નેત્રદાન જાગૃતિ: અંધત્વનો અહેસાસ કરાવતી રેલી

અમદાવાદ: સમાજમાં નેત્રદાન અંગે જાગૃતિ આવે એ માટે “સક્ષમ” દ્વારા નેત્રદાન પખવાડાની ઉજવણી કરવામાં આવી. સક્ષમ કર્ણાવતી મહાનગરે મોબિલિટી જાગૃતતા લાવવા દ્રષ્ટિહીન તેમજ સામાન્ય વ્યક્તિઓ વચ્ચેના અંતરને પારખવા એક ‘બ્લાઈન્ડ ફોલ રેલી’નુ આયોજન કર્યુ હતું. નેત્રહીન અને નેત્ર સાથે જીવતા લોકોની આ રેલી સાથે જોડાયેલા અલ્પેશ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “આ રેલી નેત્રદાન માટે જાગૃતિ લાવવા કરવામાં આવી હતી. એની વિશેષતા એ છે કે જે જોઈ શકે છે એને આંખે પાટા બાંધીને જ્યારે એ સ્થિતિનો અહેસાસ થાય ત્યારે દ્રષ્ટિ તેજનું મહત્વ સમજાય. આ રેલીમાં થલતેજ મહિલા ITIની 25 જેટલી વિદ્યાર્થિનીઓને આમંત્રિત કરવામાં આવી હતી. એમની આંખો પર પાટા બાંધેલ અને એમને અંધ કન્યા પ્રકાશ ગૃહની 25 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ સંસ્થાનાં કેમ્પસમાં જ દોરીને ચલાવ્યા હતા. મહિલા ITIની દિકરીઓએ ચક્ષુથી દિવ્યાંગ હોવાથી કેટલી મુશ્કેલીઓ પડે છે. એનો અહેસાસ કર્યો હતો. શા માટે નેત્રદાન જરૂરી છે.. એની સમજ સંસ્થાનાં બ્લાઈન્ડ ટીચર દિવ્યાબહેને આપી હતી.” આ કાર્યક્રમનું સંકલન “સક્ષમ” સંસ્થાના સચિવ કૃષ્ણકાંત પટેલ, નિલેશ પંચાલે,અંધ કન્યા પ્રકાશ ગૃહનાં આચાર્ય દિપાલીબેનનાં માર્ગદર્શન મુજબ કર્યુ હતું. “સક્ષમ”નાં ઉપાધ્યક્ષ મફતભાઈ પટેલે દિકરીનું સન્માન કર્યુ હતું.સક્ષમ સંસ્થા સાથે અંધ કન્યા પ્રકાશ ગૃહ અને મહિલા ITIનાં સભ્યો પણ આ રેલીમાં જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)