Home Blog Page 1198

‘વિશ્વ કેન્સર દિવસ’ જાગૃતિ અને એકતાથી આ રોગને આપો પરાજય

કેન્સર નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિમાં ડર જોવા મળે છે. વિશ્વમાં કેન્સર એ એક ગંભીર આરોગ્ય ચિંતાનો વિષય છે. આ રોગના વધતા કેસ અને એની જટિલતાના કારણે લોકોમાં એનો ભય છે. જો કે ઘણા કેન્સર એવા પણ હોય છે, જેમાં દર્દી પુનઃ સ્વસ્થ જીવન જીવી શકે છે. પરંતુ એના માટે કેન્સર પ્રત્યેની જાગૃતિ જરૂરી છે. માટે જ 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પ્રમાણે 2021માં કેન્સરથી અંદાજે 90 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આ રોગ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે કેન્સરના કેસોમાં 77 ટકાનો વધારો થવાની સંભાવના છે.આ પરિસ્થિતીને ધ્યામાં રાખીને લોકોમાં કેન્સરની જાણકારી અને જાગૃતિ લાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.

ત્યારે જાણીએ વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ, કેન્સરના લક્ષણો, આ ખતરનાક રોગથી બચવાના ઉપાયો અને અન્ય ઘણું બધુ.

 

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ

વિશ્વ આરોગ્ય સંસ્થાની પહેલ પર 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં, પેરિસમાં કેન્સર સામે વિશ્વ સમિટમાં આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ  2000માં વિશ્વ કેન્સર સંઘ (UICC) દ્વારા 4 ફેબ્રુઆરીએ વિશિષ્ટ રીતે વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. દર વર્ષે કેન્સર ડે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025-2027ની થીમ ‘યુનિક દ્વારા યુનાઇટેડ’ , એટલે કે લોકોની સંભાળના કેન્દ્રમાં અને એમની વાતને વાતચીતના કેન્દ્રમાં રાખે છે. દર વર્ષે આ રોગ લાખો લોકોને ભોગ બનાવે છે. આવી સ્થિતિમાં એના લક્ષણોને સમયસર ઓળખીને જીવ બચાવી શકાય છે.

કેન્સરના પ્રકાર

કેન્સરના પ્રકારની વાત કરીએ તો એ કોઈ એક ચોક્કસ પ્રકારનો રોગ નથી. કેન્સરમાં પણ જુદા-જુદા અનેક પ્રકાર છે. એટલું જ નહીં દરેક પ્રકારના સ્નાયુઓના કોષોની  અનિયંત્રિત રીતે વૃદ્ધિથી થાય છે. વધારે જોવા મળતા હોય એવા કેન્સરમાં સ્તન કેન્સર, લંગ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લિમ્ફોમા, સ્કિન કેન્સર, બ્રેઈન કેન્સર, કિડની કેન્સર, બ્લેન્ડર (મૂત્રાશય)નું કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર આ ઉપરાંત પણ મેલાનોમા, ઓવરિયન, એસ્કોફેઘીયલ, લારિંજિયલ અને ઓરલ કેન્સર જેવા બીજા પ્રકારના કેન્સર પણ છે, જે આરોગ્ય માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે.

મહિલાઓમાં આ કેન્સર વધારે જોવા મળે છે

બ્રેસ્ટ કેન્સરઃ શહેરી મહિલાઓમાં આ કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ગ્રામીણ મહિલાઓમાં આ બીજું સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. આજકાલ નાની ઉંમરમાં જ બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ સામે આવવા લાગ્યાં છે. આ બ્રેસ્ટમાં અસામાન્ય રૂપથી કોશિકાઓના ફેરફાર અને વૃદ્ધિ થવાથી થાય છે, તેમજ કોશિકાઓ મળીને ટ્યૂમર બનાવે છે. લક્ષણોની વાત કરીએ તો દૂધ જેવો પદાર્થ અથવા લોહી આવવું, બ્રેસ્ટની સ્કિન પર નારંગી રંગના સ્પોટ દેખાવા. કોઈ ગાંઠ, આકારમાં ફેરફાર.

ગર્ભાશયનું કેન્સરઃ આ કેન્સરને સર્વાઇકલ કેન્સર પણ કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર સર્વાઇકલ રિસર્ચ મુજબ સર્વાઇકલ કેન્સરથી ભારતમાં દર વર્ષે લગભગ 50 હજારથી વધારે મહિલાઓનું મૃત્યુ થાય છે. આ હ્યૂમન પેપિલોમા નામના વાયરસથી થાય છે, જે યૌન સંબંધથી ફેલાય છે. આ કેન્સર ગર્ભાશય ગ્રીવાથી શરૂ થાય છે, જે ગર્ભાશયનો સૌથી નીચેનો ભાગ હોય છે. અહીંથી આ કેન્સર ધીમે-ધીમે શરીરના અન્ય ભાગમાં ફેલાય છે. લક્ષણોમાં રજોનિવૃતિ પછી બ્લીડિંગ થવું, સામાન્ય કરતા વધુ બ્લીડિંગ થવું, અસામાન્ય ડિસ્ચાર્જ ચેતવણીના સંકેત છે.

કોલોરેક્ટલ કેન્સરઃ મહિલાઓમાં આ ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. આ મોટા આંતરડાને પ્રભાવિત કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની શરૂઆત કોશિકાઓના નોન કેન્સરસ ટ્યૂમરના રૂપમાં થાય છે, જેને નજરઅંદાજ કરવામાં આવે તો આ કેન્સર બની શકે છે. આ કેન્સરના લક્ષણની વાત કરીએ તો ડાયરિયા અથવા કબજિયાત સહિત પેટ સંબંધિત પરેશાની, 4 વીક કરતા વધુ સમય સુધી મળમાં ફેરફાર, મળદ્વારથી લોહી આવવું, પેટમાં દુઃખાવો રહેવો, વજન ઘટવું અને નબળાઇ તથા થાક લાગવો.

ઓવેરિયન કેન્સરઃ ઓવેરિયન કેન્સર 30થી 65 વર્ષની ઉંમરની મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેમના પરિવારમાં પેટ,  ઓવેરિયન, બ્રેસ્ટ અથવા ગર્ભાશયના કેન્સરનો કોઈ ઇતિહાસ રહ્યો છે તેમને આ કેન્સરનો જોખમ વધી જાય છે. લક્ષણની વાત કરીએ તો પેલ્વિક અથવા પેટના નીચેના ભાગમાં દુઃખાવો, અપચો, વારંવાર યૂરિન આવવું, ભૂખ ન લાગવી, પેટમાં સોજા આવવા અથવા પેટ ફૂલવું.

યોનિ અને વલ્વર કેન્સરઃ માત્ર મહિલાઓમાં થતું આ દુર્લભ કેન્સર છે. જે યોનિ અને વલ્વા (બાહ્ય અંગો) પર અસર કરે છે. મુખ્ય કારણની વાત કરીએ તો HPV સંક્રમણ અને લાંબા ગાળાના સ્કિન ઇન્ફેક્શન હોઈ શકે.

બાળકોમાં જોવા મળે છે આ કેન્સર

ભારતમાં દર વર્ષે લગભગ 60 હજાર બાળકોને કેન્સર થાય છે. જે દેશમાં વયસ્ક કેન્સર દર્દીઓની સંખ્યાના અંદાજે પાંચ ટકા જેટલું છે, જ્યારે વિકસિત દેશોમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ એકથી બે ટકા છે. જો યોગ્ય સમય પર નિદાન અને સારી સારવાર મળે તો બાળકોમાં થતા કેન્સરના 80 ટકા કેસો સંપૂર્ણ રીતે મટાડવામાં આવે છે.

બ્લડ કેન્સર એ બાળકોમાં સૌથી સામાન્ય કેન્સર છે. તેમાં મુખ્ય પ્રકારે અક્યૂટ લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયા (ALL) અને અક્યૂટ લિમ્ફોઇડ લ્યુકેમિયા  છે. લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયાની 90 ટકા સુધીની સારવાર શક્ય છે, જ્યારે લિમ્ફોઇડ લ્યુકેમિયા આ દર 40થી 50 ટકા સુધીનો છે. રેટિનોબ્લાસ્ટોમાં કેન્સર આંખમાં થાય છે અને એ નવજાત શિશુમાં એક મહિનાની ઉંમરે શરૂ થાય છે. ધીમે ધીમે કેન્સર આંખોને ખરાબ કરીને મગજ સુધી પહોંચે છે. તત્કાલ નિદાન કરીને આંખોને બચાવી શકાય છે. શરૂઆતના લક્ષણોને કેટ આઈ રિફ્લેક્સ કહેવામા આવે છે, જેમાં શિશુની આંખ અંધારામાં સફેદ દેખાય છે. બાળકોના મગજમાં ટ્યુમર પણ થઈ શકે છે. અથવા મગજના અલગ અલગ પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. ન્યૂરોબ્લાસ્ટોમા એડ્રીનલ ગ્લેન્ડમાં થતું એક પ્રકારનું ટ્યુમર છે. ઓસ્ટિયોસરકોમા અને ઈવિંગ્સ સરકોમા હાડકામાં થતું કેન્સર છે.  આ ઉપરાંતવિલ્મ્સ ટ્યુમર નામનું કેન્સર બાળકોની કિડનીમાં થાય છે. જો કે સમયસર ઉપચારથી આ કેન્સરનું નિદાન થઈ શકે છે.

પુરુષોમાં થતા મુખ્ય કેન્સર

પ્રોસ્ટેટ કેન્સરઃ પુરુષોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર છે. આ પ્રોસ્ટેટ નામના અંગમાં થતું કેન્સર છે. પ્રોસ્ટેટ એ એક નાની ગ્રંથિ છે જે પુરુષોના શરીરમાં સ્થિત છે. શુક્રાણુ આ ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રોસ્ટેટમાં કેન્સરને કારણે, આ અંગ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને તે ખૂબ જ ગંભીર સ્થિતિ બની જાય છે. લક્ષણની વાત કરીએ તો પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો, વારંવાર પેશાબ કરવો અને રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે, પેશાબમાં લોહી, પેશાબ કરતી વખતે સંપૂર્ણપણે પેશાબ પસાર કરવામાં અસમર્થતા, અચાનક પેશાબને નિયંત્રિત કરવામાં અસમર્થતા.

ફેફસા(લંગ) કેન્સરઃ લોકો આ કેન્સરને ટીબી સાથે પણ જોડી દે છે, કારણ કે દર્દીને ઉધરસની વધુ ફરિયાદ રહે છે. ફેફસાંનું કેન્સર એ દુનિયામાં જોવા મળતાં કેન્સરમાં મોખરે છે. બહારના દેશોમાં કેન્સરથી થતા મૃત્યુનું સૌથી મોટું કારણ ફેફસાંનુ કેન્સર છે. આ કેન્સરના લક્ષણોમાં લાંબા સમયની ખાંસી જે મટે નહીં અને વધતી જાય, છાતીમાં દુખાવો, ગળફામાં લોહી આવવું, શ્વાસમાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર થવો,ભૂખ ન લાગવી, થાક લાગવો, વજન ઘટતું જોવા મળે છે.

લિમ્ફોમાં કેન્સરઃ એ લિમ્ફેટિક સિસ્ટમમાં થતું  કેન્સર છે, જે લિમ્ફ નોડ્સ (લિમ્ફ ગ્રંથિ) અને લિમ્ફોસાઇટ્સ (લિમ્ફ લોહીના કોષો) પર અસર કરે છે. લિમ્ફ સિસ્ટમ એ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે અને શરીરમાંથી વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. લિમ્ફોમા બે પ્રકારના હોય છે, એક હોજકિન લિમ્ફોમા અને બીજુ છે નોન હોજકિન લિમ્ફોમા. લિમ્ફોમાના લક્ષણની વાત કરીએ તો  લસિકાગ્રંથિની ગાંઠો મુખ્ય લક્ષણ છે. જેમાં ગરદન, બગલ અથવા પેઢાની આજુબાજુમાં ગાંઠો થવી. આ ઉપરાંત ઉધરસ આવવી, હાંફ ચઢવી, તાવ આવવો, રાત્રે ખૂબ પરસેવો વળવો, પેટમાં દુખાવો થવો, થાક લાગવો, વજનમાં ઘટાડો થવો, ખંજવાળ આવવી. જો કે, આમાંનાં ઘણાં લક્ષણો અન્ય બીમારીઓની ચેતવણીનાં ચિહ્નનો પણ હોઈ શકે છે. લિમ્ફોમા છે કે નહીં એની ખાતરી કરવા કેન્સરના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

હોઠ, જડબા અને મોંનું કેન્સરઃ હોઠ અને જડબાનું કેન્સર 90 ટકા તમાકુનું સેવન કરનારા લોકોમાં જોવા મળે છે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ (કોઈ પણ સ્વરૂપમાં) અને દારૂ  છે. આ કેન્સર મોંની અંદર ગાલ, જીભ, જીભની નીચે, તાળવું જેવી અલગ અલગ જગ્યાએ થઈ શકે છે. અહીં અલ્સર અથવા ફોલ્લો બને છે અને તે દવાઓ લીધા પછી પણ ઠીક થતો નથી. જો  જીભ કપાઈ ગઈ હોય અથવા મોઢાનો કોઈ ભાગ દાંતથી કપાઈ જાય અને દવા લીધા પછી પણ તે ત્રણ અઠવાડિયાં સુધી ઠીક ન થાય તો તે ચિંતાનું કારણ બની જાય છે. ક્યારેક દાંત ઢીલા થઈને તૂટી જાય તો ત્યાં ઘાવ થઈ શકે છે.  મોંમાં કોઈ ગ્રોથ જોવા મળે તો એ જરૂરી નથી કે તે કૅન્સર જ હોય, પરંતુ તેની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત, જો ઘણી વખત મોં ખોલવામાં તકલીફ થતી હોય તો તે પણ આ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

હેતલ રાવ

૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫

ઝઘડાનું મૂળ હાંસી

દીતી અને કશ્યપ ઋષિનો પુત્ર મયદાનવ પાંડવોના અહેસાન હેઠળ હતો. એકવાર મય દાનવ હસ્તિનાપુર નજીક ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યુ, ભસ્મ કરવા માંડ્યુ ત્યારે અર્જુને મય દાનવ અને તેના પરિવારની રક્ષા કરી. ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ  ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન શ્રીકૃષ્ણએ તેને અભય વરદાન આપ્યું અને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. મય દાનવે ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો જે બાંધવા મયને 14 મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ 8000 અસૂરોની સેના પણ આપી. ઉપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ અને ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યા. મયાસૂરે નિર્માણ કરેલો વિશાળ અને સુંદર એવો બેજોડ મહેલ મયસભા તરીકે વિખ્યાત થયો.

મય દાનવ આભાસી સ્થાપત્ય રચવામાં નિષ્ણાત હતો, એણે અર્જુન તેમજ પાંડવોના ઉપકાર હેઠળ એક અદ્ભુત માયાનગરીનું સર્જન કર્યું હતું. મોટા મોટા કાચનાં પડદાં બનાવ્યાં હતાં અને પાણીનાં મોટા કુંડ જેની સપાટી જમીન જેવી લાગે એવું સર્જન કર્યું. ભલાભલાને જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવી છેતરામણી પરિસ્થિતિ આ માયાનગરીની રચનામાં એણે ઊભી કરી હતી. પોતાની આ સિદ્ધિથી દુર્યોધન અને કૌરવોને ઇર્ષાની આગમાં બાળવા માટે પાંડવોએ ત્યાં રાજસૂય યજ્ઞ યોજ્યો.

યજ્ઞ પત્યા બાદ યુધિષ્ઠિરના આગ્રહથી થોડા દિવસો રોકાયેલા દુર્યોધન એન્ડ કંપની કોઈની પણ દોરવણી વગર અહીં ફરવા નીકળ્યો. તેણે કાચનો પડદો ન જોયો અને અથડાઇ ગયો. તેનાથી અનુભવાયેલ ભોઠપ પછી હોય તેમ તે પાણીના પુલમાં પડ્યો, એમ વિચારીને કે તે જમીન છે. બરાબર તે સમયે દ્રૌપદી ત્યાંથી પસાર થઈ રહી હતી. નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ પણ ઉપસ્થિત હતા. પોતાની આ નાલેશી બદલ તેમને ખડખડાટ હસતા જોઈ યુધિષ્ઠિરે તેમની સામે કરડાકીથી જોયું. દ્રૌપદીને આથી વધુ હસવું આવ્યું અને એણે વ્યંગ કર્યો, ‘આંધળાનાં આંધળાં – એક અંધના પુત્ર પાસે બીજી કઈ અપેક્ષા રાખી શકાય.’

દ્રૌપદીની આ મજાકે દુર્યોધનના મનમાં ઇર્ષ્યાનાં મૂળિયાં વધુ ઊંડા નાખી દીધાં. મહાભારતનાં બીજ રોપાવાની આ શરૂઆત હતી.

વહીવટ, વ્યવહાર અથવા મેનેજમેન્ટની દૃષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ એક કહેવત, ‘રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી’ યાદ રાખો. તમારા પ્રતિસ્પર્ધી સાથે પણ એ ઝંખવાઈ જાય અને અપમાનિત થાય તે રીતની મજાક ના કરો. રાજનીતિ, કૂટનીતિ અને વ્યવસ્થાપન કે વહીવટમાં ભાષાની ગરિમા તેમજ શાલીનતા ખૂબ જ અગત્યના છે. આ વાત હંમેશાં ખ્યાલ રાખો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 02/02/2025

BCCI Awards: સચિન તેંડુલકરને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, બુમરાહ અને મંધાના શ્રેષ્ઠ ક્રિકેટર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને બીસીસીઆઈ દ્વારા વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટના આ બે સ્ટાર્સને 2023-24 સીઝનમાં મુંબઈમાં આયોજિત BCCIના વાર્ષિક ‘નમન એવોર્ડ્સ’માં વર્ષના સૌથી મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બે ઉપરાંત, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને BCCI દ્વારા ભારતીય ક્રિકેટનો સૌથી મોટો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર સુપરસ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષની જેમ, BCCI એ ફરી એકવાર શનિવાર, 1 ફેબ્રુઆરીના રોજ દેશના શ્રેષ્ઠ ક્રિકેટરોનું સન્માન કર્યું. મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં આયોજિત આ પુરસ્કારોમાં, ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટોચના ખેલાડીઓનું જ સન્માન કરવામાં આવ્યું ન હતું, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં પોતાની છાપ છોડનારા ખેલાડીઓને પણ વિશેષ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. પરંતુ મોટાભાગની નજર વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરો પર હતી અને આ બુમરાહ અને મંધાના પર ગઈ.

બુમરાહ-મંધાના શ્રેષ્ઠ ક્રિકેટર 

2007 માં, BCCI એ વર્ષના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરને સન્માનિત કરવા માટે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ પોલી ઉમરીગરના નામે આ એવોર્ડની સ્થાપના કરી. પહેલો પોલી ઉમરીગર એવોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, જસપ્રીત બુમરાહને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બુમરાહને 2023-24 સીઝનમાં ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ટેસ્ટ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડ મળ્યો હતો. બુમરાહે બીજી વખત આ ટ્રોફી જીતી છે. આ પહેલા તેમને 2018-19 સીઝન માટે પણ આ એવોર્ડ મળ્યો હતો.

તે જ સમયે, વર્ષની શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ઉપ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને આપવામાં આવ્યો. મંધાનાએ તેના કરિયરમાં ચોથી વખત આ એવોર્ડ જીત્યો છે. અગાઉ, તેણે 2017-18માં અને પછી 2020-21 અને 2021-22 સીઝનમાં પણ આ એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત, T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને BCCI ના પ્રાયોજક ડ્રીમ11 દ્વારા ‘વ્યક્તિગત રિંગ’ આપવામાં આવી હતી. જોકે, આ દરમિયાન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ હાજર નહોતા.

સચિન અને અશ્વિન માટે પણ આદર

એ જ રીતે, દર વર્ષના પુરસ્કારોની જેમ, આ વખતે પણ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કર્નલ સીકે ​​નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે સચિનને ​​આ ખાસ એવોર્ડ આપ્યો હતો. આ દરમિયાન સચિને પોતાના લાંબા કરિયર સાથે જોડાયેલી ઘણી યાદગાર વાતો પણ કહી અને વર્તમાન ક્રિકેટરો તેમજ આવનારી પેઢીને કેટલાક ખાસ સંદેશા પણ આપ્યા. તે જ સમયે, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બ્રિસ્બેન ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર અનુભવી સ્પિન-ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને પણ ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Union Budget 2025: આદિત્ય બિરલા ગ્રુપ અને ગિફ્ટી સિટીના MDની પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર આદિત્ય બિરલા ગ્રુપ, MP ફાઇનાન્સિયલ ગ્રુપ અને ગિફ્ટ સિટીના MDનું શું કહેવું છે?

બાલાસુબ્રમણ્યમ, MD અને CEO, આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ.કેન્દ્રીય બજેટ 2025 વપરાશ-આધારિત વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે. વ્યાજ દરમાં ઘટાડાથી મૂડી ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિસ્તરણ અને રોજગારમાં વધારો થશે. આ બધાથી અનિશ્ચિત વૈશ્વિક ક્રમમાં આર્થિક અને બજાર ભાવનાઓમાં સુધારો થવો જોઈએ અને રોકાણકારોનો વિશ્વાસ વધવો જોઈએ. ટૂંકા ગાળાની બજાર અસ્થિરતા હોવા છતાં, મજબૂત મૂળભૂત બાબતો ભારતને લાંબા ગાળાના રોકાણકારો માટે આશાસ્પદ તક બનાવે છે.

મિહિર પરીખ, એમપી ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્થાપક અને CEO“નાણામંત્રીએ મધ્યમ વર્ગની વાત સાંભળી છે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરીને નોંધપાત્ર નાણાકીય રાહત આપી છે. જેનાથી માત્ર સ્થાનિક માંગમાં જ વધારો નહીં થાય પરંતુ રોકાણમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે જ  બજેટમાં રાજકોષીય ખાધ GDPના 4.4% પર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે રાજકોષીય સમજદારી દર્શાવે છે. વીમામાં FDI મર્યાદા 100% સુધી વધારવાથી ગ્લોબલ પ્લેયર્સ આકર્ષિત થશે. જેનાથી વધુ સ્પર્ધા, વધુ સારી પ્રોડક્ટ અને નાગરિકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો થશે. બજેટમાં પર્યટનને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ, મુસાફરી અને કનેક્ટિવિટીમાં સુધારો અને ચોક્કસ જૂથો માટે વિઝા-ફી માફી સાથે સુવ્યવસ્થિત ઇ-વિઝા સુવિધાઓ રજૂ કરવથી સ્થાનિક પર્યટનના વિકાસમાં સારા સંકેત મળે છે.”

તપન રે, MD અને ગ્રુપ CEO, ગિફ્ટ સિટી, ગાંધીનગરકેન્દ્રિય બજેટ 2025 ગિફ્ટ સિટી આઈ.એફ.એસ.સી.ને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથીદર્શાવે છે. સૂચિત કરવેરામાં પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. આ પગલાંથીગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળસ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતનાવિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Union Budget 2025: હિંદુજા ગ્રુપ અને NK પ્રોટિન્સની બજેટ પર પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર રેમન્ડ ગ્રુપ, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને વેદાંતા ગ્રુપનું  શું કહેવું છે?

ક્ષિતિજ પટેલ, મેનેજિંગ પાર્ટનર, મનુભાઈ અને શાહ LLP“આ બજેટ લાંબા ગાળા માટે અનેક ફાયદાઓ આપી શકે છે. કર માળખાને સરળ બનાવીને,  બોજ ઘટાડીને અને TDS/TCS ધોરણોને સુવ્યવસ્થિત કરીને, સરકારે ભારતમાં વ્યવસાય કરવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. આ સુધારાઓ સ્થાનિક અને વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપશે. 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો નહીં રાખીને, આવકવેરા સ્લેબનું તર્કસંગતકરણ એ ખૂબ જ રાહ આપનારું અને આવકારદાયક છે. જો કે, આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આવતા અઠવાડિયે લાવવામાં આવનારા નવા આવકવેરા બિલમાં શું હશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સરળ KYC ધોરણો અને ક્રેડિટ સપોર્ટ મૂડીની સરળતા સુનિશ્ચિત કરશે, વ્યવસાયોને સમૃદ્ધ આર્થિક વાતાવરણમાં વિકાસ અને નવીનતા માટે સશક્ત બનાવશે. એકંદરે, બજેટ આર્થિક વિકાસનો મજબૂત પાયો નાખે છે.”

પ્રિયમ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, એન. કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિ.નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલસીડ્સ દ્વારા ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના નિરંતર પ્રયાસો ભારતની આયાત પરની નિર્ભરતાને ઘટાડવા માટે એક મહત્વનું પગલું છે. તેનાથી ખેડૂતોને વધુ સારા બિયારણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ધિરાણની સવલત મળશે. વધુ ઊંચી ઉપજ આપતા બિયારણો પરનું નેશનલ મિશન ઉત્પાદકતા વધારીને તથા આબોહવા સ્થિતિસ્થાપકતા દ્વારા આ વિઝનને પૂરક બનાવે છે. સરકારના આ પ્રયાસો ખાદ્ય તેલની કિંમતોને સ્થિર બનાવવાની મદદરૂપ બનશે તથા સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપશે. મધ્યમ વર્ગ માટે વધુ કરવેરા રાહતોથી માગને પ્રોત્સાહન મળશે, જેનાથી કૃષિ તથા ફૂડ ઇન્ડસ્ટ્રી બંનેને લાભ થશે. આ બજેટ સમગ્ર વેલ્યુ ચેઇનમાં મજબૂત વૃદ્ધિને વેગ આપશે.

જી. પી. હિંદુજા, ચેરમેન, હિંદુજા ગ્રુપવપરાશમાં વધારો કરવા અને તેના પગલે માંગને પુનઃજીવિત કરવા માટે એક દાયકા પછી મધ્યમ વર્ગને મહત્વપૂર્ણ કરવેરા રાહતો મળી છે ત્યારે આ પગલાં સાથે નાણાંપ્રધાને બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. 4.4 ટકાની નાણાંકીય ખાધનો લક્ષ્યાંક રાખીને નાણાંકીય રીતે જવાબદાર રહીને તેમણે આ પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. માનવ-કેન્દ્રિત ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી રોજગારી ઊભી થશે. વીમામાં 100 ટકાના સીધા વિદેશી રોકાણની મર્યાદા અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સહિત રિન્યૂએબલ્સ પર વિશેષ ધ્યાન સ્પષ્ટપણે હકારાત્મક છે. કરવેરા નીચા રાખીને મૂડી ખર્ચનું સ્તર જાળવી રાખવું મોટી બાબત છે પરંતુ તેના વિશે વધુ વિગતો મળે તે જરૂરી છે. આ બધા પગલાં સાથે સરકાર 2047 સુધીમાં વિકસિત ભારત પર સ્પષ્ટપણે ધ્યાન આપી રહી છે.

દિનેશ ઠક્કર,ચેરમેન, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ“બજેટ માર્કેટ અપેક્ષાઓનું પાલન કરવામાં સફળ રહ્યું છે. તેણે કન્ઝમ્પ્શન અને કેપેક્સ પર ફોકસ જાળવી રાખ્યું છે. મૂડી ખર્ચમાં રિવાઈવલથી અર્થતંત્રને મજબૂતી મળશે. ઈન્કમ ટેક્સમાં રાહતથી ખર્ચયોગ્ય ક્ષમતા વધશે. એગ્રીકલ્ચર માટેની યોજનાઓ તથા ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના પગલાઓની પણ અમે સરાહના કરીએ છીએ. વિવિધ નાણાકિય સ્કિમ્સની રચનાથી ઈનોવેશન, જોબ ક્રિએશન અને સમાવેશિક ગ્રોથને વેગ મળે તેવી અપેક્ષા છે.”

Union Budget 2025: આર્થિક સ્થિરતા અને વિકાસ માટે સંતુલિત દૃષ્ટિકોણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મનું બીજું બજેટ 1લી ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરી દીધું છે. આ સાથે નિર્મલા સિતારમણે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ બનાવી લીધી છે. આ બજેટમાં કેટલાક સેક્ટરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા સાહસિકોને માટે સરકાર સરળ લોન આપવાની પણ વાત કરવામાં આવી છે. બજેટ રજૂ થયાની સાથે અલગ અલગ સેક્ટરના લોકોએ બજેટને ખુલ્લા મનથી આવકાર્યું છે. ત્યારે બજેટ 2025 પર શું કહે છે આ સેક્ટરના લોકો આવો જાણીએ…

સંદીપ એન્જીનીયર, પ્રમુખ GCCI

બજેટ 2025-26 ખરેખર આવકાર દાયક છે. ભારતીય અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેથી આશાસ્પદ ભવિષ્યનો માર્ગ મોકળો થયો છે. આ બજેટમાં વધુ પડતા કમ્પ્લાયન્સનો બોજો ઘટાડવાની પહેલની કરવામાં આવી છે. જે ઉદ્યોગો અને વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનવા, તેનો ખર્ચ ઘટાડવા અને નવી વૃદ્ધિની તકો ઉભી કરવામાં મદદ કરશે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટે સ્પષ્ટ માર્ગ દર્શાવે છે, જેમાં ઔદ્યોગિક વિકાસ, સામાજિક કલ્યાણ અને માળખાગત વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. MSME માટે ક્રેડિટ ગેરંટી કવર ₹10 કરોડ સુધી વધારાયું  છે, જ્યારે નિકાસ પ્રોત્સાહન મિશન અને BharatTradeNet ડિજિટલ પ્લેટફોર્મ ગ્લોબલ વેપાર સરળ બનાવશે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ELS કપાસ ઉછેરને પ્રોત્સાહન અને શટલ-લેસ લૂમ્સ આયાત જકાત મુક્તિનો નિર્ણય લેવાયો છે. રમકડાં મેન્યુફેક્ચરિંગ માટે નેશનલ એક્શન પ્લાન ભારતને વૈશ્વિક હબ બનાવવા મદદ કરશે. મહિલા ઉદ્યોગકારો માટે ₹2 કરોડ સુધીની ટર્મ લોન યોજના, વૃદ્ધ નાગરિકો માટે કર રાહત, અને GIG કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના પણ બજેટના મુખ્ય હાઇલાઇટ્સ છે.

મયુરભાઈ આડેસરા, પ્રમુખ, જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન, રાજકોટ

જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન આમ તો ઘણી આશા આ બજેટથી બંધાય હતી. પરંતુ બજેટમાં અમારા માટે ખાસ રાહત આપવામાં આવી નથી. સુવર્ણ ઉદ્યોગકારો દ્વારા લાંબા સમયથી ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. અત્યારે સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6% છે, જે ઘટાડીને 3% કરવાની માગ હતી. પરંતુ આ બજેટમાં પણ આશા પૂર્ણ થઈ નથી. અમારી માંગ હતી કે, સોનાની આયાત ગાંધીનગર ગિફ્ટ સિટી દ્વારા કરવામાં આવે તો આ ક્ષેત્ર ઓર્ગેનાઇઝડ બની શકે છે. તેમજ હાલ સોના ચાંદીના ભાવ આસમાને હોવાથી તેમાં ઇએમઆઈની છૂટ આપવી જરૂરી છે. આમ તો આ વખતનું બજેટ સારું છે. બજેટ સામાન્ય વ્યક્તિ સહિત નવા સાહસિકોને માટે સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

અશ્વિનભાઈ ઠક્કર, ચેરમેન, ટેક્ષટાઇલ એસોસિએશન, અમદાવાદ

બજેટ 2025 ટેક્ષટાઈલ  ઈન્ડસ્ટ્રી માટે તો સારુ રહ્યું છે. પાછલા ઘણા વર્ષોથી કપાસના પાકમાં દેશમાં વર્લ્ડની સરખામણી ઘણો પાછળ છે. કપાસના પાકને વધારવા માટે પાંચ વર્ષની યોજના અમલમાં મુકવામાં આવી છે. ઓછો પાક મળવાથી ખેડૂતોને પણ નુકસાન સહન કરવું પડતું હતું, જે હવે નહીં કરવું પડે. ટેકનિકલ ટેક્ષટાઈલ ઈમર્જિંગ માર્કેટ છે. બજેટમાં ટેકનિકલ ટેક્ષટાઈલની મશીનરી પરની આયતા ડ્યુટી હટાવી દેવામાં આવી છે. જેનાથી આ ઉદ્યોગ પણ વેગવંતો બની શકે. આ ઉપરાંત વિદેશથી આવતા હલકી ગુણવત્તાના માલ પરની આયાત ડ્યૂટી વધારી દેવામાં આવી છે. જેનાથી બે ફાયદા થશે એક તો, ઓછી ગુણવત્તા ધરાવતો માલ હવે ભારતમાં ઓછો આવશે અને બીજો કે સ્વદેશી ઉત્પાદકો તે ઉદ્યોગને લાભ વધે.

નૈનેષ પચ્ચીગરે, પ્રમુખ, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન

2025ના કેન્દ્રીય બજેટમાં જ્વેલરી ઉદ્યોગ માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ઉદ્યોગની સ્થિરતા જાળવી રાખવા સાથે, વેપાર સરળ બનાવવો અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે. બજેટમાં 2025માં TCSમાં બાદ બાકી આપવામાં આવી છે. જેમાં ₹50 લાખથી વધુના ચોક્કસ માલ પર TCS (Tax Collected at Source) ની બાદબાકી, જેનાથી વ્યવસાય કરવા સરળ બને અને રોકાણકારોને રાહત મળે. હા એ વાત છે, કે સોનાની આયાત જકાત 6% યથાવત્ રાખવામાં આવી છે. કેમ કે, બજારની સ્થિરતા જાળવી રાખવા માટે અને વૈશ્વિક સોનાના વધતા ભાવ ($2,800/oz)ના કારણે કોઈ વિક્ષેપ ન આવે તે માટે આયાત જકાતમાં કોઈ ફેરફાર નથી. સરકારે સોના અને ચાંદી માટે નવી ટેરિફ લાઇન રજૂ કરી છે, જે વ્યવસાયિક વર્ગીકરણ અને મોનિટરિંગ માટે વધુ સારું રહેશે. જોકે, ઉદ્યોગ પર તેની સંપૂર્ણ અસર જોવાની હજુ બાકી છે. પ્લેટિનમ તારણો પરની ડ્યુટી 25% થી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડશે અને વૈશ્વિક સ્તરે ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારે.

Union Budget 2025: રેમન્ડ ગ્રુપ, NDDB અને વેદાંતા ગ્રુપની બજેટ પર પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર રેમન્ડ ગ્રુપ, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને વેદાંતા ગ્રુપનું  શું કહેવું છે?

ગૌતમ સિંઘાનિયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રેમન્ડ ગ્રુપ“12 લાખ રૂપિયા સુધીના આવકવેરામાં મુક્તિ આપવાનો નિર્ણય એક ગેમ-ચેન્જિંગ સુધારો છે, જે ભારતના મધ્યમ વર્ગને ખર્ચપાત્ર આવક વધારીને પ્રોત્સાહન આપે છે. આનાથી ઘરગથ્થુ ખર્ચમાં વધારો થવાની અપેક્ષા છે, જે રિટેલ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો માટે એક આવશ્યક વૃદ્ધિ એન્જિન. કેન્દ્રીય બજેટ 2025-26 આ સુધારા પર નિર્માણ કરે છે જેમાં ઉત્પાદન, MSME અને સ્થાનિક વપરાશને મજબૂત બનાવવા માટે લક્ષિત પગલાં લેવામાં આવ્યા છે. મધ્યમ વર્ગ હવે સ્થાનિક વપરાશનો લગભગ 60% હિસ્સો ચલાવી રહ્યો છે, વધતી ખરીદ શક્તિ મહત્વાકાંક્ષી અને પ્રીમિયમ ઉત્પાદનોની માંગને વેગ આપવાની શક્યતા છે. આ સર્વાંગી વ્યૂહરચના ગ્રાહક ખર્ચ, ઔદ્યોગિક વિકાસ અને કાર્યબળ સશક્તિકરણ વચ્ચે મજબૂત સમન્વય બનાવીને અર્થતંત્રને સતત વિસ્તરણ માટે સ્થાન આપે છે.”

મીનેશ શાહ, ચેરમેન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડકેન્દ્રીય બજેટ 2025-26 આપણા ગ્રામીણ પરિવારોના જીવનમાં વિકાસ અને સમૃદ્ધિને વેગ આપવા માટે કૃષિ, ડેરી અને સંલગ્ન ક્ષેત્રના મહત્વને વધુ મજબૂત બનાવે છે. ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખરેખર પ્રશંસનીય છે. સંશોધિત વ્યાજ સહાય યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવી એ એક સ્વાગતપાત્ર પગલું છે કારણ કે તે ડેરી ખેડૂતોને વધુ નાણાકીય સુગમતા પ્રદાન કરશે, જે સમયસર ધિરાણની સુલભતા સુનિશ્ચિત કરશે. સરકારે ફરી એકવાર સહકારી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે જે NCDC ને ધિરાણ કામગીરી માટે ટેકો આપશે જે સહકારી સંસ્થાઓ માટે નાણાકીય સુલભતામાં સુધારો કરશે, તેમની વૃદ્ધિ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપશે. ડેરી ક્ષેત્ર સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનાના અમલીકરણ માટે પણ આતુર છે, જેમાં દૂધ બાળકો અને મહિલાઓ માટે પોષણ સુરક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત, 5 લાખ મહિલાઓ, SC અને ST ખેડૂતો ધરાવતા ઉદ્યોગ સાહસિકો માટે એક નવી યોજના વધુને વધુ મહિલા ડેરી ખેડૂતોને ડેરી ઉદ્યોગ અપનાવવા અને ડેરી ઉદ્યોગમાં મહિલાઓથી મહિલાઓની આગેવાની હેઠળના ડેરી ઉદ્યોગમાં સંક્રમણ કરવામાં મદદ કરશે. આ બજેટ ખરેખર ખેડૂતો માટે નાણાકીય સહાય, સંસ્થાકીય ભાગીદારી અને સારી કિંમત પ્રાપ્તિને પ્રોત્સાહન આપીને ડેરી અને સંલગ્ન ક્ષેત્રની ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે, જેનાથી લાંબા ગાળાની ગ્રામીણ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

કમલ સિંગલ, MD અને CEO, અરવિંદ સ્માર્ટસ્પેસિસ લિમિટેડ“કેન્દ્રીય બજેટ 2025-26 શહેરી પરિવર્તન માટે મજબૂત પાયો નાખે છે, જેમાં 1.1 લાખ કરોડ રૂપિયા અર્બન ચેલેન્જ ફંડ શહેરના પુનર્વિકાસ, માળખાગત સુવિધાઓના અપગ્રેડ અને ટકાઉ વિકાસને આગળ ધપાવશે. SWAMI યોજના અને SWAMI ફંડ 2 દ્વારા હાઉસિંગ માટે સતત સમર્થન પ્રોજેક્ટ પૂર્ણતાને વેગ આપશે અને ઘર ખરીદનારાઓનો વિશ્વાસ વધારશે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP), સંપત્તિ મુદ્રીકરણ અને વ્યવસાય કરવાની સરળતા પર ભાર મૂકવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવી તકો ખુલશે. અરવિંદ સ્માર્ટસ્પેસિસ ખાતે, અમે આ પહેલોનું સ્વાગત કરીએ છીએ, જે ભવિષ્ય માટે તૈયાર શહેરી સમુદાયોના નિર્માણના અમારા વિઝન સાથે સુસંગત છે. આ બજેટ વધુ ગતિશીલ અને સ્થિતિસ્થાપક રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ માટે માર્ગ મોકળો કરે છે.”

 અનિલ અગ્રવાલ, ચેરમેન, વેદાંતા લિમિટેડ
“આ બજેટે યોગ્ય દિશામાં પગલાં ભર્યાં છે, જેમાં મધ્યમ વર્ગને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. 12 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે. આ મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રૂ. 24 લાખ સુધીની આવક ઉપર પણ કરબોજમાં ઘણાં અંશે ઘટાડો કરાયો છે. આપણે વિશ્વ-સ્તરીય કર પ્રણાલી તરફ નિર્ણાયક પગલું ભર્યું છે. જે સરળ, પારદર્શક અને કરદાતાઓ માટે મૈત્રીપૂર્ણ હશે. માઇનિંગની સાથે-સાથે કૃષિ પણ પ્રાથમિકતા છે, જેમાં ખાદ્ય તેલ જેવાં ક્ષેત્રોમાં આત્મ-નિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય વિશેષ છે. હું પ્રધાનમંત્રી અને નાણા મંત્રીને એક દૂરંદેશી બજેટ માટે અભિનંદન આપું છું જેમણે મજબૂત વપરાશ વૃદ્ધિ અને ઝડપી રોકાણની સંપૂર્ણ જુગલબંધીને પ્રોત્સાહન આપ્યું છે – જે #ViksitBharat ની ચાવી છે.”

બજેટ 2025ઃઆર્થિક સુધારાઓ અને વિકાસની નવી દિશા

કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ એમનું આઠમું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ છે. જેમાં GYAN (ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ) પર વધુ ફોક્સ રાખવામાં આવ્યું છે. જો કે આ બજેથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. આ વર્ષે બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ સ્લેબમાં થોડી રાહત આપવામાં આવી છે. ત્યારે બજેટ રજૂ થયાની સાથે વ્યાપાર જગત સાથે જોડાયેલા અલગ અલગ લોકો બજેટને આવકીરા પોતાની પ્રતિક્રિયા આપી. આવો જાણીએ…

સંજય સિંગલ, સીઈઓ, વાઘ બકરી ટી ગ્રુપ

“નાણામંત્રીએ રાજકોષીય સમજદારી અને આર્થિક પ્રોત્સાહન વચ્ચે સારું સંતુલન સ્થાપિત કર્યું છે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારવાથી લોકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. આ પગલાથી FMCG અને વિવિધ ક્ષેત્રોમાં માંગ વધશે અને ભારતીય અર્થતંત્રને વેગ મળશે તેવી અપેક્ષા છે. બજેટમાં કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોની કમાણી વધારવા માટે કૃષિ ઉત્પાદન, પાક વૈવિધ્યકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા છે. MSMEને ટેકો આપવા, નિકાસ વધારવા અને બોજ ઘટાડીને સરળ વ્યવસાય માટે જાહેર કરાયેલા અનેક પગલાં ‘મેક ઇન ઇન્ડિયા’ને આગળ વધારવામાં મદદ કરશે.

મંજુલા પૂજા શ્રોફ, કેલોરેક્સના સ્થાપક અને સીઈઓ

“નાણામંત્રીએ શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય પર ખૂબ ભાર મૂક્યો છે. પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IISc માં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપની જાહેરાત કરી, જેમાં નાણાકીય સહાય વધારવામાં આવશે, તેનાથી નવીનતાને વેગ મળશે. IIT અને મેડિકલ કોલેજોની ક્ષમતા વિસ્તરણ, શિક્ષણ માટે AI માં શ્રેષ્ઠતા કેન્દ્ર અને કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના એ સમયની જરૂરિયાત છે. પાંચ વર્ષમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના યુવા મનમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદ કરશે.”

મેહુલ સવાણી, ફાઉન્ડર, ગ્લેમ9, બ્યુટી ટેક સ્ટાર્ટ અપ

“બજેટમાં ઈનોવેશન અને ફાઈનાન્સિયલ સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપે છે. સ્ટાર્ટ-અપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરને રૂ. 10 કરોડ પરથી બમણું કરી રૂ. 20 કરોડ કરવામાં આવતાં મહત્વના સેક્ટર્સમાં સ્ટાર્ટ-અપ્સ માટે મૂડીપ્રાપ્તિમાં વૃદ્ધિ કરશે. ફંડ ઓફ ફંડ્સને વધારી રૂ. 10,000 કરોડનું કરાતાં તથા ડેડિકેટેડ ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ્સ માટે ઉદ્દીપક બની રહેશે. ઉપરાંત, પછાત સમુદાયો માટે ફર્સ્ટ-ટાઈમ સાહસિકોને સપોર્ટ કરતી યોજના સમાવેષી ગ્રોથની દિશામાં મહત્વનું પગલું છે. સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની જાહેરાત જીજ્ઞાસા અને ઈનોવેશનને વેગ આપશે. સમગ્રતયા, આ બજેટ વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે ભારતની પોઝીશનને મજબૂત બનાવે છે અને સાહસિકોને ઈનોવેશન માટે સક્ષમ બનાવે છે.”

સાક્ષી ગુપ્તા, મુખ્ય અર્થશાસ્ત્રી, HDFC બેન્ક 

મિડલ ક્લાસની માંગને માન આપીને આ બજેટમાં ટેક્સ ડિડક્સન એટ સોર્સની મર્યાદામાં ફેરફાર કરવાની સાથે પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબને ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રાહકોની માગમાં વધારો થવાની તથા વધેલી મોંઘવારીને ઘટાડવા અને ઘટેલી આવકને કારણે પડકારોનો સામનો કરી રહેલા મિડલ ક્લાસની બચતમાં વધારો થવાની સંભાવના છે. સામાન્ય માણસને આપવામાં આવેલી રાહતોથી વિશેષ આ બજેટમાં ‘લાઇટ ટચ’ રેગ્લુલેટરી એપ્રોચ મારફતે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને સુધારવા પર આપવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષની રાજકોષીય વ્યૂહરચના કૃષિ, એમએસએમઈ, નિકાસને પ્રોત્સાહન આપવા તથા આગળ જતાં ભારતની ક્ષમતાનિર્માણ કરવામાં ખાનગી ક્ષેત્રની સહભાગીતાને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. બજેટ દ્વારા પૂરાં પાડવામાં આવેલા કાઉન્ટર-સાઇક્લિકલ પૂશને ફિસ્કલ કોન્સોલિડેશનની વ્યાપક વ્યૂહરચનાની અંદર જ રાખવામાં આવ્યું છે અને વર્ષ 2025-2026માં રાજકોષીય ખાધનું લક્ષ્ય 4.4% રાખવામાં આવ્યું છે. આવકવેરામાં ફેરફારને કારણે છોડવામાં આવેલી આવક છતાં વર્ષ 2025-2026માં ખર્ચમાં ઘટાડો કરીને ફિસ્કલ કોન્સોલિડેશન હાંસલ કરવામાં આવ્યું છે. આજે બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે તે વર્ષ 2025-2026માં જીડીપી 6.6%ના દરે વૃદ્ધિ પામશે તેવી આપણી અપેક્ષાને બળ આપે છે.