દલિતોની વાત કરીએ ત્યારે માઈક બંધ થઈ જાય છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ ભાષણની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી તેમનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે માઈક ઠીક કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, લોકો ભલે ઈચ્છે તેટલું મારું માઈક બંધ કરી દે પરંતુ મને બોલાતા રોકી શકશે નહીં.

કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેઓ દલિતોની વાત કરે છે ત્યારે માઈક બંધ થઈ જાય છે. જો સરકાર મારું માઈક બંધ કરશે તો પણ હું બોલીશ. હું મારી વાત લોકો સુધી પહોંચાડીને જ રહીશ. બંધારણ દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે જે રાજ્યમાં અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. સમાજમાં પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ?રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશમાં જેટલી પણ મોટી-મોટી કંપનીઓ છે તેના માલિકો દલિત કે ઓબીસી સમાજના તમને નહીં મળે! હું ગેરંટી સાથે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણનું પુસ્તક વાંચ્યું નથી. આંબેડકરજી, ફુલેજી, ભગવાન બુદ્ધ અને ગાંધીજીની 21મી સદીમાં ભારતની હજારો વર્ષોની વિચારસરણી અને ભારતના સામાજિક સશક્તિકરણનું સત્ય તેમાં હાજર છે. તમે કોઈપણ રાજ્યમાં જાઓ, કેરળમાં નારાયણ ગુરુજી, કર્ણાટકમાં બસવન્નાજી, પૂણેમાં શિવાજી મહારાજ એમ દરેક રાજ્યમાં તમને બે-ત્રણ નામો મળશે જેમના વિચારો તમને પુસ્તકોમાં જોવા મળશે.

રાહુલ ગાંધીએ કહ્યું, ભારતની વસ્તી પર નજર કરીએ તો આખો દેશ જાણે છે કે દેશમાં 15 ટકા દલિત વસ્તી છે. 8 ટકા આદિવાસી છે, લગભગ 15 ટકા લઘુમતી છે. પરંતુ પછાત વર્ગમાંથી કેટલા લોકો છે? કોઈ જાણતું નથી. કેટલાક કહે છે કે દેશમાં પછાત વર્ગ 50 ટકા છે, જ્યારે કેટલાક અલગ અલગ આંકડા આપે છે. જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ આંકડાઓ નોંધાયા છે. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. જો આપણે 50 ટકા પછાત વર્ગો, 15 ટકા દલિત, લગભગ 8 ટકા આદિવાસીઓ અને 15 ટકા લઘુમતીઓનો સમાવેશ કરીએ તો દેશની લગભગ 90 ટકા વસ્તી પછાત વર્ગમાંથી આવે છે.