અમદાવાદ: લાંબા વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે બપોર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે વધામણાં કર્યા છે. વૈષ્ણોદેવીથી ગોતા, એસ. જી. હાઇવે પર વરસાદી માહોલ જામ્યો છે. ઓગષ્ટ મહિનામાં પણ વરસાદના વિલંબના કારણે લોકોને ગરમી અને બફારો સહન કરવાનો વારો આવ્યો હતો. તો હવે વરસાદ થતા લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે અને હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.