કેરળ: વાયનાડમાં ભૂસ્ખલનના કારણે થયેલા વિનાશથી કાળજું કંપાવી દેનારા દૃશ્યો સર્જ્યા છે. આ આફતના સમયે રિલાયન્સ ફાઉન્ડેશને, વાયનાડના લોકોને મદદ પૂરી પાડવા અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાહત કેમ્પમાં રહેતાં અસરગ્રસ્તોને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે તાત્કાલિક રાહત પૂરી પાડી રહી છે. આ પહેલાં પણ દેશમાં આવેલાં મહાવિનાશક પૂર અને કોવિડ-19 મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને કેરળ રાજ્ય માટે રાહત કામગીરી હાથ ધરી હતી અને તે પછીની સહાય પણ પૂરી પાડી છે.
કેરળની હોનારત અંગે શોક પ્રગટ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, “અમે વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા ભારે નુકસાન તેમજ લોકોની વેદનાથી વ્યથિત છીએ. આ અત્યંત દુઃખની પળોમાં અમારું હૃદય દરેક અસરગ્રસ્ત વ્યક્તિ અને પરિવારની સાથે છે. ઘટનાસ્થળે અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જિલ્લાના લોકો માટે તાત્કાલિક રાહત, પુનઃવસન અને લાંબાગાળાની જરૂરિયાતોને પૂરી કરવા ખડેપગે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે કેરળના લોકોની પડખે છીએ.” વાયનાડમાં રિલાયન્સ ફાઉન્ડેશન લોકોને આહાર, રાશન, રસોડાનાં વાસણો અને પરિવારોને રસોડું ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે સ્ટવ જેવી જરૂરી ચીજો ઉપરાંત રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. વોટર, સેનિટેશન અને હાઇજીન માટેની વસ્તુઓ પૂરી પાડે છે. અસરગ્રસ્તો માટે હંગામી આશ્રયસ્થાનો, પથારી, સૌલાર ફાનસ અને મશાલ, કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડે છે. લોકોને ફરી બેઠાં કરવા માટેની આજીવિકા શરૂ કરવા માટે બિયારણ, ઘાસચારો, કૃષિસાધનો અને આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવવા માટે વ્યાવસાયિક તાલીમ આપે છે. અસરગ્રસ્ત બાળકો માટે શિક્ષણનું સાતત્ય સુનિશ્ચિત કરવા પુસ્તકો અને રમત ગમતની સામગ્રી સહિતની શિક્ષણ સહાય પૂરી પાડે છે. રિલાયન્સ જિયોએ ડેડિકેટેડ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને જિયો ભારત ફોન પૂરા પાડ્યા છે. આઘાત પામેલી વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરી સાજા થવામાં મદદ પૂરી પાડે છે.