હા, અમે આતંકવાદીઓને પાળીએ-પોષીએ છીએઃ બિલાવલ ભુટ્ટોની કબૂલાત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદીઓ પાળવામાં આવે છે એમ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ સત્તાવાર મોહર મારી છે. ભુટ્ટોએ કહ્યું હતું કે આ મામલે પાકિસ્તાનનો પોતાનો એક ભૂતકાળ રહ્યો છે. પાકિસ્તાનનો ઈતિહાસ આતંકવાદથી ભરેલો રહ્યો છે. પાકિસ્તાનમાં પાળવામાં આવેલા આતંકવાદીઓએ જ મારી માની (બેનઝીર ભુટ્ટો)ની હત્યા કરી હતી. હું પોતે પણ આ આતંકવાદીઓનો શિકાર રહ્યો છું.

સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે મને લાગતું નથી કે આ કોઈ ગુપ્ત બાબત છે કે પાકિસ્તાનનો એક એવો ભૂતકાળ રહ્યો છે. અમે તેની ભારે કિંમંત ચૂકવી છે. અમને અતિરેકવાદની અનેક લહેરોનો સામનો કરવો પડ્યો છે અને એમાંથી અમને ઘણા પાઠ મળ્યા છે. હવે અમે આંતરિક સુધારાઓ કર્યા છે. હવે આ બધું ભૂતકાળ છે અને હવે અમે તેમાં સામેલ નથી.

આ રીતે બિલાવલ ભુટ્ટોએ આતંકવાદ સાથે જોડાયેલા પાકિસ્તાનના ભૂતકાળને સ્વીકારતાં કહ્યું કે પાકિસ્તાનનો એક ભૂતકાળ છે અને દેશે આ માટે ઘણું સહન કર્યું છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકારી લીધું કે પાકિસ્તાને દાયકાઓ સુધી આતંકવાદી સંગઠનોને ટેકો અને ફંડિંગ આપ્યું છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું અમેરિકા માટે ડર્ટી વર્ક (ગંદું કામ) કરવાના નિવેદન પર વિવાદ હજી શમ્યો નહોતો, ત્યાં બિલાવલ ભુટ્ટોએ પણ તેવી જ વાતો પુનરોચ્ચાર કરી સ્વીકારી લીધું છે કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે.