શું ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ તણાવ વચ્ચે ભારત આવશે ?

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે બંને દેશોના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા સાચી, મજબૂત અને વિશ્વાસ પર આધારિત છે.

સર્જિયો ગોરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વ્યાપારિક ફાયદા પૂરતા સીમિત નથી, પરંતુ તે લાંબા ગાળાના સહકાર અને પરસ્પર સમજ પર ટકેલા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સચ્ચા મિત્રોમાં મતભેદ થઈ શકે છે, પરંતુ અંતે તે ઉકેલાઈ જ જાય છે.

ટ્રમ્પની ભારત મુલાકાત અંગે તેમણે સંકેત આપતાં જણાવ્યું કે આગામી એક કે બે વર્ષમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવી શકે છે. તેમણે હાસ્યસભર અંદાજમાં કહ્યું કે ટ્રંપ ઘણી વખત રાત્રે 2 વાગ્યે ફોન કરે છે, જે નવી દિલ્હી માટે અનુકૂળ સમય બની જાય છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ એક બેઠક યોજાવાની છે. વેપાર ઉપરાંત સુરક્ષા, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને આતંકવાદ સામે લડત જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધારવામાં આવી રહ્યો છે.

સર્જિયો ગોરે ભારત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે આવતા મહિને ભારતને PaxSilicaમાં પૂર્ણ સભ્યપદ માટે આમંત્રણ મળશે. આ પહેલનો હેતુ સેમિકન્ડક્ટર, AI, ઊર્જા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં સુરક્ષિત સપ્લાય ચેન ઉભી કરવાનો છે.