અમદાવાદ: 10મી સપ્ટેમ્બર એટલે ‘આત્મહત્યા નિવારણ દિવસ’. એક રિપોર્ટ પ્રમાણે પુરુષો જ વધારે આત્મહત્યા કરતા હોય છે. સુંદર જીવનને ટૂંકાવી કોઇ મોતને વ્હાલું ના કરે એ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે જાગૃત્તિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ આખાયમાં 2003થી આ દિવસે આત્મહત્યાના નિવારણ માટે જુદી-જુદી પ્રવૃત્તિઓને શરૂ કરવામાં આવી. જેમાં કાઉન્સિલિંગથી માંડી તમામ પ્રકારની સહાયતા કાર્યક્રમોની શરૂ કરવામાં આવી. આ દિવસે જુદા જુદા શહેરોમાં આત્મહત્યા નિવારવા જાગૃતિના કાર્યક્રમો થાય છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ટાઉન હોલ નજીક, એલિસબ્રિજ ખાતે સમતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંસ્થા સાથે પાંચ વર્ષથી જોડાયેલા નિવૃત જવાન વસંતભાઇ કહે છે હું બી.એસ.એફ.માં હતો. દેશ માટે એક સૈનિક તરીકેની કામગીરી કરી નિવૃત્ત થયો. હવે સમાજમાં જાગૃતિ લાવવા માટે કંઇક કરવું છે. જેથી સમતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જુદી જુદી સામાજિક સમસ્યાઓ પર ધ્યાન આપી એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરું છું. કોઇપણ સમસ્યાનું સમાધાન હોય છે. એથી માણસે ત્વરિત નિર્ણય લઇને આત્મહત્યા કરવી જોઇએ નહી. અમારી સંસ્થાના સભ્યોએ જુદા જુદા રિપોર્ટ ચકાસ્યા, જેમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. જેને અટકાવવા માટેના પ્રયાસો કરવા ખૂબ જ જરૂરી છે. જો એક પુરુષ આત્મહત્યા કરે તો એનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જેથી આત્મહત્યા નિવારવા અમે આ રિપોર્ટ સાથે અમદાવાદના ટાઉનહોલ ખાતે એક જાગૃતિનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં અમને સમાજના દરેક ક્ષેત્રના લોકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો..
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)