Women T20 World Cup:સેમીફાઈનલની 4 ટીમો નક્કી, કોની વચ્ચે ક્યારે થશે મેચ?

મહિલા T20 વર્લ્ડ કપ 2024(Women T20 World Cup 2024)નો કાફલો તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો છે. 3જીથી શરૂ થયેલા ક્રિકેટના મહાકુંભમાં ચાહકોને ઘણી રોમાંચક મેચો જોવા મળી હતી. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોએ સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ અંતે જીત ચાર ટીમોને મળી હતી, જેમણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ગ્રુપ Aમાંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ ગ્રુપ Bમાંથી ક્વોલિફાઈ કર્યું છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. બીજી સેમીફાઈનલ વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 ઓક્ટોબરે શાહજાહ સ્ટેડિયમમાં રમાશે. આ પછી જે પણ ટીમ સેમિફાઇનલ જીતશે તે ફાઈનલમાં પહોંચશે અને ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે.

સેમી ફાઇનલ શેડ્યૂલ:

17 ઓક્ટોબર, ઓસ્ટ્રેલિયા VS દક્ષિણ આફ્રિકા; દુબઈ

18 ઓક્ટોબર, વેસ્ટ ઈન્ડિઝ VS ન્યુઝીલેન્ડ; શાહજાહ

20 ઓક્ટોબર- ફાઇનલ

ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ તેની તમામ મેચ જીતી હતી. આ સાથે તેણે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ બીજા ક્રમે હતું. જ્યારે ગ્રુપ-બીમાં વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તેમના સિવાય દક્ષિણ આફ્રિકાની ટીમ પણ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

અત્યાર સુધી માત્ર ત્રણ ટીમો જ ટાઈટલ જીતી શકી છે

મહિલા T20 વર્લ્ડ કપની અત્યાર સુધી કુલ 8 એડિશન થઈ છે, જેમાં માત્ર ત્રણ ટીમો જ ટાઈટલ જીતી શકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામેલ છે. ઓસ્ટ્રેલિયન ટીમે સૌથી વધુ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે એક-એક વખત આ ટ્રોફી જીતી છે.

મહિલા T20 વર્લ્ડ કપના તમામ વિજેતાઓની યાદી:

2009: ઈંગ્લેન્ડ
2010: ઓસ્ટ્રેલિયા
2012: ઓસ્ટ્રેલિયા
2014: ઓસ્ટ્રેલિયા
2016: વેસ્ટ ઈન્ડિઝ
2018: ઓસ્ટ્રેલિયા
2020: ઓસ્ટ્રેલિયા
2023: ઓસ્ટ્રેલિયા
2024: ?