સિંદૂર જ્યારે બારુદ બની જાય તો પરિણામ ભોગવવાં પડેઃ PM મોદી

બિકાનેરઃ PM મોદીએ બિકાનેરમાં રૂ. 26,000 કરોડના પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે એ પછી જાહેર સભા સંબોધિત કરતાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાકિસ્તાનને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું હતું કે આપણે 22 મિનિટમાં આતંકવાદીઓનાં નવ સૌથી મોટાં ઠેકાણાં ખતમ કર્યાં હતાં. વિશ્વ અને દેશના દુશ્મનોએ પણ જોઈ લીધું કે જ્યારે સિંદૂર બારુદ બની જાય તો પરિણામ શું આવે છે. પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર બિકાનેર આવ્યા. જિલ્લા મુખ્યાલયથી 22 કિમી દૂર દેશનોકના પલાણામાં આયોજિત સભામાં મોદીએ લગભગ 40 મિનિટ સુધી ભાષણ આપ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

ભારતીયોના જીવન સાથે રમત રમનારાઓને બિલકુલ બક્ષવામાં આવશે નહીં. ભારત પરમાણુ બોમ્બના ભયથી ડરશે નહીં. જેમણે ભારતનું લોહી વહેવડાવ્યું છે તેમને તેના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે, એમ તેમણે કહ્યું હતું. બિકાનેરના નાલ એરબેઝથી મોદી સીધા કરણી માતા મંદિર ગયા અને પ્રાર્થના કરી હતી. અહીંથી તેઓ જાહેર સભાને સંબોધવા માટે પલાણા ગામ પહોંચ્યા.

તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ અમારી બહેનોનો ધર્મ પૂછીને તેમનો સિંદૂર ઉજાડ્યો હતો. પહેલગામમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી, તે ગોળીઓ 140 કરોડ દેશવાસીઓના હૃદયને વીંધી ગઈ હતી. ત્રણેય દળોને છૂટ આપવામાં આવી હતી અને ત્રણેય દળોએ પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું.

પાંચ વર્ષ પહેલા દેશે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ત્યાર બાદ મારી પહેલી જાહેર સભા રાજસ્થાનમાં યોજાઈ. આ બહાદુર ભૂમિની તપસ્યાને કારણે જ ફરી એક વાર એવો સંયોગ બન્યો છે કે ઓપરેશન સિંદૂર પછી બિકાનેરમાં એક બેઠક યોજાઈ રહી છે.

ઓપરેશન સિંદૂરમાં આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. પ્રથમ, જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ આપવામાં આવશે. સમય અમારા દળો દ્વારા નક્કી કરવામાં આવશે, પદ્ધતિ પણ અમારા દળો દ્વારા નક્કી કરવામાં આવશે અને પદ્ધતિ પણ અમારી હશે. બીજું, ભારત પરમાણુ બોમ્બના ભયથી ડરવાનું નથી. ત્રીજું, અમે આતંકના માસ્ટર્સ અને આતંકને પ્રોત્સાહન આપતી સરકારને અલગથી જોઈશું નહીં. અમે તેમને સમાન ગણીશું.

પાકિસ્તાન ક્યારેય ભારત સામે સીધું યુદ્ધ જીતી શકશે નહીં. એટલા માટે આતંકવાદને ભારત વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાના સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઊભા છે. મોદીનું મન ઠંડું છે, ઠંડું રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં, પણ ગરમ સિંદૂર વહે છે.