Home Blog Page 1203

અંડર 19 ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. ભારતીય અંડર 19 ટીમે આ મેચ 9 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયા માટે જી કમલિનીએ શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ અડધી સદી ફટકારી. તેણે ૫૦ બોલમાં ૫૬ રનની ઇનિંગ રમી. કમલિનીની ઇનિંગમાં 8 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

 

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા. આ દરમિયાન ઓપનર ડેવિના પેરિને 45 રનની ઇનિંગ રમી. તેણે 40 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ટ્રોડી જોહ્ન્સને 25 બોલનો સામનો કરીને 30 રન બનાવ્યા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન ભારત તરફથી આયુષી શુક્લાએ 2 વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા. પારુણિકા અને વૈષ્ણવી શર્માએ 3-3 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં મેચ જીતી લીધી

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતી ટીમ ઇન્ડિયાએ માત્ર 15 ઓવરમાં જ મેચ જીતી લીધી. ભારત તરફથી જી કમલિની અને જી ત્રિશા ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન ત્રિશાએ 29 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે કમલિનીએ અડધી સદી ફટકારી હતી. તેણે ૫૦ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા. કમલિનીની ઇનિંગમાં 8 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. સાનિકા ચાલકે ૧૧ રન બનાવી અણનમ રહી.

ભારતે સતત 6 મેચ જીતી

ટીમ ઈન્ડિયા 2025ના અંડર 19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ, મલેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડને હરાવ્યા. ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને કચડી નાખ્યું.

જો ડોલર મંજૂર નહીં તો બ્રિક્સ દેશો પર લગાવાશે ટેરિફઃ ટ્રમ્પની ચેતવણી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર બ્રિકસ દેશો પર ટેરિફ લગાવવાની ચેતવણી ઉચ્ચારી છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે બ્રિક્સ દેશો સમજી કે એ અમેરિકી ડોલરને રિપ્લેસ નહીં કરી શકે. જો આવું કરવાના પ્રયાસ થયા તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લગાવશે.  ભારત પણ બ્રિકસ દેશોનો ભાગ છે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે બ્રિક્સ દેશો સમજી લે કે તે અમેરિકન ડોલરનું સ્થાન નહીં લઈ શકે. જો એવું થશે તો બ્રિક્સ દેશો 100 ટકા ટેરિફ ચૂકવવા તૈયારી કરી લે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કહ્યું હતું કે બ્રિક્સ દેશો અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તમાશો જોઇ રહ્યા છીએ, પણ હવે આવું નહીં ચાલે. હું તમાશો નથી જોવાનો.

ટ્રમ્પે કહ્યું હતું કે આ હોસ્ટાઈલ દેશો અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ ન કરે અને ન તો બ્રિક્સ દેશોની કોઈ કરન્સી લાવે અથવા તેને સપોર્ટ કરે. જો કોઈએ આવું કર્યું તો બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે જો મારી વાત ન માની તો અમેરિકન બજારના દરવાજા આવા દેશો માટે કાયમ માટે બંધ કરી દઈશ. તેમણે કોઈ અન્ય બજારો શોધવા પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેની કોઈ સંભાવના જ નથી કે બ્રિક્સ દેશ ઈન્ટરનેશનલ બજારમાં અમેરિકન ડોલરનું સ્થાન કોઈ અન્ય કરન્સીને આપે.

બ્રિકસ દેશો પહેલેથી વૈશ્વિક લેવડદેવડમાં અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે રસ દાખવ્યો હતો. બ્રિકસ દેશોમાં સામેલ ચીનઅમેરિકી બજારમાં ખાસ નિકાસકાર દેશ છે. 2022માં અમેરિકાએ ચીનથી 536.8 કરોડ ડોલરનો માલસામાન આયાત કર્યો હતો. ટ્રમ્પની ધમકીથી આર્થિક સંબંધોમાં તિરાડ પડે એવી શક્યતા છે.

ગુજરાતમાં પાંચ વર્ષ બાદ કોંગો ફીવરથી પ્રથમ મૃત્યુ, આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર: થોડા સમય પહેલા જામનગર ખાતે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરથી 50 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં પાંચ વર્ષ બાદ કોંગો ફીવરથી થયેલું આ સૌ પ્રથમ મૃત્યુ છે. કોંગો ફીવરથી થયેલા મૃત્યુ બાદ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે.

આ રોગનું વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પુનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે. જામનગરમાં થયેલા મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવાયું છે. મોડી રાત્રે ઠંડી અને બપોરના સાધારણ ગરમી એમ મિશ્ર સિઝનને પગલે એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 થી 19 જાન્યુઆરીના 1342 જ્યારે 20થી 26 જાન્યુઆરીના 1617 કેસ નોંધાયા હતા. 20થી 26 જાન્યુઆરીમાં ઓપીડીમાં 12481, આઈપીડીમાં 5730, એક્યુટ ડાયેરિયાના 17 કેસ નોંધાયા હતા. જાન્યુઆરીના 26 દિવસમાં બે દર્દી સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા છે.

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવવામાં આવ્યા

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે કરી છે.

અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે. ઉપરાંત, નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મમતાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો. આ અખાડાના મહામંડલેશ્વર એક મહિલાને કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા!

તેણીએ સંગમમાં પિંડદાન કર્યું અને સન્યાસી બન્યા
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા, મમતા કુલકર્ણીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 માં પોતાનું પિંડદાન કર્યું હતું અને સન્યાસ અપનાવ્યો હતો. આ પછી, એક ભવ્ય પટ્ટાભિષેક કાર્યક્રમમાં તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા. તેમનું નવું નામ શ્રી યમાઈ મમતા નંદ ગિરિ રાખવામાં આવ્યું. તે મહાકુંભમાં 7 દિવસ રહ્યા, પરંતુ ત્યારથી એક વિવાદ શરૂ થયો કે એક મહિલાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર કેમ બનાવવામાં આવ્યા!

મમતાએ કિન્નર અખાડા કેમ પસંદ કર્યો?
આ અંગે મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમની 23 વર્ષની તપસ્યા સમજી લીધી હતી. તેણીની તપાસ કરવામાં આવી, જેમાં તેણી પાસ થઈ. તેમને મહામંડલેશ્વર બનવાનું આમંત્રણ મળ્યું હતું. તેણીએ એમ પણ કહ્યું કે તે બોલિવૂડમાં પાછી નહીં ફરે. હવે તે સનાતન ધર્મનો પ્રચાર કરશે.

હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે 2500થી વધુ આર્ટ વર્કને રજૂ કરાશે

અમદાવાદ: Hina’s Art Pavilion (HAP)ની GEMS OF INDIA નેશનલ લેવલની સૌથી મોટી આર્ટ કોમ્પિટીશન અને એક્ઝિબિશન છે જેમાં 1 થી 17 વર્ષની વયના બાળકો સંકળાયેલા છે. બોપલનાં HAP ખાતે 1લી અને 2જી ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર આ પ્રદર્શન દેશના એક મોટા વાઇબ્રન્ટ સેલિબ્રેશન જેવી બનવાની છે. જેમાં સમગ્ર ભારતમાંથી યુવા પ્રતિભાઓ દ્વારા તૈયાર થયેલ લગભગ 2500 જેટલા આર્ટવર્ક રજૂ થશે.HAPના સંસ્થાપક અને ડિરેક્ટર, ડૉ. હિના શાહ માને છે, “કલા માત્ર કેનવાસ પરના સ્ટ્રોક્સ નથી, તે આપણા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના તંતુઓમાં ઓતપ્રોત છે. સર્જનાત્મકતા સફળતાનું મૂળ છે, જેવું કે કોઈ સમસ્યાનો ઉકેલ શોધવો હોય કે નવીન વિચારોને અમલમાં મૂકવા, અનેક વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ અને ઉદ્યોગપતિઓ પાસે એક સામાન્ય વિશેષતા હોય છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની અને વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતા.”

આ ઇવેન્ટ દ્વારા, HAPનો ઉદ્શય યુવા પ્રતિભાઓને પોષણ, પ્રસાર અને સક્રિય તક પ્રદાન કરવાનો હેતુ છે. તેમની સર્જનાત્મક ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે તેમને જરૂરી તકો પૂરી પાડવાનો છે.  તદુપરાંત, પ્લેનેટ અર્થ જેવી થીમ્સ, ડ્રીમ્સ, ભારતની સંસ્કૃતિ, ભારતનું ભવિષ્ય અને વધુ, વિચારપ્રેરક પ્રદર્શન કરશે. પ્રસિધ્ધ કલાકાર પિકાસોએ કહ્યું છે, ‘દરેક બાળક એક કલાકાર છે,’ HPAની આ પહેલ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકમાં સર્જનાત્મકતાની જ્યોત સતત પ્રજ્વલિત રહે.ડૉ. હિના શાહ આ ઘટનાને પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કલ્પના કરે છે. તેમણે કહ્યું કે,“GEMS OF દ્વારા ઈન્ડિયા દ્વારા અમારો ઉદ્દેશ્ય કલાત્મક પ્રતિભાઓને શોધવા અને તેનું સંવર્ધન કરવાનો છે. તેમને આવતીકાલના યુવા તરીકે શેપ આપવાનો છે. અમે એવી આર્ટ મૂવમેન્ટ શરૂ કરવાની આશા રાખીએ છીએ કે જ્યાં આર્ટને જીવન અને ભવિષ્યના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવે.”આ પ્રદર્શન 1 અને 2 ફેબ્રુઆરીની ઇવેન્ટમાં મુલાકાતીઓ મનમોહક આર્ટવર્કનો અનુભવ કરશે, જે નેચરની વચ્ચે શાંત અને સુંદરતાના સેટ સમાન છે. આ ઈવેન્ટમાં લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન અને ફૂડની સાથે ઈન્ટરએક્ટિવ વર્કશોપનો પણ સમાવેશ થાય છે. 10,000થી વધુ શાળાઓ સાથે દેશભરમાં આ ઇવેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે, આ ઇવેન્ટ ભારતમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે.

Opinion: વકફની જેમ સનાતની બોર્ડ? શું કહે છે લોકો?

મુસ્લિમ ધર્મના વકફ બોર્ડની જેમ સનાતનધર્મનું પણ સનાતન બોર્ડ બનાવવાની માગણી પાછલા ઘણા સમયથી ચાલી રહી છે. અંતેપ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં સનાતન બોર્ડનો ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો છે.27મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમૃત સ્નાન લેવા માટે ત્રિવેણી સંગમપહોંચ્યા હતા. જ્યાં સ્નાન બાદશંકરાચાર્ય, ધર્માચાર્યો, સાધુ-સંતો, કથાકારોની બહુ મોટી ધર્મ સંસદ મળી હતી. આ ધર્મસંસદમાં અમિત શાહેસનાતન બોર્ડનો ઠરાવ પસાર કર્યો હતો. આ ઉપરાંત બેઠકમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટનાબૂદ કરવાની માગ જોરશોરથી ઉઠાવવામાં આવી હતી.

કથાકાર અને ઉપદેશક દેવકીનંદન ઠાકુરની આચળવળનો 27 જાન્યુઆરીના અંત આવી ગયો. પણ સવાલ એ થાય કે શું આપણે ધર્મની રક્ષા માટેસનાતન બોર્ડની જરૂર છે?

મુફ્તી રિઝવાન તારાપુરી, પ્રમુખ, મિલી કાઉન્સિલ ગુજરાત યુનિટ

આપણા દેશમાં તમામ ધર્મને પોતાના મંડળ કે બોર્ડ બનાવવાનો પૂર્ણ અધિકાર હોય છે. હા એવાત છે કે બોર્ડ કે મંડળ બનાવવામાં કોઈને વાંધો કે વિરોધ ન થવો જોઈએ. જો વક્ફબોર્ડની સામે સનાતન બોર્ડ બનાવવામાં આવતું હોય તો પણ મુસ્લિમ સમાજ માટે તેમાં કોઈપણ વસ્તુ ઉમેરવામાં આવી નથી. પરંતુ જો વક્ફ બોર્ડને હટાવી તેની જગ્યા પર સનાતનબોર્ડ બનાવવામાં આવતું હોય તો, તે ઉદ્દેશ્ય બરાબર નથી. મુસ્લિમ સમાજને સનાતન બોર્ડની કોઈપણ વસ્તુથી વાંધો નથી. દરેક ધર્મને પોતાના ધર્મને સંબંધિત વસ્તુ સુરક્ષિતકરવાનો બંધારણીય રીતે અધિકાર છે.

મહંત શ્રી હરીવલ્લભદાસજી સ્વામી, ચૈતન્યહનુમાન મંદિર, ઉઘલાવદર

હિંદુ સનાતની માટે આ બોર્ડ જરૂરી છે. હિંદુ સનાતની માટે કોઈ પણ સત કાર્ય થતું હોય ત્યારે આપણી બધાની સહમતી હોવી જરૂરી છે. આપણા મંદિરો કે એવા ધર્મને લગતા બાંધકામ જે વર્ષો જુના હોવા છતાં અડીખમ છે. આ વારસાનું જતન કરવા માટે જો કોઈ કમિટી કે બોર્ડ હોય તો, એમા કોઈ ખોટી વાત નથી. આપણે કોઈ બીજા ધર્મના બોર્ડ કે કમિટીને જોઈ તેની આંગળી સામે આંગળી નથી મુકી રહ્યા. આમ તો આ બોર્ડમાં બીજા કોઈ પણ ધર્મને હાની પહોંચે તેવી કોઈ વાત પણ કરવામાં નથી આવી. આ બોર્ડ આપણી સંસ્કૃતિ અને પરંપરાને વર્ષો વર્ષ સુધી જીવંત રાખવા મદદ રૂપ સાબિત થઈ શકે છે.

પાર્થ રાવલ, એડવોકેટગુજરાત હાઇકોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ

સનાતની માટે સનાતન બોર્ડની ચોક્કસપણે જરૂર છે, કારણ કે જે ચીર કાળ સુધી ચાલતો ધર્મ જેનો કોઈ અંત નથી. તમામને સમાવી લેવાની વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતો કોઈ ધર્મ છે તો તે માત્ર સનાતનધર્મ છે. આપણા સનાતન ધર્મના મઠ, મંદિર, સ્થાપત્ય, વાવ, તળાવ કે હજારો વર્ષ જૂના છે. પરંતુ તે આર્થિક વિષયના કારણે તેનું સંરક્ષણ તેનોવિકાસ અને પ્રચાર કરવામાં અમુક અંશે નિષ્ફળ ગયેલા છીએ. જે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો ભાગ હોય તેનું જતન કરવું ખૂબજરૂરી છે. જે અત્યારના મોર્ડન એન્જિનિયરિંગ દ્વારા પણ બનાવવું મુશ્કેલ હોય તેવો વારસો મઠ, મંદિર, અને સ્થાપત્યો છે. જે વર્ષોથી જર્જરિત અવસ્થામાં હોય તેનું સમારકામ કરી જાળવી રાખવું ખૂબ જરૂરી છે. વિશ્વમાં જે દેશપોતાની સંસ્કૃતિ ભૂલી ચૂક્યા છે તે તમામ દેશનું નામ સેસ થઈ ચૂક્યું છે. આપણે પ્રમુખ વેદોનું જ્ઞાન આજની પેઢીને આપવા માટે આપણા વારસાનું સંશોધન, સંરક્ષણ કરવા માટે આપણે સનાતન બોર્ડની જરૂર છે. સનાતનમાં ફક્ત હિન્દુ ધર્મ કે ફકત મનુષ્યનો જ સમાવેશ નથી થતો સનાતનમાં સમગ્ર વિશ્વમાં વસતા તમામ જીવો (પ્રાણી, પક્ષી, મનુષ્ય વગેરે તમામજીવ)નો સમાવેશ થાય તે માટે જરૂરી છે. ભારતના બંધારણ મુજબ પણ સનાતનબોર્ડ ની રચના શક્ય છે.

વૈષ્ણવાચાર્ય શ્રીહરિરાયજી મહોદયશ્રી, અમદાવાદ

સાંપ્રત સમય માં જે વિષય ચાલી રહ્યો છે કે સનાતન ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન અને સંરક્ષણ માટે સનાતન બોર્ડનું ગઠન થવું જોઈએ તેમાં અમારું વ્યક્તિગત રીતે સમર્થન છે, આ આજના સમયમાં આપણી આવશ્યકતા છે, અમે એવું માનીએ છીએ કે આ સનાતન બોર્ડથી આપણે સૌ સનાતનીયોમાં એકતા તેમજ સ્વધર્મ નિષ્ઠાની જ્યોતિ પ્રગટ થશે, આપણા સનાતન સાહિત્ય, દેવસ્થાન, સદગ્રંથો, સમાજ, સંતો તેમજ સનાતન વિચાર જેમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના રહેલી છે, તેની સેવા અને સંવર્ધન માટે સનાતન બોર્ડ એક ઉત્તમ પ્રકલ્પ સિદ્ધ થશે..!!

ડી. એચ. અમિન, કવિ અને લેખક

પ્રાચીન ભારતીય સનાતન પરંપરાનો વિકાસ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારમાં આદિ શંકરાચાર્યનું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરાને પુરા દેશમાં ફેલાવવા માટે ભારતના ચારેય ખૂણામાં ચાર શંકરાચાર્ય મઠની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગાબાવાની ફોજ બનાવી ધર્મની રક્ષા કરી. આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યોના નેતૃત્વમાં સનાતન પરંપરાના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે. તેથી એમ કહી શકાય કે સનાતન ધર્મની મુખ્ય જે વિચારધારા છે. તે સમગ્ર રીતે જ્ઞાતિ જાતિ ધર્મ પ્રાંત ભાષાને ભૂલી એક મનુષ્ય ધર્મની જ્યોત માનવ હૃદયમાં પ્રગટે તે ખૂબ જરૂરી છે, સનાતન ધર્મ બ્રહ્માંડને એક સૂત્રતામાં બાંધવાની વાત કરે છે. જે ખરા અર્થમાં જે વૈચારિક મતભેદ, સમગ્ર જીવ સૃષ્ટિ અને કુદરતમાં એક વિષ રૂપેન ફેલાય અને એક અમૃત વિચારધારા બને, સંદિગ્ધ મતમતાંતરોને કારણે ધર્મ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. વિશ્વના સર્વે ધર્માધિકારી અને તેના અનુયાયીઓ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને એકમાનવ કરુણાની પરિભાષા શીખવા માટે આ સનાતન બોર્ડ જરૂરી છે.

(તેજસ રાજપરા, અમદાવાદ)

ધ સ્ટોરીટેલરઃ દિલ નહીં, આત્માને સ્પર્શતી કૃતિ…

2025ના શુભારંભમાં અક્ષયકુમારની સ્કાયફોર્સ અને શાહીદ કપૂરની દેવા વચ્ચે ડિઝનીહોટસ્ટાર પર આવી ગઈ ‘ધ સ્ટોરીટેલર..’ દેશ-વિદેશના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી ‘ધ સ્ટોરીટેલર’ આધારિત છે ઓસ્કારથી સમ્માનિત ફિલ્મસર્જક સત્યજિત રેની ટૂંકી વાર્તા ‘ગોલપો બોલિએ તારિણી ખુરો’ પર.

મહાનની પંગતમાં બિરાજતા લેખક-દિગ્દર્શક સત્યજિત રેએ, મૌલિકતા અને ઉઠાંતરી વિશેની એમની આ શોર્ટ સ્ટોરીમાં એક વિચારોત્તેજક સવાલ આપણી સામે મૂક્યો છેઃ મહત્વનું કોણ? વાર્તા કે વાર્તા કહેનાર?

અનંત મહાદેવન્ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પરેશ રાવલે કોલકાતાનિવાસી 62-વર્ષી તારિણી બંદોપાધ્યાયનું પાત્ર ભજવ્યું છે. યુવાવયથી કથા કહેવાના શોખીન તારિણી ગમે તે વિષય પર જકડી રાખે એવી વાર્તા કહી શકે. તારિણી વાર્તા વિચારે અને સંભળાવી દે, પણ ક્યારેય વાર્તા લખતા નથી. એમની પત્ની (અનિંદિતા બોઝ) હંમેશાં કહ્યા કરે છે કે તમારે વાર્તા લખવી જોઈએ.. અચાનક નિવૃત્તિકાળમાં તારિણીને અમદાવાદથી નોકરીની ઓફર આવે છેઃ સફળ બિઝનેસમેન રતન ગરોડિયા (આદિલ હુસૈન)ને વાર્તા સંભળાવવાની. રતન ગરોડિયા પાસે પૈસા-પ્રસિદ્ધિ-મોભા સાલસ પત્ની સરસ્વતી (રેવતી) બધું છે, પણ એ ક્રોનિક ઈન્સોમ્નિયા એટલે કે અનિદ્રાથી ત્રસ્ત છે. એમને એમ કે સારી વાર્તા સાંભળાથી મીઠી નીંદર આવી જશે. એકમેકથી તદ્દન જુદાં બે વ્યક્તિત્વો- તારિણી દા અને રતનની પ્રથમ મુલાકાતથી જ ફિલ્મનો ખરો ઉપાડ થાય છે. તારિણીની કહાની કહેવાની કળા રતનને મંત્રમુગ્ધ કરી દે છે. રતન એમના રહેવા-જમવાની વ્યવસ્થા કરે છે. અને શરૂ થાય છેઃ બંગાળી-ગુજરાતી ભાષા-ભૂષા ને ભોજનનો સંઘર્ષ. અહીં સુધી મોજમસ્તી ચાલતી રહે છે, પણ અચાનક વાર્તા ગંભીર વળાંક લે છે. એ શું છે એ જાણવા ફિલ્મ જોવી જોઈએ.

‘ધ સ્ટોરીટેલર’ બે-ઘડી મોજ કરાવતાં, તબિયત માટે હાનિકારક એવાં એરેટેડ ડ્રિન્ક જેવી નહીં, પણ આદુ-મસાલાવાળી સવારની પહેલી, મોટ્ટા ડોઝવાળી ચા જેવી છે, જે તમે નિરાંતે, ધીમા સ્વાદે માણો છો. જાણે મનગમતી કિતાબ વાંચી રહ્યા છોઃ કથાનક, પાત્રો, કથાની બારીકી ધીમે ધીમે ગ્રહણ કરો છો, લેખકે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરો છો, અંત (ક્લાઈમેક્સ) વિશે સતત વિચારતા રહો છો.

ધારદાર રમૂજવૃત્તિ ધરાવતા, તરંગી કથાકાર તારિણી ખુરોના પાત્રમાં પરેશભાઈ  ઊંડી છાપ છોડી જાય છે. મને ગમી ગયેલા અનેક સીનમાંનો એકઃ અમદાવાદથી તારિણી બિલાડી લઈને કોલકાતા આવે છે. ભૂખી થયેલી ફિશ-લવર બિલાડી માટે તારિણી હિલ્સા માછલી રાંધે છે. આ સીન, એની નજાકત, પરેશભાઈનો સહજ અભિનય, એમના હાવભાવ વિદ્યાપીઠ બની રહે છે કલાકારો માટે. આ સીન તારિણીની જિંદગી સાથે પણ બંધબેસે છે. એ બિઝનેસમેન રતન માટે કોલકાતાથી અમદાવાદ ગયા, જ્યાં એમને પોતાના અસ્તિત્વનો અર્થ સાંપડ્યો. લેખક કહેવા માગે છે કે, જીવનમાં સ્થિરતા જેવું કંઈ હોતું નથી. સ્થળકાળનાં પરિવર્તન આવ્યાં જ કરે છે. આ પરિવર્તન જીવનને નવો અર્થ, ખુશહાલી બક્ષે છે.

અનંત મહાદેવને રેને દીધેલી બેસ્ટ અંજલિ છે. એમણે કથાનકમાં  દુગ્રા પૂજા, ભીડવાળી મચ્છી માર્કેટ, ટ્રામ, હાથરિક્ષા, લાલપીળા રંગનાં મકાન, હાવરા બ્રિજ જેવાં સત્યજિત રેના કોલકાતા અને એના કલ્ચરને વણી લીધાં છે. રિજુ રોયના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ સીટી મારવાનું મન છે. રવીન્દ્રનાથ ટાગોર તથા બાંગલા લોકસંગીત વાર્તાને આગળ લઈ જાય છે, જ્યારે સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ માટે ત્રણ જણને શ્રેય આપવામાં આવ્યુઃ કિરીટ ખુરાના-અનંત મહાદેવન્-શ્રીજાતો.

ફિલ્મનો આત્મા છે સશક્ત પાત્રાલેખન. વિશેષ કરીને પરેશ રાવલનો અભિનય. પરેશ રાવલ આપણું કેવું અણમોલ રતન છે એ આ ફિલ્મ જોઈને સમજાય છે. ‘ધ સ્ટોરીટેલર’ જોતી વખતે ‘હેરાફેરી’વાળા પરેશભાઈ નહીં, પણ ‘તમન્ના’ કે ‘સરદાર કે ‘રોડ ટુ સંગમ’વાળા પરેશ રાવલ યાદ આવી જાય. આદિલ હુસૈને પણ કમાલનું કામ કર્યું છે. રેવતી અને તનિષ્ઠા ચેટર્જી પણ પ્રશંસાને પાત્ર છે, પણ સાદ્યંત પરેશ રાવલ જ આપણને રીઝવે છે.

ફિલ્મમાં કહેવાયેલી સ્ટોરી અને સ્ટોરીટેલિંગનો સાર જ ફિલ્મને નવી ઊંચાઈએ લઈ જાય છે. અને દોસ્તી, વાર્તાની તાકાત, અને અંતે સ્વાનુભૂતિ (સેલ્ફ રિઅલાઈઝએશન) પર પ્રકાશ પાડતી ‘ધ સ્ટોરીટેલર’ની ઉપલબ્ધિ એ કે સત્યજિત રેનું  લેખન આજે પણ કેટલું સાંપ્રત છે. ઓટીટી પર ખૂનામરકી, ગાળાગાળી ને ડાર્કંડાર્ક જોઈને કંટાળ્યા હો તો ‘ધ સ્ટોરીટેલર’ જોવી જ જોઈએ. જુઓ અને કંઈક મેળવ્યાનો પ્રાપ્તિનો આનંદ લો.

આર્થિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારામને સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. નાણાં મંત્રીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યા પછી સંસદની કાર્યવાહી પહેલી ફેબ્રુઆરીની સવારે 11 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે. સર્વેમાં રેલવે, રોડ, એરપોર્ટ અને પોર્ટ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ગ્રોથ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકશે.

New Delhi : Union Finance Minister Nirmala Sitharaman speaks in Lok Sabha during the Budget Session of Parliament in New Delhi on Monday, July 22, 2024. (Photo: IANS/Sansad TV)નાણાપ્રધાને આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો ગ્લોબલ IPO લિસ્ટિંગમાં 2023ના 17 ટકાથી વધીને 2024માં 30 ટકાનો હિસ્સો થયો હતો. આર્થિક સર્વેમાં FY26માં GDP ગ્રોથ અંદાજ 6.3 ટકાથી 6.8 ટકાનો અંદાજ માંડવામાં આવ્યો હતો. દેશનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે RBIના સાત ટકાના અંદાજથી ઓછો છે.

જે એપ્રિલ-જૂન  ત્રિમાસિકમાં આર્થિક ગ્રોથ ધીમો પડયો હતો, જે રિઝર્વ બેન્કના અંદાજ કરતાં ધીમો પડ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેશની વેપારની કામગીરી ગયા વર્ષની તુલનાએ ઘટી હોવાનો અને એ 14 મહિનાના તળિયે પહોંચી હોવાનો અંદાજ સર્વેમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિના અભિભાષણ પછી લોકસભાની કાર્યવાહી શરૂ થતા સ્પીકર ઓમ બિરલાએ સંસને ભૂતપૂર્વ PM ડો. મનમોહન સિંહ અને સંસદના ચાર ભૂતપૂર્વ સભ્યો અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમ કોર્ટર જુનિયરના નિધનની સૂચના આપવામાં આવી હતી ને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

રાખીનું પાકિસ્તાની વહુ બનવાનું સ્વપ્ન ચકનાચૂર, ડોડી ખાને લગ્ન કરવાનો ઇનકાર કર્યો

છેલ્લા કેટલાક દિવસોથી રાખી સાવંત તેના ત્રીજા લગ્નને કારણે ચર્ચામાં છે. પાકિસ્તાની અભિનેતા ડોડી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે રાખીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં, રાખીએ ઘણા ઇન્ટરવ્યુમાં પણ પુષ્ટિ આપી હતી કે તે ડોડી સાથે લગ્ન કરવા જઈ રહી છે અને લગ્ન પાકિસ્તાનમાં થશે જ્યારે રિસેપ્શન ભારતમાં યોજાશે. જોકે, હવે પ્રખ્યાત પાકિસ્તાની અભિનેતા ડોડીએ યુ-ટર્ન લીધો છે અને રાખીને ફ્રેન્ડ ઝોનમાં મૂકી દીધી છે. ડોડી ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે રાખી સાથે લગ્ન કરી શકતો નથી અને તે તેની સારી મિત્ર છે.

ડોડી ખાને રાખી સાવંતને ફ્રેન્ડ ઝોનમાં મૂકી દીધી

ડોડી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે બી-ટાઉનની ડ્રામા ક્વીન રાખી સાવંત સાથે કોલાબ કર્યું છે અને કહ્યું કે, ‘અસ્સલામુ વાલેકુમ હિન્દુસ્તાન પાકિસ્તાન મેં ડોડી ખાન… થોડા દિવસો પહેલા તમે મારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો હતો જેમાં મેં રાખી સાવંતને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તમે બિલકુલ સાચું જોયું… તેણીને પ્રપોઝ કરવાનું કારણ એ હતું કે હું તેણીને ખૂબ સારી રીતે ઓળખું છું, તે મારી મિત્ર છે. જ્યારે હું તેમને ઓળખતો ગયો, ત્યારે મને તેમનામાં એક એવી વ્યક્તિ દેખાવા લાગી જે ભગવાનને પ્રેમ કરતી હતી. તેણીએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, તેના માતાપિતા ગુમાવ્યા. એક વ્યક્તિ તેના જીવનમાં આવી, તમે જાણો છો તેણે શું કર્યું, તે એક મોટા આઘાતમાંથી બહાર આવી છે. તેણીએ ઇસ્લામ સ્વીકાર્યો, ઉમરાહ કરી, ફાતિમા નામ રાખ્યું, માશાઅલ્લાહ આ તો બહુ મોટી વાત છે.’

 

View this post on Instagram

 

A post shared by Dodi Khan (@dodi_khan)

ડોડી ખાન રાખી સાવંત સાથે લગ્ન કેમ ન કરી શકે?

પાકિસ્તાની અભિનેતા ડોડીએ રાખી સાવંત સાથે લગ્ન ન કરવાનું કારણ આપતાં આગળ કહ્યું, ‘મને સારું લાગ્યું અને મેં પ્રપોઝ કર્યું, પરંતુ મને લાગે છે કે લોકો આ સમજી શકતા નથી કારણ કે મને મળેલા સંદેશાઓ અને વીડિયો હું સહન કરી શકતો નથી. તો રાખી જી, તમે મારા ખૂબ સારા મિત્ર છો, ખૂબ જ પ્રિય મિત્ર છો અને હંમેશા રહેશો. તું ભલે ડોડી ખાનની દુલ્હન ન બની શકે, પણ તું ચોક્કસ પાકિસ્તાનની વહુ બનીશ, આ મારું તને વચન છે. હું તારા લગ્ન કરાવીશ, હું તારા લગ્ન પાકિસ્તાનમાં કરાવીશ. હું મારા પોતાના ભાઈઓમાંથી એકની સાથે કરાવીશ.’ રાખી સાવંતે આ વીડિયો પર ટિપ્પણી કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

આર્થિક સર્વેમાં સાત ટકાથી ઓછા GDP ગ્રોથનો અંદાજની શક્યતા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટથી પહેલાં સંસદનાં બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરશે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનારા આર્થિક સર્વે 2025-26માં ભારતનો GDP ગ્રોથ સાત ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને બહારના પડકારોને કારણે આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ ધીમો પડવાની સંભાવના છે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર GDP ગ્રોથમાં સંભવિત ઘટાડાનિં એક મુખ્ય કરાણ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારો હોવાની શક્યતા છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રસારને કારણે નોકરીઓ પર અસર પડવાની પણ આશંકા છે. જેનાથી ભારતના શ્રમ બજારની નવી વ્યૂહરચના પર અસર પડવાની શક્યતા છે.

આર્થિક સર્વેમાં ભારતની નિકાસમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી GDP ગ્રોથ પર દબાણ આવી શકે છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ચીનમાં વધુ નિર્ભરતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે એવી શક્યતા છે. સરકાર આ દિશામાં આત્મનિર્ભર ભારત પહેલને વધુ મજબૂત કરવા પર ભાર આપી શકે છે.

આર્થિક બાબતોના વિભાગ હેઠળ કાર્યરત આર્થિક વિભાગ દર વર્ષે દેશની આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ સમગ્ર પ્રક્રિયાના વડા દેશના મુખ્ય આર્થિક સલાહકાર છે. નાણાં મંત્રી સવારે સંસદમાં તેને રજૂ કરે છે અને સંસદમાં રજૂ થઈ ગયા બાદ કેટલાક સમય બાદ મુખ્ય આર્થિક સલાહકાર પ્રેસ સમક્ષ તેની સામગ્રી રજૂ કરે છે. મોટા ભાગે આર્થિક સર્વે રજૂ કર્યાના દિવસની સાંજે યોજવામાં આવતી હોય છે. આ વર્ષે આ જવાબદારી મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન ઉપર રહેશે.