બજેટ 2026માં ટેક્સપેયર્સ, મહિલાઓ અને રેલવેને શી અપેક્ષા

નવી દિલ્હીઃ બજેટ 2026માં ટેક્સપેયર્સ, મિડલ ક્લાસ, મહિલાઓ, ખેડૂતો અને રેલવેને બજેટથી શી અપેક્ષાઓ છે, કોને શું મળી શકે—એ અંગેની ચર્ચા તેજ બની ગઈ છે. સમય નજીક આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2026S દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. એ પહેલાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે, જેમાં દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર સામે આવશે અને બજેટમાં શું થઈ શકે તેના સંકેત મળશે.

બજેટ પર દેશની નજર હોય છે. કોર્પોરેટ વર્લ્ડ, શેરબજાર, સામાન્ય જનતા અને ખાસ કરીને ટેક્સપેયર્સને આ દિવસની આતુરતા રહે છે. બજેટ 2025માં સરકારે નવી ટેક્સ રેજિમ હેઠળ 12 લાખ રૂપિયાની આવકને ટેક્સ મુક્ત કરી હતી. આ વખતે પણ અપેક્ષાઓ ઘણી વધારે છે. વિવિધ સેક્ટરો તરફથી સતત માગ આવી રહી છે. એવી આશા છે કે નાણામંત્રી નવી ટેક્સ રેજિમને વધુ આકર્ષક બનાવવા માટે અનેક નવાં એલાન કરે એવી શક્યતા છે.

રેલવેને મોટું બૂસ્ટ આપવાની તૈયારી

રેલવે માટે કુલ ફાળવણીમાં લગભગ 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રેલવે માટે 2.65થી 2.8 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ શક્ય છે. રેલ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે કવચ 4.0 અને 5.0 માટે મોટા પાયે ફંડિંગ થઈ શકે છે. નવી ટ્રેનો, નવા રૂટ્સ અને આધુનિકીકરણ માટે મોટાં એલાન થવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

20 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. સ્માર્ટ ઓપરેશન્સમાં AIનો મોટા પાયે ઉપયોગ, સ્ટેશનોનું અપગ્રેડેશન, સિનિયર સિટિઝન્સ માટેની જૂની છૂટ ફરીથી લાગુ કરવાની મોટી અપેક્ષા છે. હાઇડ્રોજન ટ્રેનોને લઈને પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિલાઓને બજેટમાંથી મળી શકે છે મોટી ગિફ્ટ

ઘણી મહિલાઓ પાસે પોતાનો ક્રેડિટ ઇતિહાસ (Credit History) હોતો નથી. લોન અથવા ક્રેડિટ કાર્ડ માગવામાં આવે ત્યારે બેંકો વિવિધ પ્રકારના દસ્તાવેજો અને સેલરી સ્લિપ માગે છે. જે મહિલાઓ ઘર સંભાળે છે અથવા નાનું-મોટું કામ કરે છે, તેમના માટે આ શરતો પૂરી કરવી મુશ્કેલ બને છે.

બજેટમાં મહિલાઓ માટે ‘કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ’ (Customised Credit Cards) લાવવાની ચર્ચા થઈ રહી છે. આ કાર્ડ્સ માટે નિયમો સરળ હોઈ શકે છે. આ કાર્ડ્સ એવી મહિલાઓને મળશે, જેઓ બેંકિંગ સિસ્ટમમાં બિલકુલ નવી છે અથવા જેમની પાસે પહેલેથી કોઈ ક્રેડિટ સ્કોર નથી, એમ સૂત્રોએ કહ્યું હતું.