Home Blog Page 1100

કેસર કેરીનું ગોંડલના APMC ફ્રૂટ માર્કેટમાં આગમન

અમદાવાદઃ કેસર કેરીની પહેલી હરાજી ગોંડલની APMC ફ્રૂટ માર્કેટમાં થઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે. શરૂઆતમાં તો કેરીનો ભાવ આસમાને જ છે.ગોંડલ APMC ફ્રૂટ માર્કેટિંગ જૂના યાર્ડમાં ગીર કોઠારિયા અને વીજપરી ગામના ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોનાં 22 બોક્સની આવક છે. યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી, જેમાં 10 કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂ. 3100 તથા નીચો ભાવ રૂ. 2500 બોલાયો હતો. કેસર કેરીના ભાવ સારો મળતા બાગાયતી ખેતી કરતા અને એક વર્ષ આંબાનું જતન કરી કેરીઓની આવક મેળવતા ખેડૂતોને આનંદ થયો હતો.

આ સાથે બજારમાં બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500 બોલાયો છે. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નિતલી તથા ગીર ગઢડા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ ઉનાળાની સીઝનમાં કેસર કેરીનુ ઉત્પાદન થયું છે. ગીર ગઢડાના નિતલી અને ગીર કોઠારિયા ગામના તેમ જ સાવરકુંડલા ગામના વીજપરી ગામના ખેડૂત કેસર કેરીના લગભગ 20 બોક્સ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી પહોચ્યા હતા. ભાવનગરના ખેડૂતો પણ ગોંડલ APMCમાં આવ્યા હતા.

 

ગરમીનો પ્રકોપ શરૂ, તાપમાનનો પારો 40 ડિગ્રીને, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનો તાપ વરતાવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. ત્રણ જિલ્લામાં ગરીમીનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 5 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધવા સાથે 9 થી 11 માર્ચ દરમિયાન દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના આંકડા મુજબ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તરપૂર્વના પવનોને કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે મહત્તમની સાથે સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાશે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2થી 2.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે, ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શું જયશંકરના ઇશારે લલિત મોદી ના ઘરના કે ના ઘાટના રહ્યા

નવી દિલ્હીઃ  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના ભાગેડુ આરોપી લલિત મોદીને મોટો આંચકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આ સ્થિતિમાં લલિત મોદી ‘ના ઘરના રહ્યા, ના ઘાટના’ જેવો ઘાટ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયે કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વનુઆતુના PMએ તેના નાગરિકતા પંચને તેનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે વનુઆતુએ આ પગલું આપમેળે લીધું છે કે ભારતના હસ્તક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી 1980માં જ સ્વતંત્રતા મળી. હાલમાં 83  નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસતિ ફક્ત ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.

વનુઆતુ મિડિયામાં એવા અહેવાલ છે કે ભારતના દબાણ બાદ જ સ્થાનિક વહીવટી તંત્રે લલિત મોદી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુ ઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે મોટી ભૂમિકા ભજવી હતી. વનુઆતુને પહેલા લલિત મોદીના રેકોર્ડની જાણ નહોતી. તેના ભાગેડુ હોવાની માહિતી મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતની જીત બાદ ઉજવણીનો માહોલ, હોળી પહેલા દિવાળી જેવી રોનક

અમદાવાદ: ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાં ક્રિકેટ ચાહકોમાં આનંદની લહેર છવાઈ હતી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ભારતની જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી જોવા મળી. અમદાવાદમાં સહિત ગુજરાત અને દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના સિંધુ ભવન રોડ અને મણિનગરમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરીને ઉત્સવ મનાવ્યો હતો. તિરંગા અને ઈન્ડિયા ઈન્ડિયાના નારાથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું હતું. ટ્રાફિક જામ થઈ જવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકો પરિવાર અને મિત્રોને સાથે રાખી ઘરોમાંથી બહાર નીકળ્યા, ટ્રાફિકમાં ઘૂંસી ગયા અને ભારતીય ટીમ માટે જુસ્સાભેર નારા લગાવ્યા. જમ્મુ, ઈન્દોર અને મુંબઈથી પણ ઉજવણીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્માએ 83 બોલમાં 76 રન ફટકાર્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. બોલિંગમાં કુલદિપ યાદવે 2 વિકેટ ઝડપી, જેમાં રચીન રવિન્દ્ર (37) અને કેન વિલિયમસન (11)ની કિંમતી વિકેટો સામેલ હતી. વરૂણ ચક્રવર્તિએ 2 વિકેટ ઝડપી અને રવીન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં ફક્ત 30 રન આપીને 1 વિકેટ ઝડપી, જે જીત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. શમી થોડો ખર્ચાળ સાબિત થયો, તેણે 9 ઓવરમાં 74 રન આપીને 1 વિકેટ મેળવી હતી. ભારતની આ જીતે ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રીજી વખત વિજેતા બનેલી ભારતીય ટીમે એકમાત્ર દેશ તરીકે આ ખિતાબ ત્રણ વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

IIFA Awards: કાર્તિક આર્યને જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

રવિવારે રાત્રે IIFA એવોર્ડ્સ 2025 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. રવિવારે જયપુરમાં એક ભવ્ય સમારોહમાં IIFA એવોર્ડ્સની રજત જયંતિ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ સામેલ થયા હતાં. કરીના કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા.


શનિવારે ડિજિટલ એવોર્ડ્સ પછી રવિવારે ફિલ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં ‘લાપતા લેડીઝ’ સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું. કિરણ રાવની ફિલ્મે 10 એવોર્ડ જીત્યા. કાર્તિક આર્યન પણ મોટી જીત મેળવી જ્યારે ‘કિલ’ એ પણ અનેક ટ્રોફી જીતી. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ શૈતાન ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. નીચે વિજેતાઓની સંપૂર્ણ યાદી છે, જ્યાં તમે જોઈ શકો છો કે કોને કયો એવોર્ડ મળ્યો.

વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (પુરુષ) – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3)

શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (સ્ત્રી) – નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ દિગ્દર્શન – કિરણ રાવ (લાપતા લેડીઝ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ – રાઘવ જુયાલ (કિલ)
શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (સ્ત્રી) – જાનકી બોડીવાલા (શૈતાન)
શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (પુરુષ) – રવિ કિશન (લાપતા લેડીઝ)
લોકપ્રિય શ્રેણી (મૂળ)માં શ્રેષ્ઠ વાર્તા – બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ વાર્તા (અનુકૂલિત) – શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ)
શ્રેષ્ઠ દિગ્દર્શન ડેબ્યુ- કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
શ્રેષ્ઠ ડેબ્યુ એક્ટર(પુરુષ) – લક્ષ્ય લાલવાણી (કિલ)
શ્રેષ્ઠ ડેબ્યુ એક્ટર(સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – રામ સંપથ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ગીત – પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ગાયક (પુરુષ) – જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370 સે દુઆ)
શ્રેષ્ઠ ગાયિકા (સ્ત્રી) – શ્રેયા ઘોષાલ (ભૂલ ભુલૈયા 3 માંથી અમી જે તોમર 3.0)
શ્રેષ્ઠ સંગીત ડિઝાઇન – સુભાષ સાહુ, બોલોય કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
શ્રેષ્ઠ પટકથા – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સંવાદ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – રફી મહેમૂદ (કિલ)
શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન – બોસ્કો-સીઝર (બેડ ન્યૂઝમાંથી તૌબા તૌબા)
શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ – રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલ ભુલૈયા ૩)
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ – રાકેશ રોશન

IIFA 2025 8 માર્ચે જયપુરમાં શરૂ થયો હતો અને 9 માર્ચે સમાપ્ત થયો હતો. કરીના કપૂર ખાને એવોર્ડ સમારોહમાં પરફોર્મ કર્યું. તેમણે તેમના દાદા, ફિલ્મ નિર્માતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કાર્તિક આર્યન પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. શાહિદ કપૂર સાથે કરીના કપૂરનો ક્યૂટ પળ પણ વાયરલ થયો. બંનેને સાથે જોઈને ચાહકોને ‘જબ વી મેટ’ ના જૂના દિવસો યાદ આવી ગયા.

છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનાં ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

ED સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ દરમિયાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું નામ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ખેતરના વચ્ચે પણ ઘણી તેમની તસીવરો સામે આવી છે. જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયાં હતાં. તેમની પત્ની ખ્યાતિ પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

ED આ મામલે પહેલાથી જ ઘણી મોટી કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉ, મે 2024માં તપાસ એજન્સીએ ભૂતપૂર્વ IAS અનિલ તુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની 205.49 કરોડ રૂપિયાની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.

 

અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના, પેન્સિલવેનિયાના લેન્કેસ્ટર કાઉન્ટીમાં પ્લેન ક્રેશ થયું

અમેરિકા: ફરી એક વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વખતે અકસ્માત પેન્સિલવેનિયામાં થયો. વિમાનમાં 5 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં બધાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, આગની ઝપેટમાં આવવા છતાં, પાંચેય મુસાફરો બચી ગયા, જો કે તેમની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી. વિમાનમાં સવાર બધાને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અનેક વાહનો નાશ પામ્યા હતા, પરંતુ જમીન પર કોઈને ઈજા થઈ ન હતી. આ અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ ફિલાડેલ્ફિયાથી લગભગ 75 માઈલ (120 કિમી) પશ્ચિમમાં મેનહેમ ટાઉનશીપમાં થયો હતો.

મળતી માહિતી મુજબ પેન્સિલવેનિયાના લેન્કેસ્ટર કાઉન્ટીમાં એક રિટાર્યમેન્ટ હોમના પાર્કિંગમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. મેનહાઇમ ટાઉનશીપ ફાયર ચીફ સ્કોટ લિટલે જણાવ્યું હતું કે સિંગલ-એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા વિમાન બપોરે 3:18 વાગ્યે મેનહાઇમ ટાઉનશીપમાં બ્રધરેન વિલેજ રિટાર્યમેન્ટ હોમની મિલકત પર ક્રેશ થયું હતું.

બીક્રાફ્ટ બોનાન્ઝા વિમાને ક્રેશ પહેલા સમસ્યાઓની જાણ કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડિંગમાં પાઇલટે “ખુલ્લો દરવાજો” હોવાનો અને લેન્ડિંગ માટે પાછા ફરવાની વિનંતી કરતો મસેજ રેકોર્ડ કર્યો હતો. કંટ્રોલરે પ્લેનને લેન્ડિંગ માટે મંજૂરી આપી પરંતુ પછી તાત્કાલિક સૂચના આપી, “ઉપર ખેંચો!” થોડીવાર પછી, પ્લેન ક્રેશ થયું. ફ્લાઇટ અવેરના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશ સ્થળની ઉત્તરે લેન્કેસ્ટર એરપોર્ટથી ઉડાન ભરવાનું હતું અને સ્પ્રિંગફીલ્ડ, ઓહિયો જઈ રહ્યું હતું.

સંન્યાસના સવાલ પર રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન…

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના રિટાયરના સવાલ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જેવું ચાલી રહ્યું છે એવું જ ચાલતું રહેશે.

‘કોઈ અફવા ન ફેલાવે…’

કેપ્ટન રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વન-ડે ફોર્મટ પણ છોડવાના નથી. 37 વર્ષના રોહિત શર્માએ મેચ બાદ રિટાયર થવાના સવાલ પર કહ્યું કે, ‘કોઈ ફ્યૂચર પ્લાન નથી. જેવું ચાલી રહ્યું છે ચાલશે. હું આ ફોર્મેટ (વનડે)થી રિટાયર નથી થઈ રહ્યો. કોઈ અફવા ન ફેલાવે.’

ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયા હતા. પોતાની ઈનિંગમાં તેણે કુલ 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા. રોહિતને રચિન રવીન્દ્રએ આઉટ કર્યો. તેમણે રોહિતને વિકેટકીપર ટોમ લેથમના હાથે સ્ટમ્પિંગ આઉટ કરાવ્યો.

રોહિત શર્માએ કેએલ રાહુલ અને પંડ્યાના કર્યા વખાણ

કેપ્ટન રોહિતે ફાઇનલ પછી કહ્યું કે, ‘હું તે તમામનો આભાર માનું છું, જેમણે અહીં અમારું સમર્થન કર્યું. આ અમારું હોમ ગ્રાઉન્ડ નથી, પણ તેમણે તેને અમારું હોમ ગ્રાઉન્ડ બનાવી દીધું. અમને રમતા જોવા અને અમને જીત અપાવવા માટે અહીં આવેલા ચાહકોની સંખ્યા સંતોષકારક હતી. જ્યારે તમે આવી પિચ પર રમી રહ્યા હોઈએ છીએ, ત્યારે ઘણી અપેક્ષાઓ હોય છે. અમે તેમની શક્તિઓને સમજીએ છીએ અને તેનો લાભ લઈએ છીએ.’

રોહિતે કહ્યું, ‘તેનું (કે.એલ. રાહુલ) મન ખૂબ જ મજબૂત છે. તે ક્યારેય પ્રેશરથી ચિંતામાં મૂકાતો નથી. એટલા માટે અમે તેને મિડલ ઓર્ડરમાં રાખવા માંગતા હતા. જ્યારે તે બેટિંગ કરે છે અને સ્થિતિના હિસાબથી યોગ્ય શોટ રમે છે, ત્યારે તે હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપે છે.

રોહિત કહે છે, ‘જ્યારે અમે આવી પીચો પર રમીએ છીએ, ત્યારે અમે ઇચ્છીએ છીએ કે બેટ્સમેન કંઈક અલગ કરે. તેણે (વરુણ ચક્રવર્તીએ) ટૂર્નામેન્ટમાં અમારા માટે શરૂઆત સારી નહોતી કરી, પરંતુ જ્યારે તેઓ ન્યૂઝીલેન્ડ સામે રમ્યાં અને 5 વિકેટ લીધી, ત્યારે અમે તેનો મહત્તમ ઉપયોગ કરવા માંગતા હતા. તેની બોલિંગમાં ઉત્તમ ગુણવત્તા છે. હું ચાહકોનો ખૂબ આભારી છું.

‘આપણે આ રમત જે રીતે રમ્યા…’

રોહિત શર્માએ ફાઇનલમાં પોતાની વિસ્ફોટક બેટિંગ વિશે કહ્યું, ‘ખરેખર સારું લાગે છે. અમે આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખૂબ સારું રમ્યા. અમે આ રમત જે રીતે રમ્યા તેનાથી હું ખૂબ ખુશ છું. તે મારા માટે સ્વાભાવિક નથી, પરંતુ તે કંઈક એવું છે જે હું ખરેખર કરવા માંગતો હતો. જ્યારે તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તમને ટીમના સમર્થનની જરૂર હોય છે અને તેઓ મારી સાથે હતા.

રોહિતે વધુમાં કહ્યું, ‘હું વર્ષોથી અલગ શૈલીમાં રમ્યો છું. હું જોવા માંગતો હતો કે શું આપણે અલગ રીતે રમીને પરિણામો મેળવી શકીએ છીએ. અહીં થોડી ઇનિંગ્સ રમ્યા પછી તમને પિચનો સ્વભાવ સમજાય છે. બેટિંગ કરતી વખતે મારા પગનો ઉપયોગ કરવો એ હું ઘણા સમયથી કરી રહ્યો છું. હું આઉટ પણ થયો છું, પણ હું ક્યારેય તેનાથી દૂર જોવા માગતો નહોતો.’

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો: વિપક્ષે સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ થવાની સંભાવના છે. આ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મતદાર યાદીઓમાં હેરાફેરી, વકફ સુધારા બિલ, સીમાંકન, ત્રણ ભાષા ફોર્મ્યુલા નીતિથી લઈને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ સહિત અનેક મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની શક્યતાઓ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા સંમત થઈ ગયું હોવાનો દાવો કરીને મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષને મોટો મુદ્દો આપી દીધો છે.આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે સંસદની મંજૂરી માટે એક વૈધાનિક પ્રસ્તાવ રજૂ કરી શકે છે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે મણિપુરનું બજેટ પણ રજૂ કરશે. કારણ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ, 13 ફેબ્રુઆરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

બજેટ સત્રના બીજા તબક્કામાં સરકાર ગ્રાન્ટ્સની માગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા, બજેટની પ્રક્રિયા પૂરી કરવા, મણિપુર બજેટ માટે ગ્રાન્ટ્સ મેળવવા અને વકફ સુધારા બિલને પસાર કરવા પર ભાર મૂકશે. જ્યારે વિપક્ષે મતદાર યાદીઓમાં કથિત હેરાફેરી, મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસા અને ટ્રમ્પ તંત્ર દ્વારા ભારત પર દબાણ, સીમાંકન અને ત્રણ ભાષા ફોર્મ્યુલા નીતિ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

વિપક્ષે દાવો કર્યો છે કે તે ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખ કાર્ડ (ઈ.પી.આઈ.સી.)ના નંબરના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરશે. તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તૃણમૂલે વિવાદ ઉઠાવ્યા પછી ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે આગામી ત્રણ મહિનાની અંદર સુધારાત્મક પગલાં લેશે. જોકે, ચૂંટણી પંચે તૃણમૂલના એ દાવાને નકારી કાઢ્યો હતો કે અન્ય રાજ્યોના મતદારોને પશ્ચિમ બંગાળમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે મતદાર યાદીઓમાં હેરાફેરી કરાઈ હતી. મતદાર યાદીઓમાં હેરાફેરીનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે તૃણમૂલે કોંગ્રેસ, ડીએમકે, શિવસેના-યુબીટી સહિત અન્ય વિરોધ પક્ષોને પણ તૈયાર કર્યા છે.સરકારે આ સત્રમાં વકફ સુધારા બિલને પાસ કરાવવાને પ્રાથમિક્તા આપી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, સરકાર વકફ સુધારા બિલને વહેલી તકે રજૂ કરાવવા માગે છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના અનેક મુદ્દાઓનો ઉકેલ આવશે. વકફ સુધારા બિલ મુદ્દે મોદી સરકારને સાથી પક્ષોનો પણ સાથ છે. સંસદની સંયુક્ત સમિતિએ વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે પણ આ બિલ પર પોતાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરી દીધો છે. આ રિપોર્ટ મુજબ કેટલાક સુધારા સાથે વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. હવે આ બિલ સંસદમાં રજૂ કરાશે.

આ સિવાય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર થઈ ગયું હોવાનો દાવો કર્યો છે જ્યારે મોદી સરકારે આ મુદ્દે મૌન સેવ્યું છે, જેના પગલે વિપક્ષે કેન્દ્ર સરકારને ટ્રમ્પના નિવેદન મુદ્દે સંસદને વિશ્વાસમાં લેવા કહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મુદ્દે સરકાર પર સવાલ કર્યો કે શું ટેરિફ ઘટાડીને સરકાર ભારતના ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતો સાથે સમાધાન કરી રહી છે?

અમેરિકામાં મંદીના ભણકારા વિશે ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વર્ષે અમેરિકામાં મંદીની શક્યતાને નકારી ન હતી. 2025માં મંદીની શક્યતા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “મને આવી આગાહી કરવાનું પસંદ નથી. આ સંક્રમણનો સમયગાળો છે કારણ કે અમે જે કરી રહ્યા છીએ તે ખૂબ મોટું છે. અમે અમેરિકામાં પૈસા પાછા લાવી રહ્યા છીએ. તેમાં થોડો સમય લાગે છે.”વૈશ્વિક અર્થતંત્ર અને બજારો પર ગંભીર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. વિશ્લેષકો માને છે કે આ કટોકટી 2007-08ની નાણાકીય કટોકટી અને કોવિડ રોગચાળા પછીનો સૌથી મોટો ઉથલપાથલ સાબિત થઈ શકે છે. એવી આશંકા છે કે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાર્વત્રિક અને પરસ્પરિક ટેરિફના સંભવિત અમલીકરણથી નવા વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ થઈ શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો આપી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીની સૌથી આક્રમક ટેરિફ નીતિઓને કડક બનાવી છે, જેનાથી નાણાકીય બજારોમાં ચિંતા વધી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ ભલે અમેરિકાની આર્થિક તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ તેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. આ (ટેરિફનો ખતરો) હવે માત્ર એક ચેતવણી નથી, પરંતુ તે એક વ્યાપક વેપાર યુદ્ધનું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગે છે. જો કે, તેની અસરનું સંપૂર્ણ ચિત્ર હજુ અસ્પષ્ટ છે, ખાસ કરીને 2 એપ્રિલથી અમલમાં આવનારી પ્રત્યાઘાતી ટેરિફ સાથે. ઉભરતા બજારો, જે પહેલેથી જ ચુસ્ત નાણાકીય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેમને આ સ્થિતિમાં વધુ અસર થઈ શકે છે.વિશ્લેષકો માને છે કે યુએસ માટે ચીન, કેનેડા અને મેક્સિકો દ્વારા લાદવામાં આવેલા વળતી ટેરિફને ટાળવું મુશ્કેલ બનશે. પરિણામે અમેરિકામાં ફુગાવો વધશે અને ફેડરલ રિઝર્વ કડક વલણ અપનાવી શકે છે. અમેરિકન શેરબજારમાં ટૂંક સમયમાં જ તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે, જેની અસર ટ્રમ્પની લોકપ્રિયતા પર પડી શકે છે. બજારમાં અચાનક ઘટાડો અમેરિકામાં આર્થિક મંદીને વધુ ઘેરી બનાવી શકે છે. ટ્રમ્પ સરકારને ટૂંક સમયમાં આ સ્થિતિનો અહેસાસ થશે.