સંસદના વિશષ સત્રના બીજા દિવસે કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કર્યુ છે. બિલ રજૂ થતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પાર્ટી માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બનશે જેમાં કોઈ બે મત નથી. પરંતુ હકીકતમાં મહિલા આરક્ષણ બિલની વાત આજકાલની નથી એનો એક ઈતિહાસ છે.
-ભારતમાં સૌ પ્રથમ રાજીવ ગાંધી સરકારે મે 1989માં આ બિલ લોકસભામાં પસાર કરાવેલુ પરંતુ રાજય સભામાં એ પસાર થઈ શક્યુ ન હતું.
-મહિલા આરક્ષણ બિલ 1996થી અટવાયેલું છે. એ સમયે એચ.ડી દેવગૌડા સરકારે 12 સપ્ટેમ્બર 1996ના રોજ સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું. પરંતુ એ પાસ થઈ શક્યુ ન હતુ. આ બિલને 81મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
– મહિલા અનામત બિલમાં સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ છે. આ 33 ટકા અનામતની અંદર, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) માટે પેટા અનામતની જોગવાઈ હતી. પરંતુ અન્ય પછાત વર્ગો માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી.
-આ બિલમાં દરખાસ્ત છે કે લોકસભાની દરેક ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે.
-અટલ બિહારી વાજપેયીની સરકારે ફરી 1998માં લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું. અનેક પક્ષોના સમર્થનથી ચાલી રહેલી વાજપેયી સરકારને આ અંગે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બિલ પાસ થઈ શક્યું નથી. વાજપેયી સરકારે 1999, 2002 અને 2003-2004માં પણ એને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એમાં સફળતા મળી ન હતી.
-ભાજપ સરકારની વિદાય બાદ 2004માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં આવી અને ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. યુપીએ સરકારે આ બિલને 108માં બંધારણીય સુધારા બિલ તરીકે 2008માં રાજ્યસભામાં રજૂ કર્યું હતું. ત્યાં આ બિલ 9 માર્ચ, 2010ના રોજ પ્રચંડ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. ભાજપ, ડાબેરી પક્ષો અને જેડીયુએ બિલને સમર્થન આપ્યું હતું. યુપીએ સરકારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું ન હતું. જેનો વિરોધ કરનારાઓમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ પણ સામેલ હતા.
-2014માં લોકસભાના વિસર્જન બાદ આ બિલ આપોઆપ સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભા કાયમી ગૃહ છે, તેથી આ બિલ હજુ પણ જીવંત છે.
-કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો મહિલા અનામત બિલ પાસ કરવામાં આવશે.
જો કે આજે નરેન્દ્ર મોદી સરકારે નવા સંસદભવનમાં પ્રથમ બિલ તરીકે મહિલા અનામત બિલ રજૂ કરીને રાજકીય રીતે બહુ મોટો નિર્ણય લીધો છે.
-સંસદના બંને ગૃહમાં મોદી સરકાર પાસે પુરતુ સંખ્યાબળ છે અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પણ આ બિલના સમર્થનમાં છે. રાજકીય રીતે વિપક્ષ આ બિલનો વિરોધ કરી શકે એમ નથી એટલે વર્ષોથી અટવાતુ રહેતુ મહિલા અનામત બિલ આ વખતે પસાર થઈ જાય એવી શકયતા છે.
-મોદી સરકારે રજૂ કરેલુ આ બિલ વસ્તી ગણતરી અને ડીલીમીટેશનની પ્રકિયા પુરી થાય પછી અમલમાં આવશે.