રામ મંદિર પર ધ્વજારોહણ કરતાં PM મોદીએ કહ્યું, સદીઓની વેદના થઈ શાંત

અયોધ્યાઃ અયોધ્યાને દુલ્હનની જેવી સજાવવામાં આવી છે. અયોધ્યાસ્થિત રામ મંદિરના શિખર પર PM મોદી અને RSSપ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો હતો. એ પહેલાં બંનેએ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ વિશેષ ધ્વજને અમદાવાદના શિલ્પકાર ભરત મેવાડે અનેક મહિનાઓની મહેનત અને બારીકીથી તૈયાર કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાએ એક વધુ અધ્યાયને સ્વર્ણિમ અક્ષરોથી લખી દીધો છે. અનેક મહિનાઓની તૈયારી બાદ આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.

 મોદીએ કર્યો ‘રામ રાજ્ય’નો ઉલ્લેખ

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનો ભગવા રંગ અને તેમાં રચિત સૂર્યવંશની ખ્યાતિ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કૃતિનું પ્રતિબિંબ કરે છે. આ ધ્વજ સંકલ્પ, સફળતા અને સદીઓથી સપનાના સાકાર સ્વરૂપનું પ્રતીક છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સદીઓના ઘા હવે ભરી રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિ સુધી પહોંચ્યો છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેના અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, જે યજ્ઞ એક પળ માટે પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ માટે પણ વિશ્વાસમાંથી તૂટ્યો નહીં.

તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્તમ ક્ષણની સાક્ષી બની રહી છે. આજે ભારત, સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.

કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી – મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આજે કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી છે. મંદિર નિર્માણ પૂર્ણ થયું છે.

નવા યુગની શરૂઆત – યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિર પર ધ્વજારોહણ કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે રામભક્તોની તરફથી હું PM મોદીને આભાર માનું છું.

તેમણે કહ્યું હતું કે આ નવા યુગની શરૂઆત છે. PM નરેન્દ્ર મોદીનું ઉત્તરની પ્રજાની તરફથી સ્વાગત અને અભિનંદન કરું છું.આ ધ્વજની લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ અને દંડ 42 ફૂટનો છે. તેને 161 ફૂટ ઊંચા શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્વજ પર ત્રણ વિશેષ ચિહ્નો અંકિત છે — સૂર્ય, ‘ૐ’ અને કોવિદાર. આ ધ્વજને સૂર્ય ભગવાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.

અયોધ્યા બહુ સુંદર લાગી રહી છે – મહિલા શ્રદ્ધાળુ

રામ મંદિર દર્શન માટે અયોધ્યા પહોચેલી એક વૃદ્ધ ભક્તાએ કહ્યું હતું કે હું દર્શન કરવા જઈ રહી છું. આ બંને મને પકડીને ઊભી છે, એ મારી દીકરીઓ છે… અયોધ્યા આજે બહુ સુંદર લાગી રહી છે. હું ભગવાનનાં દર્શન કરવા જઈ રહી છું.