મહાકુંભ મેળામાં પવિત્ર ડૂબકી લગાવવા માટે ઘણી પ્રખ્યાત હસ્તીઓ પહોંચી રહી છે. 25 અને 26 જાન્યુઆરીના રોજ પવિત્ર શહેર પ્રયાગરાજમાં ગંગા નદીમાં અનેક VIP હસ્તીઓએ ડૂબકી લગાવી હતી, જેમાં દિગ્ગજ બોક્સર મેરી કોમ અને ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનો સમાવેશ થાય છે. ગંગા સ્નાન દરમિયાન મેરી કોમનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તેણીએ માત્ર ડૂબકી લગાવી જ નહીં, પરંતુ મોજાઓ વચ્ચે બોક્સિંગ પંચ મારતા પણ જોવા મળ્યા. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહાકુંભ મેળામાં સ્નાન કરતી વખતે મેરી કોમ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ મહાન બોક્સર, વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા, ગંગાના મોજા વચ્ચે પણ દોડ્તા દેખાયા. તેમજ તેણે બોક્સિંગ મુક્કા ફેંકીને નજીકમાં હાજર લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું. મેરી કોમે આ ખાસ પ્રસંગે કહ્યું કે તે પ્રયાગરાજ આવી છે કારણ કે તે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓનો આદર કરે છે અને આનો અનુભવ પોતે કરવા માંગે છે.
મેરી કોમે મીડિયાને કહ્યું,’મને ખૂબ જ ખુશી છે કે હું આ કુંભ મેળાનો ભાગ બની શકી. વ્યવસ્થા એટલી સારી છે કે મારી પાસે શબ્દો નથી.’ તમને જણાવી દઈએ કે મેરી કોમ ઇતિહાસની પહેલી મહિલા બોક્સર છે જેણે છ વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. પાંચ વખતની એશિયન ચેમ્પિયન દિગ્ગજ બોક્સર 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બોક્સર હતા. આ અનુભવી બોક્સરે લંડન 2012 ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે 18 વર્ષની ઉંમરે પેન્સિલવેનિયાના સ્ક્રેન્ટનમાં યોજાયેલી પ્રથમ વિશ્વ સ્પર્ધામાં દુનિયા સમક્ષ પોતાનો પરિચય કરાવ્યો.
ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પર પોતાની મહાકુંભ યાત્રાની એક નાની ઝલક આપી અને ફોટા પોસ્ટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો. સુરેશ રૈનાએ ‘X’ પરની પોસ્ટમાં લખ્યું, ‘મહાકુંભમાં દર્શનનો અવિસ્મરણીય અનુભવ થયો! દૈવી ઉર્જા અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો. આ પવિત્ર પ્રસંગનો ભાગ બનીને હું પોતાને ધન્ય અનુભવું છું.’