ઝોમેટોએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

નવી દિલ્હીઃ ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરવાવાળી કંપની ઝોમેટોએ એક વર્ષમાં 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ 600થી વધુ કસ્ટમર સપોર્ટ કર્મચારીઓને હાયર કર્યાના એક વર્ષની અંદર જ નોકરીમાં કાઢી મૂક્યા હતા. ફૂડ ડિલિવરી બિઝનેસ ગ્રોથમાં ઘટાડો થતાં કંપનીએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. બીજી બાજુ, ક્વિક કોમર્સ કંપની બ્લિન્કિટને પણ વધતા નુકસાનનો સામનો કરી રહી છે.  કંપનીએ ખર્ચ ઘટાડવા માટે અને ગ્રાહક સપોર્ટ પ્રક્રિયાને ઓટોમેટેડ બનાવવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.

કંપનીના ગુરગાંવ સ્થિત હેડક્વાર્ટરએ અંતર્ગત 1500 કર્મચારીઓને ગ્રાહક સપોર્ટ સિસ્ટમ માટે ભરતી કરી હતી. તેમને વેચાણ, ઓપરેશન, પ્રોગ્રામ મેનેજમેન્ટ, સપોર્ટ, સપ્લાય ચેઈન અને કેટેગરી ટીમમાં ટ્રાન્સફર થવાની તક આપવામાં આવી હતી. તેમ છતાં, મોટા ભાગના કર્મચારીઓના કરારને રિન્યુ નથી કરવામાં આવ્યા.

અહેવાલ મુજબ આ કર્મચારીઓને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે અને તેમને કોઈ નોટિસ પિરિયડ વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

કંપની ZAAP પ્રોગ્રામ હેઠળ ભરતી કરાયેલા મોટા ભાગના કર્મચારીઓને ગયા સપ્તાહમાં કોઈ સ્પષ્ટ માહિતી આપ્યા વિના કાઢી મૂક્યા છે. આ કર્મચારીઓને ગુરગાંવ અને હૈદરાબાદ ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

કર્મચારીઓએ આરોપ મૂક્યો છે કે કંપનીએ Nugget નામનો AI આધારિત ગ્રાહક સપોર્ટ પ્લેટફોર્મ લોંચ કર્યા બાદ કંપનીની ગ્રાહક સપોર્ટ ટીમ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે નોકરીઓ જતી રહી છે. આ પહેલાં કંપનીની છેલ્લી મોટી છટણી ડિસેમ્બર, 2022માં થઈ હતી, ત્યારે કંપનીએ પ્રોડક્ટ, ટેકનોલોજી, કેટલોગ અને માર્કેટિંગ જેવા વિભાગોમાંથી 100 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જે કંપની વર્કફોર્સના લગભગ ચાર ટકા હિસ્સો હતો.