીઓ ગુરુદ્વારામાં ઘૂસતાં શીખ સમાજ નારાજ

નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓએ ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં ગુરુદ્વારામાં દરોડા પાડ્યા હતા. તપાસ અધિકારીઓની આ કાર્યવાહીથી શીખ સંગઠનો નારાજ થયા છે. તેમણે આ દરોડાને વિશ્વાસઘાત અને શીખ સમુદાયની આસ્થા વિરુદ્ધ ગણાવ્યા છે.

ન્યુ યોર્ક અને ન્યુ જર્સીના કેટલાક ગુરુદ્વારા શીખ અલગતાવાદીઓ અને ગેરકાયદે વસાહતીઓનું ઘર હોવાનું માનવામાં આવે છે. અગાઉની બિડેન સરકારમાં એવા નિયમો હતા કે ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યોરિટી ઇન્સ્પેક્શન એજન્સીઓ પૂજા સ્થાનો, શાળાઓ વગેરેમાં કાર્યવાહી કરી શકતી ન હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા તે પ્રતિબંધને નાબૂદ કર્યો છે. હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારો અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હવે શાળાઓ, ચર્ચો અથવા અન્ય પૂજા સ્થાનોમાં છુપાઇ શકશે નહીં.

 શીખ સંગઠનોએ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ગુરુદ્વારાઓમાં દરોડાનો વિરોધ શરૂ કર્યો છે. શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે એક નિવેદનમાં સંવેદનશીલ સ્થળો જેમ કે પૂજા સ્થાનો, શાળાઓ વગેરેમાં શોધખોળની ટીકા કરી હતી. સંગઠને કહ્યું હતું કે ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી, પરંતુ તે કોમ્યુનિટી હોલ છે, જે શીખો અને અન્ય સમુદાયોને મદદ કરે છે. ગુરુદ્વારાઓને આ રીતે નિશાન બનાવવાથી સમગ્ર શીખ સમુદાયમાં નારાજગી પેદા થશે. અન્ય એક સંસ્થાએ કહ્યું કે ગુરુદ્વારાઓ પર વોરંટ વગર અથવા તો તેની સાથે પણ દેખરેખ અસ્વીકાર્ય છે. આ અમારી આસ્થા પર હુમલો છે અને ધાર્મિક પ્રવૃત્તિઓને અસર થશે.અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પીકર માઈક જોન્સને ચેતવણી આપી છે કે જે પણ દેશ અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા તેના નાગરિકોને પરત લેવામાં સહયોગ નહીં કરે તેના પર પ્રતિબંધો લાદવામાં આવશે.