નવી દિલ્હીઃ ઇઝરાયલના સંરક્ષણપ્રધાને હમાસને મોટી ચેતવણી આપતાં સ્પષ્ટ કહ્યું છે કે ગાઝા શહેરને સંપૂર્ણપણે તબાહ કરી નાખવામાં આવશે. જો હમાસે ઇઝરાયલની શરતોને સ્વીકારી નહીં તો ગાઝાને તેની કિંમત ચૂકવવી પડશે.આ પહેલાં વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સૈનિક શક્તિની મદદથી ગાઝા પર કબજો કરાશે. ઇઝરાયલ પહેલેથી જ કહી ચૂક્યું છે કે યુદ્ધવિરામ (Ceasefire) ત્યારે જ થશે જ્યારે તેના બધા બંધકોને હમાસ મુક્ત કરશે.
બીજી તરફ હમાસ પણ વારંવાર કહી રહ્યું છે કે યુદ્ધ ત્યારે જ ખતમ થશે જ્યારે ઇઝરાયલ યુદ્ધવિરામ માટે તૈયાર થશે. હમાસનું કહેવું છે કે ઇઝરાયલના બધા કેદીઓને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે સીઝફાયર લાગુ થશે. એક તરફ હમાસે પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે તો બીજી તરફ ગાઝાને લઈને ઇઝરાયલની વ્યૂહરચના પણ તૈયાર છે.
ઇઝરાયલની જાહેરાત શું છે?
ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે તેઓ ગાઝા સિટી પર કબજો કરશે. આ એ જ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઇન લોકો રહે છે. વડા પ્રધાન નેતાન્યાહુએ કહ્યું હતું કે તેઓ ગાઝા સિટી પર કબજો કરવા પર વિચાર કરી રહ્યા છે, જેથી સુરક્ષા મજબૂત થઈ શકે અને હમાસના આતંકનો અંત લાવી શકાય. નેતાન્યાહુએ એ પણ જણાવ્યું હતું કે તેઓ એક સ્વતંત્ર સરકારને જવાબદારી સોંપશે.
ફક્ત ગાઝા સિટી પર જ કેમ કબજો?
વડા પ્રધાન નેતાન્યાહુ પહેલાં કહેતા હતા કે સમગ્ર ગાઝા પર ઇઝરાયલનો કબજો થશે. પરંતુ હવે જે નવી યોજના સામે આવી છે, તેના મુજબ પ્રથમ પ્રાથમિકતા ફક્ત ગાઝા સિટીને આપવામાં આવી રહી છે. ઇઝરાયલનું કહેવું છે કે હાલમાં તેની પાસે ગાઝાના 75 ટકા ભાગ પર કબજો છે.
