મુંબઈ: દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ચમકીલા’ નેટફ્લિક્સ પર જોરદાર ચાલી રહી છે. ફિલ્મ બાદ લોકોને લોકપ્રિય પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની રિયલ લાઈફ વિશે વધુ જાણવામાં રસ પડ્યો છે. ચમકીલાના ગીતો જેટલા લોકપ્રિય હતા,એટલા જ તેના પર વિવાદો પણ થયા. તેના ગીતોને ‘અશ્લીલ’ કહેવાતા. સિંગર ચમકિલા વિશે એવી ઘણી બધી રસપ્રદ વાતો છે જે આ અહેવાલમાં આપણે જાણીશું.
પંજાબના મૂળ રોકસ્ટાર કહેવાતા ગાયક અમર સિંહ ચમકીલાનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નહોતું. નાની ઉંમરે ફેમસ બનવું અને પછી દર્દનાક મૃત્યુએ બધાને હચમચાવી દીધા.અમર સિંહ ચમકીલા પંજાબી ગાયક હતા જેમણે માત્ર 20 વર્ષની ઉંમરે પોતાના ગીતોથી હલચલ મચાવી દીધી હતી.ખૂબ જ ઓછા સમયમાં ચમકીલાએ તેના અદ્ભુત ગીતોથી દુનિયાના દિલ જીતી લીધા હતા.અમર સિંહે પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા હતા. અમર સિંહ એક લોક ગાયક હતા.
તેમની ટૂંકી કારકિર્દીમાં, તેમણે એવી પ્રગતિ હાંસલ કરી કે જેને મેળવવા માટે લોકો તેમનું આખું જીવન ખર્ચી નાખે છે. અહીં નોંધવું રહ્યું કે તે સમયે ચમકીલાના ગીતોએ સૌથી વધુ વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના ગીતોને આજે પણ પંજાબમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
27 વર્ષની વયે હત્યા કરવામાં આવી
ચમકીલાનો જન્મ 1960માં પંજાબમાં થયો હતો, પરંતુ તેણે માત્ર 27 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. 8 માર્ચ, 1988ના રોજ અમર સિંહ ચમકીલાની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. અમર સિંહની સાથે તેની પત્ની અમરજોત અને તેના બેન્ડના બે લોકો હતા, જેમની પણ હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચમકીલા પરફોર્મન્સ માટે પંજાબના મહેસમપુર આવી રહ્યા હતા. ત્યાર બાદ તે લગભગ 2 વાગે પોતાની કારમાં બેસીને નીકળ્યા હતા, પરંતુ કારમાંથી બહાર આવતાં જ તેમના પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો અને તેમનું મોત થયું હતું.ચમકીલાની હત્યાના આટલા વર્ષો પછી પણ તેના હત્યારાઓ મળ્યા નથી.
આ ગીતોથી સફળતા મળી
જો કે અમરસિંહ ચમકીલાના તમામ ગીતો પ્રખ્યાત હતા, પરંતુ તેમના સૌથી વધુ હિટ ગીતોમાં ‘લલકરે નાલ’ અને ભક્તિ ગીતો ‘બાબા તેરા નનકાના’ અને ‘તલવાર મેં કલગીધર દી’નો સમાવેશ થાય છે. તેમણે લોકપ્રિય ‘જટ્ટ દી દુશ્મન’ લખ્યુ હતુ, જે ઘણા પંજાબી કલાકારો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. ચમકીલાને તેના પ્રથમ રેકોર્ડેડ ગીત ‘ટાકુ તે તકુઆ’ પછી ઘણી સફળતા મળી. અમરસિંહ જે પોતાની આસપાસ જોતા તેના વિશે ગીતો લખતાં હતાં. તેમના ગીતોમાં પંજાબી પુરૂષની આદતો, નશીલી દવાઓનો દુરુપયોગ, લગ્નોત્તર સંબંધો સહિત અનેક વિષયોની વાત કરવામાં આવતી હતી.