નીટ (NEET) પરીક્ષાના પેપર લીક કાંડ અને ત્યારબાદ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત બળપ્રયોગના વિરોધમાં દેશનું રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન આવાસની બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને NCP નેતા સુપ્રિયા સુલે સહિત વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે આ તમામ નેતાઓને ધરણા સ્થળેથી બસમાં બેસાડીને છત્રસાલ સ્ટેડિયમ લઈ ગયા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે વિપક્ષી નેતાઓએ દિલ્હીના રસ્તાઓ પર ઉતરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
Delhi: Police detained Congress MP and LoP Rahul Gandhi, who was protesting with party MPs at Lok Kalyan Marg.
(Visuals from inside the police bus carrying LoP Rahul Gandhi) pic.twitter.com/StXELDkZg3
— IANS (@ians_india) July 21, 2026
મંત્રી જિતેન્દ્ર સિંહ અને રાહુલ ગાંધી વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ
PM આવાસ બહાર કોંગ્રેસ અને વિપક્ષના આક્રમક પ્રદર્શનની જાણ થતાં જ કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેમને અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને વિપક્ષી નેતાઓ સાથે મધ્યસ્થી અને વાતચીત કરવા મોકલ્યા હતા. શરૂઆતમાં રાહુલ ગાંધીએ શરત મૂકી હતી કે જો સરકાર સંસદમાં NEET અને તેને સંબંધિત આંદોલન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થાય, તો તેઓ ધરણા તાત્કાલિક સમેટી લેશે. સરકારે તેમની આ માંગ સ્વીકારી લીધી હતી. પરંતુ, જ્યારે સરકારી પ્રતિનિધિઓએ આ નિર્ણયની જાણ કરી ત્યારે રાહુલ ગાંધીએ નવી શરત મૂકી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેમની બે મુખ્ય માંગણીઓ છે—સંસદમાં વિગતે ચર્ચા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
मोदी जी, हर ज़ोर आज़मा लो, सारी ताकत लगा लो – छात्रों के इंसाफ की ये लड़ाई अब रोके न रुकेगी। pic.twitter.com/suXh8LkWzh
— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026
દિલ્હી પોલીસે કડક સુરક્ષા વચ્ચે કરી અટકાયત
સુલેહનો કોઈ રસ્તો ન નીકળતાં અને અખિલેશ યાદવ તેમજ સુપ્રિયા સુલે જેવા મોટા નેતાઓ જોડાતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકોને પ્રદર્શનમાં જોડાવા હાકલ કરી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનો કડક પહેરો ગોઠવી દીધો હતો અને કાર્યવાહી કરીને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ તથા અનેક કાર્યકરોને કસ્ટડીમાં લઈ લીધા હતા.
રાહુલ ગાંધીની દેશવાસીઓને ભાવુક અપીલ
ધરણા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને દેશવાસીઓને આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા હાકલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ કોઈ જવાબ આપ્યા વિના કે પરિણામ ભોગવ્યા વિના બચી નીકળશે – પરંતુ આ વખતે એવું બિલકુલ નહીં થાય. દેશના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગતા દરેક દેશભક્ત ભારતીયને મારી અપીલ છે કે તેઓ PM આવાસ સામે અમારા આંદોલનમાં જોડાય. ભારતના યુવાનોનો અવાજ દબાવી શકાશે નહીં.”
હાલમાં પોલીસે ધરણા સ્થળેથી તમામ નેતાઓ અને કાર્યકરોને હટાવી દીધા છે અને અપ્રિય ઘટના રોકવા માટે સમગ્ર PM આવાસ અને તેની આસપાસના વિસ્તારને કડક પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

