મહિલાએ બતાવ્યો વીજ વિના પાણી ઠંડું કરવાનો નુસ્ખો!

‘ગામના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ વાક્ય બોલી રહેલ વીડિયો નિર્માતા ગામની રહેવાસી મહિલા છે. જે ખરેખર બુદ્ધિશાળી અને ચપળ છે. વીડિયો બનાવવાની આધુનિક તકનીકનો ઉપયોગ કરનાર આ મહિલાએ વિડિયોમાં ગામડાંની દેશી તકનીક બતાવી છે. જેમાં રેફ્રિજરેટરના ઉપયોગ વગર પાણી ઠંડું કરવાની કમાલ તરકીબ તેણે બતાવી છે.સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે. જેના ઉપર વિશ્વના દરેક ખૂણેથી લોકો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકાયેલા માહિતીસભર વિડિયો આપણે જોઈ શકીએ છીએ. તેમજ એક્સેસ કરી શકીએ છીએ. આવો જ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં રેફ્રિજરેટર કે અન્ય કોઈપણ વીજ તકનીક વિના પાણી ઠંડું કરવાનો કિમિયો દેખાડવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ વ્યૂઝ સાથેનો આ વાયરલ વીડિયો, લોકપ્રિય વિડિયો નિર્માતા દિવ્યા સિંહા (@divyasinha266) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોતાની સાદગી, સરળતા, કેમેરા સામેની પ્રભાવશાળી પ્રસ્તુતિ અને સામગ્રી માટે તેમના ઈન્સ્ટાગ્રામ અનુયાયીઓમાં ઘણાં લોકપ્રિય છે.

દિવ્યા સિંહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહ્યાં છે કે, ‘આજે તે ગામડાંના ચતુર રહસ્યો રજૂ કરશે’. તેણી આગળ બોલવાનું ચાલુ રાખતાં કહે છે કે, ‘તમારા શહેરોમાં ગરમીના દિવસોમાં રેફ્રિજરેટરમાં ઠંડું કરાયેલું પાણી પીવું સામાન્ય વાત છે. પરંતુ અમારા ગામમાં ફ્રિજ કે કોઈ અન્ય આધુનિક તકનીક વિના દેશી નુસ્ખાથી પાણી ઠંડું કરવામાં આવે છે. આ જ રહસ્ય આજે હું તમારી સામે છતું કરીશ.’

આગળ તેણી એક ઝાડ પર લટકાવેલી ભીના કાપડમાં વિંટાળેલી પ્લાસ્ટીકની પાણીની બોટલ બતાવતાં કહે છે. ‘ફક્ત 10 થી 15 મિનિટમાં આ બોટલનું પાણી આપોઆપ ઠંડું થઈ જશે.’ વધુ સમજાવતાં તે ઉમેરે છે. ‘સામાન્ય પ્લાસ્ટીકની પાણીની બોટલને ભીના કપડામાં વિંટાળીને ઝાડ પર ટિંગાળી દેવામાં આવે તો બોટલ પરનું ભીનું કાપડ હવા તેમજ ઝાડ-પાનના સંપર્કમાં આવતાં ફક્ત 10 થી 15 મિનિટમાં જ બોટલની અંદર રહેલું પાણી રેફ્રિજરેટરમાં ઠંડું થયું હોય તેવું ઠંડું થઈ જાય છે.’

વીડિયો નિર્માતા આગળ બોલે છે, ‘ગામડાંના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ તકનીકનો શ્રેય તેણી પોતાના નાના ભાઈને આપતાં કહે છે કે, ‘આ પાણી ઠંડું કરવાનો નુસ્ખો મારાં નાના ભાઈનો છે. તમે પણ આવો પ્રયોગ કરીને કુદરતી રીતે ઠંડું પાણી મેળવવાનો લાભ લેજો.’

દર્શકો આ વોટર-કૂલિંગ હેકથી પ્રભાવિત થયા અને કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે.
‘સરસ દીદી, તમે ખરેખર મહાન છો, તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ બહુ નિસ્વાર્થરીતે અને પૂરા પ્રેમથી આપો છો. એટલે જ ગામના લોકો અદ્ભુત છે.’

અન્યએ લખ્યું ‘આ એકદમ પ્રાકૃતિક ઉપાય છે.’

બીજા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આવો જ પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું, ‘મારી પાસે જ્યારે ફ્રિજ નહોતું ત્યારે હું પણ આવો જ પ્રયોગ કરીને પાણી ઠંડું કરતો હતો.’

એક પ્રભાવિત દર્શકે લખ્યું, ‘હું ગામડામાં નથી રહેતી, પરંતુ હું ગામડાના વાતાવરણ અને ત્યાંના હૃદયસ્પર્શી લોકોની ખરેખર પ્રશંસા કરું છું.’

https://www.instagram.com/reel/C6nrknUJex9/?utm_source=ig_web_copy_link