વોશિંગ્ટન: સિડનીના બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલા મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં થયેલી સૌથી ભયાનક સામૂહિક ગોળીબારમાંથી એક હતી, જેમાં ઇસ્લામિક આતંકવાદીઓએ 15 લોકોની હત્યા કરી હતી. વ્હાઇટ હાઉસમાં યહૂદી અમેરિકનો માટે યોજાયેલા હનુક્કા ઉત્સવ દરમિયાન ટ્રમ્પે દુનિયાના તમામ દેશોને કટ્ટરપંથી ઇસ્લામ સામે એકસાથે ઉભા રહેવાની અપીલ કરી હતી. આ અવસરે તેમણે યહૂદી સમુદાયને હંમેશાં સમર્થન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?તેમણે કહ્યું હતું હું ઓસ્ટ્રેલિયાના લોકો માટે પ્રેમ અને પ્રાર્થનાઓ પાઠવવા માગું છું, ખાસ કરીને તેઓ માટે જે સિડનીમાં હનુક્કા ઉજવણીમાં થયેલા ભયાનક અને યહૂદીવિરોધી આતંકી હુમલાથી અસરગ્રસ્ત થયા છે. તમામ દેશોએ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદની દુષ્ટ શક્તિઓ સામે એકસાથે ઊભા રહેવું જોઈએ.
સિડનીના બોન્ડી બીચ પર થયો હતો હુમલો
સિડનીના બોન્ડી બીચ પર રવિવારે આ હુમલો થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં યહૂદી લોકો હનુક્કા ઉજવણીમાં સામેલ થયા હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝે પણ આ ઘટનાને યહૂદી વિરોધી આતંકી કૃત્ય ગણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતા. ગોળીબારી કરનારાઓમાં એક પિતા અને તેનો પુત્ર સામેલ હતા.

ઓસ્ટ્રેલિયાના સૌથી લોકપ્રિય દરિયાકાંઠાઓમાંના એક પર થયેલો આ હુમલો યહૂદીવિરોધી ભાવનાને દર્શાવે છે. છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ સામે સતત વિરોધી વલણ જોવા મળી રહ્યું હતું. આ હુમલા અંગે ન્યુ સાઉથ વેલ્સના પોલીસ કમિશનર મેલ લેન્યોએને જણાવ્યું કે એક 50 વર્ષીય બંદૂકધારીને પોલીસે ગોળી મારી હતી. બીજો હુમલાખોર, તેનો 24 વર્ષનો પુત્ર, ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સિડનીના બોન્ડી બીચ પર થયેલા આ આતંકી હુમલામાં મૃત્યુ પામનારાઓની ઉંમર 10થી 87 વર્ષ વચ્ચે હતી. હુમલામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 42 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી ઘણા ગંભીર હાલતમાં છે.


